Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મુગલ કાળ દરમ્યાન આઠમી સદીમાં ભારતમાં પ્રવેશેલી પ્રાચીન ઇજિપ્તની ચિકિત્સા પદ્ધતિ યુનાની વિશે કેટલું જાણો છો?

મુગલ કાળ દરમ્યાન આઠમી સદીમાં ભારતમાં પ્રવેશેલી પ્રાચીન ઇજિપ્તની ચિકિત્સા પદ્ધતિ યુનાની વિશે કેટલું જાણો છો?

Published : 11 February, 2026 02:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેનાં મૂળ ભારતનાં નથી અને છતાં ભારત દુનિયાના દેશો માટે યુનાની ચિકિત્સા માટે દિશાસૂચકનું કામ કરી રહ્યું છે એવી આ પ્રાચીન ઉપચાર પદ્ધતિ શું છે, કઈ રીતે કામ કરે છે, એમાં કેવી દવા અપાય અને આજે એનો ભારતમાં કેવો વિકાસ અને વિસ્તાર થયો છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જ્યારથી માનવ ઉત્ક્રાન્તિની શરૂઆત થઈ એ પછી ધીમે-ધીમે પોતાની જરૂરિયાત મુજબ માણસ આવિષ્કાર કરતો ગયો અને એમાં જ કેટલીક થેરપીઓ અને પથીઓનો પણ ઉદ્ભવ થયો. આયુર્વેદની જેમ વિવિધ સ્થળોની જરૂરિયાત મુજબ જુદી-જુદી ઉપચાર પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી. એમાંની જ એક પ્રાચીન ઉપચાર પદ્ધતિ એટલે યુનાની. યુનાનીનો ઉદ્ભવ ગ્રીસમાં થયો હતો, જેનાં મૂળ પ્રાચીન ઇજિપ્ત અને મેસોપોટેમિયાની તબીબી પરંપરાઓમાં રહેલાં છે અને પાછળથી આરબ વિદ્વાનો દ્વારા એને સાચવવામાં આવી અને વધુ વિકસિત કરવામાં આવી હતી. આઠમી સદીમાં ભારતમાં આવેલી યુનાની ચિકિત્સા પદ્ધતિને મુગલ કાળ દરમિયાન રાજવી આશ્રયને કારણે ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું. જોકે બ્રિટિશ શાસન દરમિયાન આ પદ્ધતિમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ લોકોની શ્રદ્ધા અને હકીમ અજમલ ખાન જેવા પ્રખ્યાત ચિકિત્સકોના પ્રયાસોને કારણે એ ટકી રહી. ભારતમાં હકીમોએ એને સ્થાનિક જરૂરિયાતો મુજબ ઢાળી અને આજે ભારત યુનાની શિક્ષણ અને સંશોધનમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. ભારતમાં યુનાનીના વિકાસમાં પિતામહની ભૂમિકા ભજવનારા હકીમ અજમલ ખાનનો આજે જન્મદિવસ છે અને તેમની જ યાદમાં ૧૧ ફેબ્રુઆરીને એટલે કે આજના દિવસને વિશ્વ યુનાની દિવસ તરીકે ઊજવાય છે. આજે જાણીએ કે આ ચિકિત્સા પદ્ધતિ શું છે અને કઈ રીતે કામ કરે છે અને એની વિશેષતાઓ શું છે.

શું છે યુનાની?



ફાધર ઑફ મેડિસિન કહેવાતા ગ્રીક ચિકિત્સક હિપોક્રેટસે સારવાર માટે જે થિયરી આપી એ જ થિયરી યુનાની મેડિસિનમાં પણ લાગુ પડે છે. યુનાની ચિકિત્સાના પાયાના સિદ્ધાંતો સમજાવવા માટે સેન્ટ્રલ કાઉન્સિલ ફૉર રિસર્ચ ઇન યુનાની મેડિસિન(CCRUM)ના ડિરેક્ટર જનરલ ડૉ. એન. ઝહીર અહમદ કહે છે, ‘યુનાની તબીબી પદ્ધતિ હવા, પાણી, અગ્નિ અને પૃથ્વી એમ ચાર તત્ત્વો; ગરમ, ઠંડું, ભીનું અને સૂકું એમ ચાર ગુણો તથા લોહી, કફ, પીળું પિત્ત અને કાળું પિત્ત જેવા ચાર ખિલ્ત એટલે કે હ્યુમર્સના હિપોક્રેટિક સિદ્ધાંતનો સમાવેશ થાય છે. આ તત્ત્વો અને ગુણોનું ચોક્કસ મિશ્રણ વ્યક્તિઓ, ખોરાક, દવાઓ અને પર્યાવરણીય પરિબળોનો મિજાજ નક્કી કરે છે. જ્યારે શરીરમાં આ બધું સંતુલિત હોય ત્યારે સ્વાસ્થ્ય જળવાય છે અને એમાં અસંતુલન પેદા થતા રોગ થાય છે. યુનાની ચિકિત્સા માત્ર રોગના નિવારણ વિશે નથી પરંતુ એ શરીરની આંતરિક શક્તિ, જેને અમે તબિયત મુદબ્બિરા બદન કહીએ છીએ, એને મજબૂત કરવાની પ્રક્રિયા છે. યુનાની ચિકિત્સામાં બૉડીની નૅચરલ હીલિંગ સિસ્ટમને ઍક્ટિવેટ કરીને લોહી, કફ, પીળું પિત્ત અને કાળું પિત્ત આ ચાર તત્ત્વોનું સંતુલન કરવાનું હોય છે.’


ઇલાજ કેવી રીતે થાય?

યુનાનીમાં મિજાજ એટલે કે પ્રકૃતિનું ખૂબ મહત્ત્વ છે એમ જણાવીને ડૉ. એન. ઝહીર કહે છે, ‘યુનાની માને છે કે દરેક વ્યક્તિનો પોતાનો વિશિષ્ટ મિજાજ હોય છે જે તેના આહાર, માનસિક અવસ્થા અને પર્યાવરણથી નક્કી થાય છે. સ્વાસ્થ્ય જાળવવા માટે છ અનિવાર્ય પરિબળો એટલે કે અસબાબે સિત્તે ઝરૂરિયા પર ધ્યાન આપવામાં આવે છે જેમાં હવા, ખોરાક, શારીરિક અને માનસિક સક્રિયતા, ઊંઘ અને શરીરના કચરાનો નિકાલ સામેલ છે. યુનાનીમાં સારવારને વિવિધ સ્તરે વહેંચવામાં આવી છે. ઇલાજ-બિલ-ગિઝા દ્વારા આહારમાં ફેરફાર કરી રોગને ડામવામાં આવે છે. ઇલાજ-બિલ-તદબીર હેઠળ રેજિમેનલ થેરપી એટલે કે માલિશ, હિજામા અને હમ્મામ જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. છેલ્લે ઇલાજ-બિલ-દવા દ્વારા કુદરતી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાઓનો હેતુ વ્યક્તિને કુદરત સાથે સુસંગત બનાવીને નીરોગી રાખવાનો છે.’


દવાઓમાં શું હોય?

આયુર્વેદની જેમ યુનાનીમાં પણ દવા નૅચરલ હોય છે એમ જણાવીને ડૉ. એન. ઝહીર કહે છે, ‘યુનાની દવાઓ મુખ્યત્વે કુદરતી સ્રોતમાંથી મેળવવામાં આવે છે અને એને વનસ્પતિ, ખનિજ અને પ્રાણીજ એમ ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. વનસ્પતિજન્ય દવાઓ આ પદ્ધતિનો મુખ્ય ભાગ છે, જેમાં છોડના વિવિધ ભાગો જેવાં કે મૂળ, પાન, બીજ, ફળ, છાલ, ગુંદર અને રેસાઓનો સમાવેશ થાય છે. ખનિજ દવાઓમાં ધાતુઓ, ક્ષાર અને પથ્થરોનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ યોગ્ય શુદ્ધીકરણ અને પ્રક્રિયા પછી જ કરવામાં આવે છે. પ્રાણીજ મૂળની દવાઓમાં મધ, દૂધ, ઈંડાં, કસ્તૂરી અને પ્રાણીઓમાંથી મળતી કેટલીક વિશિષ્ટ વસ્તુઓનો ઉપયોગ થાય છે. યુનાની ફાર્માકોથેરપી (ઇલાજ-બિલ-દવા)માં આ કુદરતી પદાર્થોનો ઉપયોગ કાં તો ડાયરેક્ટ દવા તરીકે અથવા સંયુક્ત મિશ્રણ તરીકે કરવામાં આવે છે.’

કેવા રોગોમાં કામ કરે?

અત્યારની સૌથી બેસ્ટ બાબત એ છે કે યુનાનીની દવાઓના પરીક્ષણ પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. આપણા દેશમાં કુલ ૨૪ કેન્દ્રો છે જ્યાં યુનાનીમાં ક્લિનિકલ રિસર્ચ, ડ્રગ સ્ટાન્ડર્ડાઇઝેશન અને એવિડન્સ જનરેશનનું કામ કરી રહ્યું છે. આધુનિક ટેક્નૉલૉજી અને પરંપરાગત જ્ઞાનનો સંગમ કરીને એવી સારવાર પદ્ધતિઓ વિકસાવી રહ્યા છીએ જે પુરાવા પર આધારિત હોય અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરે એમ જણાવીને ડૉ. એન. ઝહીર કહે છે, ‘યુનાની ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ સામાન્ય રીતે લાંબા ગાળાના રોગો અને જીવનશૈલી સંબંધિત સમસ્યાઓના સંચાલનમાં કરવામાં આવે છે. ડાયાબિટીઝ, મેદસ્વિતા, હાઈ બ્લડપ્રેશર, અસ્થમા, સાંધાનો દુખાવો, લિવરના વિકારો, ચામડીના રોગો, સ્ત્રીરોગ સંબંધિત સમસ્યાઓ અને મનોશારીરિક બીમારીઓ જેવી સ્થિતિઓમાં આ પદ્ધતિ વ્યાપકપણે અપનાવવામાં આવે છે. આ ઉપરાંત યુનાની ચિકિત્સા માનસિક તાણ, પાચનની સમસ્યાઓ, ઊંઘની તકલીફ અને મેટાબોલિક સિન્ડ્રૉમ જેવી સમસ્યાઓના ઉકેલમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.’

ભારતની લીડર‌શિપ

આજે ભારત વિશ્વમાં યુનાની સંશોધનનું કેન્દ્ર છે. CCRUM દ્વારા કરવામાં આવતાં વૈજ્ઞાનિક સંશોધનોએ આ પરંપરાગત જ્ઞાનને આધુનિક સમયમાં વધુ વિશ્વસનીય બનાવ્યું છે એમ જણાવીને ડૉ. ઝહીર કહે છે, ‘આ વર્ષે ૨૦૨૬માં યુનાની દિવસની ઉજવણીના ભાગરૂપે મુંબઈમાં ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદનું મુખ્ય ફોકસ હશે યુનાની પ્રૅક્ટિસમાં ઇનોવેશન અને એવિડન્સ જનરેશન. આ નિમિત્તે મુંબઈની જે. જે. હૉસ્પિટલ કૅમ્પસમાં રીજનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુનાની મેડિસિન (RRIUM)ના નવા સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને જીનોમિક્સ જેવી આધુનિક પદ્ધતિઓનો યુનાનીમાં ઉપયોગ કેવી રીતે થઈ શકે એ વિશે નિષ્ણાતો ચર્ચા કરશે.’

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK