ઍક્ટર રામ કપૂરે એક શો દરમ્યાન કહેલું કે કોઈક નબળી ક્ષણે ક્યારેક માણસ ભૂલથી ચીટિંગ કરે તો તેને માફ કરી દેવો જોઈએ, એ લગ્ન તોડવા માટેનું કારણ નથી. આ વાતમાં તેની પત્ની ગૌતમીએ પણ હામી ભરેલી
પ્રતીકાત્મક તસવીર
રામ કપૂરના આ સ્ટેટમેન્ટ પર કેટલાક લોકોએ વિરોધ કર્યો છે તો કેટલાકે ચુપકીદી સાધી છે. એક સમય એવો હતો જ્યારે લોકો સમજતા હતા કે લગ્ન એટલે સંમતિ સાથે સ્વીકારેલો એક દાયરો. જો તમે એ દાયરાને પાર કરીને બહાર જાઓ છો તો લગ્ન તો ત્યાં જ તૂટી ગયાં, પછી તો બસ કાગળો પર જ અલગ થવાનું બચ્યું છે. તો શું મૉડર્ન સમયમાં ચીટિંગ એટલી કૉમન થઈ ગઈ છે કે પછી એના તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ છે?
રામ કપૂરે તાજેતરમાં જ ‘લૉક અપ : સચ યા સઝા’ના એક એપિસોડ દરમ્યાન એવું કહ્યું હતું કે ‘લગ્નેતર સંબંધો એ ડીલ-બ્રેકર નથી એટલે કે એનાથી સંબંધ તૂટી ન જવો જોઈએ. જો સંબંધોના ખરાબ તબક્કા દરમ્યાન આવું એકાદ વાર થાય તો એને એક ભૂલ સમજીને માફ કરી દેવી જોઈએ, શરત માત્ર એટલી કે પાર્ટનરને આખરે પોતાની ભૂલનો અહેસાસ થાય અને તે ઘરે પાછો આવી જાય.’ આ જ શોમાં તેમની સહસ્પર્ધક આકાંક્ષા ચમોલાએ કહ્યું હતું કે ‘એ ભૂલથી નથી થતું. એ એક પ્રક્રિયા છે. તમારે સામેવાળાનાં કપડાં ઉતારવાં પડે છે, પોતાનાં કપડાં ઉતારવાં પડે છે અને પછી આ બધું થાય છે. આ એવું નથી કે ભૂલથી છરી હાથમાં લીધી અને કોઈને મારી દીધી.’ આ એપિસોડ આવ્યા પછી સોશ્યલ મીડિયા પર ફરી એક વખત ચર્ચાઓ ફાટી નીકળી છે. એક સમાજ તરીકે આપણે ચીટિંગને નૉર્મલ બનાવીને અપનાવી રહ્યા છીએ?
ADVERTISEMENT
વર્ષો પહેલાં ધર્મની સ્થાપના માટે અને માણસને તેના જીવનમાં આદર્શવાદનું મહત્ત્વ સમજાવવા માટે ભગવાન રામે જન્મ લીધો હતો. એક માણસ તરીકે મર્યાદામાં રહીને કઈ રીતે જીવન જીવવું એ તેમણે જીવીને બતાવ્યું. સીતાના ન હોવા છતાં સીતાનું સ્થાન તેમણે કોઈને ન આપ્યું. એકપત્નીવ્રતા બનીને જીવ્યા. એ પછી ભારતમાં લગ્નને નવી પરિભાષા મળી એવું કહેવામાં આવે છે. લગ્નસંબંધમાં મોનોગામી એટલે કે એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેનો સંબંધ એ ભારતમાં હિન્દુઓએ અપનાવેલી પરંપરા છે જેને પછીથી કાનૂની રીતે સ્વીકારવામાં આવી. લગ્ન એટલે અંકિત કરેલો એક દાયરો. એક પુરુષ અને સ્ત્રી એકબીજા સાથે લગ્નના બંધનમાં જોડાય એ પછી એ દાયરાની બહાર ન જઈ શકે એ એનો મૂળભૂત નિયમ છે. આ દાયરાનું ઉલ્લંઘન કરનારને સમાજ ક્યારેય માફ કરતો નહીં. સમાજમાં આજુબાજુ જોઈએ તો સમજાય છે કે આ દાયરાની બહાર જનારા લોકો પહેલાં પણ હતા અને આજે પણ છે, પણ સરખામણી કરીએ તો દેખાશે કે આ સંખ્યા આજે વધી છે. એટલે જ એક સમયે જેના વિશે બંધ દીવાલોની અંદર વાત થતી હતી એ હવે સોશ્યલ મીડિયા પર ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે. ટીવી-શોમાં એના વિશે લોકો પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે અને છાપાંમાં એના વિશે લખાઈ પણ રહ્યું છે. રામ કપૂરે જે વાત કરી કે ચીટિંગ લગ્નને તોડી શકે નહીં એ વાત અને એ વાત પાછળની માનસિકતા વિશે સમજીએ.
ચીટિંગ ભૂલ નથી, છેતરપિંડી છે
મુદ્દો એ છે કે રામ કપૂર છેતરપિંડીને એક ‘ભૂલ’ કહે છે ત્યારે તેઓ માત્ર માનવસહજ ક્ષતિનું વર્ણન નથી કરી રહ્યા, તેઓ જવાબદારીના મહત્ત્વને પણ ઘટાડી રહ્યા છે એમ સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘ભૂલ એટલે ખોટી વ્યક્તિને મેસેજ મોકલી દેવો. મૅરેજ ઍનિવર્સરી ભૂલી જવી એ ભૂલ છે, કોઈ મહત્ત્વની તારીખ ચૂકી જવી એ ભૂલ છે. ચીટિંગ ભૂલ નથી, છેતરપિંડી છે જે આકસ્મિક નથી હોતી. એ કલાકો, દિવસો અથવા મહિનાઓ સુધી સભાનપણે લેવાયેલા નિર્ણયોની એક શ્રેણી છે જ્યાં દરેક વાતચીતને પ્રોત્સાહન આપવામાં આવે છે, દરેક જૂઠ જાણી જોઈને બોલવામાં આવે છે અને દરેક મર્યાદા સભાનપણે ઓળંગવામાં આવે છે. વળી એમાં પણ લોકો માને છે કે શારીરિક રીતે બીજી વ્યક્તિ સાથે જોડાઓ એને જ ચીટિંગ કહેવાય. કોઈ જોડે ફ્લર્ટ કરો કે ડેટ કરો કે માનસિક રીતે પણ કોઈ બીજી વ્યક્તિ માટે પ્રેમ અનુભવવો એ ચીટિંગ જ છે. ચીટિંગની પરિભાષા કરીએ તો એમાં બધું જ આવી જાય છે. એમાં ભાવનાઓ, એની સાથે અનુભવેલું જોડાણ, ચૅટિંગ, કૉલ્સ, કિસિંગ, ટચ કે પછી સેક્સ બધું જ ચીટિંગ છે. લોકો આજકાલ શારીરિક રીતે જોડાયેલા ચીટિંગને જ ચીટિંગ માને છે, પણ એવું હોતું નથી. એમાં બધું જ ગણાય છે.’
ડીલ-બ્રેકર છે કે નહીં?
ટ્વિન્કલ ખન્ના જેવી હસ્તીએ એવી દલીલ કરી હતી કે એક ભૂલ દાયકાઓના લગ્નજીવનને વ્યાખ્યાયિત ન કરી શકે. તેણે કહ્યું હતું કે ‘રાત ગઈ-બાત ગઈ’ અને દલીલ કરી કે સમય જતાં વ્યક્તિ આ પ્રકારની છેતરપિંડીથી આગળ વધી શકે છે. લોકો ચીટિંગને લગ્નમાં ડીલ-બ્રેકર કેમ નથી માનતા? આ વિશે વાત કરતાં મૅરેજ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ નેહા મોદી કહે છે, ‘જ્યારે પણ કોઈ ચીટિંગ કરે ત્યારે કોર્ટ એને ડિવૉર્સ માટેનું માન્ય કારણ ગણે જ છે, પણ કોર્ટ તેમને તરત ડિવૉર્સ નથી આપતી. તેમને ૬ મહિના કાઉન્સેલિંગ માટે મોકલે છે. અમારી પાસે આવતાં કપલ્સમાં પુરુષો વધુ ચીટિંગ કરે છે. સ્ત્રીઓ પણ કરે છે, પણ તેમના કરતાં પ્રમાણમાં ઓછી. સ્ત્રીઓનો સ્વભાવ હોય છે કે તેની સાથે જે પણ થાય છે એને તે જલદી ભૂલતી નથી અને આગળ વધી શકતી નથી, કારણ કે સ્વભાવગત તે ઘણી ઇમોશનલ હોય છે. જોકે પુરુષો સ્વભાવગત સૉલ્યુશન-ઓરિયેન્ટેડ હોય છે એટલે તેઓ અપરાધભાવ અનુભવે છે, પણ બીજી તરફ તેમને એક ને એક વાતને વળગીને નથી ચાલવું હોતું. આગળ વધવું હોય છે એટલે તેઓ કહે છે કે આ વાત જવા દો, છોડો, ભૂલો અને આગળ વધો. એટલે એમ લાગે છે કે તેમને ફરક નથી પડતો. જોકે એવું હોતું નથી. ફરક પડે છે, પણ તેઓ ઇચ્છે છે કે પત્ની પણ ઇમોશનલ ટ્રૉમામાંથી બહાર આવે અને બન્ને સાથે આગળ વધે. જોકે મોટા ભાગે પત્નીઓ એમાંથી બહાર નથી આવી શકતી. છતાં ડિવૉર્સ તરફ તે આગળ વધે એવું પણ નથી. ઘણી વાર સમાજના ડરે, પોતાની સિક્યૉરિટીના કારણથી અને બાળકો માટે તે કૉમ્પ્રોમાઇઝ કરી લેતી હોય છે. એટલે એવું લાગે છે કે ચીટિંગ ડીલ-બ્રેકર નથી, પણ જે સ્ત્રીઓને તેમના પિયરથી સપોર્ટ હોય અથવા જે સ્ત્રી પોતે બધી રીતે એટલે કે ફક્ત આર્થિક રીતે જ નહીં, ઇમોશનલ અને સામાજિક રીતે પણ આત્મનિર્ભર હોય છે તે ડિવૉર્સ લઈ લેતી હોય છે.’
ચીટિંગ તો કર્યું, પણ પ્રેમ પાર્ટનરને જ?
જે લોકો ચીટિંગ કરે છે તે તેમના પાર્ટનરને હંમેશાં કહેતા હોય છે કે પ્રેમ તો હું પરિવારને અને પત્નીને જ કરું છું. તો પછી બીજી વ્યક્તિ પાસે ગયા જ કેમ? આ પ્રશ્નનો જવાબ આપતાં નેહા મોદી કહે છે, ‘પોતાના લગ્નજીવનમાં કોઈ સુખી ન હોય તો એ ચીટિંગ કરે છે, પરંતુ જે લોકો પોતાના લગ્નજીવનમાં સુખી છે તેઓ પણ ચીટિંગ કરે છે. તેમના ચીટિંગ પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો જવાબદાર હોય છે. વ્યક્તિને આ પ્રકારનાં થ્રિલ્સ ગમતાં હોય છે. એક નવા અનુભવ પાછળ ઘેલા થઈને તેઓ આ કામ કરે છે. અમુક પાર્ટનર એકદમ સિક્યૉર હોય છે. તેમને ખબર છે કે તેઓ કંઈ ખોટું કામ કરશે તો પણ તેમનો પાર્ટનર તેમને છોડીને જશે નહીં એટલે આવા કામની હિંમત વધી જાય છે. ઘણી વખત ચીટિંગ પાછળ તેમના બાળપણના ટ્રૉમા અથવા તેમનો કોઈ પર્સનાલિટી ડિસઑર્ડર પણ હોઈ શકે છે. આ વાત પણ સાચી છે કે આવા પુરુષો પરિવારને અઢળક પ્રેમ કરે છે અને પત્ની સાથે જ રહેવા માગતા હોય છે, કારણ કે ઘરનો સેટ-અપ તેઓ બગાડવા નથી માગતા; પણ બધું તેમના પ્રમાણે થાય એવું જરૂરી નથી. ચીટિંગ કરનારા લોકો પોતાના ઘરનાં સુખ અને શાંતિમાં પોતે જ આગ લગાવે છે. જ્યારે તેમને રિયલાઇઝ થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ચીટિંગ પછી લગ્ન તૂટે કે ન તૂટે, સંબંધ ચોક્કસપણે તરડાઈ જાય છે.’
લાંબા લગ્નજીવનની કિંમત - ચીટિંગ પછીની માફી?
આજકાલ લોકોના મતે ચીટિંગ એટલે એક ‘ભૂલ’, નબળી ક્ષણ અથવા નિર્ણય લેવામાં થાપ ખાઈ જવી જે-તે વર્ષોના લગ્નજીવન કરતાં વધુ મહત્ત્વની ન હોઈ શકે; પરંતુ સવાલ એ છે કે આ દગાબાજી ક્યારથી વિશ્વાસઘાત મટતી ગઈ અને એક એવી બાબત બની ગઈ જેને આપણે સમજવી, સ્વીકારવી અને આખરે સામાન્ય ગણવી પડે એવી અપેક્ષા રાખવામાં આવે છે? આજની તારીખે ચીટિંગ પછી પાર્ટનરને માફી આપી દેવી કે જીવન પહેલાંની જેમ જીવવું એ એટલા આત્મવિશ્વાસ સાથે બોલવામાં આવે છે કે જાણે વફાદારી રાખવી એ જૂના જમાનાની વાત હોય અને મૉડર્ન યુગમાં તો આ બધું ચલાવી લેવું જરૂરી બને! આજકાલ કેમ એની ચર્ચા કોઈ વ્યક્તિગત ખામી તરીકે નથી થતી? સૌથી દુખદ વાત એ છે કે એને ભાવનાત્મક પરિપક્વતા, વાસ્તવિકતા અને લાંબા લગ્નજીવનની કિંમત તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. આ કથન અને વાતો ખરેખર આપણને ડરાવે છે, કારણ કે એ એક આદર્શ સમાજના ઢાંચાનો પાયો જે ‘લગ્નસંબંધમાં પ્રામાણિકતા’ છે એને જ હચમચાવી રહી છે. ચીટિંગ પછી કૉમ્પ્રોમાઇઝ થયેલા સંબંધો એક થીગડાવાળા કપડા સમાન છે, જે તન તો ઢાંકે છે પણ તમારી પરિસ્થિતિને ઉઘાડી પાડી દે છે.
ચીટિંગ કૉમન થઈ રહ્યું છે?
હાલમાં રોનક રાજાણી નામના યુટ્યુબરના શોમાં ગયેલી અભિનેત્રી હુમા કુરેશીએ પોતાના એક રિલેશનશિપમાં તેની જોડે ચીટિંગ થયું હતું અને તેણે તેના પાર્ટનરને પકડી પાડેલો એવી વાત કરી હતી અને એ પછી તેણે ઑડિયન્સને પૂછ્યું હતું કે તમે બધા પણ ચીટિંગનો ભોગ બન્યા જ હશો, રાઇટ? ત્યારે ઑડિયન્સે સાગમટે ના પાડી. હુમાએ આશ્ચર્ય સાથે કહ્યું, ‘સાચે?’ તેને વિશ્વાસ નહોતો આવતો, કારણ કે તેણે માની લીધેલું કે ચીટિંગ તો ‘કૉમન’ છે. આ બાબતે ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘ચીટિંગ કૉમન નથી. હજી પણ એ કૉમન ન કહી શકાય. આમ જોવા જઈએ તો ચીટિંગ પહેલાં પણ થતું હતું અને આજે પણ થાય છે; પણ પહેલાં એના વિશે કોઈ વાત નહોતું કરતું, આ એક પ્રૉબ્લેમ છે એવો સ્વીકાર કોઈ નહોતું કરતું. પહેલાં કરતાં ચીટિંગની માત્રા ચોક્કસ વધી હશે, પણ એવું હજી પણ ન માની શકાય કે એ કૉમન પ્રૉબ્લેમ છે. આજે પણ વફાદારી, સચ્ચાઈ અને એક વ્યક્તિ સાથે ટકી રહેવાની ભાવના સંબંધોમાં અકબંધ છે.’
