વાંદરો જેમ એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકો મારે એમ તમે પણ એક રિલેશનશિપ હજી તો પૂરી થાય ન થાય ત્યાં બીજી રિલેશનશિપમાં એન્ટર થઈ જાઓ છો અને પછી એક પૉઇન્ટ એવો આવે છે કે તમે એમ વિચારવા માંડો છો કે દર વખતે કેમ હું ખોટી રિલેશનશિપમાં ફસાઈ જાઉં છું?
પ્રતીકાત્મક તસવીર
તમે તમારી આસપાસ એવા ઘણા લોકો જોયા હશે જેઓ આજે કોઈની સાથે એક રિલેશનશિપમાં છે અને થોડા સમય પછી તમે તેમને જોશો તો કોઈ બીજાની સાથે રિલેશનશિપમાં દેખાશે. એ લોકોને તમે ક્યારેય સિંગલ જોશો જ નહીં. આપણને એમ થાય કે એ લોકો કઈ રીતે એક રિલેશનશિપમાંથી બીજી રિલેશનશિપમાં આટલા ઝડપથી આગળ વધી શકે? આને જ મન્કી-બ્રાન્ચિંગ કહેવાય. વાંદરો જ્યાં સુધી બીજી ડાળી ન પકડે ત્યાં સુધી પહેલી ડાળી છોડતો નથી. ઘણા લોકો રિલેશનશિપમાં પણ કંઈક આવું જ કરતા હોય છે. જ્યાં સુધી તેમની પાસે કોઈ બીજું બૅકઅપ ન આવી જાય ત્યાં સુધી તેઓ પહેલાંની રિલેશનશિપને છોડતા નથી. એ લોકો જૂની રિલેશનશિપમાંથી પૂરેપૂરા બહાર આવ્યા ન હોવા છતાં નવી રિલેશનશિપમાં ઇમોશનલી ઇન્વેસ્ટ થવાનું શરૂ કરી દે છે. એ લોકોને એકલા પડી જવાનો ડર હોય છે. બ્રેકઅપ બાદ જે ખાલીપો અને પીડાની લાગણી થાય એનો તેઓ અનુભવ કરવા ઇચ્છતા નથી. એટલે તેઓ તેમના જીવનમાં બીજી વ્યક્તિને સ્થાન આપી દે છે એમ સમજીને કે તેના આવવાથી બધું ઠીક થઈ જશે, પણ એવું હોતું નથી. જ્યારે તમે કોઈ રિલેશનશિપને યોગ્ય રીતે ખતમ કર્યા વગર બીજી રિલેશનશિપ શરૂ કરવા પાછળ ભાગો છો ત્યારે તમે એ જ જૂની મિસ્ટેક્સ નવી રિલેશનશિપમાં પણ રિપીટ કરો છો. એટલે એક સમયે પછી તમને એવું લાગવા માંડે છે કે શા માટે બધી જ રિલેશનશિપ ટૉક્સિક બની જાય છે? એટલે આ ટૉક્સિક ઇમોશનલ પૅટર્નને બ્રેક કરવી ખૂબ જરૂરી છે. એ કઈ રીતે શક્ય છે અને આવા સ્વભાવ પાછળની સાઇકોલૉજી શું છે એ વિશે આપણે સાઇકોલૉજિસ્ટ તેજલ કારિયા પાસેથી જાણીએ તેમના પોતાના જ શબ્દોમાં...
કોનામાં આવું બિહેવિયર જોવા મળે?
ADVERTISEMENT
મન્કી-બ્રાન્ચિંગ એ લોકોમાં જોવા મળે છે જે લોકો સંબંધમાં ખૂબ અસુરિક્ષતતાનો અનુભવ કરે છે અને તેમને સતત પ્રેમ અને આશ્વાસનની જરૂર હોય છે. તેમને એકલા રહેવાનો એટલો ઊંડો ડર હોય છે કે તેઓ એક સંબંધ પૂરી રીતે ખતમ થતાં પહેલાં જ બીજો સંબંધ જોડી લે છે. કેટલાક લોકો પરિત્યાગનો ડર લઈને ચાલે છે. બાળપણમાં ભાવનાત્મક ઉપેક્ષા અથવા અસ્થિર વાતાવરણ મળવાથી તેમને લાગે છે કે એકલાપણું ખૂબ દુખ આપશે. એટલે તેઓ કોઈના ને કોઈના પર ભાવનાત્મક રીતે નિર્ભર રહે છે. ઘણી વાર ઓછું આત્મસન્માન પણ ખૂબ મોટું કારણ હોય છે. જ્યારે વ્યક્તિ પોતાને પર્યાપ્ત નથી સમજતી ત્યારે તે બીજા પાસેથી મળનારા વૅલિડેશન એટલે કે સ્વીકૃતિ અને માન્યતા પર ટકેલી રહે છે. જેવું એક સંબંધમાં વૅલિડેશન ઘટે એટલે તે બીજા સંબંધની દિશામાં ભાગે છે. ઘણા લોકો કમિટમેન્ટથી ગભરાય છે એટલે કે જ્યારે રિલેશનશિપ સિરિયસ થાય તો તેઓ એમાંથી બહાર નીકળવા માટે બીજો ઑપ્શન બનાવી લે છે. ઘણા લોકો પાસે બાળપણનો એવો ઘા કે જૂનો ટ્રૉમા હોય છે જેને કારણે તેઓ એ જ પ્રકારની ટૉક્સિક પૅટર્ન રિપીટ કર્યા કરે છે, કારણ કે તેમને એ ફૅમિલિયર લાગે છે. કેટલાક લોકો ઇમોશનલ ડિપેન્ડન્સીને કારણે પણ ક્યારેય એકલા રહી શકતા નથી, જ્યારે કેટલાકને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની આદત થઈ જાય છે. આ બધી પૅટર્ન દેખાડે છે કે વ્યક્તિ પોતાની જાતનો સામનો કરવાથી, ખાલીપાને સહન કરવાથી અને ભાવનાત્મક રીતે મજબૂત થવાથી બચવા ઇચ્છે છે.
કઈ રીતે આમાંથી બહાર આવવું?
જ્યાં સુધી તમને એ ખબર ન પડે કે તમારી આ પૅટર્ન આવી ક્યાંથી ત્યાં સુધી એને બ્રેક કરવી અઘરી છે. એ માટે તમારે થેરપિસ્ટ પાસે જવું જોઈએ, કારણ કે ત્યાં કોઈ એવી વ્યક્તિ છે જે તમારા મનની અંદર છુપાયેલી વાતોને બહાર કાઢવામાં તમારી મદદ કરે છે. જે વસ્તુનો તમે વર્ષોથી અનુભવ કરી રહ્યા હો, પણ સમજી શકતા ન હો એને સમજાવવામાં તે તમારી મદદ કરે છે. થેરપિસ્ટ તમારી ભાવનાઓને ઉકેલીને એની પાછળનું કારણ સમજાવે છે અને આગળ વધવાનો યોગ્ય રસ્તો બતાવે છે. ઘણી વાર થેરપિસ્ટને વ્યક્તિની ઇમોશનલ પૅટર્ન સમજવા માટે તેના બાળપણમાં અથવા તો તે મમ્મીના પેટમાં હતી ત્યારે તેની મમ્મી કેવી ભાવનાત્મક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી એ હદ સુધી જવું પડતું હોય છે. આપણે સંબંધમાં એકની એક ભૂલ વારંવાર કરતા હોઈએ છીએ, પણ આપણને પણ ખબર હોતી નથી કે આવું કેમ થઈ રહ્યું છે. દરેક વ્યવહાર પાછળ કોઈ ને કોઈ ટ્રિગર છુપાયેલું હોય છે. જેમ કે તમને એકલા પડી જવાનો ડર હોય, તમને સતત વૅલિડેશનની જરૂર પડતી હોય, તમારી અંદર સતત રિજેક્શનનો ડર છુપાયેલો હોય અથવા તો કોઈએ તમારી સાથે આવું કર્યું હોય અને હવે તમે બીજા સાથે આવું કરી રહ્યા છો. આ ટ્રિગર્સને આઇડેન્ટિફાય કરવાં જરૂરી છે. આ ટ્રિગર્સનું મૂળ હંમેશાં બાળપણ, જૂનો સંબંધ અથવા એ અનુભવોમાં હોય છે જ્યાં આપણી ભાવનાઓને યોગ્ય રીતે સમજવામાં ન આવી હોય. સેલ્ફ-રિફ્લેક્શન અને સેલ્ફ-એક્સ્પ્લોરેશન કોઈ પણ ટૉક્સિક પૅટર્નને તોડવાનો એક ખૂબ જરૂરી હિસ્સો છે. જ્યાં સુધી તમે તમારી અંદર ઝાંખીને એ નહીં સમજો કે તમે આવો વ્યવહાર શા માટે કરી રહ્યા છો ત્યાં સુધી બદલાવ લાવવો મુશ્કેલ છે. સેલ્ફ-રિફ્લેક્શનનો મતલબ છે કે પોતાની જાતને ઈમાનદારીથી પ્રશ્ન પૂછવો કે મને કેમ આવો અનુભવ થઈ રહ્યો છે? મને કઈ વાતનો ડર છે? મને કઈ વસ્તુની કમી અનુભવાય છે? હું દર વખતે એક જેવી ભૂલ કેમ કરું છું? એવી જ રીતે સેલ્ફ-એક્સ્પ્લોરેશન તમને વધુ ઊંડાણમાં લઈ જાય છે, જ્યાં તમે જૂના ઘાને ઓળખવા લાગો છો. જ્યારે તમે મનને સમજો છો તો તમને સાફ દેખાવા લાગે છે કે કઈ ભાવના તમને વારંવાર એ રસ્તે લઈ જઈ રહી છે. એનાથી તમે તમારાં ટ્રિગર્સ ઓળખી શકો છો, પોતાની વાસ્તવિક જરૂરિયાતોને સમજી શકો છો અને ધીરે-ધીરે પોતાને હીલ કરવાની ક્ષમતા પણ વિકસિત થાય છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિકસિત કરવી પણ અનહેલ્ધી રિલેશનશિપ પૅટર્નને બદલવાની પ્રક્રિયામાં ખૂબ જરૂરી છે. એનો અર્થ છે તમારી ભાવનાઓને ઓળખો, સમજો અને એને સ્વસ્થ રીતે સંભાળતાં શીખો. જ્યારે તમે તમારી ફીલિંગ્સને જ સરખી રીતે ઓળખી નથી શકતા ત્યારે તમે ઇમ્પલ્સિવ ડિસિઝન્સ લઈ લો છો. જેમ કે એકલવાયું લાગે એટલે તરત નવી વ્યક્તિ તરફ ભાગવું. ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધારવાનો મતલબ છે એ સમજવું કે કોઈ પણ રિલેશનશિપ ચલાવતાં પહેલાં તમારે પોતાની ભાવનાત્મક જરૂરિયાતો, ડર અને મર્યાદાઓને જાણવી જરૂરી છે. એ તમને એ પણ શીખવાડે છે કે અનકમ્ફર્ટેબલ ઇમોશન્સ જેમ કે લોનલીનેસ, રિજેક્શન અથવા ઇનસિક્યૉરિટીથી ભાગવું નહીં, પણ એને હેલ્ધી રીતે પ્રોસેસ કરવી જોઈએ. વ્યક્તિએ પોતાની સેલ્ફ-એસ્ટીમ પર કામ કરવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિને પોતાની કિંમતનો અનુભવ નથી થતો ત્યારે તે રિલેશનશિપને જ પોતાની વૅલ્યુનો સ્રોત બનાવી લે છે. પોતાની જાત પર વિશ્વાસ ઓછો હોવાને કારણે બીજા પાસેથી મળી રહેલું અટેન્શન, પ્રેમ અથવા વૅલિડેશન જ તેમની આઇડેન્ટિટી બની જાય છે એટલે તેઓ એકલા રહી શકતા નથી. સેલ્ફ-એસ્ટીમ ઓછી હોય ત્યારે વ્યક્તિને રિજેક્શનનો ડર વધુ લાગે છે, એકલા રહેવામાં ડિસકમ્ફર્ટ લાગે છે અને ખાલીપો ભરવા માટે કોઈ પણ સંબંધને પકડી લે છે. એ સિવાય ખૂલીને વાત કરવી જોઈએ, મનની ભાવનાઓને પેપર પર ઉતારવી જોઈએ, થેરપિસ્ટનો સપોર્ટ લેવો જોઈએ. એનાથી તમને એક ક્લૅરિટી, ઇમોશનલ બૅલૅન્સ અને હેલ્ધી ડિસિઝન લેવામાં મદદ મળશે.
રેડ ફ્લૅગ કઈ રીતે ઓળખશો?
એ સમજવું એટલું સરળ નથી કે પાર્ટનર મન્કી-બ્રાન્ચિંગ કરી રહ્યો છે કે નહીં, પરંતુ કેટલાક સંકેત કહી શકે છે. જેમ કે તમારી સાથે ઓછો સમય વિતાવે, પહેલાં જેટલી વાતો થતી હોય એટલી ન કરે, ફોન અને સોશ્યલ મીડિયાને લઈને વધારે પડતી સીક્રસી રાખે, અચાનક પાસવર્ડ બદલે, ચૅટ તરત ડિલીટ કરી દે, બીજી રૂમમાં જઈને વાત કરે, કોઈ અન્ય વ્યક્તિમાં વધુ પડતો રસ દાખવે, તેની પ્રશંસા કરે, તેને લઈને વધુપડતો ઉત્સાહ દાખવે, તમારી સરખામણી બીજી કોઈ વ્યક્તિ સાથે કરે, પ્રેમ-સ્નેહ-પ્રયત્નો દેખાડવાનું ઓછું કરી દે, ભવિષ્યની વાતોને ટાળે, નાની-નાની વાતોમાં ખોટું બોલવાનું શરૂ કરી દે. આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક દર્શાવે છે કે તમારો પાર્ટનર બીજા કોઈ વિકલ્પની શોધમાં છે અને ભાવનાત્મકરૂપે કોઈ બીજાથી જોડાઈ રહ્યો છે.


