Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > તમારા પાર્ટનર સાથે તમે માનસિક સ્તરે ચીટિંગ તો નથી કરી રહ્યાને?

તમારા પાર્ટનર સાથે તમે માનસિક સ્તરે ચીટિંગ તો નથી કરી રહ્યાને?

Published : 18 November, 2026 02:13 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

શારીરિક ચીટિંગને આપણે મોટો ગુનો ગણીએ છીએ, પણ મેન્ટલ ચીટિંગ મોટા ગુના તરફનું પહેલું ગંભીર કદમ સમજી શકાય.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોઈ પણ સંજોગોમાં તમારા પાર્ટનર સિવાયની કોઈ બીજી વ્યક્તિ પ્રત્યે તમે આકર્ષાઓ અને માનસિક રીતે તે વ્યક્તિ સાથે ખુદની કલ્પના કરો તો એ પણ એક પ્રકારની ચીટિંગ છે જેને માનસિક ચીટિંગ કહેવાય છે. શારીરિક ચીટિંગને આપણે મોટો ગુનો ગણીએ છીએ, પણ મેન્ટલ ચીટિંગ મોટા ગુના તરફનું પહેલું ગંભીર કદમ સમજી શકાય. એને ઓળખીને ત્યાં જ અટકાવવી જરૂરી છે

ઉદાહરણ ૧ : કુંજલ અને રાહુલનાં લગ્નને થોડાં વર્ષો થયાં છે, પરંતુ તેમના જીવનમાં લાગણીઓનું આદાન-પ્રદાન ઓછું થઈ ગયું છે. કુંજલ પોતાની ઑફિસના એક સાથી કર્મચારી સાથે પોતાના દિવસભરના તનાવ, અંગત મુશ્કેલીઓ અને ખુશીઓ શૅર કરવા લાગે છે. તે પોતાના પતિ રાહુલ સાથે વાત કરવાને બદલે સમીર સાથે કલાકો સુધી મેસેજ પર વાતો કરે છે. ધીમે-ધીમે કુંજલ દરેક બાબતમાં રાહુલની સરખામણી સમીરની સમજદારી સાથે કરવા લાગે છે અને મનોમન સમીરને જ પોતાનો સાચો જીવનસાથી માનવા લાગે છે.



ઉદાહરણ ૨ : માનવ પોતાની પત્ની પૂનમ સાથે સુખી પરિવારમાં રહે છે, પરંતુ સોશ્યલ મીડિયા પર તેની એક જૂની કૉલેજમિત્ર નેહા સાથે ફરી ચૅટ શરૂ થાય છે. સમય જતાં માનવ રોજ રાત્રે સૂતી વખતે પૂનમની બાજુમાં જ હોવા છતાં નેહા સાથે ફોન પર ગુપ્ત રીતે વાતો કરે છે અને મનોમન એવાં સપનાં જોયા કરે છે કે જો તેણે નેહા સાથે લગ્ન કર્યાં હોત તો તેનું જીવન કેટલું રોમાંચક હોત. તે પૂનમની હાજરીમાં પણ નેહા સાથે ડેટ પર જવાની અને એકાંતની પળો વિતાવવાની કલ્પનાઓમાં ખોવાયેલો રહે છે.


ઉદાહરણ ૩ : મેઘા પોતાના પતિ વિવેક સાથે નિયમિત ગૃહસ્થી ચલાવી રહી છે, પરંતુ ઑનલાઇન ગેમિંગ કે પ્લૅટફૉર્મ પર તેની મુલાકાત એક અજાણી વ્યક્તિ આરવ સાથે થાય છે. ઑનલાઇન ચૅટ અને વિડિયો-કૉલ દ્વારા બન્ને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ જાય છે. મેઘા વિવેકથી પોતાની આ મિત્રતા સંપૂર્ણપણે છુપાવે છે, પોતાના ફોનનો પાસવર્ડ બદલી નાખે છે અને આરવ સાથે વાત કરવા માટે ઘરમાં અંદરોઅંદર છાનામાના ખૂણા શોધે છે. તે પોતાના ઘરની અંગત વાતો અને વિવેકની નબળાઈઓ પણ આરવ સાથે વહેંચે છે.

કોઈ ત્રીજી વ્યક્તિને વિચારીને જો પોતાની અને પાર્ટનરની સેક્સ-લાઇફ સુધરતી હોય તો એમાં ખોટું શું છે એમ વિચારીને વ્યક્તિ આવી મેન્ટલ ચીટિંગને સ્વીકારી લે છે, પરંતુ આ એક મોટો કૂવો તમે ખોદી રહ્યા છો એ સમજવું જરૂરી છે. સંબંધમાં પર્ફોર્મન્સ નહીં, આત્મીયતા મહત્ત્વની છે. - કિંજલ પંડ્યા, સાઇકોલૉજિસ્ટ


આ ત્રણેય ઉદાહરણોમાં ઉપરથી કશું જ ખોટું નથી થઈ રહ્યું, પરંતુ અંદરખાને સંબંધ ખૂબ જ ડિસ્ટર્બ થઈ રહ્યો છે. આ ત્રણેય ઉદાહરણોમાં વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે મેન્ટલ ચીટિંગ કરી રહી છે. શારીરિક રીતે પોતાના જીવનસાથીની સાથે ઘરમાં કે કોઈ પ્રસંગમાં હાજર હોય, પરંતુ તેનું મન સતત સોશ્યલ મીડિયા પર કોઈ અન્ય વ્યક્તિનો પ્રોફાઇલ ચેક કરવામાં કે તેના ફોટો લાઇક કરવામાં જ વ્યસ્ત રહે ત્યારે એ માનસિક ચીટિંગનું એક સ્પષ્ટ ઉદાહરણ બને છે. પોતાના જીવનસાથી સાથે ભાવનાત્મક કે અંગત બાબતો શૅર કરવાને બદલે પોતાનાં દિવસભરનાં સુખ-દુઃખ, ઑફિસની વાતો કે અંગત રહસ્યો દરરોજ ફોન પર કે મેસેજ દ્વારા અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ સાથે લાંબી ચૅટ્સમાં શૅર કરવા અને તેની સાથે વધુ સમય વિતાવવો; જ્યારે પણ જીવનસાથી સાથે કોઈ મતભેદ કે ઝઘડો થાય ત્યારે મનમાં સતત એવી કલ્પના કરવી કે જો મારાં લગ્ન અથવા સંબંધ આ અન્ય વ્યક્તિ સાથે થયાં હોત તો જીવન કેટલું ખુશહાલ હોત અને પોતાના પાર્ટનરની દરેક વાતમાં સરખામણી કરીને તેને નીચો દેખાડવો; પોતાના પાર્ટનરની હાજરીમાં પણ મનોમન કોઈ અન્ય વ્યક્તિ સાથે રોમૅન્ટિક સંબંધોનાં સપનાં જોયાં કરવા, તેની સાથે ડેટ પર જવાની કલ્પના કરવી અથવા તે વ્યક્તિ વિશે જ વિચારોમાં ખોવાયેલા રહેવું આ બધું જ એક પ્રકારની ચીટિંગ છે જેને મેન્ટલ ચીટિંગ કહી શકાય.

માનસિક દગો

આજના સમયમાં સંબંધોમાં શારીરિક દગો કે બેવફાઈ એ ચિંતાનો વિષય બન્યો જ છે, પરંતુ એનાથી પણ વધુ સૂક્ષ્મ અને સંબંધોને અંદરથી ખોખલા કરનારું પાસું એટલે મેન્ટલ ચીટિંગ અથવા માનસિક બેવફાઈ. સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક રીતે પોતાના જીવનસાથીની સાથે હોય પરંતુ મન, વિચારો અને ભાવનાઓથી અન્ય કોઈ વ્યક્તિ સાથે જોડાયેલી હોય ત્યારે તેને માનસિક બેવફાઈ કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જ્યાં વ્યક્તિ પોતાના પાર્ટનરને છોડીને મનમાં કોઈ અન્ય વ્યક્તિ સાથે પોતાના ભવિષ્યની, લાગણીઓની કે સંબંધોની કલ્પનાઓ કરવા લાગે છે. આ પ્રકારનું ચીટિંગ દેખાતું નથી કારણ કે એમાં કોઈ સ્પષ્ટ સીમાઓ નથી ઓળંગાતી, પરંતુ એ સંબંધના પાયાને ખૂબ જ ઊંડેથી હચમચાવી નાખે છે.’

કરવું શું?

માનસિક ચીટિંગ એક ગંભીર સમસ્યા છે જેને રોકવા માટે અને સંબંધોમાં ફરીથી મજબૂતાઈ લાવવા માટે સભાનપણે કેટલાક પ્રયાસો કરવા અનિવાર્ય છે.

પહેલાં તો એ સમજવું જરૂરી છે કે કોને મેન્ટલ ચીટિંગ કહેવાય અને જો તમે કરી રહ્યા હો તો પહેલાં તો એ ઓળખવું જરૂરી છે કે તમે ખોટું કરી રહ્યા છો. આમ પોતાના મનની સ્થિતિ અને વિચારો પ્રત્યે ઈમાનદાર બનવું પડે છે કે ક્યાંક તમે તમારા પાર્ટનર સિવાયની કોઈ અન્ય વ્યક્તિમાં વધુ પડતા ભાવનાત્મક રીતે તો નથી જોડાઈ રહ્યાને.

આદર્શ રીતે એવું થવું જોઈએ કે તમે તમારા જીવનસાથી સામે આ કબૂલાત કરી શકો, પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે જીવનસાથી આ વાતથી હર્ટ થઈ શકે છે. જો તમને લાગે કે જીવનસાથી તમારી વાતને નહીં સમજી શકે તો એને કોઈ પણ રિલે​ટિવ કે મિત્ર સાથે શૅર કરવાની જરૂર નથી. તમે પ્રોફેશનલ હેલ્પ લો એ વધુ સારું છે. આ રીતે તમને સાચો ઉપાય મળશે.

સાઇકોલૉજિસ્ટ કે રિલેશનશિપ કાઉન્સેલર તમને ગાઇડ કરી શકશે. થવું એ જોઈએ કે આ પ્રૉબ્લેમ છે એ સમજાય પછી તમારે તમારા પાર્ટનર સાથે ખુલ્લા દિલથી વાતચીત કરવી જરૂરી છે. તમારી લાગણીઓ, અપેક્ષાઓ અને મનની મૂંઝવણો તેમને જણાવો જેથી તમારા બન્ને વચ્ચેનો સેતુ મજબૂત બને. તમારા સંબંધમાં જે કંટાળો ઘર કરી ગયો છે એ કંટાળો તમારે બન્નેએ મળીને દૂર કરવાનો છે.

જ્યારે પણ મનમાં અન્ય કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ કે વિચારો વધવા લાગે ત્યારે પોતાની જાતને અંકુશમાં રાખો અને તમારા સંબંધની પવિત્રતા તથા સાથી પ્રત્યેની જવાબદારીને યાદ કરો.

પરસ્પર સમય ફાળવો, એકબીજાની ખૂબીઓને સ્વીકારો અને સંબંધમાં નવો રોમાંચ લાવવા માટે સાથે મળીને સુંદર પળો વિતાવો જેથી માનસિક રીતે પણ તમે માત્ર ને માત્ર તમારા સાથી સાથે જ જોડાયેલા રહી શકો.

ફાયદો કે નુકસાન?

માનસિક દગો સંબંધને અંદરથી પાંગળો બનાવી દે છે, પણ ક્યારેક એનાથી અમુક પ્રકારના દેખીતા ફાયદા થાય છે જે સમજાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘ક્યારેક એવું થાય છે કે જ્યારે એક વ્યક્તિ માનસિક રીતે કોઈ બીજા વિશે વિચારે છે અને તેનાથી તે ઉત્તેજિત થાય છે, તેને પ્રેમ ફીલ થાય છે અને પોતાના પાર્ટનર સાથેની અંગત ક્ષણોમાં તે ખીલી ઊઠે છે. તેનો પર્ફોર્મન્સ ખૂબ સારો થાય છે અને તેને અને પાર્ટનર બન્નેને ખૂબ મજા આવે છે. જે બોરિંગ જીવન હતું એમાં નવીનતા ફીલ થાય છે. એવું થાય ત્યારે જે વ્યક્તિ એ માનસિક ચીટિંગ કરી છે તેને આવું કરવું હાર્મલેસ લાગે છે. કોઈ ત્રીજી વ્યક્તિને વિચારીને જો પોતાની અને પાર્ટનરની સેક્સ-લાઇફ સુધરતી હોય તો એમાં ખોટું શું છે એમ વિચારીને વ્યક્તિ આવી મેન્ટલ ચીટિંગને સ્વીકારી લે છે, પરંતુ આ એક મોટો કૂવો તમે ખોદી રહ્યા છો એ સમજવું જરૂરી છે. સંબંધમાં પર્ફોર્મન્સ નહીં, આત્મીયતા મહત્ત્વની છે. જો તમારા બન્ને વચ્ચે આત્મીયતા વધુ હશે તો તમારા બન્ને વચ્ચેનું કનેક્ટ તમારી સેક્સ-લાઇફ સુંદર બનાવશે.’

કઈ રીતે થાય છે અસર?

આ પ્રકારનું માનસિક જોડાણ વર્તમાન સંબંધ પર અત્યંત નકારાત્મક અને ઘાતક અસર કરે છે એમ સમજાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘જ્યારે મન અન્યત્ર વ્યસ્ત રહે છે ત્યારે પાર્ટનર પ્રત્યેનું ભાવનાત્મક જોડાણ અને ખેંચાણ કુદરતી રીતે જ ઓછું થવા લાગે છે. સંબંધોમાં રહેલો વિશ્વાસ, જે કોઈ પણ સંબંધનો સૌથી મોટો આધાર છે એ તૂટવા લાગે છે અને દંપતી વચ્ચે પારદર્શક સંવાદિતાનો અભાવ સર્જાય છે. ધીમે-ધીમે નાની-નાની બાબતોમાં ગેરસમજો વધવા લાગે છે, એકબીજા પ્રત્યેનો અણગમો જાગે છે અને સંબંધમાં અસંતોષની ભાવના ઘર કરી જાય છે જે અંતે સંબંધોમાં અંતર વધારીને એને તૂટવાના આરે લાણીને મૂકે છે.’

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 02:13 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK