પેટ્રોલિયમમાંથી નહીં; શેરડીના કૂચા, ઍગ્રિકલ્ચરલ કચરો, શેવાળ અને ઝટપટ જમીનમાં ભળી જાય એવા વેસ્ટમાંથી પૉલિથિન જેવું જ મટીરિયલ વિકસી રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાનને કારણે બાયોડીગ્રેડેબલ પૉલિથિન વિકસાવતાં સ્ટાર્ટઅપ્સ ભારતમાં વધી રહ્યાં છે. કચરામાંથી એવું મટીરિયલ તૈયાર થઈ રહ્યું છે જે બહુ ઝડપથી જમીનમાં ભળી જાય છે. આવતી કાલે ઇન્ટરનૅશનલ પ્લાસ્ટિક-ફ્રી દિવસ છે ત્યારે જાણીએ કે નૉર્મલ પ્લાસ્ટિકને રિપ્લેસ કરતું ઇકો-ફ્રેન્ડ્લી મટીરિયલ કઈ રીતે પૅકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં મોટો ફરક ઊભો કરશે અને એનાથી આપણા જીવનમાં શું ફરક પડશે
એક સમયે સુવિધા ખાતર શરૂ થયેલા પ્લાસ્ટિકથી હવે આખી દુનિયા છૂટવા મથે છે. પ્લાસ્ટિક આપણા જીવનમાં એટલું વણાઈ ચૂક્યું છે કે એનાથી સંપૂર્ણ છુટકારો મેળવવા માટે માત્ર અંગત સ્તરે જ નહીં, ઓવરઑલ પ્રોડક્ટ્સ અને ઇન્ડસ્ટ્રિયલ ધોરણે કંઈક કરવું આવશ્યક છે. એ માટેની ધીમી અને મક્કમ શરૂઆત થઈ ગઈ છે. હાનિકારક અને વર્ષો સુધી પડી રહ્યા પછી પણ વિઘટિત ન થાય એવા પ્લાસ્ટિકના સ્થાને બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક માર્કેટમાં સ્થાન બનાવી રહ્યું છે. પ્લાસ્ટિકનો મૅક્સિમમ ઉપયોગ પૅકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં થાય છે. એને રીપ્લેસ કરવા માટે બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક પૅકેજિંગ માર્કેટ મજબૂત ગતિ મેળવી રહ્યું છે કારણ કે ઉદ્યોગો પર્યાવરણ પરનો પ્રભાવ ઘટાડવા માટે ટકાઉ પૅકેજિંગ વિકલ્પો તરફ આગળ વધી રહ્યા છે. આ બજાર બાયોડીગ્રેડેબલ અને કમ્પોસ્ટેબલ પૉલિમર્સમાંથી બનાવેલાં પૅકેજિંગ સૉલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે નિર્ધારિત પરિસ્થિતિઓ હેઠળ સ્વાભાવિક રીતે વિઘટિત થઈ જાય છે.
ADVERTISEMENT
સિંગલ-યુઝ પ્લાસ્ટિક પરનો ઉપયોગ બંધ કરવા પર વધતું દબાણ, વધતી ગ્રાહક-જાગૃતિ અને કૉર્પોરેટ સ્તરે ટકાઉપણાને મહત્ત્વ આપવાના કમિટમેન્ટને કારણે હવે લોકો બાયોપ્લાસ્ટિક અપનાવવા તૈયાર થઈ ગયા છે. ફૂડ, બેવરેજ, ફાર્માસ્યુટિકલ અને પર્સનલ કૅર ઉદ્યોગો પર્યાવરણ-ફ્રેન્ડ્લી પૅકેજિંગ સામગ્રી તરફના પરિવર્તનને ઝડપી બનાવી રહ્યા છે. બાયો-આધારિત પૉલિમર્સમાં નવીનતાઓએ પ્રદર્શન, ટકાઉપણું અને શેલ્ફ-લાઇફ સુસંગતતા સુધારી છે. બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક પૅકેજિંગ માર્કેટ સતત વિસ્તરી રહ્યું છે કારણ કે સરકાર પર્યાવરણ-ફ્રેન્ડ્લી પૅકેજિંગ સૉલ્યુશન્સને પ્રાથમિકતા આપી રહી છે.
વૈશ્વિક બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક પૅકેજિંગ બજારનું કદ ૨૦૨૫માં અંદાજે ૧૩૨૦ અબજ રૂપિયાનું હતું. બજાર ૨૦૨૬માં અંદાજે ૧૬૦૦ અબજ રૂપિયાથી વધીને ૨૦૩૪ સુધીમાં અંદાજે ૭૬૫૦ અબજ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે ત્યારે ભારતમાં પણ બાયોડીગ્રેડેબલ મટીરિયલથી બનતી કોથળીઓ અને બૉક્સ બનાવવા માટે મટીરિયલ પૂરું પાડતી કંપનીઓ વધી રહી છે.
પ્લાસ્ટિકની અવેજીની જરૂર કેમ?
પ્લાસ્ટિક સંબંધિત વૈશ્વિક પરિસ્થિતિને સમજવા માટે મહત્ત્વપૂર્ણ આંકડા પર ધ્યાન આપીએ ત્યારે ખબર પડે કે શા માટે પૅકેજિંગ ઉદ્યોગ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. વૈશ્વિક સ્તરે કુલ પ્લાસ્ટિક વપરાશમાં અંદાજે ૪૦-૪૨ ટકા હિસ્સો પૅકેજિંગનો છે. દર વર્ષે વિશ્વભરમાં લગભગ ૩૫૨ મિલ્યન ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે, જેમાંથી અંદાજે ૫૦ ટકા કચરો માત્ર પૅકેજિંગમાંથી આવે છે. પૅકેજિંગ પ્લાસ્ટિકમાં લગભગ ૯૦ ટકા સિંગલ-યુઝ હોય છે, એટલે કે એનો ઉપયોગ થોડા દિવસો કે મહત્તમ એક મહિનામાં થઈ જાય છે અને એ તરત જ કચરામાં ફેરવાઈ જાય છે. પર્યાવરણ પર એની ગંભીર અસર પણ જોવા મળે છે. દર વર્ષે લગભગ ૧૧ મિલ્યન ટન પ્લાસ્ટિક સમુદ્રોમાં પહોંચે છે જેમાં મોટો હિસ્સો થેલીઓ, રૅપર્સ અને બૉટલો જેવા પૅકેજિંગ કચરાનો હોય છે. રીસાઇક્લિંગની સ્થિતિ પણ ચિંતાજનક છે — વૈશ્વિક સ્તરે માત્ર ૯ ટકા પ્લાસ્ટિક જ રીસાઇકલ થાય છે, જ્યારે ૧૯ ટકા બળી જાય છે અને લગભગ ૫૦ ટકા લૅન્ડફિલમાં જાય છે, બાકીનો કચરો પર્યાવરણમાં ફેલાઈ જાય છે. ભારતની વાત કરીએ તો દર વર્ષે લગભગ ૩.૫ થી ૪ મિલ્યન ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે જેમાં પૅકેજિંગનો સૌથી મોટો હિસ્સો છે. આ તમામ આંકડા બતાવે છે કે પૅકેજિંગ ઉદ્યોગ પ્લાસ્ટિકનો સૌથી મોટો વપરાશકાર અને કચરાનો મુખ્ય સ્રોત છે, તેથી એમાં બદલાવ લાવવાથી સૌથી ઝડપથી અને સૌથી મોટો પ્રભાવ પાડી શકાય છે. આ જ સમય છે જ્યારે વિશ્વને તરત અને નાટકીય બદલાવની જરૂર છે.
આ શબ્દો સમજવા જરૂરી
પ્લાસ્ટિક પેટ્રોલિયમમાંથી બને છે, જ્યારે બાયોપ્લાસ્ટિક છોડ અને ઍગ્રિકલ્ચરલ વેસ્ટમાંથી બને છે. બાયોડીગ્રેડેબલ એટલે કુદરતી રીતે વિઘટિત થતું અને કમ્પોસ્ટેબલ હોવાથી માટી જેવા ખાતરમાં ફેરવાઈ જાય છે.
બાયોપ્લાસ્ટિક કે ગ્રીન પ્લાસ્ટિક શું છે?
પ્લાસ્ટિક જેવું કામ આપે અને છતાં પર્યાવરણની દૃષ્ટિએ હાનિકારક ન હોય એવા પૅકેજિંગ મટીરિયલની માગ દિવસે ન વધે એટલી રાતે વધી રહી છે. આ વિકલ્પ છે ગ્રીન પ્લાસ્ટિક. આ એવું પ્લાસ્ટિક છે જે પરંપરાગત પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિકની જગ્યાએ વનસ્પતિ આધારિત સ્રોતો જેમ કે મકાઈનો સ્ટાર્ચ, શેરડી, બટાટા અથવા કૃષિ કચરામાંથી બનાવવામાં આવે છે. આવા પ્લાસ્ટિક સામાન્ય રીતે બાયોડીગ્રેડેબલ અથવા કમ્પોસ્ટેબલ હોય છે એટલે કે એ ચોક્કસ પરિસ્થિતિઓમાં સમય સાથે કુદરતી રીતે વિઘટિત થઈ શકે છે અને પર્યાવરણ પર ઓછો પ્રભાવ પાડે છે. ૨૧મી સદીમાં દરેક દેશ માટે પર્યાવરણ સંરક્ષણ પ્રાથમિકતાનો મુદ્દો બની રહ્યો છે એના કારણે લગભગ દર અઠવાડિયે પ્લાસ્ટિકની અવેજી દર્શાવતાં સંશોધનો પ્રકાશિત થઈ રહ્યાં છે. બાયોપ્લાસ્ટિક પેટ્રોલિયમ પરની નિર્ભરતા ઘટાડે છે, પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે, કાર્બન ઉત્સર્જન ઓછું કરે છે, સરકારના નિયમો અને પ્રતિબંધો સાથે મેળ બેસે છે. બાયોપ્લાસ્ટિકમાં વપરાતી સામગ્રીને પરંપરાગત પ્લાસ્ટિકની જેમ જ બૅગ, પૅકેજિંગ કે બૉટલનો આકાર આપી શકાય છે.
ભારતમાં આ ક્ષેત્રે શું થઈ રહ્યું છે?
બાયોપ્લાસ્ટિક બનાવવા માટે કૃષિ કચરો એક મહત્ત્વપૂર્ણ કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. ભારત દર વર્ષે અંદાજે ૩૫૦ મિલ્યન ટન જેટલો કૃષિ બાયોમાસ કચરો ઉત્પન્ન કરે છે જે બાયોપ્લાસ્ટિક માટે મોટી તક ઊભી કરે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા કૃષિ કચરામાં ચોખાના ભૂસા અને ચોખાનાં ઠૂંઠાં, ઘઉંનાં ઠૂંઠાં, મકાઈ અને સ્ટાર્ચ અવશેષોનો સમાવેશ થાય છે જે સેલ્યુલોઝ અને સ્ટાર્ચથી સમૃદ્ધ હોય છે અને બાયોપ્લાસ્ટિક બનાવવા માટે યોગ્ય છે. ઉપરાંત વિવિધ વનસ્પતિજન્ય આડપેદાશના ફાઇબરનો ઉપયોગ મજબૂત અને ટકાઉ બાયોપ્લાસ્ટિક બનાવવા માટે થાય છે. ફળ અને શાકભાજીની છાલ, બગડેલા ખાદ્ય પદાર્થો અને તૂટેલા ચોખા જેવા ફૂડ પ્રોસેસિંગ કચરાને પણ સ્ટાર્ચ આધારિત પૉલિમર બનાવવા માટે વપરાય છે. આ બધામાંથી સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને પ્રોટીન જેવા કુદરતી બાયોપૉલિમર્સ કાઢીને પ્લાસ્ટિક જેવા સામગ્રી તૈયાર કરવામાં આવે છે. ભારતમાં અનેક કંપનીઓ આ કૃષિ કચરાનો ઉપયોગ કરીને બાયોપ્લાસ્ટિક બનાવી રહી છે. અમુક કંપની હેમ્પ, નેટલ, વાંસ અને રાઇસ હસ્ક જેવા કચરાનો ઉપયોગ કરીને બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક ગ્રૅન્યુલ્સ અને પૅકેજિંગ મટીરિયલ બનાવે છે. અન્ય કંપની સ્ટાર્ચ અને સેલ્યુલોઝનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારનાં બાયોપ્લાસ્ટિક મિશ્રણો વિકસાવે છે જે કમ્પોસ્ટેબલ પૅકેજિંગ માટે ઉપયોગી છે. તો કેટલીક કંપનીઓ તૂટેલા ચોખા અને અન્ય કૃષિ કચરાને બાયોપ્લાસ્ટિકમાં રૂપાંતરિત કરે છે અને ખેડૂતોને વધારાની આવકનો સ્રોત આપે છે. કોઈક કંપની ખાદ્ય અને કૃષિ કચરામાંથી બાયોપૉલિમર્સ બનાવે છે, જ્યારે કોઈ યુનિક કંપની મંદિરનાં ફૂલોના કચરામાંથી બાયો-મટીરિયલ તૈયાર કરે છે જે પૅકેજિંગ સહિતના ઉપયોગ માટે કામ આવે છે. ભારતમાં IITs અને CSIR જેવી સંસ્થાઓ પણ સ્ટાર્ચ આધારિત પ્લાસ્ટિક, સેલ્યુલોઝ કમ્પોઝિટ અને કૃષિ કચરાથી બનેલા વિકલ્પ પૅકેજિંગ પર સંશોધન કરી રહી છે. ભારતની સૌથી મોટી શક્તિ એ છે કે અહીં મકાઈ પર આધાર રાખવાની જરૂર નથી, પરંતુ વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ કૃષિ કચરો બાયોપ્લાસ્ટિક માટે ઉપયોગમાં લઈ શકાય છે. આથી કાચા માલનો ખર્ચ ઓછો રહે છે.
વૈશ્વિક બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક પૅકેજિંગ બજારનું કદ ૨૦૨૫માં અંદાજે ૧૩૨૦ અબજ રૂપિયાનું હતું. ૨૦૨૬માં અંદાજે ૧૬૦૦ અબજ રૂપિયાથી વધીને ૨૦૩૪ સુધીમાં અંદાજે ૭૬૫૦ અબજ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે.
બદલાવ અપનાવવાની શરૂઆત
ભારતના સંદર્ભમાં બાયોપ્લાસ્ટિક પૅકેજિંગ અપનાવવાની સ્થિતિ હજી પ્રારંભિક તબક્કામાં છે અને મોટી બ્રૅન્ડ્સ સંપૂર્ણ રીતે બાયોપ્લાસ્ટિક પર સ્વિચ થઈ નથી, પરંતુ કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રયત્નો અને પાઇલટ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. Nandini (Karnataka Milk Federation)એ પ્લાન્ટ આધારિત બાયોડીગ્રેડેબલ દૂધના પાઉચ પર કામ શરૂ કર્યું છે જે પરંપરાગત પ્લાસ્ટિક પૅકેટનો વિકલ્પ બની શકે છે. આ ભારતના સૌથી પ્રૅક્ટિકલ અને મોટા સ્તરે લાગુ પડી શકે એવાં ઉદાહરણોમાંથી એક છે. BigBasketએ ડિલિવરી માટે સ્ટાર્ચ આધારિત કમ્પોસ્ટેબલ બૅગ્સનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે દેખાવમાં પ્લાસ્ટિક જેવા લાગે છે પરંતુ એ કુદરતી રીતે વિઘટિત થાય છે. આ ઈ-કૉમર્સ ક્ષેત્રમાં બાયોપ્લાસ્ટિકના ઉપયોગનું એક મહત્ત્વપૂર્ણ ઉદાહરણ છે. એ સિવાય Zomatoએ પોતાના પ્લૅટફૉર્મ પર રેસ્ટોરાં માટે મકાઈના સ્ટાર્ચમાંથી બનેલી કટલરી અને પૅકેજિંગ વિકલ્પો ઉપલબ્ધ કર્યા છે. આ સામગ્રી પ્લાસ્ટિક જેવી લાગે છે પરંતુ એ બાયોબેઝ્ડ અને કમ્પોસ્ટેબલ હોય છે, જ્યારે ઍમૅઝૉન, મિન્ત્રા અને ઝુડિયો જેવી મોટી બ્રૅન્ડ્સ રીસાઇક્લેબલ અને પ્લાસ્ટિક ઘટાડવાના પ્રયાસોમાં વધુ ધ્યાન આપી રહી છે અને સંપૂર્ણ બાયોપ્લાસ્ટિક અપનાવવાનું હજી બાકી છે.
મળો એવા સ્ટાર્ટઅપ્સને જે ખેતીના કચરામાંથી બનાવે છે પૅકેજિંગનું મટીરિયલ
ઍગ્રિકલ્ચરલ વેસ્ટમાંથી બનાવે છે પ્લાસ્ટિક

ઉખી (Ukhi) ભારતનું એક નવીન અને ઇનોવેશન-આધારિત સ્ટાર્ટઅપ છે જેનું મુખ્ય ધ્યેય કૃષિકચરાનો ઉપયોગ કરીને બાયોડીગ્રેડેબલ અને કમ્પોસ્ટેબલ પૅકેજિંગ મટીરિયલ્સ બનાવવાનું છે. ઉખીનો મૂળ વિચાર એ છે કે જે કૃષિઅવશેષો સામાન્ય રીતે બળી જાય છે અથવા વેડફાઈ જાય છે એને એવા મટીરિયલમાં કન્વર્ટ કરવામાં આવે જે પરંપરાગત પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે ઉપયોગી બની શકે. આ અભિગમ માત્ર પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદરૂપ નથી બનતો, ખેડૂતો માટે વધારાનું આર્થિક મૂલ્ય પણ સર્જે છે.
શેરડીના કૂચામાંથી પૅકેજિંગ મટીરિયલ તૈયાર થાય છે

પક્કા લિમિટેડ (Pakka Limited) ભારતની એક જાણીતી સસ્ટેનેબલ પૅકેજિંગ કંપની છે જેની શરૂઆત ૧૯૮૧માં થઈ હતી. પહેલાં એ પરંપરાગત પેપર ઉત્પાદક તરીકે જાણીતી હતી, પરંતુ સમય સાથે કંપની માત્ર પેપર ઉત્પાદક તરીકે નહીં પરંતુ મટીરિટલ ઇનોવેશન અને કમ્પોસ્ટેબલ પૅકેજિંગ ક્ષેત્રમાં કામ કરતી કંપની તરીકે વિકસી છે. આ માટે કંપની મુખ્યત્વે કૃષિકચરા જેવા કે શેરડીના બગાસનો ઉપયોગ કરીને એવું મટીરિયલ તૈયાર કરે છે જેનો ઉપયોગ ખાદ્ય પૅકેજિંગ, ટ્રે, પ્લેટ્સ અને અન્ય પ્રકારના પૅકેજિંગમાં થઈ શકે છે. આ કંપનીની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ફક્ત પેપર અથવા બગાસ-આધારિત ઉત્પાદનો સુધી સીમિત નથી. કંપનીનો પ્રયાસ એવો છે કે ચિપ્સનાં પૅકેટ, રૅપર અને અન્ય પ્રકારના લવચીક પૅકેજિંગ માટે પ્લાસ્ટિકને બદલે પર્યાવરણ-ફ્રેન્ડ્લી વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ બહુ ઓછી છે, પરંતુ ધીરે-ધીરે હવે આ ક્ષેત્રમાં રોકાણકારોનું ધ્યાન વધી રહ્યું છે.
શેવાળમાંથી મટીરિયલ પણ બને છે

ઝીરોસર્કલ (Zerocircle) એક નવું અને અત્યંત નવીન ભારતીય સ્ટાર્ટઅપ છે જેની સ્થાપના ૨૦૨૦માં ગુરુગ્રામમાં થઈ હતી. આ કંપનીની સ્થાપના નેહા જૈન દ્વારા કરવામાં આવી હતી અને એનો મુખ્ય હેતુ સીવીડ (seaweed-સમુદ્રી શેવાળ)નો ઉપયોગ કરીને પ્લાસ્ટિક પ્રદૂષણનો ઉકેલ લાવવાનો છે. આ મટીરિયલની પસંદગીનું કારણ એ છે કે કૃષિકચરા અથવા સ્ટાર્ચની જગ્યાએ શેવાળ ઝડપથી ઊગે છે, કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને એને જમીન કે મીઠા પાણીની જરૂર પડતી નથી. કંપનીએ શેવાળ-આધારિત બાયોપૉલિમર વિકસાવ્યા છે જેનો ઉપયોગ ફિલ્મ્સ એટલે કે પ્લાસ્ટિક જેવી લાગતી એકદમ પાતળી શીટ, સૅશે એટલે કે પાઉચ અને કોટિંગ્સ જેવી પૅકેજિંગ-આધારિત પ્રોડક્ટ્સ માટે થઈ શકે છે અને એ સંપૂર્ણપણે બાયોડીગ્રેડેબલ તથા સમુદ્ર માટે સુરક્ષિત છે.
બટાટા અને મકાઈનું બાયોડીગ્રેડેબલ મટીરિયલ

ટીજીપી બાયોપ્લાસ્ટિક્સ (TGP Bioplastics) એક ભારતીય સ્ટાર્ટઅપ છે જે મહારાષ્ટ્રના સાતારામાં સાંગલી વિસ્તારમાં શરૂ થયું હતું અને આશરે ૨૦૧૮-’૧૯ દરમ્યાન એની સ્થાપના થઈ હતી. આ કંપનીની શરૂઆત એન્જિનિયરિંગના ૩ વિદ્યાર્થીઓ ઇન્દ્રજિત મિકમ, કરન ચાવન અને તેજસ ઝગાડે દ્વારા કરવામાં આવી હતી. સરળ ભાષામાં કહીએ તો એવી કંપની છે જે થર્મોપ્લાસ્ટિક (Thermoplastic - ગરમ કરવાથી પીગળે અને ફરી શેપ લઈ શકે એવું પ્લાસ્ટિક) કુદરતી વસ્તુઓમાંથી બનાવે છે. સામાન્ય પ્લાસ્ટિક પેટ્રોલિયમમાંથી બને છે, પણ આ કંપની મકાઈ કે બટાટાના સ્ટાર્ચ કે કોઈ પણ પ્રકારના સ્ટાર્ચ અને પ્લાન્ટ ફાઇબર જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ સામગ્રીને પહેલાં પાઉડર અથવા પ્રવાહીરૂપે તૈયાર કરવામાં આવે છે. પછી એને રાસાયણિક પ્રક્રિયા અને ગરમી વડે એવી રીતે બદલવામાં આવે છે કે એ પ્લાસ્ટિક જેવી બની જાય. પછી આ મટીરિયલને મશીનમાં નાખીને બૅગ્સ, ફિલ્મ્સ અથવા પૅકેજિંગ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ થર્મોપ્લાસ્ટિક દેખાવ અને ઉપયોગમાં સામાન્ય પ્લાસ્ટિક જેવું જ હોય છે, પણ સમય સાથે જમીનમાં નાખો તો એનું કુદરતી રીતે વિઘટન થઈ જાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતું નથી.
આસપાસ કચરો ઘટાડી શકે છે
બાયોપ્લાસ્ટિક અને પર્યાવરણ-ફ્રેન્ડ્લી પૅકેજિંગ તરફનો બદલાવ આપણા દૈનિક જીવનમાં અને દેશ માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બદલાવથી સૌથી પહેલો ફાયદો પર્યાવરણને થયો છે. પરંપરાગત પ્લાસ્ટિક સદીઓ સુધી નાશ પામતું નથી, જ્યારે બાયોપ્લાસ્ટિક યોગ્ય પરિસ્થિતિઓમાં કુદરતી રીતે વિઘટિત થઈ શકે છે, જેના કારણે જમીન, નદીઓ અને સમુદ્રમાં થતા પ્રદૂષણમાં ઘટાડો થાય છે. આથી માઇક્રોપ્લાસ્ટિક્સનું પ્રમાણ પણ ઓછું થાય છે જે આપણા ખોરાક અને પાણીમાં પ્રવેશીને આરોગ્ય માટે ખતરનાક બની શકે છે. આપણા દૈનિક જીવનમાં કચરો ઓછો થાય છે અને કચરા મૅનેજમેન્ટ વધુ સરળ બને છે. જો કમ્પોસ્ટેબલ પૅકેજિંગનો ઉપયોગ વધે તો ભીના કચરાની સાથે એને પ્રોસેસ કરી શકાય છે, જેના કારણે લૅન્ડફિલ પરનો ભાર ઓછો થાય છે અને શહેરો વધુ સ્વચ્છ બને છે. આર્થિક રીતે આ બદલાવ ખેડૂતો માટે નવી તકો ઊભી કરે છે. કૃષિ કચરાનો ઉપયોગ બાયોપ્લાસ્ટિક બનાવવા માટે થવાથી ખેડૂતોને વધારાની આવક મળી શકે છે. સાથે- સાથે નવાં સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો ઊભા થાય છે જે રોજગાર સર્જે છે અને અર્થતંત્રને મજબૂત બનાવે છે. દેશના સ્તરે આ બદલાવથી ભારતની પેટ્રોલિયમની આયાત પણ ઘટી શકે છે હોર્મુઝમાં ચાલી રહેલા સંકટને કારણે આમેય ક્રૂડ ઑઇલની અછત વર્તાઈ રહી છે ત્યારે ઍગ્રિકલ્ચરલ વેસ્ટમાંથી બનતું ગ્રીન પ્લાસ્ટિક બીજી રીતે પણ ફાયદાકારક છે.
