મોટા ભાગે પરાઠા બનાવવામાં મેંદો અને લો ક્વૉલિટી ઑઇલ વપરાય છે જેને લીધે પાચન સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. એને બનાવવાની પદ્ધતિમાં ફેરફાર થાય તો એ સુપાચ્ય અને ન્યુટ્રિશ્યસ બની શકે છે
પ્રતિકાત્મક તસવીર
આપણા ભોજનમાં પરાઠા બહુ કૉમન છે અને એ ઘરે પણ છાશવારે બનતાં હોય છે. કોબી પરાઠા, લચ્છા પરાઠા, મિક્સ વેજ અને આલૂ પરાઠા તો ગુજરાતીઓના ઘરે ડિનરમાં ખવાતાં હોય છે, પણ હેલ્ધી રેસિપીમાં સામેલ થતાં આ પરાઠા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે એવા દાવાઓ થઈ રહ્યા છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પણ પરાઠા હેલ્થનાં વિલન બની રહ્યાં છે એવી વાતો થઈ રહી હોવાથી ઘણા લોકોએ ડાયટમાંથી એની બાદબાકી કરી નાખી છે ત્યારે ખરેખર પરાઠા અનહેલ્ધી છે કે કેમ એ જાણીએ.
શા માટે છે વિલન?
ADVERTISEMENT
પરાઠા નુકસાનકારક બનવા પાછળનું મુખ્ય કારણ એમાં વપરાતો લોટ અને તેલ છે. બજારમાં કે રેસ્ટોરાંમાં મળતાં મોટા ભાગનાં પરાઠા મેંદામાંથી બનેલાં હોય છે એટલું જ નહીં, ઘરમાં પણ ઘણા લોકો પરાઠા મેંદાનાં જ બનાવે છે. મેંદામાં પાચનને સરળ બનાવતું ફાઇબર હોતું નથી, તેથી એ આંતરડામાં જઈને ચીપકી જાય છે. એનાથી કબજિયાત, ગૅસ અને ઍસિડિટી જેવી સમસ્યાઓ થાય છે. પરાઠાને શેકવા માટે વપરાતું તેલ અને બટર પ્રમાણ કરતાં વધુ હોવાથી બ્લોટિંગ અને ઍસિડિટીને નોતરે છે. આ બન્ને એલિમેન્ટને રિપ્લેસ કરીને ડાયટમાં વિલન બનતાં પરાઠાને હેલ્ધી બનાવવું શક્ય છે.
આ રીતે હેલ્ધી બની શકે પરાઠા
- પરાઠા બનાવતી વખતે મેંદાને બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરી શકાય એટલું જ નહીં, એમાં જુવાર, બાજરી અને રાગીનો લોટ મિક્સ કરીને મલ્ટિગ્રેન પરાઠા બનાવી શકાય. એ સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને પચવામાં પણ સરળ હોય છે.
- સ્ટફિંગમાં જેટલી વધુ શાકભાજીનો સમાવેશ કરશો એટલું વધુ પોષણ મળશે. જો લોટ બાંધતી વખતે જ એમાં દૂધીનું છીણ કે પાલકની પ્યુરી ઉમેરી દેશો તો પરાઠા નરમ પણ થશે અને હેલ્ધી પણ. તમે આલૂ પરાઠા પણ ખાઈ શકો છો, પણ એમાં પનીર ઍડ કરશો તો એની ન્યુટ્રિશનલ વૅલ્યુ વધી જશે. આ ઉપરાંત મેથી, કોબી અને ગાજરનો પણ સમાવેશ કરી શકાય. શાકભાજીમાં રહેલા પ્રી-બાયોટિક્સ આંતરડાના સારા બૅક્ટેરિયા માટે ખોરાકનું કામ કરે છે.
- પરાઠા શેકતી વખતે એમાં તેલને બદલે ગ્રીસિંગ પૂરતું દેશી ઘી અથવા શિંગતેલ વાપરી શકાય. શક્ય હોય તો શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે, કારણ કે એ પાચનમાં મદદરૂપ થાય છે.
- પરાઠાને ચા સાથે ખાવા કરતાં હંમેશાં તાજા દહીં અથવા રાઈતા સાથે ખાઓ. દહીં એક ઉત્તમ પ્રોબાયોટિક છે જે પરાઠામાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સને પચાવવામાં મદદ કરે છે અને પેટમાં ઠંડક આપે છે.
- આપણું પાચનતંત્ર રાત્રે ધીમું પડી જતું હોય છે. તેથી ભારે પરાઠા સવારના નાસ્તામાં કે લંચમાં લેવાં વધુ યોગ્ય છે જેથી આખો દિવસ હલનચલન દરમિયાન એ પચી જાય.
