Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > નવી જગ્યાએ પહેલી રાતે ઊંઘ કેમ નથી આવતી? જાણો ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ

નવી જગ્યાએ પહેલી રાતે ઊંઘ કેમ નથી આવતી? જાણો ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ

Published : 03 September, 2026 04:35 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

નવી જગ્યાએ ગયા પછી પહેલી રાતે ઊંઘવામાં તકલીફ થતી હોવાનો અનુભવ ઘણા લોકોને થાય છે. આને ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ કહેવામાં આવે છે. રિસર્ચ મુજબ નવી કે અજાણી જગ્યાએ મગજ વધુ અલર્ટ રહે છે એટલે થોડા સમય માટે ઊંઘ કાચી રહી શકે છે

નવી જગ્યાએ પહેલી રાતે ઊંઘ કેમ નથી આવતી?

નવી જગ્યાએ પહેલી રાતે ઊંઘ કેમ નથી આવતી?


ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ પાછળ કોઈ એક જ કારણ નથી. નવી જગ્યા સાથે મગજનું સેટ થવું, આસપાસનો અવાજ, અજવાળું, રૂમનું તાપમાન, નવું ગાદલું-ઓશીકું તેમ જ મુસાફરીનો થાક કે ટેન્શન જેવાં ઘણાં કારણો ઊંઘ બગાડી શકે છે. નવી જગ્યાથી મગજ પૂરેપૂરું પરિચિત હોતું નથી એટલે ઊંઘમાં પણ એ બહારના અવાજો કે હલચલ પ્રત્યે વધુ અલર્ટ રહે છે. એનો મતલબ એવો નથી કે અડધું મગજ જાગતું રહે છે, પણ રિસર્ચ મુજબ મગજનો અમુક ચોક્કસ ભાગ ઊંઘ દરમ્યાન સામાન્ય કરતાં વધુ ઍક્ટિવ રહે છે. નવી જગ્યાએ પહેલી રાતે ઊંઘની પૅટર્ન બદલાઈ જાય છે. રિસર્ચ મુજબ, સ્લો-વેવ સ્લીપ એટલે કે ગાઢ ઊંઘમાં ઘટાડો થઈ શકે છે. એને લીધે રાત્રે નાની-મોટી વાતમાં પણ આંખ ખૂલી શકે છે. સાયન્ટિસ્ટોનું માનવું છે કે અજાણી જગ્યાએ આ રીતે સતર્ક રહેવું એ માનવશરીરની જૂની બચાવ-પ્રણાલી (સર્વાઇવલ સિસ્ટમ) હોઈ શકે છે. પ્રાચીન સમયમાં અજાણી જગ્યાએ સૂતી વખતે સંભવિત ખતરાથી બચવા થોડું અલર્ટ રહેવું જરૂરી હતું. જોકે આ માત્ર એક થિયરી છે, પૂરેપૂરું કારણ નથી.

૨૦૧૬ના રિસર્ચમાં શું સામે આવ્યું?



બ્રાઉન યુનિવર્સિટીના સંશોધકોએ ૩૫ સ્વસ્થ લોકોની ઊંઘ પર એક અભ્યાસ કર્યો હતો. એમાં જાણવા મળ્યું કે નવી જગ્યાએ પહેલી રાતે મગજનો ડાબો ભાગ જમણા ભાગ કરતાં વધુ ઍક્ટિવ અને અલર્ટ રહે છે. એ બહારના નાના-મોટા અવાજો પર તરત રીઍક્ટ કરતો હતો અને ત્યાં ગાઢ ઊંઘનું પ્રમાણ ઓછું હતું. જોકે જ્યારે આ જ લોકો બીજી રાતે એ જ જગ્યાએ સૂતા ત્યારે મગજ નૉર્મલ થઈ ગયું હતું. આ સાબિત કરે છે કે નવી જગ્યાએ મગજ શરૂઆતમાં અલર્ટ રહે છે, પણ જગ્યા સાથે પરિચય વધતાં ઊંઘ સુધરી જાય છે.


કોને આ અસર વધુ અનુભવાઈ શકે?

ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ કોઈને પણ થઈ શકે છે. જોકે જે લોકોની ઊંઘ પહેલેથી જ કાચી હોય, જેમને ચિંતા કે સ્ટ્રેસ વધુ રહેતાં હોય અથવા જેઓ વારંવાર અજાણી જગ્યાએ રોકાતા હોય તેમને આનો અનુભવ વધુ થાય છે. આ ઉપરાંત મુસાફરો, હૉસ્પિટલમાં દાખલ દરદીઓ કે કોઈ મોટી ઇવેન્ટ-પરીક્ષા પહેલાં રોકાયેલા લોકોમાં આ અસર વધુ જોવા મળે છે.


શું ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ ચિંતાની બાબત છે?

સામાન્ય રીતે નહીં. નવી જગ્યાએ એક-બે રાત ઊંઘમાં થોડી તકલીફ થવી એ સામાન્ય અને કામચલાઉ છે. જેમ-જેમ તમે નવા વાતાવરણથી ટેવાઈ જાઓ એમ ઊંઘ આપોઆપ સુધરી જાય છે. જોકે જો નવી જગ્યાએ કે પોતાના ઘરે પણ સતત ઊંઘ ન આવતી હોય, ઊંઘ વારેઘડીએ તૂટતી હોય કે દિવસભર થાક લાગતો હોય તો એનું કારણ માત્ર ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ નથી. એના માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

નવી જગ્યાએ સારી ઊંઘ માટે શું કરી શકાય?

રોજિંદો સમય જાળવો : ઘરે જે સમયે સૂવાની ટેવ હોય એ જ ટાઇમે સૂવાનો પ્રયત્ન કરો.
રૂમનું વાતાવરણ સેટ કરો : રૂમમાં શાંતિ, અંધારું અને તાપમાન કમ્ફર્ટેબલ રાખો.
પોતાનું ઓશીકું સાથે રાખો : બને તો ઘરનું ઓશીકું કે જાણીતી ચાદર/કવર સાથે રાખો, જેથી પરિચિત ફીલિંગ આવે.
ચા-કૉફી ટાળો : સૂવાના થોડા કલાકો પહેલાં ચા, કૉફી કે કૅફીનવાળાં પીણાં ન લો.
સ્ક્રીન-ટાઇમ ઓછો કરો : સૂવાના અડધો-એક કલાક પહેલાં મોબાઇલ કે ટીવી જોવાનું બંધ કરો.
ઇઅર-પ્લગ વાપરો : બહારનો અવાજ ઊંઘમાં ખલેલ પહોંચાડતો હોય તો કાનમાં ઇઅર-પ્લગ ભરાવી લો. 
સ્ટ્રેસ ન લો : ઊંઘ નથી આવતી એવું સતત વિચારવા કરતાં ઊંડા શ્વાસ લો અને શરીર તથા મનને શાંત કરવાનો પ્રયાસ કરો.

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 04:35 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK