Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હિલ-સ્ટેશનો પર વરસાદી હાહાકાર

હિલ-સ્ટેશનો પર વરસાદી હાહાકાર

Published : 08 July, 2026 07:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોનાવલાએ એક નવો ઑલટાઇમ રેકૉર્ડ (ATR) બનાવ્યો છે જેમાં માત્ર ૨૪ કલાકમાં ૬૭૦ મિલીમીટર વરસાદ પડ્યો છે

લોનાવલામાં અતિશય ભારે વરસાદને પગલે ઇન્દ્રાયણી અને પવના નદીમાં પૂર આવ્યું હતું, જેને કારણે નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં એકાકાર થયા હતા, મહાબળેશ્વરમાં ખાબકેલા અતિ ભારે વરસાદને પગલે અનેક ધોધ સક્રિય થઈને જોખમી સ્તરે વહી રહ્યા હતા.

લોનાવલામાં અતિશય ભારે વરસાદને પગલે ઇન્દ્રાયણી અને પવના નદીમાં પૂર આવ્યું હતું, જેને કારણે નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં એકાકાર થયા હતા, મહાબળેશ્વરમાં ખાબકેલા અતિ ભારે વરસાદને પગલે અનેક ધોધ સક્રિય થઈને જોખમી સ્તરે વહી રહ્યા હતા.


લોનાવલામાં પડ્યો એવો વરસાદ જે ૧૦૦૦ વર્ષમાં એકાદ વખત જ પડે, ૪૮ કલાકમાં કુલ ૧૨૯૦ મિલીમીટર વરસાદ પડ્યો

લોનાવલામાં રેસિડેન્શિયલ વિસ્તારોમાં ગઈ કાલે પૂરનાં પાણી ભરાતાં રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.



સહ્યાદ્રિ પર્વતમાળાઓનો એક ભાગ અને મુંબઈગરાઓના માનીતા હિલ સ્ટેશન લોનાવલામાં પાંચમી જુલાઈએ અભૂતપૂર્વ ૬૭૦ મિલીમીટર વરસાદ પડ્યો હતો જેને ૧૦૦૦ વર્ષમાં એકાદ વખત પડે એવો વરસાદ માનવામાં આવે છે. ત્યાર બાદ ૬ જુલાઈએ ૬૨૦ મિલીમીટર વરસાદ પડ્યો હતો જેને રેઇનફૉલ ફ્રીકવન્સીની સંભાવનાના સંદર્ભમાં ૫૦૦ વર્ષમાં એકાદ વખતનો વરસાદ માનવામાં આવે છે. 


આ ઍનૅલિસિસ ભારતીય હવામાન વિભાગ (IMD)ના સેન્ટ્રલ વૉટર કમિશન (CWC) ઍટલસ, ૨૦૧૫ મુજબ, રેઇનફૉલ ફ્રીકવન્સી પર આધારિત હતું. IMD-પુણેના ક્લાઇમેટ રિસર્ચ ઍન્ડ સર્વિસિસના ભૂતપૂર્વ વડા કે.એસ. હોસલિકર મુજબ લોનાવલામાં ૬૭૦ મિલીમીટર વરસાદ પડ્યો જે ૧૦૦૦ વર્ષની રેઇનફૉલ ફ્રીકવન્સી (૬૫૪ મિલીમીટર)ની સમકક્ષ છે. 
હવામાન ખાતા મુજબ લોનાવલામાં આટલા ભારે વરસાદનો પાછો ફરવાનો સમયગાળો ૧૦૦૦ વર્ષનો છે એટલે કે ૧૦૦૦ વર્ષમાં ફક્ત એક જ વાર લોનાવલામાં ૬૫૦ મિલીમીટરથી વધુ વરસાદ પડે છે

લોનાવલાએ એક નવો ઑલટાઇમ રેકૉર્ડ (ATR) બનાવ્યો છે જેમાં માત્ર ૨૪ કલાકમાં ૬૭૦ મિલીમીટર વરસાદ પડ્યો છે જે એને ભોર ઘાટ વિભાગમાં જોવા મળેલી સૌથી નોંધપાત્ર ચોમાસાની ઘટનાઓમાંની એક બનાવે છે. ૬૨૦ મિલીમીટર કરતાં વધુ વરસાદ એ એક ઘટના છે જે લગભગ દર ૫૦૦ વર્ષે એક વાર અને ૬૭૦ મિલીમીટર કરતાં વધુ વરસાદ એ એક અત્યંત દુર્લભ ઘટના છે જે લગભગ દર ૧૦૦૦ વર્ષે એક વાર થાય છે. 


૬ જુલાઈએ ઘાટમાં સૌથી વધુ વરસાદ દાવડી (૬૮૮ મિલીમીટર), લોનાવલા (૬૨૦ મિલીમીટર)માં પડ્યો હતો જેને કારણે જનજીવનને ભારે અસર થઈ હતી. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની ધારણા છે. 

મહાબળેશ્વરમાં ૧૦૦ વર્ષનો રેકૉર્ડ-બ્રેક વરસાદ, ૨૪ કલાકમાં ૫૧૩ મિલીમીટર ખાબક્યો

રાજ્યમાં ધોધમાર વરસી રહેલા વરસાદમાં સાતારા જિલ્લામાં રેકૉર્ડ-બ્રેક વરસાદ થઈ રહ્યો છે. મુંબઈગરાના માનીતા ટૂરિસ્ટ સ્પૉટ એવા મહાબળેશ્વરમાં ૨૪ કલાકમાં ૫૧૩ મિલીમીટર એટલે કે ૨૦ ઇંચ જેટલો વરસાદ થયો છે. એવું કહેવાય છે કે છેલ્લાં ૧૦૦ વર્ષમાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. 

આ વરસાદમાં સાતારા જિલ્લાના પશ્ચિમમાં આવેલી પર્વતમાળામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહાબળેશ્વરમાં ઠેકઠેકાણે રસ્તા પર પાણી ભરાયાં છે, ભેખડો ધસી પડી છે, રસ્તા તૂટી ગયા છે, ઝાડ ઊખડી ગયા છે. વીજળીની સપ્લાય ખંડિત થઈ છે અને અનેક ગામનો સંપર્ક તૂટી ગયો છે. ગ્રામ્ય વિસ્તારના ઘાટમાંથી પસાર થતા રસ્તાઓ પર માટીના ઢગલા, મોટા-મોટા પથ્થરો પડવાને કારણે રસ્તા બ્લૉક થઈ ગયા છે અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.  મહાબળેશ્વરમાં ૬ જુલાઈએ થયેલી ૫૧૩ મિલીમીટર વરસાદની નોંધ એ સાતારા જિલ્લામાં અત્યાર સુધી પડેલા સૌથી વધુ વરસાદની નોંધમાંની એક છે.

આ રેકૉર્ડ-બ્રેક વરસાદને કારણે પ્રશાસન સાવચેત થઈ ગયું છે અને લોકોને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળો એમ કહેવાયું છે. એક બાજુ મહાબળેશ્વરના ધોધ, વેણ્ણા લેક અને તળાવ ઓવરફ્લો થઈ રહ્યાં છે ત્યારે બીજી બાજુ આ મુશળધાર વરસાદ લોકો માટે મુસીબત પણ બની રહ્યો છે. 

અતિટ ગામમાં ક્લાઉડ-બર્સ્ટ જેવી પરિસ્થિતિ
સાતારાના ખંડાળા તાલુકાના અતિટ ગામમાં ક્લાઉડ-બર્સ્ટ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ડુંગરાઓમાંથી પણ પાણીનો જોરદાર પ્રવાહ આવવાને કારણે નદી-નાળાંઓમાં પૂર આવ્યાં છે. ગામના મંદિરમાં પણ પાણી ભરાઈ ગયાં છે. લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે જેના કારણે તેમની બધી જ ઘરવખરી ભીંજાઈ ગઈ છે અને બહુ બધું નુકસાન થયું છે. ખેતીને પણ પારાવાર નુકસાન થયું છે. સરકારે તેમના નુકસાનનું પંચનામું કરી ગામવાસીઓ ને ખેડૂતોને આર્થિક મદદ કરવી એવી લોકો માગણી કરી રહ્યા છે.       

 

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK