ભારે વરસાદની શક્યતા હોવાથી BMCએ મુંબઈની બધી જ સ્કૂલોમાં ગઈ કાલે રજા જાહેર કરી હતી
બપોરની પ્રાઇમરી સ્કૂલનું સેશન ચાલુ રાખવામાં આવતાં વાલીઓ બાળકોને લઈને સ્કૂલમાં પહોંચી ગયા હતા અને સ્કૂલ-બસ પણ ચાલુ હતી.
ભારે વરસાદ પડી રહ્યો હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મંગળવારે મુંબઈની તમામ સ્કૂલોમાં રજા આપી હતી. વળી એ માટેનો સર્ક્યુલર પણ ઇશ્યુ કર્યો હતો. જોકે BMCનો સર્ક્યુલર હોવા છતાં કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલી કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલે એની બપોરના સેશનની પ્રાઇમરી સેક્શનની સ્કૂલ ચાલુ રાખી હતી. વરસતા વરસાદમાં વાલીઓએ બાળકોને મૂકવા જવું પડ્યું હતું અને સ્કૂલ-બસ પણ ચાલુ હતી.
આ બાબતે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના વેસ્ટ ઝોનના ઇન્સ્પેક્ટર સંજય જાવીરનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘BMC તરફથી સર્ક્યુલર તો ગયો જ હતો. એમ છતાં કાંદિવલીની કપોળ વિદ્યાનિધિની બપોરના સેશનની સ્કૂલ ચાલુ હોવાની ફરિયાદ અમને મળી હતી. એથી અમે આ બાબતે ફોન કરીને સ્કૂલમાં વાત કરી હતી. એ વખતે સ્કૂલ તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે અમે સવારના સેશનની સેકન્ડરી સ્કૂલ બંધ જ રાખી હતી. જોકે પ્રાઇમરીના કેટલાક વાલીઓએ ઑરેન્જ અલર્ટ હોવાથી સ્કૂલ ચાલુ રાખો એવી રજૂઆત કરતાં અમે સ્કૂલ ચાલુ રાખી હતી. જોકે અમારો ફોન અંદાજે ૧.૩૦ વાગ્યે ગયા બાદ સ્કૂલે તાત્કાલિક સ્કૂલ બંધ કરીને બાળકોને છોડી મૂક્યાં હતાં.’
ADVERTISEMENT
આ બાબતે સંજય જાવીરને પૂછવામાં આવ્યું કે સરકારી સર્ક્યુલર હોય અને જો વાલીઓ કહે તો શું સ્કૂલ ચાલુ રાખી શકાય? ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે ‘સરકારી સર્ક્યુલરને ફૉલો કરવો જ પડે. એથી જ તેમણે પછી બાળકોને રજા આપી હતી. જોકે આ બાબતે અમે સ્કૂલને નોટિસ મોકલી છે અને તેમને લેખિતમાં ખુલાસો આપવા જણાવ્યું છે.’
