સામાન્ય રીતે લોકો માને છે કે એક્સ્ટ્રામૅરિટલ અફેર માત્ર ફિઝિકલ અટ્રૅકશનને કારણે જન્મે છે; પણ ના, એવું નથી. ક્લિનિકલ અનુભવ કહે છે કે ચાલીસ કે પિસ્તાલીસની ઉંમરે શરૂ થતાં મોટા ભાગનાં અફેર્સ પાછળ સેક્સ નહીં પણ સાઇકોલૉજિકલ ઇનસિક્યૉરિટી અને એકલવાયાપણું.
પ્રતીકાત્મક તસવીર
હમણાં મને એક ભાઈ મળવા આવ્યા. પ્રતિષ્ઠિત અને ખ્યાતનામ કહેવાય એવી ફૅમિલી સાથે એ જોડાયેલા છે. પોતાની ફાર્મસ્યુટિકલ કંપની છે. ઉંમર અંદાજે પિસ્તાલીસની આસપાસ. તેમને કોઈ બાયોલૉજિકલ સમસ્યા નહોતી, પણ તેમના મનમાં અજીબ ગિલ્ટ હતી. તેમણે ખચકાતાં-ખચકાતાં કબૂલ કર્યુ કે ‘મારે મારી વાઇફ સાથે કોઈ ઝઘડો નથી, બીજી કોઈ તકલીફ નથી, સંતાનો મોટાં થઈ ગયાં છે, પણ અમારી ઑફિસમાં જૉઇન થયેલી એક યંગ છોકરી સાથે હું વધારે પડતો જોડાયેલો હોઉં એવું ફીલ કરું છું. મને ખબર છે કે આ ખોટું છે, છતાં મન રોકાતું નથી. શું મારામાં કોઈ ખામી આવી ગઈ હશે? મને આ વાતની બહુ ગિલ્ટ છે.’
આ જે મૂંઝવણ છે એ આજના સમયનો બહુ મોટો પ્રશ્ન બની ગયો છે. મેડિકલ અને સાઇકોલૉજિકલ ભાષામાં આ મિડ-લાઇફ ક્રાઇસિસ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે લોકો માને છે કે એક્સ્ટ્રામૅરિટલ અફેર માત્ર ફિઝિકલ અટ્રૅકશનને કારણે જન્મે છે; પણ ના, એવું નથી. ક્લિનિકલ અનુભવ કહે છે કે ચાલીસ કે પિસ્તાલીસની ઉંમરે શરૂ થતાં મોટા ભાગનાં અફેર્સ પાછળ સેક્સ નહીં પણ સાઇકોલૉજિકલ ઇનસિક્યૉરિટી અને એકલવાયાપણું જવાબદાર હોય છે.
ADVERTISEMENT
આ ઉંમરે પહોંચતાં સુધીમાં વ્યક્તિને અચાનક અહેસાસ થાય છે કે અડધી જિંદગી વીતી ગઈ. માથાના સફેદ થતા વાળ, એને લીધે વધતી જતી ટાલ, ઘટતી જતી તાકાત અને રોજિંદા જીવનની યાંત્રિકતા તેને ડરાવવા લાગે છે. તેને પોતાની યુવાની સરકી જતી લાગે છે. વર્ષો જૂની મૅરેજલાઇફમાં આવેલું બોરડમ અને કમ્યુનિકેશનનો અભાવ તેને ખાલીપો આપે છે. આ સમયે ઘરની બહારથી મળતી જરા સરખી પ્રશંસા કે નવી વ્યક્તિનું ધ્યાન તેને ફરી જીવંત હોવાનો અને પોતે હજુ પણ અટ્રૅક્ટિવ છે એવો આભાસ કરાવે છે. એટલે કે બહારનો સંબંધ તે વ્યક્તિ સાથે ઓછો અને પોતાની ખોવાયેલી યુવાનીને પકડી રાખવાનો પ્રયાસ વધારે હોય છે.
આ સ્થિતિ કોઈ બીમારી નથી, પણ જીવનનો એક નાજુક તબક્કો છે. એને ઉકેલવા માટે બહારને બદલે અંદર ઉપાય શોધવાની જરૂર છે.
ચાલીસી પછી શરીરમાં અને જીવનમાં આવતા ફેરફારો કુદરતી છે. એને નકારવાને બદલે જીવનસાથી સાથે ખૂલીને વાત કરો કે તમે અંદરથી કેવો ખાલીપો અનુભવો છો. મૅરેજલાઇફનું રી-વાઇટલાઇઝેશન કરો. વર્ષો જૂની દોસ્તી અને રોમૅન્સને ફરી જીવંત કરો, સંતાનો અને જવાબદારીઓ વચ્ચે પણ પતિ-પત્ની તરીકેની ક્ષણો ચોરતાં શીખો. સૌથી અગત્યનું એ છે કે પોતાની ઉંમરની અસલામતી ભૂલવા માટે કોઈ નવા સંબંધ પાછળ ભાગવા કરતાં અધૂરા શોખ, મુસાફરી કે ફિટનેસ તરફ એનર્જી વાળો.
મિડ-લાઇફ એ અંત નથી, પણ જીવનનું મધ્યવિરામ છે. આ તબક્કે મન ભટકે ત્યારે એને વહેવા દેવાને બદલે એના મૂળ કારણને સમજી લેવાય તો વર્ષોની મહેનતથી બંધાયેલો પરિવાર અને માનસિક શાંતિ બન્નેને રાહત રહે છે.
- ડૉ. મુકુલ ચોકસી
