આજનાં બાળકોને સુવિધા નહીં પણ સમજણ, સંવાદ અને સંતુલન જોઈએ છે. ટેક્નૉલૉજીની સાથે સંબંધોની હૂંફનું સંતુલન જ બાળપણને સમૃદ્ધ બનાવશે
પ્રતીકાત્મક તસવીર
પેરન્ટ્સ માટે તેમનાં બાળકોનું બાળપણ હવે એક પ્રોજેક્ટ બની ગયું છે. તેમનો વિકાસ હવે ડેવલપમેન્ટ ગોલ બની ગયો છે. બાળકોના હાથમાં સ્ક્રીન છે, પણ લાગણીભર્યા સ્પર્શની હૂંફ નથી. મિત્રો છે, પણ મિત્રતા વર્ચ્યુઅલ છે. સ્ટડી, ઍક્ટિવિટી, ક્લાસિસ વચ્ચે બાળપણ મૅનેજ થઈ રહ્યું છે. આજનાં બાળકો માહિતીથી સમૃદ્ધ છે. વિચારો વ્યક્ત કરે છે, પણ સાંભળવાનું ભૂલી ગયાં છે. દોડે છે, પણ પહોંચવાની દિશા અસ્પષ્ટ છે. નાનપણથી જ કરીઅર અને સાથે સક્સેસફુલ થવાનું પ્રેશર આપવામાં આવતું હોવાથી તેઓ બાળપણને જીવવાનું જ ભૂલી ગયાં છે ત્યારે બદલાઈ રહેલું બાળપણ આપણી પાસેથી શું માગે છે? કેવા પડકારો આવે છે? આ વિશે નિષ્ણાતોએ વ્યક્ત કરેલા મતના આધારે એ તમામ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરીએ.
એજ્યુકેશન સિસ્ટમનો ભાર
ADVERTISEMENT
અત્યારનાં બાળકોમાં ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન અને લોનલીનેસના કેસ સતત વધી રહ્યા છે. આવું થવા પાછળનું કારણ જણાવતાં માટુંગા-ઈસ્ટ ખાતે આવેલા ક્લિનિકમાં પ્રૅક્ટિસ કરતા ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. સોમિલ સાવલા કહે છે, ‘અત્યારનાં બાળકો પર એજ્યુકેશન સિસ્ટમ હાવી થઈ ગઈ છે. આપણને તો દસમું પાસ થયા પછી પણ ખબર નહોતી કે કયા ફીલ્ડમાં આગળ વધવું જોઈએ. બસ, જે સારું લાગ્યું એ કરી લીધું. જોકે અત્યારે સિનારિયો ઘણો બદલાયો છે. બાળકો સાતમા-આઠમા ધોરણમાં આવે ત્યારથી જ કઈ કૉલેજમાં ઍડ્મિશન લેવાનું છે? કઈ સ્ટ્રીમમાં આગળ વધવું છે? સ્પેશ્યલાઇઝેશન શેમાં કરવું છે? એ બધું જ નક્કી કરાવી લેવામાં આવે છે. એટલું જ નહીં, સ્કૂલના ટીચરો અત્યારે સેકન્ડરી સ્કૂલનાં બાળકોને CV બનાવતાં શીખવી રહ્યા છે. જે સ્ટ્રેસ હાયર એજ્યુકેશનના ફેઝમાં આવવું જોઈએ એ હવે સ્કૂલ-ટાઇમમાં આવી ગયું છે. આ પ્રેશર બાળકો માટે સારું નથી. આવું ખોટું પ્રેશર તેમની ઇનોસન્સ છીનવી લે છે. બાળકો એમાં જ પરોવાયેલાં રહે છે. એજ્યુકેશન, કરીઅર અને ગ્રોથના ગૂંચવાડામાં પોતાને શું કરવું છે એ ભૂલી જાય છે. ઇન ફૅક્ટ, પોતાને જ ભૂલી જાય છે. પછી નાની-નાની વાતોમાં ગભરાઈ જવું, કોઈની સાથે વાત કરવાનું મન ન થવું, લાઇફમાં શું કરવું એની સતત ગૂંચવણ અનુભવવી જેવી અનેક માનસિક સમસ્યાઓ તેમને ઘેરી લે છે. બાળકો વધુ સેન્સિટિવ બની જાય છે અને પછી જીવન ટૂંકાવવાના વિચાર આવવા લાગે છે.’
સોશ્યલ કનેક્શન વધારો
બાળકોની કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવી બહુ જરૂરી છે એમ જણાવીને ડૉ. સોમિલ સાવલા કહે છે, ‘ટેક્નૉલૉજીએ ઘણી ચીજો સરળ બનાવી છે, પણ એનો સદુપયોગ કરતાં આવડવું જોઈએ. કન્ટેન્ટ-લિટરસી હોવી બહુ જરૂરી છે. યુટ્યુબ જેવા પ્લૅટફૉર્મ પરથી તમે ધારો એ શીખી શકો છો. જોકે બાળકોને લાંબા વિડિયો જોવા ગમતા નથી, કારણ કે એટલી ધીરજ નથી. પેરન્ટ્સ બાળકો પર ૨૪ કલાક સુધી વૉચ રાખી શકતા ન હોવાથી કન્ટેન્ટ મૉનિટર થતું નથી. અત્યારનાં બાળકો મોબાઇલ ચલાવવામાં બહુ માહેર થયાં છે. આખો દિવસ સ્ક્રીન પર સમય પસાર કરતાં બાળકોને ફ્રેન્ડ્સ કેવી રીતે બનાવવા એ ખબર નથી તો ભવિષ્યમાં એકલતા તો વધશે જ. ટીમ-સ્પોર્ટ્સમાં ભાગ ન લો તો તમને ખબર જ નહીં હોય કે હાર મળ્યા બાદ કઈ રીતે એમાંથી બોધ મેળવવો અને એ ગેમમાં કરેલી ભૂલો પાછી ન થાય એવું ધ્યાન રાખવું, જીતો તો ઘમંડ ન આવે એ રીતે રહેવું. આ બધી નાની-નાની ચીજો પર ધ્યાન આપવામાં ન આવે તો તેમનો ઇમોશનલ ગ્રોથ અટકી જાય છે. આ ગ્રોથ લોકો સાથે વાતચીત કરીને જ થશે. આખો દિવસ ફોનની અંદર રહેવાથી આઇસોલેટ થઈ જશો, બહારની દુનિયાથી વાકેફ જ નહીં થાય. આ ઉપરાંત બાળકો સાઇબર ક્રાઇમનો શિકાર થતાં હોય છે. આ નવી સમસ્યા નિર્માણ થઈ છે. આથી બાળકો સ્ક્રીન સામે વધુ સમય પસાર કરે એને બદલે ફિઝિકલ ઍક્ટિવિટી વધુ થાય, સોશ્યલ કનેક્શન વધે એનું ધ્યાન પેરન્ટ્સે રાખવું જરૂરી છે.’
ઊલટી પેરન્ટિંગ સિસ્ટમ
ડૉ. સોમિલ સાવલાની વાત સાચી છે કે બાળકો પર પ્રેશર વધી ગયું છે, પણ એ માટે કારણભૂત બાબત પેરન્ટિંગ સ્ટાઇલ છે એમ જણાવતાં મુલુંડનાં એજ્યુકેશનિસ્ટ, ટીચર-ટ્રેઇનર અને કરિક્યુલમ-સ્પેશ્યલિસ્ટ કિન્નરી કોટેચા કહે છે, ‘અત્યારના પેરન્ટ્સ બાળકોને સ્વતંત્રતા આપવા માગતા નથી. બધું જ તેમને કન્ટ્રોલ કરવું હોય છે. જ્યારે અમારા પેરન્ટ્સ ભણેલા-ગણેલા નહોતા ત્યારે બાળકોને જે કરવું હોય એની છૂટ આપતા હતા. ગાર્ડનમાં રમવા લઈ જતા, ફ્રેન્ડ્સ સાથે રમવાની છૂટ આપતા. અત્યારે પેરન્ટિંગ સિસ્ટમ ઊલટી થઈ ગઈ છે. ભણેલા-ગણેલા ઓપન-માઇન્ડેડ પેરન્ટ્સ બાળકોને જેવી જોઈએ એવી સુવિધા આપીને પૅમ્પર કરે છે, તેમને રેઢાં મૂકતાં જ નથી. સ્કૂલ પતે એટલે ટ્યુશન, ટ્યુશન પતે એટલે મોબાઇલ પકડાવી દે જેથી તેઓ બહાર રમવા જવાની જીદ ન કરે. જે પ્રોજેક્ટ આપવામાં આવે છે એ પોતે કરી આપે, હોમવર્ક પણ કરી આપે. કપલ વર્કિંગ હોય તો તે ChatGPT જેવા AI ટૂલની મદદ લે છે, કારણ કે તેમને બનાવવાનો કંટાળો આવે છે. ટેક્નૉલૉજીનો આ યુઝ અને આવી પેરન્ટિંગ સ્ટાઇલ બાળકોને આત્મનિર્ભર નહીં પણ આપણા પર નિર્ભર બનાવે છે. એ વાત શીખવવી બહુ જ જરૂરી છે કે આ ગૅજેટ્સ અને ટૂલ્સ છે એને મારે ચલાવવાનું છે, એ મને નહીં ચલાવે. આ બધાં જ પરિબળો તેમના ઇનોસન્સ અને હૅપીનેસભર્યા બાળપણને છીનવી રહ્યાં છે. આનું એક જ સૉલ્યુશન છે, બાળકોની ફિઝિકલ ઍક્ટિવિટી વધારો. ટીમ-ગેમ્સ રમી શકે એવું વાતાવરણ બનાવી દો જેથી તે લાઇફ-લેસન્સ શીખશે, પર્સનલ અને ઇમોશનલ ગ્રોથ થશે અને સોશ્યલ કનેક્શનના મહત્ત્વને સમજશે. અત્યારે જે શિક્ષણનીતિ બદલાઈ છે એમાં સ્પોર્ટ્સને સિલેબસ તરીકે જોવામાં આવે એવું કહેવાયું છે, પણ એને અમલમાં આવતાં સમય લાગશે. ત્યાં સુધી પેરન્ટ્સને બાળકો સાથે સમય વિતાવીને જીવનનાં મૂલ્યો શીખવવાં પડશે.’
બાળકો રિઝર્વ ને કૉન્શ્યસ બન્યાં છે
ટેક્નૉલૉજીનો ઓવરડોઝ ખતરનાક છે, પણ આજનાં બાળકોને એ ગમે છે એ વાત સાથે સહમત થતાં દહિસરમાં રહેતાં છ વર્ષની દીકરીનાં મમ્મી વિરલ ભંડેરી કહે છે, ‘સમયના હિસાબે પરિસ્થિતિ બદલાતી રહે છે. બધાં જ બાળકોને પોતાનું બાળપણ ગમે. આપણને ઘરની બહાર ગેમ્સ રમવી ગમતી હતી, પણ હવેનાં બાળકોને મોબાઇલમાં અને ઘરે રમાતી ગેમ્સ પસંદ છે. અફકોર્સ આનાથી ફિઝિકલ ઍક્ટિવિટી ઓછી થાય છે. એમાં વાંક પેરન્ટ્સનો જ હોય એ જરૂરી નથી. હું મારી છ વર્ષની દીકરી દ્વિતિ ફ્રી હોય ત્યારે ઘણી વાર કહું કે તું જા નીચે કમ્પાઉન્ડમાં રમવા, પણ તેને ગમે જ નહીં. તેની એક જ ખાસ ફ્રેન્ડ છે તેને પણ બોલાવવા જવાને બદલે મારી પાસેથી ફોન કરાવશે કે તું નીચે રમવા જા. સાઇકલ ચલાવવા જાય તોય મને ભેગી લઈને જાય, એકલી ન જાય. થોડી વાર તડકામાં રમે એટલે ઘરે આવીને ફરિયાદ કરે કે મારી સ્કિન ટૅન થઈ ગઈ, મારે નથી રમવું. આપણને તો સ્કિન-ટૅનિંગ શું એ ખબર જ નહોતી; જ્યારે અત્યારનાં બાળકો એક્સપ્રેસિવ તો થયાં જ છે, પણ એટલાં જ રિઝર્વ અને કૉન્શ્યસ થઈ ગયાં છે.’
ફેલ્યર ફેસ કરતાં શીખવો
વાતનો દોર આગળ વધારતાં વિરલ ભંડેરી કહે છે, ‘પહેલાં તો પેરન્ટ્સ કમ્પૅરિઝન કરતા હતા, પણ હવે તો રૅન્ક લાવવાનું સીધું દબાણ અપાય છે. આવું ન થવું જોઈએ. માર્ક્સ તેમનું ભવિષ્ય ડિસાઇડ કરતા નથી, પણ તેમનામાં રહેલી ટૅલન્ટને ઓળખીને એમાં આગળ વધવાનો માર્ગ દર્શાવશો તો એ કરશે. હજી એક મહત્ત્વની વાત એ છે કે ધારો કે સ્કૂલમાં એક છોકરાએ તમારા બાળકને ચીડવ્યું ત્યારે બાળકે તમને એની ફરિયાદ કરી. એ સમયે તમે શું કર્યું? તમે બાળકના વકીલ બન્યા તે બાળકને બોધપાઠ શીખવવા. આ બિહેવિયર તમારા બાળકને ડિપેન્ડન્ટ બનાવશે. આવી પરિસ્થિતિને બાળક એકલા હાથે ટૅકલ કરી શકે એવી ક્ષમતા કેળવતાં શીખવવું જોઈએ. એનો મતલબ ગુંડાગીરીને પ્રમોટ કરવાનો નથી, પણ જો કંઈ થાય તો તરત જ સ્કૂલમાં શિક્ષકને ફરિયાદ કરવી અથવા તે છોકરાનાં માતા-પિતાને કહેવું જેથી બીજી વાર એવું ન કરે. આ પ્રકારનું વલણ આગળ જતાં તેમના ડિસિઝનમેકિંગ પાવરને સ્ટ્રૉન્ગ બનાવશે અને લાઇફનાં ડિસિઝન્સ જાતે
લઈ શકશે, કોઈના મત પર આધાર રાખ્યા વિના.’


