શું ભારતની શાન ગણાતી ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી ખરેખર ડલ થઈ રહી છે? સુરતથી લઈને મુંબઈ સુધીના ડાયમન્ડના વેપારીઓ વચ્ચે ચર્ચાઈ રહેલા આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ
લૅબગ્રોન હીરા
અખબારી અહેવાલો મુજબ કુદરતી હીરાના ભાવમાં ૨૦૧૧ના સર્વોચ્ચ સ્તરથી ૭૦ ટકા સુધીનો કડાકો બોલાઈ ચૂક્યો છે. છેલ્લાં બે-ત્રણ વર્ષ સરખાવીએ તો પણ ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાવાની વાત તો વેપારીઓ પોતે સ્વીકારે છે. બીજી તરફ પ્રોડક્શન વધતાં અને કૉમ્પિટિશનમાં ટકી રહેવાની લાયમાં ટેક્નૉલૉજીની મદદથી પ્રયોગશાળામાં તૈયાર થતા લૅબગ્રોન ડાયમન્ડના ભાવ તો ૯૦ ટકા સુધી ગગડી ગયા છે. જોકે આ આંકડાઓ વચ્ચે પણ ભારત હીરાના ક્ષેત્રે વિશ્વનું હૃદય હતું, છે અને રહેશે એવો આશાવાદ ઉદ્યોગના ખેરખાંઓમાં અકબંધ છે. ભાવ તૂટ્યા છે પણ માર્કેટ ભાંગી પડ્યું નથી. હીરાના વેપારીઓની આ પૉઝિટિવિટી પાછળનું ગણિત અને વાસ્તવિકતા સમજવાં જેવાં છે.
ફરક પડ્યો છે પણ...
ADVERTISEMENT
ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં ચોથી પેઢીએ કામ કરતા અને ૪૦ વર્ષનો વ્યક્તિગત અનુભવ ધરાવતા ભારત ડાયમન્ડ બુર્સના પ્રેસિડન્ટ અનુપ મહેતા કહે છે, ‘યસ, રિયલ ડાયમન્ડની ડિમાન્ડ પણ ઘટી છે અને ભાવ પણ તૂટ્યા છે, પરંતુ હીરાના વેપારીઓ એટલા સશક્ત છે કે તેઓ આ વાસ્તવિકતા સ્વીકારી શક્યા છે. ૨૦૨૧ની સરખામણીએ આજે ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો કડાકો ચોક્કસ બોલાયો છે, પણ છેલ્લા બે મહિનાથી માર્કેટની સ્થિતિ સુધરી રહી છે. બીજી વાત એ પણ સમજવી જરૂરી છે કે સાચા હીરા એક ‘લક્ઝરી આઇટમ’ છે. વૈશ્વિક અર્થતંત્રમાં જે રીતે મંદીનો માહોલ છે એની અસર હીરાના બિઝનેસ પર પડે જ. સારી બાબત એ છે કે આ પરિસ્થિતિથી વેપારીઓ હેબતાઈ નથી ગયા. આ બદલાવ ધીમે-ધીમે આવી રહ્યો હતો એટલે લોકો આ સ્થિતિમાં ઍડ્જસ્ટ થઈ ગયા છે. લોકોએ આ નવા સમયને ઍક્સેપ્ટ કરી લીધો છે અને આગળ વધવાનું શરૂ કરી દીધું છે. હવે માત્ર રફને પૉલિશ કરીને એક્સપોર્ટ કરવાને બદલે ફાઇનલ પ્રોડક્ટ તરીકે હીરાના દાગીના સપ્લાય કરવામાં વેપારીઓ વધુ રસ દાખવી રહ્યા છે. હું અત્યારે હૉન્ગકૉન્ગમાં એક્ઝિબિશનમાં છું અને અહીં પણ મેં લોકોને માલ વેચવા માટે કોઈ પ્રકારની ઉતાવળ કે ફફડાટમાં જોયા નથી. હીરાબજાર અત્યારે એક બદલાવમાંથી પસાર થઈ રહ્યું છે અને આ બદલાવ ભવિષ્યમાં નવી તકો લાવશે એવો વિશ્વાસ અકબંધ છે. બિઝનેસ શ્રિન્ક જરૂર થયો છે, પણ એમાંથી સર્વાઇવ કરવાની અને આગળ વધવાની નવી દિશાઓ પણ ખૂલી છે.’
ભારતનો વૈશ્વિક દબદબો
ભારતમાં હીરાનો ઇતિહાસ સદીઓ જૂનો છે. ગોલકોન્ડાની ખાણોમાંથી નીકળેલા કોહિનૂરથી લઈને વિશ્વપ્રસિદ્ધ હીરાઓ ભારતની ધરતીની દેન છે. સમય જતાં ખાણો ખાલી થઈ, પણ ભારતે પોતાની શક્તિ કટિંગ અને પૉલિશિંગમાં ટ્રાન્સફર કરી. સુરત વિશ્વનું એવું કેન્દ્ર બન્યું જ્યાં દુનિયાના દસમાંથી ૯ હીરા પ્રોસેસ થાય છે. સુરત ડાયમન્ડ અસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટ કહે છે, ‘દુનિયાના ૯૦ ટકા હીરા સુરતમાં બને છે અને હવે આપણે ૧૦૦ ટકા તરફ આગળ વધી રહ્યા છીએ. નફાનું માર્જિન ઘટ્યું છે અને કિંમતમાં ફરક પડ્યો છે એ વાત સાચી. છતાં હું કહીશ કે ૨૦૦૮ની જે વૈશ્વિક મંદી હતી એના કરતાં અત્યારની સ્થિતિ ઘણી સારી છે. રત્નકલાકારોની દૃષ્ટિએ પણ કોઈ બહુ મોટો નકારાત્મક ફરક નથી પડ્યો. જે લોકો વર્ષોથી ધંધો કરે છે તેઓ આવા ઝાટકા અને ઉતાર-ચડાવથી ટેવાયેલા જ હોય છે એટલે આ બાબતે બહુ ઊહાપોહ કરવાની કે ગભરાવાની જરૂર નથી.’
વૈશ્વિક સમીકરણો
હીરાબજારનો વેપાર મુખ્યત્વે ડૉલરમાં ચાલે છે એટલે ભારતીય ચલણમાં આંકડાઓની રમત સહેજ અલગ દેખાય છે. જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના પ્રેસિડન્ટ કિરીટ ભણસાલી વેપારનાં બદલાતાં સમીકરણો વિશે વિગતવાર સ્પષ્ટતા કરતાં કહે છે, ‘આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાસ કરીને નાની સાઇઝના હીરાના ભાવમાં ડૉલરની દૃષ્ટિએ ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થયો છે જે ઇતિહાસમાં સૌથી નીચલા સ્તરે ગણી શકાય, પરંતુ ભારતીય ગ્રાહકો માટે ગણિત સહેજ અલગ છે. પચીસ વર્ષ પહેલાં ડૉલરનો ભાવ પચીસ રૂપિયા હતો જે આજે વધીને ઘણો ઉપર પહોંચી ગયો છે. આથી ઇન્ટરનૅશનલ માર્કેટમાં ડૉલરવાઇઝ ભાવ તૂટ્યા હોવા છતાં રૂપિયાના અવમૂલ્યનને કારણે સ્થાનિક સ્તરે ડાયમન્ડ એ પ્રમાણમાં સસ્તા થયા નથી. અનેક વૈશ્વિક પડકારો છતાં આપણી એક્સપોર્ટ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ૨૮ બિલ્યન ડૉલરની આસપાસ જળવાઈ રહી છે. અમેરિકામાં ટૅરિફની નીતિઓ અને ચીનમાં ઘટેલી ડિમાન્ડ જેવાં જિયો-પૉલિટિકલ કારણોસર આપણાં બે મુખ્ય બજારો સુસ્ત પડ્યાં છે, પરંતુ કૉમર્સ મિનિસ્ટ્રી દ્વારા થઈ રહેલા ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટને કારણે બ્રિટન, ન્યુ ઝીલૅન્ડ જેવાં નવાં માર્કેટ્સમાંથી સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે.’
GJEPC ચિંતન શિબિરમાં કૉમર્સ મિનિસ્ટ્રીના અધિકારીઓએ સલાહ આપી હતી કે હવે આપણે માત્ર રફ ડાયમન્ડ ઇમ્પોર્ટ કરીને એને પૉલિશ કરીને એક્સપોર્ટ કરવા સુધી સીમિત નથી રહેવાનું એમ જણાવીને કિરીટ ભણસાલી વધુમાં ઉમેરે છે, ‘હવે સમય બ્રૅન્ડ ઇન્ડિયા બનાવવાનો છે. વિશ્વમાં જ્વેલરીની કુલ ડિમાન્ડ સામે ભારત અત્યારે માત્ર ૧૦ ટકા જ સપ્લાય કરે છે. આપણી પાસે વિકાસ કરવાની બહુ જ મોટી તક છે. જે રીતે આજે ‘મેડ ઇન ઇટલી’ની બોલબાલા છે એ જ રીતે વિશ્વસ્તરની ડિઝાઇન અને ટેક્નૉલૉજી સાથે ‘મેડ ઇન ઇન્ડિયા’ જ્વેલરી બ્રૅન્ડ્સ ઊભી કરવી પડશે. ગુચી, લુઈ વિત્તોં કે પ્રાડા જેવી ગ્લોબલ બ્રૅન્ડ્સના શોરૂમ્સની બહાર જેમ લાઇનો લાગે છે એવી જ રીતે ભારતીય જ્વેલરી શોરૂમ્સ વિશ્વભરમાં સ્થાપિત થાય એ દિશામાં ટ્રેઇનિંગ અને પ્રોડક્શન ચાલી રહ્યાં છે.’
કુદરતી વિરુદ્ધ લૅબગ્રોન
લૅબગ્રોન ડાયમન્ડ રાસાયણિક અને ભૌતિક રીતે કુદરતી હીરા જેવા જ હોય છે. તફાવત માત્ર એ છે કે કુદરતી હીરાને પૃથ્વીના પેટાળમાં બનતાં કરોડો વર્ષ લાગે છે, જ્યારે લૅબગ્રોન હીરા કેમિકલ વેપર ડિપોઝિશન (CVD) કે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર (HPHT) ટેક્નૉલૉજીથી લૅબમાં થોડા દિવસોમાં તૈયાર થાય છે. અત્યારની સ્થિતિની વાત કરતાં લૅબગ્રોન ડાયમન્ડ અસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણી કહે છે, ‘બજારમાં રિયલ કે લૅબગ્રોન વચ્ચે કોઈ નારાજગી કે અંદરોઅંદરની ખેંચતાણ નથી. પહેલાં લોકો કહેતા કે હીરા હૈ સદા કે લિએ, જ્યારે આજે અમે કહીએ છીએ કે હીરા હૈ સબ કે લિએ. લૅબગ્રોન ડાયમન્ડ બધા માટે છે. અત્યારે અસોસિએશન ભાવ નિયંત્રણમાં રહે અને રત્નકલાકારોની પરિસ્થિતિ ખરાબ ન થાય એ માટે પૉલિશ્ડ હીરાના વેચાણ પર ભાવ સરભર કરવા પ્રયાસ કરી રહ્યું છે. લૅબગ્રોનનો બિઝનેસ વધવાથી જ્વેલરી-મેકિંગ સાથે જોડાયેલા લાખો લોકોને રોજીરોટી મળી રહી છે. હું ૪૦ વર્ષથી રિયલ ડાયમન્ડ ક્ષેત્રમાં હતો અને ૨૦૧૪માં લૅબગ્રોનમાં આવ્યો. ૨૦૧૬-’૧૭માં અમે અસોસિએશન બનાવ્યું ત્યારે બજારમાં લૅબગ્રોનનો હિસ્સો માંડ પાંચ ટકા હતો, જે આજે વધીને ૫૦ ટકા થઈ ગયો છે. કઈ ઝડપે આપણે ત્યાં એ વિકસી રહ્યું છે? સ્વાભાવિક છે કે નૅચરલ ડાયમન્ડ ખરીદનારો વર્ગ દુનિયાની વસ્તીના માંડ એક-બે ટકા છે. નૅચરલ ડાયમન્ડ ક્લાસ માટે છે અને ઇમોશન સાથે જોડાયેલા છે, જ્યારે લૅબગ્રોન માસ માટે છે. ડ્રાઇવર પણ પોતાની પત્ની માટે ૧૦,૦૦૦ રૂપિયાની રિંગ લાવી શકે એ ક્રાન્તિ લૅબગ્રોન લાવ્યું છે. લૅબગ્રોન બિઝનેસના કારણે આજે જ્વેલરી-મેકિંગ સાથે જોડાયેલા લાખો કારીગરોને રોજીરોટી મળી રહી છે.’
આ જ વાતમાં સૂર પુરાવતાં કિરીટ ભણસાલી કહે છે, ‘નૅચરલ ડાયમન્ડ અને લૅબગ્રોન બન્નેનું માર્કેટ અલગ છે. નૅચરલ ડાયમન્ડ ખાણોમાંથી આવે છે અને એ મર્યાદિત છે અને એનો
એક ચોક્કસ ‘ક્લાસ’ છે; જ્યારે લૅબગ્રોન ડાયમન્ડ અફૉર્ડેબલ છે, એ ‘માસ’ માટે છે. બીજી બાજુ સરકારની નીતિ સ્પષ્ટ છે કે લૅબગ્રોન ક્ષેત્રે ૧૦૦ ટકા ‘મેક ઇન ઇન્ડિયા’ મૉડલ ઊભું થાય. કાચો માલ બનાવવાથી લઈને જ્વેલરી બનાવીને શોરૂમ સુધી વેચવાની એવી સિસ્ટમ બને અને સાથે ઇન્ડસ્ટ્રિયલ ઉપયોગ માટે પણ ભારતમાં અત્યારે પણ સક્રિય ઇકો-સિસ્ટમનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ થાય, જેથી ૧૦૦ ટકા પ્રૉફિટ દેશમાં જ રહે. આજે બધી જ મોટી કંપનીઓએ નૅચરલનું કામ ઘટાડ્યા વગર લૅબગ્રોનમાં પણ પ્રવેશ કર્યો છે. થોડા સમય માટે બજારમાં ઘસરકો જરૂર છે, પણ સરકાર સાથે મળીને નવું માર્કેટ્સ શોધીને ઇન્ડસ્ટ્રી રિકવરી તરફ આગળ વધી રહી છે.’
ટેક્નૉલૉજી આધારિત ભવિષ્ય
બજારના આંતરિક પ્રવાહો પર નજર રાખતાં હીરાના એક વેપારી બજારના બદલાયેલા માનસિક દૃષ્ટિકોણ પર વાત કરતાં કહે છે, ‘પહેલાં લોકો ડાયમન્ડ ખરીદીને રાખતા, કારણ કે એના ભાવ વધતા હતા. હવે એ વિશ્વાસ તૂટ્યો છે કે ડાયમન્ડ રોકાણ છે. ભાવ સતત ઘટતાં ઇન્વેસ્ટરો દૂર થયા છે અને ટ્રેડિંગ ઘટ્યું છે. લૅબગ્રોનના ભાવ એટલા તૂટ્યા કે એણે કુદરતી હીરાના માર્કેટને પણ અસર પહોંચાડી. કહેવત છેને કે ‘હમ તો ડૂબે હૈં સનમ, તુમકો ભી લે ડૂબેંગે’. એવું લૅબગ્રોને કુદરતી હીરા સાથે કર્યું. જોકે સુરતના વેપારીઓ વ્યવહારુ છે. ઘણા લોકોએ હીરામાંથી કૅપિટલ પાછી ખેંચીને ટેક્સટાઇલ અથવા એમ્બ્રૉઇડરી જેવા અન્ય વ્યવસાયોમાં સ્થળાંતર કરી લીધી છે. બીજી બાજુ સુરત ડાયમન્ડ બુર્સને ખૂબ રંગેચંગે આગળ ધપાવવાની બાબતમાં પણ બ્રેક તો લાગી જ છે. નવી ઑફિસ ખરીદનારાઓ ઘટ્યા છે. જેમણે ઑફિસ ખરીદી છે તેમને લાગત રકમ મળી રહી છે, પણ વધારાનો કોઈ પ્રૉફિટ નથી. બેશક, આવનારા સમયમાં લૅબગ્રોનના વિકાસ સાથે સુરત ડાયમન્ડ બુર્સ પાછું ધમધમતું થાય એવી સંભાવનાઓ પણ માર્કેટમાં સંભળાઈ રહી છે.’
કેન્દ્ર સરકાર પણ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીના બદલાતા સ્વરૂપથી પૂરી રીતે વાકેફ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે અગાઉ પણ વૈશ્વિક મંચ પરથી ભારતીય લૅબગ્રોન ડાયમન્ડ ક્ષેત્રની ક્ષમતાને બિરદાવી છે. સરકારની સ્પષ્ટ નીતિ છે કે ભારત માત્ર કાચો માલ લાવીને મજૂરી કરતો દેશ ન રહેવો જોઈએ. લૅબગ્રોન ક્ષેત્રે ૧૦૦ ટકા ‘મેક ઇન ઇન્ડિયા’ થાય, રફના નિર્માણથી લઈને મશીનરી અને આખરી આભૂષણ સુધીનો તમામ પ્રૉફિટ ભારત પાસે રહે એ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-ચેન્નઈ જેવી સંસ્થાઓને સંશોધન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સરકાર ઇચ્છે છે કે ભારતીય ક્ષેત્ર પોતાનું સોલર સેટઅપ, પોતાનાં મશીનો અને પોતાના શોરૂમ્સ વૈશ્વિક સ્તરે સ્થાપિત કરે.
આખી ચર્ચાનો સાર એવો કાઢી શકાય કે ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ઊથલપાથલ ચોક્કસ છે, પણ એ કોઈ વિનાશ નથી પરંતુ એક મોટી ઉત્ક્રાન્તિ તરફ આગળ વધી રહી છે. જેમ ભૂતકાળમાં બગસરા ગોલ્ડ આવ્યા છતાં રિયલ ગોલ્ડનું વજૂદ ખતમ ન થયું એમ નૅચરલ ડાયમન્ડ પણ પોતાની અનન્યતા અને લિમિટેડ સપ્લાયને કારણે એક ખાસ વર્ગમાં પોતાનું સ્થાન જાળવી રાખશે. વેપારીઓએ હવે પરંપરાગત ટ્રેડિંગ છોડીને ટેક્નૉલૉજી, ડિઝાઇનિંગ અને ગ્લોબલ બ્રૅન્ડિંગ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. સુરત ડાયમન્ડ બુર્સ જેવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતીય હીરાઉદ્યોગ પોતાના આ દશકાના નવા ઝટકાને પચાવીને, નવી દિશાઓ શોધીને ફરી એક વાર ગ્લોબલ માર્કેટ પર રાજ કરવા સજ્જ થઈ રહ્યો છે.
ભારતના હીરાઉદ્યોગ માટે આશાનું નવું કિરણ : AIથી લઈને સેમી-કન્ડક્ટર ટેક્નૉલૉજીમાં વપરાય છે હીરા
વૈશ્વિક સ્તરે ઉત્પાદિત કે પ્રયોગશાળામાં બનતા કુલ હીરામાંથી લગભગ ૭૦થી ૮૦ ટકા હીરાનો ઉપયોગ જ્વેલરીમાં નહીં પરંતુ ઇન્ડસ્ટ્રિયલ કટિંગ, સર્જિકલ બ્લેડ અને ઇલેક્ટ્રૉનિક્સમાં થાય છે. થોડા સમય પહેલાં ભારત ડાયમન્ડ બુર્સમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહે ભારપૂર્વક કહ્યું હતું કે ‘સુરત અને ગુજરાત પાસે જે હીરાનું નેટવર્ક છે એ માત્ર ઝવેરીઓ માટે નથી પણ ડિફેન્સ, ઇલેક્ટ્રૉનિક્સ અને ચિપ મૅન્યુફૅક્ચરિંગ માટેનો પાયો બની રહ્યું છે. હીરાઉદ્યોગને આપણે માત્ર મોજશોખ કે દાગીના વેચવા પૂરતો મર્યાદિત નથી જોવાનો. લૅબગ્રોન ડાયમન્ડ એ ભારત માટે ફ્યુચર ટેક્નૉલૉજીનો દરવાજો છે. આવનારા સમયમાં ભારત માત્ર આભૂષણોની નિકાસ નહીં કરે પરંતુ દુનિયાભરના
સેમી-કન્ડક્ટર, સ્પેસ ટૂલ્સ અને રિસર્ચ ક્ષેત્રે વપરાતા ઇન્ડસ્ટ્રિયલ ડાયમન્ડ બનાવવામાં પણ નંબર વન બનશે.’
વિશ્વમાં અત્યારે જે રીતે AI ક્રાન્તિ ચાલી રહી છે એમાં ડેટા સેન્ટર્સ અને હાઈ-સ્પીડ પ્રોસેસર્સ ૨૪ કલાક કાર્યરત રહે છે. પરિણામે અતિશય ગરમી પેદા થાય છે. અહીં જ લૅબગ્રોન હીરો ગેમ-ચેન્જર સાબિત થયો છે. હીરો પૃથ્વી પરનો સૌથી વધુ ઉષ્માવાહક પદાર્થ છે. એ તાંબા કરતાં પાંચગણી ક્ષમતા સાથે અને સિલિકૉન કરતાં બાવીસગણી વધુ ઝડપે ગરમીને શોષીને બહાર ફેંકી શકે છે. AI પ્રોસેસિંગ માટે વપરાતી અત્યાધુનિક ચિપ્સમાં ડાન્સ વિથ ડાયમન્ડ ટેકનૉલૉજીથી લૅબગ્રોન હીરાના પાતળા સ્તરનો ઉપયોગ થવા લાગ્યો છે. એનાથી ચિપ્સનું આયુષ્ય અને પ્રોસેસિંગ સ્પીડ ૩૦થી ૪૦ ટકા સુધી વધી જાય છે.
5G/6G અને સ્પેસ ટેક્નૉલૉજીના વિકાસ માટે જરૂરી હાઈ-ફ્રીક્વન્સી સેમી-કન્ડક્ટર્સ, ઑપ્ટિકલ લેઝર વિન્ડોઝ અને સ્પેસ સૅટેલાઇટ્સના સરેરાશ
કટિંગ-ગ્રાઇન્ડિંગમાં ૧૦૦ ટકા હીરાની પ્લેટ્સ અને ડસ્ટ વપરાય છે.
હાઈ-ટેક અને લેઝર કટિંગ ડાયમન્ડ પ્લેટ્સ બનાવવા માટે સુરતના અનુભવી કારીગરોનો ફરીથી ઉપયોગ થઈ રહ્યો છે, જેથી જ્વેલરીમાં જે માર્જિન ઘટી ગયું હતું એ આ ઉદ્યોગોના બલ્ક ઑર્ડર્સથી સરભર થઈ રહ્યું છે. નિષ્ણાતો માને છે કે ભારતીય હીરાબજાર માત્ર ચમકદમક પર નિર્ભર નથી પણ વિશ્વની ભાવિ ટેક્નૉલૉજીની કરોડરજ્જુ બનવાની પૂરી ક્ષમતા ધરાવે છે.
લૅબગ્રોનના બે પ્રકાર
કેમિકલ વેપર ડિપોઝિશન (CVD) જે ભારતમાં વધુ બને છે અને એની રફ ચોરસ આકારમાં તૈયાર થાય છે. હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર (HPHT) જે ચીનની મુખ્ય પ્રોડક્ટ છે અને એ કુદરતી હીરા જેવા રફ સ્વરૂપમાં બને છે.
તમને ખબર છે?
ભારતીય બજારમાં ગ્રાહકોની સુવિધા અને પારદર્શિતા માટે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જે મુજબ ‘ડાયમન્ડ’ કે ‘હીરા’ શબ્દનો સ્વતંત્ર ઉપયોગ માત્ર કુદરતી હીરા માટે જ કરી શકાશે. વેપારીઓએ લૅબગ્રોન હીરા માટે લૅબગ્રોન ડાયમન્ડ સ્પષ્ટપણે લખવું ફરજિયાત છે. એના માટે ફેક કે માત્ર LGD કે CVD જેવા અસ્પષ્ટ શબ્દો વાપરી શકાશે નહીં.
