આજના હસલ કલ્ચરમાં પેરન્ટિંગ પડકાર બની ગયું છે ત્યારે શ્વેતા બચ્ચને ફૅમિલી રિચ્યુઅલ્સની વાત કરી છે જે આજના મૉડર્ન પેરન્ટ્સ માટે દિશાસૂચક બને છે. જાણો કેવી રીતે વ્યસ્ત શેડ્યુલ વચ્ચે તમારા બાળક સાથે સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ બનાવી શકાય
પ્રતીકાત્મક તસવીર
સવારે અલાર્મ વાગતાંની સાથે શરૂ થતી ઑફિસ જવાની ઉતાવળથી લઈને સાંજે ડેડલાઇન્સના બોજ સાથે ઘરે પાછા ફરવાનો થાક. આ ચક્રવ્યૂહમાં ફસાયેલા આજના મૉડર્ન પેરન્ટ્સને એક વાતનું ગિલ્ટ રહેતું હોય છે કે અમે અમારાં બાળકોને સમય નથી આપી શકતા. તાજેતરમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચને એક પૉડકાસ્ટમાં ફૅમિલી રિચ્યુઅલ્સનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ભલે અમારો પરિવાર ગ્લૅમરની દુનિયામાં હોય, પણ મારા ઘરના નિયમો જૂના અને સારા છે; રાતે ડિનર-ટેબલ પર આખો પરિવાર સાથે જ જમવા બેસે અને કોઈના પણ હાથમાં મોબાઇલ ન હોય એ શિસ્તનો ભાગ છે. એક સેલિબ્રિટી જ્યારે આવી વાત કરે ત્યારે સમજાય કે પેરન્ટિંગ ૨૪ કલાકની નોકરી નથી પણ એક સ્માર્ટ મૅનેજમેન્ટ છે.
ક્વૉલિટી વર્સસ ક્વૉન્ટિટી
ADVERTISEMENT
બાળક પેરન્ટ્સ સાથે કનેક્ટેડ ફીલ કરે એ માટે પ્રૅક્ટિકલ પેરન્ટિંગ ટિપ એ ક્વૉલિટી ટાઇમ છે એમ જણાવતાં બોરીવલીનાં અનુભવી પેરન્ટિંગ કોચ ધૃતિ જોશી કહે છે, ‘ઘણા વાલીઓ એવા ભ્રમમાં જીવે છે કે આખો દિવસ બાળકની આસપાસ ફિઝિકલી હાજર રહેવું એને જ બેસ્ટ પેરન્ટિંગ કહેવાય. આવું બિલકુલ જરૂરી નથી. ઘણી વાર તમે ૧૫ મિનિટ તેની સાથે સારી રીતે સમય વિતાવો એ પણ ઘણું છે. જો તમે બાળક સાથે કલાકો સુધી બેઠા હો પણ તમારું મન ઑફિસના ઈ-મેઇલ્સ કે સોશ્યલ મીડિયાના નોટિફિકેશનમાં ભટકતું હોય તો એ સમયની કિંમત શૂન્ય છે. એના બદલે સવારે જગાડતી વખતે એક પ્રેમભર્યો સ્પર્શ, સ્કૂલથી આવે ત્યારે આજે શું નવું શીખ્યું, કેવો રહ્યો દિવસ જેવી પાંચ મિનિટની ચર્ચા અને રાત્રે સૂતી વખતે બેડટાઇમ સ્ટોરી જેવી નાની-નાની ચીજો તમારા બૉન્ડિંગને મજબૂત બનાવશે. ટૂંકમાં કેટલો ટાઇમ સ્પેન્ડ કરો છો એ મહત્ત્વનું નથી, પણ કેવો ટાઇમ સ્પેન્ડ કરો છો એ મહત્ત્વનું છે. જો પેરન્ટ્સ એવું માને છે કે ૨૪ કલાક બાળકની આસપાસ જ રહેવું, તેમની દરેક નાની પ્રવૃત્તિ પર બાજનજર રાખવી અને સતત સૂચનાઓ આપવી એ જ પેરન્ટિંગ છે તો આ ટૉક્સિક પેરન્ટિંગ તરફનો રસ્તો છે. બાળકને તમારી દેખરેખ જોઈએ છે, દબાણ નહીં. જ્યારે તમે કોઈ મુદ્દે બાળક સાથે વાતચીત કરો ત્યારે ખૂબ જ સમજી-વિચારીને શબ્દો વાપરવા જોઈએ. આખા દિવસમાં કોઈ પણ કામની ચિંતા કર્યા વિના જો તમે માત્ર ૧૫ મિનિટ બાળક સાથે ચાઇલ્ડલાઇક બનીને ટાઇમ સ્પેન્ડ કરશો તો બાળકને લાગશે કે ભલે મમ્મી-પપ્પા કામમાં વ્યસ્ત હોય, પણ તેમનું ધ્યાન મારા પર છે. બાળકનું આ ફીલ ગુડ ફૅક્ટર જ તમારા પેરન્ટિંગની સાચી જીત છે. જે લોકો નાઇટ-શિફ્ટ કરે છે અથવા જેમના કામના કલાકો અનિશ્ચિત છે તેમના માટે સુપર મૉમ કે સુપર ડૅડ બનવું પડકારજનક જરૂર છે, પણ અશક્ય નથી. આવા સમયે થોડી સ્માર્ટ પેરન્ટિંગ ટિપ્સ કામ લાગે છે. જ્યારે સમય મળે ત્યારે બાળકો સાથે એવો સમય વિતાવો કે તમે તેમના મૂડને આઇડેન્ટિફાય કરી શકો. તેમને ઇમોશનલ સપોર્ટની જરૂર ક્યારે છે એ જાણો. ઑફિસમાં ડ્યુટી પર હો ત્યારે બ્રેકના સમયે ફોન કરીને જાણો કે તેઓ શું કરી રહ્યા છે. એક સ્ટ્રિક્ટ પેરન્ટ તરીકે નજર રાખવા માટે નહીં પણ એક મિત્ર બનીને પૂછો. જ્યારે તમે કામ પર જાઓ છો ત્યારે બાળકને એવી વ્યક્તિ પાસે રાખો જે માત્ર તેની સંભાળ જ ન લે પણ તેને પ્રેમ પણ આપે. આનાથી બાળકને એકલતાનો અહેસાસ નહીં થાય.’
ડિજિટલ ડીટૉક્સ
આપણે એ સ્વીકારવું પડશે કે ફોન અને સોશ્યલ મીડિયાના ભરડામાં માત્ર બાળકો જ નહીં પણ પેરન્ટ્સ પણ આવી ગયા છે ત્યારે ડિજિટલ ડીટૉક્સ વિશે વાત કરતાં ધૃતિ કહે છે, ‘આપણે એક જ સોફા પર ભલે સાથે બેઠા હોઈએ, પણ દરેકની દુનિયા અલગ-અલગ સ્ક્રીનમાં કેદ હોય છે. આના ઉકેલ માટે ઘરમાં ટેક-ફ્રી ઝોન નક્કી કરવો અનિવાર્ય છે. જમતી વખતે અને સૂતાં પહેલાં સ્ક્રીનથી દૂરી રાખવી એ નિયમ માત્ર બાળકો માટે નહીં, પેરન્ટ્સ માટે પણ હોવો જોઈએ. જ્યારે તમે પોતે ફોન બાજુ પર મૂકશો ત્યારે જ બાળક તમને ગંભીરતાથી લેશે. મોબાઇલનો ઉપયોગ પણ માઇન્ડફુલ કન્ટેન્ટ જોવા માટે કરો જેમ કે કોઈ નવી સ્કિલ શીખવી કે લાઇફ-લેસન્સ વિશે સાથે મળીને જોવું એ વધુ હિતાવહ છે.’
ફૅમિલી રિચ્યુઅલ્સ
શ્વેતા બચ્ચને જે રિચ્યુઅલ્સની વાત કરી એનો અર્થ ધાર્મિક વિધિઓ સાથે નથી, પણ એવી પ્રવૃત્તિઓ સાથે છે જે પરિવારના સભ્યોને એક તાંતણે જોડે છે અને તેમનું બૉન્ડિંગ સારું બનાવે છે. આ વાત સાથે સહમત થતાં ધૃતિ કહે છે, ‘રવિવારે રસોડામાં મમ્મી એકલી કામ ન કરે, પણ પપ્પા લોટ બાંધે અને બાળક સૅલડ સુધારે. આ રસોડાની હસીમજાક બાળકને ટીમવર્કના પાઠ ભણાવે છે. તેને સમજાય છે કે ઘરમાં દરેકની ભૂમિકા મહત્ત્વની છે. રાત્રે જમતી વખતે દિવસભરની સારી ઘટનાઓ શૅર કરવાથી બાળકની દૃષ્ટિ પૉઝિટિવ બને છે. તે મુશ્કેલીઓ વચ્ચે પણ આશા શોધતાં શીખે છે. વાર્તા સંભળાવવી એ માત્ર જ્ઞાન આપવા માટે નથી પણ એક અતૂટ બૉન્ડ બનાવવા માટે છે. મોબાઇલની બ્લુ લાઇટ કરતાં માતા-પિતાના અવાજની હૂંફ બાળકને વધુ સારી ઊંઘ આપે છે.’
ગિલ્ટ-ફ્રી પેરન્ટિંગ
આ વિશે વધુમાં ધૃતિ કહે છે, ‘ગિલ્ટ પેરન્ટિંગનો સૌથી મોટો દુશ્મન છે. માતા-પિતાએ એ સમજવું જોઈએ કે કરીઅર બનાવવી કે કામ કરવું એ ગુનો નથી પણ આત્મનિર્ભરતાનું ઉદાહરણ છે. જો તમે તમારી પ્રોફેશનલ લાઇફમાં ખુશ હશો તો જ તમે ઘરમાં ખુશી વહેંચી શકશો.
ગિલ્ટ છોડો અને જેટલો સમય મળે એને એક ઉત્સવની જેમ સેલિબ્રેટ કરો. વર્કિંગ પેરન્ટ્સને અવારનવાર લાગે છે કે રવિવારનો આખો દિવસ બાળકો સાથે વિતાવવાથી અઠવાડિયાની કમી પૂરી થઈ જશે. હકીકતમાં પેરન્ટિંગ ઇન્સ્ટૉલમેન્ટની પ્રક્રિયા છે, લમ્પસમ નહીં. રવિવારે મોંઘી પિકનિક પર જવા કરતાં રોજની ૧૦ મિનિટની સાચી વાતચીત બાળકની સુરક્ષાની ભાવનાને દસગણી વધારે છે.’
મૉડર્ન અને વર્કિંગ પેરન્ટ્સને અમલમાં મૂકી શકાય એવી ક્વિક ટિપ્સ
૩-૩-૩ નો રૂલ અપનાવો. બાળકના દિવસની સૌથી મહત્ત્વની ૯ મિનિટ હોય છે, જે તેના આખા દિવસના મૂડને નક્કી કરે છે. આ ૯ મિનિટમાં તમારું ૧૦૦ ટકા અટેન્શન આપો. પહેલી ત્રણ મિનિટમાં સવારે બાળકને પ્રેમથી જગાડો, કોઈ ઉતાવળ કે બૂમાબૂમ વગર. બીજી ત્રણ મિનિટમાં સ્કૂલથી આવે ત્યારે તેને એક હગ કરો. અને ત્રીજી ત્રણ મિનિટમાં રાત્રે સૂવા જાય ત્યારે તેને વહાલ કરો અને આખા દિવસમાં તેની સાથે શું થયું એ જાણો.
જમવાના ટેબલ પર એક બાસ્કેટ રાખો જેમાં ઘરના દરેક સભ્યએ પોતાના મોબાઇલ મૂકી દેવા અને આ નિયમનું અનુસરણ પેરન્ટ્સે પણ કરવું જોઈએ.
બાળક સાથે એક ખાસ સીક્રેટ હૅન્ડશેક અથવા કોઈ રમૂજી કોડવર્ડ બનાવો જે માત્ર તમારા બે વચ્ચે જ હોય. જ્યારે તમે ભીડમાં હો અથવા બાળક ઉદાસ હોય ત્યારે આ એક નાનકડી ટ્રિક તેને અહેસાસ કરાવશે કે તમે તેની સાથે કનેક્ટેડ છો.
મહિનામાં એક દિવસ એવો રાખો જ્યારે બાળક નક્કી કરે કે આજે શું જમવું છે અથવા ક્યાં ફરવા જવું છે. આનાથી બાળકની નિર્ણય લેવાની ક્ષમતા સારી થશે.
ઘરે આવ્યા પછી ઓછામાં ઓછો ૧ કલાક લૅપટૉપ કે ઑફિસ-કૉલ્સથી દૂર રહો. જો કામ ખૂબ જરૂરી હોય તો બાળક સૂઈ ગયા પછી એ પતાવો. બાળક સાથે હો ત્યારે ફિઝિકલી પ્રેઝન્ટ અને મેન્ટલી ઍબ્સન્ટ રહેવું એ સૌથી જોખમી છે.
તમે ઑફિસમાં હો અને બાળક ઘરે હોય ત્યારે તેના લંચ બૉક્સમાં કે અભ્યાસના ટેબલ પર એક નાની ચિઠ્ઠીમાં આઇ ઍમ પ્રાઉડ ઑફ યુ કે તું બહુ સ્માર્ટ છે એવું લખીને મૂકો. તમારી ગેરહાજરીમાં આ કાગળનો ટુકડો તેને તમારી હૂંફ આપશે. પેરન્ટિંગ એટલે માત્ર બાળકને ભણાવવું એવું નથી. રવિવારે સાથે મળીને ગાડી સાફ કરવી, બાગકામ કરવું કે કબાટ ગોઠવવો; આ પ્રવૃત્તિઓથી બાળક જવાબદારી શીખે છે અને તમારી સાથે ક્વૉલિટી-ટાઇમ પણ સ્પેન્ડ થાય છે.


