Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > સ્ટ્રેસ ઘટાડવું હોય કે હેલ્ધી રહેવું હોય, ૨૦ સેકન્ડની જપ્પી જાદુઈ અસર કરશે

સ્ટ્રેસ ઘટાડવું હોય કે હેલ્ધી રહેવું હોય, ૨૦ સેકન્ડની જપ્પી જાદુઈ અસર કરશે

Published : 22 July, 2026 04:53 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

પ્રિન્સ હૅરીએ જણાવ્યું કે મુશ્કેલ સમયમાં તેઓ પોતાના બાળકોને વધુ ટાઇટ હગ આપે છે. નિષ્ણાતોના મતે હગ માત્ર લાગણી વ્યક્ત કરવાની રીત નથી, પરંતુ બાળકના ભાવનાત્મક વિકાસ વધારવામાં તેમજ માતા-પિતાનો તણાવ ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

સ્ટ્રેસ ઘટાડવું હોય કે હેલ્ધી રહેવું હોય, ૨૦ સેકન્ડની જપ્પી જાદુઈ અસર કરશે

સ્ટ્રેસ ઘટાડવું હોય કે હેલ્ધી રહેવું હોય, ૨૦ સેકન્ડની જપ્પી જાદુઈ અસર કરશે


બ્રિટિશ રૉયલ ફૅમિલીના પ્રિન્સ હૅરીએ તાજેતરમાં કહ્યું હતું કે મુશ્કેલ દિવસોમાં તેઓ પોતાનાં બાળકોને વધુ ટાઇટ હગ્સ આપે છે. આ સંસ્કાર તેમને તેમની માતા પ્રિન્સેસ ડાયના પાસેથી મળ્યા છે. પશ્ચિમના દેશોમાં આ ટ્રેન્ડ પહેલેથી જ હતો જે આપણે ત્યાં હવે ધીમે-ધીમે લોકો સમજવા લાગ્યા છે. એક હગ બાળકના વિકાસમાં જ નહીં, પેરન્ટ્સના સ્ટ્રેસને પણ ઓછું કરવામાં મદદરૂપ બને છે. કઈ રીતે એ જાણીએ

બાળકોને સારી સ્કૂલ, પૌષ્ટિક આહાર અને સારી સુવિધાઓ આપવાનું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે તેમને પ્રેમનો સ્પર્શ આપવો. બાળકને રોજ એક હગ આપવાની આદત તેના આત્મવિશ્વાસ, ભાવનાત્મક સુરક્ષા અને માતા-પિતા સાથેના સંબંધને વધુ મજબૂત બનાવી શકે છે. આવું તો હવે આપણે જાણીએ જ છીએ. જોકે પ્રેમનું આલિંગન પેરન્ટ્સ માટે પણ જાદુઈ નીવડી શકે છે એ સમજવું જરૂરી છે. અનેક અભ્યાસોમાં કહેવાયું છે કે પ્રિયજનનું ૨૦ સેકન્ડનું હૂંફાળું આલિંગન વ્યક્તિના શરીરમાં ઑક્સિટોસિન નામના પ્રેમના કેમિકલ્સનું ઝરણું પેદા કરે છે અને સ્ટ્રેસને કારણે પેદા થતા કૉર્ટિસૉલ હૉર્મોન્સ છૂમંતર થઈ જાય છે. અલબત્ત, થોડા સમય માટે જ, પરંતુ એ થોડા સમયમાં વ્યક્તિ રિલૅક્સ થઈ જાય છે એની લાંબા ગાળા સુધી અસર રહે છે. 
હજી થોડા સમય પહેલાં જ બ્રિટિશ રૉયલ ફૅમિલીના ડ્યુક ઑફ સસેક્સ તરીકે જાણીતા પ્રિન્સ હૅરીએ પણ પોતાના જીવનમાં બાળકોની પ્રેમાળ જપ્પીનું કેટલું મહત્ત્વ છે એ વિશે વાત કરેલી. તેમણે કહેલું કે જ્યારે પણ મુશ્કેલ કે થકવી દેનારો દિવસ હોય ત્યારે તેઓ તેમનાં બાળકો પ્રિન્સ આર્ચી અને પ્રિન્સેસ લિલિબેટને એક્સ્ટ્રા, એક્સ્ટ્રા ટાઇટ હગ્સ આપે છે. આ આદત તેમને તેમની સ્વર્ગસ્થ માતા પ્રિન્સેસ ડાયના પાસેથી મળી હતી. ડાયના હૅરી અને તેમના ભાઈ પ્રિન્સ વિલિયમને પણ આ જ રીતે શક્ય એટલી જોરથી ભેટી લેતાં હતાં. બાળકને ભેટી પડવાથી તેમના શારીરિક અને માનસિક વિકાસ પર કેવી અસર પડે છે? ઘરમાં પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાની આ આદત આગામી પેઢીને વધુ સંવેદનશીલ અને મજબૂત કેવી રીતે બનાવે છે? મમ્મી-પપ્પા પોતે જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે બાળક સાથેનું આ ફિઝિકલ કનેક્શન તેમને માનસિક શાંતિ કેવી રીતે આપે છે? આજે આપણે સાઇકોલૉજિસ્ટ અમ્રિતા આચરેકર પાસેથી એ જાણીએ.



ભેટવાનું ઇમ્પોર્ટન્સ


મમ્મી-પપ્પા જ્યારે બાળકને ભેટી પડે છે ત્યારે સ્કિન-ટુ-સ્કિન ટચ મમ્મી-પપ્પા અને બાળક બન્નેને એક સુરક્ષિત વાતાવરણનો અહેસાસ કરાવે છે, કારણ કે ત્વચાનાં રિસેપ્ટર્સ મગજને સિગ્નલ મોકલે છે કે આ એક સેફ સ્પેસ છે. આ સ્પર્શથી શરીરમાંથી એવાં રસાયણો અને હૉર્મોન્સ મુક્ત થાય છે જે બાળકની લાગણીઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મગજમાંથી ઑક્સિટોસિન નામનું હૉર્મોન રિલીઝ થાય છે જે માત્ર લવ હૉર્મોન નથી પરંતુ એ મમ્મી-પપ્પા અને બાળક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવે છે, અટૅચમેન્ટ અને વિશ્વાસ વધારે છે તથા બન્નેને એવો અહેસાસ કરાવે છે કે હું તારી સાથે છું. આ ઉપરાંત એ શરીરની પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે જેનાથી કૉર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હૉર્મોન ઘટે છે અને હૃદયના ધબકારા પણ સામાન્ય લય પર આવી જાય છે. આમ આ ટચ કુદરતી રીતે જ એક ઇમોશનલ રેગ્યુલેટર તરીકે કામ કરે છે. જોકે આ બધી સકારાત્મક અસરો ત્યારે જ થાય છે જ્યારે આ સ્પર્શ મમ્મી-પપ્પા કે પ્રેમાળ વ્યક્તિ તરફથી મળતો હોય. જો કોઈ અજાણી વ્યક્તિ બાળકને ગળે લગાવે તો પ્રક્રિયા ઊંધી થઈ જાય છે. બાળક અસુરક્ષિતતા અનુભવે છે, તે તેનાથી દૂર થવાનો પ્રયાસ કરે છે અને જો અજાણી વ્યક્તિ તેને છોડે નહીં તો એમાં સ્ટ્રેસ હૉર્મોન્સ વધી જાય છે તથા બાળકને લાગે છે કે તેની ભાવનાત્મક સીમાઓનું હનન થઈ રહ્યું છે. આમ મમ્મી-પપ્પા દ્વારા બાળકને ભેટવાથી બાળકના શારીરિક અને માનસિક વિકાસની ગતિ એકદમ સંતુલિત અને સ્થિર રહે છે.

પેરન્ટ્સ માટે હગ કેટલું જરૂરી?


મમ્મી-પપ્પા જ્યારે પોતે તનાવમાં હોય ત્યારે બાળકને ગળે લગાવવાથી તેમના પોતાના બાળપણની કીમતી અને આનંદની ક્ષણો ફરી જીવંત થઈ જાય છે. જેમ કે પ્રિન્સ હૅરીના કિસ્સામાં તેમની માતા તેમને જે રીતે ભેટતાં હતાં એ જ રીતે પોતાનાં બાળકોને ભેટીને તેઓ તેમની સ્વર્ગસ્થ માતા સાથેના પ્રેમ અને યાદો સાથે ફરી જોડાઈ શકે છે. બાળકને ગળે લગાવવાથી મમ્મી-પપ્પા પણ રાહત, શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરે છે. દિવસ ગમે એટલો ખરાબ રહ્યો હોય પણ જ્યારે મમ્મી-પપ્પા પોતાના બાળકને ભેટે છે ત્યારે તેમને એ વાતનો અહેસાસ થાય છે કે તેમની પાસે એક એવું બાળક છે જે તેમને શરત વગર પ્રેમ કરે છે. આ સ્પર્શથી મમ્મી-પપ્પાનું પણ સ્ટ્રેસ ઓછું થાય છે અને તેમની પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે જેનાથી પાચનક્રિયા અને હૃદયના ધબકારા નિયંત્રિત થાય છે તથા લવ હૉર્મોન રિલીઝ થાય છે. આ એક પ્રકારનો ભાવનાત્મક ટેકો પૂરો પાડે છે જે માતા-પિતાને એ હિંમત આપે છે કે ગમે એટલો ખરાબ સમય હોય તો પણ આખરે બધું થાળે પડી જશે.

હૂંફમાંથી મળતી હિંમત અને ઇમોશનલ ટેકો

ઘરમાં પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરવાની આ ટેવ નવી પેઢીને વધુ સંવેદનશીલ અને મજબૂત બનાવે છે, કારણ કે જ્યારે બાળકને ગળે લગાવવામાં આવે છે ત્યારે તે સામા પાત્રની લાગણીઓને સમજતાં શીખે છે. મમ્મી-પપ્પા જ્યારે તનાવમાં હોય અને બાળકને ભેટે ત્યારે ભેટવાનો સમય જેટલો લાંબો હોય એ પરથી બાળક સમજી જાય છે કે તેનાં મમ્મી-પપ્પા સાથે કંઈક બરાબર નથી. આ માત્ર શારીરિક કે ભાવનાત્મક સ્પર્શ નથી, ઊર્જાનું ટ્રાન્સફૉર્મેશન છે. જેમ અજાણી વ્યક્તિનો સ્પર્શ અને મમ્મી-પપ્પાનો સ્પર્શ અલગ ઓળખાઈ આવે છે એમ બાળક પણ આ ઊર્જા સમજી જાય છે. બાળકને થાય છે કે મારાં મમ્મી-પપ્પા મુશ્કેલીમાં છે અને મારે તેમને સાંત્વન આપવું જોઈએ. આ ભેટવાની ક્રિયા દરમ્યાન પીઠ પર હાથ ફેરવવાથી એકબીજાને ખાતરી મળે છે કે ‘ચિંતા ન કર, હું તારી સાથે છું. આ સમય પણ નીકળી જશે.’ આનાથી બાળકમાં લચીલાપણું કેળવાય છે જે તેને ગમે એવા ખરાબ સમયમાંથી ફરી ઊભા થવાની અને લડવાની શક્તિ આપે છે. તેને લાગે છે કે તેની પાસે એક ભાવનાત્મક ટેકો છે જેના પર તે નિર્ભર રહી શકે છે.

આ સમજવું પણ જરૂરી

જો બાળક કોઈ કારણસર ગુસ્સામાં હોય, મૂડમાં ન હોય કે ગળે મળવાની ના પાડે તો ક્યારેય તેની સાથે જબરદસ્તી ન કરવી જોઈએ. જો મમ્મી-પપ્પા પણ ઇમોશનલ સપોર્ટ માટે ભેટવા માગતાં હોય પણ બાળક ના પાડે તો બાળકની આ ‘ના’નો આદર કરવો જોઈએ. જો આપણે તેની ‘ના’ માનવાને બદલે જબરદસ્તી કરીશું તો બાળકમાં એવી નકારાત્મક માનસિકતા ઘર કરી જશે કે તેની ‘ના’ની કોઈ કિંમત નથી અને તેની ભાવનાત્મક સીમાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પરિણામે ભવિષ્યમાં જો કોઈ અજાણી કે અન્ય વ્યક્તિ તેને હેરાન કરે અથવા તેની સીમાઓનું ઉલ્લંઘન કરે તો પણ તે અવાજ ઉઠાવતાં અટકશે, કારણ કે તેણે બાળપણથી જ પોતાની ‘ના’ની કોઈ વૅલ્યુ ન હોવાનું શીખ્યું હશે. એથી જ્યારે બાળક તૈયાર ન હોય ત્યારે તેને પરાણે ભેટવાને બદલે તેને થોડો સમય આપવો જોઈએ. તેને બસ એટલી ખાતરી આપવી કે ‘હું અહીં જ છું, તું જ્યારે ઇચ્છે ત્યારે આવીને વાત કરી શકે છે.’ આમ કરવાથી બાળકની ‘ના’નો અનાદર પણ નહીં થાય અને તે જ્યારે શાંત થશે ત્યારે પોતે જ આવીને દિલ ખોલીને વાત કરી શકશે. 

સ્પર્શ અને આલિંગનના ફાયદા

ભેટવું એ એક પ્રકારનો સ્પર્શ જ છે. બ્રિટનની લિવરપૂલ યુનિવર્સિટીના રિસર્ચરોએ શરીરને કેવા પ્રકારના સ્પર્શથી સારું લાગે છે એ વિશે સ્ટડી કરીને કેટલાક મુદ્દા તારવ્યા છે. એમાંથી કેટલાકને આપણે રોજબરોજના જીવનમાં રિલેટ પણ કરી શકીશું.

માંદી વ્યક્તિને કપાળ પર હાથ ફેરવવાથી કે પછી વાળમાં બ્રશ ફેરવી આપવાથી ખૂબ જ સારું લાગે છે.

બાળક રડતું હોય ત્યારે તેને ઊંચકીને પીઠ થપથપાવીએ કે આલિંગન કરીએ તો તે વહેલું શાંત થાય છે.

કોઈ દરદીને હેલ્થ વિશેના ખરાબ સમાચાર આપવાના હોય ત્યારે તેના ખભે હાથ મૂકીને કે તેનો હાથ પકડીને એ વાત કરવામાં આવે તો દરદી રોગની ગંભીરતાથી પડી ભાંગતો નથી.

બાળક પડી જાય અને મૂઢ માર વાગ્યો હોય ત્યારે તેને એ ભાગમાં ચુમ્મી આપવાથી ખરેખર બાળકને થોડા સમય માટે રાહત અનુભવાય છે.

ઑપરેશન થયા પછી ઘેનની અસર ઘટી જાય ત્યારે પીડા ખૂબ થતી હોય છે. એવા સમયે દરદીના હાથ-પગ પર હાથ પસવારવાથી દરદીને ઓછું સ્ટ્રેસ અનુભવાય છે.

સૂરજમુખીનાં ફૂલો જેવા સંબંધ

જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે સૂરજમુખીનાં ફૂલો સૂર્ય તરફ મોં રાખીને ઊર્જા મેળવે છે, પરંતુ જ્યારે વાદળછાયું કે ઠંડું વાતાવરણ હોય ત્યારે તેઓ એકબીજાની સામે મોં કરીને એકબીજામાંથી ઊર્જા અને હૂંફ મેળવે છે. મનુષ્યો પણ બિલકુલ આવું જ કરે છે. જ્યારે આપણે હતાશા અનુભવીએ છીએ ત્યારે એકબીજા પ્રત્યે સંવેદનશીલ બનીને અને હૂંફ આપીને માનસિક મજબૂતી મેળવીએ છીએ.

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 04:53 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK