મેન્ટલી અપસેટનેસ સાથે જીવતાં અને ચાળીસી વટાવી ચૂકેલાં તે મહિલાને જે કંઈ કહું એ બધામાં તેમનો જવાબ એક કે એ તો મને ખબર છે.
પ્રતીકાત્મક તસવીર
હમણાં એક બહેન મળવા આવ્યાં. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને પ્રૅક્ટિકલ પણ ખૂબ. મેન્ટલી અપસેટનેસ સાથે જીવતાં અને ચાળીસી વટાવી ચૂકેલાં તે મહિલાને જે કંઈ કહું એ બધામાં તેમનો જવાબ એક કે એ તો મને ખબર છે. ફાઇનલી, મેં તેમને સમજાવ્યું કે તમને ડિપ્રેશનની દવા લેવાની જરૂર છે. એનો પણ જવાબ તેમની પાસે રેડી હતો કે હા, મને ખબર છે પણ મારે એ લેવી નથી અને તેમણે ધરાર દવા લખવા દીધી નહીં અને પછી તે રવાના થઈ ગયાં. વાતે-વાતે રડી પડતાં તે લેડીને મેનોપૉઝની અસર દેખાતી હતી, કૉર્પોરેટ જૉબમાં સંતોષ મળતો નહોતો. જીવનમાં કોઈ સાથ નહીં એટલે એ એકલતા પણ અકબંધ હતી તો આ સિવાય પણ ડિપ્રેશન આવે એવાં બીજાં પણ અનેક કારણો તેમની લાઇફમાં હતાં. એમ છતાં તે મનને હળવાશ આપે એવી મેડિસિન લેવા રાજી નથી. આ કિસ્સામાં જો કોઈ કારણભૂત હોય તો એ છે તેમનું ડહાપણ. કોઈએ સરસ કહ્યું છે કે ડાહ્યો માણસ હંમેશાં વધારે દુઃખી થાય. જોકે આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે પણ નિર્માણ થતી હોય છે ત્યારે આ ડાહ્યો માણસ પોતે દુઃખી નથી થતો પણ બીજાને દુઃખી કરતો હોય છે, બીજાને પીડા આપે છે.
બીજો કિસ્સો કહું. એક બૅન્કર મહાશય ડિવૉર્સના રસ્તે ચાલવાના શરૂ થયા. ડિવૉર્સની પ્રક્રિયા હજી શરૂ થઈ નથી ત્યાં તો તેમની લાઇફમાં બીજી લેડી આવી પણ ગઈ. હવે વાઇફ ડિવૉર્સ આપવા તૈયાર નથી તો સમયાંતરે લાઇફમાં આવેલી પેલી લેડી પણ મૅરેજ માટે પ્રેશર કરે છે. મિત્રના સૂચનથી તે મહાશય પરાણે મળવા આવ્યા હતા જે તેમની બૉડી-લૅન્ગ્વેજથી જ ખબર પડતી હતી. તેમને સલાહ આપી કે તમારે ડોપમીન એટલે કે ખુશ રાખવાનું કામ કરતાં હૉર્મોન્સ જન્મે એ માટે કેમિકલ સપોર્ટ લેવો જરૂરી છે; પણ ના, તે ભાઈ માન્યા નહીં. આ વાતને ત્રણેક મહિના પસાર થઈ ગયા. હવે તેમને પોતાના બીજા ફ્રેન્ડ્સ સાથે પણ વ્યવહારો રહ્યા નથી અને લાઇફ બદથી બદતર બની ગઈ છે.
ADVERTISEMENT
ડિપ્રેશન કે સાઇકોલૉજિકલ અપસેટનેસ એ ગાંડપણ નથી એવું સમજતા લોકો પણ જો એનો ઇલાજ કરાવવા માટે પૉઝિટિવ થઈને વર્તે નહીં તો પછી અભણ કે ઓછા ભણેલાને તમે શું સમજાવવાના? જેમ શરીરને તાવ આવે એવી જ રીતે મગજ પણ બીમાર પડે અને એ બીમાર પડે ત્યારે એ માટે જે જરૂરી હોય એ કરવું પડે, પણ સો-કૉલ્ડ બૌદ્ધિકો પણ આ મૂર્ખામી કરે છે. તેમણે ઘરમેળે કે ફ્રેન્ડસર્કલ દ્વારા સમજાવવાની પ્રક્રિયા થવી જોઈએ. જો એ કરવામાં ન આવે તો તે પોતે તો દુઃખી થાય જ, પણ સાથે પોતાના માનતા હોય એવા લોકોને પણ દુઃખી કરે છે.


