આજકાલ IVFનો ઉપયોગ ભરપૂર થાય છે અને એમાં કશું ખોટું પણ નથી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
એક કપલ મળ્યું. બન્નેની ઉંમર અંદાજે પાંત્રીસની આસપાસની. તેમને બાળક કન્સીવ થવામાં પ્રૉબ્લેમ થતો હતો એટલે ઇન્ટિમેટ રિલેશનશિપ દરમ્યાન શું ધ્યાન રાખવું એના વિશે વાત કરવા આવ્યાં હતાં. આજે આપણે સેક્સ જેવા વિષય માટે છોછ ધરાવતા હોઈએ છીએ, પણ પુરાણમાં પણ એનો ઉલ્લેખ છે અને ઋષિ વાત્સ્યાયને તો આ વિષય પર એક આખો ગ્રંથ પણ તૈયાર કર્યો છે. કામસૂત્ર નામના આ ગ્રંથમાં માત્ર ઇન્ટિમેટ રિલેશનશિપનાં આસનો જ સૂચવવામાં નથી આવ્યાં, પણ કેવા પ્રકારના આસનથી પ્રેગ્નન્સીની સંભાવના વધી જાય એ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મળવા આવેલા એ કપલને વાત્સ્યાયનનું કામસૂત્ર અભ્યાસાર્થે સૂચવ્યું પણ ખરું. બધું સાંભળી લીધા પછી તેમણે તરત IVF વિશે વાત કરી. આ જે IVF છે એ અંતિમ રસ્તો છે એવું સમજાવ્યા પછી તેમને રવાના કર્યાં અને ૩ મહિના પછી તેઓ પાછાં આવ્યાં. ફાઇનલી તેમણે પણ IVFના રસ્તે જ બાળક કન્સીવ કરવાનું બન્યું.
આજકાલ IVFનો ઉપયોગ ભરપૂર થાય છે અને એમાં કશું ખોટું પણ નથી. મૉડર્ન સાયન્સની આ એક એવી ટેક્નૉલૉજી છે જે ઘરમાં શેર માટીની ખોટ ટાળે છે. જોકે આજકાલ IVFની જે બોલબાલા વધી છે એનું કારણ સમજવા જેવું છે. બહુ દૂરની વાત નથી. બે દસકા પહેલાં પણ IVFની આટલી આવશ્યકતા ઊભી નહોતી થતી, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં આ મૉડર્ન સાયન્સનો ઉપયોગ ખૂબ વધ્યો છે, જેની પાછળનું પહેલું કારણ છે બદલાયેલી લાઇફસ્ટાઇલ અને એને લીધે ફર્ટિલિટીમાં ઉદ્ભવતા પ્રશ્નો. પરિણામે IVF કે અન્ય ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને એગની માવજત કરવી પડે છે. બીજું કારણ છે વાજબી ઉંમરે પેરન્ટહુડ નહીં સ્વીકારવાની આજની યંગ જનરેશનની માનસિકતા.
ADVERTISEMENT
માતૃત્વ અને પિતૃત્વ માટે સૌથી શ્રેષ્ઠ ઉંમર જો કોઈ હોય તો એ ૨૩થી ૨૮ વર્ષ વચ્ચેની છે. એ દરમ્યાન ફળદ્રુપતા અકબંધ હોવાને લીધે સરળતા સાથે એગ્ઝ ફર્ટિલાઇઝ થાય છે, પણ સમય જતાં એમાં તકલીફ આવવાની શરૂ થઈ શકે છે. આ બે કારણ ઉપરાંતનું ત્રીજું કારણ છે અત્યારના સમયમાં વધી ગયેલું સ્ટ્રેસ અને પ્રોફેશનલ લાઇફમાં વધી ગયેલી કૉમ્પિટિશન, જેને લીધે ઇનસિક્યૉરિટીનું પ્રમાણ અનહદ વધ્યું છે. સ્ટ્રેસ અને ઇનસિક્યૉરિટી પુરુષ અને સ્ત્રી બન્નેની ફર્ટિલિટીને ડૅમેજ કરે છે. પરિણામે બાળક કન્સીવ થવામાં ઇશ્યુ આવે છે. જો કોઈ નૉર્મલ પ્રેગ્નન્સી ઇચ્છતું હોય તો તેણે આ ૩ મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ. સુધારેલી લાઇફસ્ટાઇલ, દૂર કરેલું સ્ટ્રેસ અને ઇનસિક્યૉરિટી અને યોગ્ય ઉંમરે બાળક માટે કરેલો પ્રયાસ અચૂક સફળતા આપે છે.


