અણ્ણા હઝારેએ રાજકીય પક્ષોને આગ્રહ કર્યો કે તેઓ તેમની ટીકા કરવાને બદલે રાષ્ટ્ર અને સમાજ સામેની સમસ્યાઓ પર ધ્યાન આપે. તેમણે કહ્યું, "હું માત્ર સમાજ અને દેશના હિત વિશે વિચારું છું. દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે, અને તમારી પાસે સંસાધનોની કોઈ કમી નથી."
અણ્ણા હજારે
અણ્ણા હઝારેએ કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીના પુસ્તક `બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ` (Belonging: A Journey of Love)માં તેમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ઉલ્લેખ કરવામાં આવ્યા અંગે પ્રતિક્રિયા આપી છે. આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ દાવો કર્યો છે કે ૨૦૧૨માં થયેલા `ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન` (India Against Corruption) આંદોલનને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું ગુપ્ત સમર્થન હતું. આ આંદોલનનું નેતૃત્વ અણ્ણા હઝારેએ કર્યું હતું. અણ્ણા હઝારેએ આ અંગે જણાવ્યું હતું કે તેમનો કોઈ પણ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે કૉંગ્રેસ કે ભાજપ સાથે તેમને કોઈ લેવાદેવા નથી; તેમના માટે માત્ર સમાજ અને રાષ્ટ્રનું હિત જ સર્વોપરી છે. અણ્ણા હઝારેએ કહ્યું, "આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલા ઘણા લોકો પણ મારા આંદોલનને કારણે પોતાના ઘરે પાછા ફર્યા હતા. હું રાજકીય પક્ષોના દ્રષ્ટિકોણથી વિચારતો નથી. મારા માટે માત્ર સમાજ અને રાષ્ટ્ર જ મહત્વના છે. આવી સંકુચિત વિચારસરણી રાખવી યોગ્ય નથી."
રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ
ADVERTISEMENT
અણ્ણા હઝારેએ રાજકીય પક્ષોને આગ્રહ કર્યો કે તેઓ તેમની ટીકા કરવાને બદલે રાષ્ટ્ર અને સમાજ સામેની સમસ્યાઓ પર ધ્યાન આપે. તેમણે કહ્યું, "હું માત્ર સમાજ અને દેશના હિત વિશે વિચારું છું. દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે, અને તમારી પાસે સંસાધનોની કોઈ કમી નથી. તમારે આવા મુદ્દાઓ વિશે વિચારવું જોઈએ અને સમાજના કલ્યાણ માટે કામ કરવું જોઈએ. મારી ટીકા કરવાને બદલે, રાષ્ટ્ર અને સમાજ સામેના પડકારો પર ધ્યાન આપો." તેમણે પોતાની પૅન્શનનો પણ ઉલ્લેખ કર્યો અને સૂચન કર્યું કે તેમને મળતી રકમનો ઉપયોગ દુષ્કાળથી પ્રભાવિત લોકોને મદદ કરવા અને આ સંકટનો સામનો કરવા માટે થવો જોઈએ. તેમણે લોકોને સમાજ અને રાષ્ટ્રની જરૂરિયાતો પૂરી કરવા માટે આગળ આવવા આહ્વાન કર્યું.
સોનિયા ગાંધીના પુસ્તકમાં આંદોલનનો ઉલ્લેખ
સોનિયા ગાંધીએ તેમના પુસ્તક `બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ`માં લખ્યું છે કે ૨૦૧૨માં મહારાષ્ટ્રના સામાજિક કાર્યકર `અણ્ણા` હઝારેના નેતૃત્વમાં `ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન` આંદોલન શરૂ થયું હતું. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આંદોલન ભાજપ અને RSS દ્વારા ગુપ્ત રીતે આયોજિત કરવામાં આવ્યું હતું અને તેમને તેમનું સમર્થન પ્રાપ્ત હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA) સરકારને સત્તા પરથી હટાવવાનો હતો. સોનિયા ગાંધીના જણાવ્યા અનુસાર, આ આંદોલન દરમિયાન અણ્ણા હજારેને વ્યાપક સમર્થન મળ્યું હતું. લોકપાલની નિમણૂકની માગ સાથે તેમણે દિલ્હીમાં આમરણાંત ઉપવાસ કર્યા હતા. આ આંદોલને UPA સરકાર પર દબાણ ઊભું કર્યું, જેના પરિણામે આખરે `લોકપાલ કાયદો` પસાર થયો.
પુસ્તક વાંચવા માટે અપીલ
અણ્ણા હજારેએ તેમના આગામી પુસ્તક `અણ્ણા હજારે: ગ્રામ યોગી` વિશે પણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ પુસ્તકમાં તેમના બાળપણથી લઈને અત્યાર સુધીના જીવન અને તેમણે સમાજ માટે કરેલા કાર્યોનો સમાવેશ થાય છે. તેમણે લોકોને આ પુસ્તક વાંચવા માટે અનુરોધ કર્યો. ટીકાઓનો જવાબ આપતા અણ્ણાએ કહ્યું કે, અન્ય લોકો શું કહે છે તેનાથી તેઓ વિચલિત થતા નથી. ફળ આપતા વૃક્ષનું ઉદાહરણ આપતા - જેના પર લોકો પથ્થર ફેંકતા હોય છે - તેમણે કહ્યું કે વ્યક્તિએ કોઈપણ ટીકાની પરવા કર્યા વિના પોતાનું કર્તવ્ય નિભાવવાનું ચાલુ રાખવું જોઈએ.
