મિશિગન નજીક આવેલા આ ટાપુ પર ૧૨૭ વર્ષથી કોઈ પણ પ્રકારનાં મોટર વેહિકલને એન્ટ્રી નથી. આજે પણ અહીં ઘોડાગાડી અને સાઇકલ ચાલે છે. વિશ્વઆખું સ્પીડની પાછળ ઘેલું થયું છે ત્યારે સ્લો લાઇફની અનુભૂતિ કરવા અહીં ૧૨ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે.
મૅકનુવ્હ ટાપુ
મિશિગન નજીક આવેલા આ ટાપુ પર ૧૨૭ વર્ષથી કોઈ પણ પ્રકારનાં મોટર વેહિકલને એન્ટ્રી નથી. આજે પણ અહીં ઘોડાગાડી અને સાઇકલ ચાલે છે. વિશ્વઆખું સ્પીડની પાછળ ઘેલું થયું છે ત્યારે હઈસો-હઈસો લાઇફમાંથી સ્લો લાઇફની અનુભૂતિ કરવા વર્ષેદહાડે અહીં ૧૨ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે.
જાતે જ જગતપિતા બની બેઠેલા અમેરિકામાં કંઈક તો ખાસ છે જ હોં. વિશ્વની દરેક ભાષાનાં અખબારોમાં, સોશ્યલ મીડિનાં વિવિધ પ્લૅટફૉર્મ પર ન્યુઝ ચૅનલોમાં દરરોજ કોઈ ને કોઈ વિષયે આ દેશનો ઉલ્લેખ અચૂક થાય છે. ચાહે એ નવી શોધખોળ કે ટેક્નૉલૉજી વિશે હોય, હૉલીવુડની ગરમાગરમ ખબરો હોય, આગ-પૂર-દરિયાઈ વંટોળ જેવી કુદરતી હોનારતો હોય કે પછી અહીંનું રાજકારણ હોય, ‘ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા’ હંમેશાં ચર્ચામાં રહે છે. એમાંય હમણાં તો આ દેશ એના પ્રમુખનાં તોફાનો (ટૅરિફ નીતિ)ને કારણે વધુ સુરખીઓમાં છે.
વેલ, આપણે એ સમાચારોમાં ઊંડા ઊતરવું નથી. ટ્રમ્પ સાહેબના દિમાગનો તાગ લેવાનું આપણું ગજું નથી. આપણે તો વાત કરવી છે એક એવા અમેરિકન ટાપુની જે સવાસો વર્ષોથી આપણા ગિરિમથક માથેરાનની જેમ વેહિકલ-ફ્રી છે અને વન્સ અપૉન અ ટાધમના એરામાં જીવે છે.
અમેરિકાના ઉત્તર-પૂર્વીય રાજ્ય મિશિગનને વિપુલ જળરાશિને લીધે ‘ધ ગ્રેટ લેક્સ સ્ટેટ’ કહેવાય છે. મિશિગન અને હુરોન નામની બે માઇટી રિવરને લીધે આ રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એમાં જ હુરોન નદીની અંદર આજના લેખનો મુખ્ય નાયક મૅકનુવ્હ ટાપુ આવેલો છે. આખો ટાપુ કુલ ફક્ત સવાઅગિયાર સ્ક્વેર કિલોમીટરનો હોવા છતાં એને કાઉન્ટીનો દરજ્જો મળ્યો છે અને કાઉન્ટી સ્ટેટ્સ હોવાથી એમના અલગ શૅરિફ છે. વિશેષાધિકારો છે, શહેરની સરખામણીએ વધુ સગવડ અને સત્તા પણ છે. આવાં જ કારણોસર ૧૨૭ વર્ષ પહેલાં બનાવાયેલા નો વેહિકલના નિયમને આજે પણ બરકરાર રાખી શકાયો છે.
અહીં મોટરગાડી કેમ ન આવવા દીધી? એનું કારણ જાણવા પૂર્વે આ ટાપુની થોડી પ્રાગૈતિહાસિક વાતો જાણીએ. કિંવદંતી અનુસાર સદીઓ પહેલાં આ વિસ્તારમાં આવેલા મહાપ્રલય બાદ નદીની વચ્ચે એક ભૂભાગ પ્રગટ થઈ ગયો જેને અહીં આજુબાજુ રહેતા લોકોએ આ મહાન આત્માનું ઘર ગણાવ્યું. ઈ. સ. ૯૦૦ના અરસામાં સ્થાનિક જનજાતિઓ વારેતહેવારે ભૂમિના દેવને પ્રસાદ ચડાવવા નાવમાં બેસી અહીં આવતી. એ પછી તેઓ અહીં મરનારાને દફન કરતા થયા અને એના પછીના કાળમાં લોકો અહીં માછીમારી કરવા આવતા થયા. જોકે અમેરિકાનો ઇતિહાસ કહે છે કે ૧૬મી સદીમાં લોકોએ આ ટાપુ પર વસવાટ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે એ વખતે ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું અસ્તિત્વ નહોતું. આ એક સ્વતંત્ર ટાપુ હતો. એ પછી ૧૬૩૪ની આજુબાજુ અન્ય દેશોના નાવિકોએ સેલિંગ દરમિયાન આ ટાપુને જોયો અને ૧૬૭૦માં કિશ્ચન પાદરીએ અહીં મિશનની સ્થાપના કરી અને અંગ્રેજોએ અહીં આધિપત્ય જમાવ્યું. એ સમયે ચાલતી સત્તાઓની લડાઈમાં આ ટાપુ અંગ્રેજો માટે મહત્ત્વનું થાણું બની રહ્યું અને ટાપુનું નામકરણ થયું મિચિલિ મૈકિનૈક (જે બાદમાં અપભ્રંશ થઈ મૈકિનેક થઈ ગયું. આ લખાય છે મૈકનિક પણ એનો ઉચ્ચાર છે મેકનુવ્હ). ફ્રેન્ચ, બ્રિટિશરો, અમેરિકનોના કબજમાં ફંગોળાતા રહેતા આ દ્વીપ પર મુખ્યત્વે ઇંગ્લિશ શાસકો વધુ સમય રહ્યા અને ૧૮મી સદી દરમિયાન વૈપારિક થાણા તરીકે, બંદરગાહ તરીકે ટાપુનો વિકાસ થયો. એ દરમિયાન અહીં નૅશનલ પાર્ક, હોટેલ, ફોર્ટ બન્યાં અને મૅકનુવ્હ હવા ખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત થતું ગયું. સાડાપંદર કિલોમીટરનો ચોખ્ખો તટ, દરિયાની સપાટીથી ૫૦૦થી ૯૦૦ ફીટ ઊંચાઈનું એલિવેશન. સમરમાં આહ્લાદક અને વિન્ટરમાં સ્નોમય રહેતું વાતાવરણ, વળી મહત્ત્વનું વેપારી થાણું હોવાથી આ ટાપુની વિકાસ યાત્રા આગેકૂચ કરતી રહી. ૧૮મી સદીના અંતમાં અંગ્રેજોએ આ દ્વીપ છોડ્યો અને અમેરિકન સાથે થયેલી સંધિ મુજબ એનો કબજો મિશિગન રાજ્યને મળ્યો.
હવે વાત કરીએ મોટર વેહિકલ કેમ ન આવ્યાં એ વિશે તો પેટ્રોલ, ડીઝલથી ચાલતાં વાહનોના આવિષ્કાર થવા પહેલાં અન્ય શહેરોની જેમ જ અહીં ઘોડાગાડીઓ ચાલતી. કાં લોકો પગપાળા જતા. ઑટોમોબાઇલ ક્રાન્તિ થઈ ને આ ટાપુ પર પણ મોટરો આવી પરંતુ એના અવાજ, એના ધુમાડાથી અહીંના ઘોડાઓ ચોંકી જતા, હેરાન થતા. આથી આ દ્વીપના નિવાસીઓએ ઘોડાના સ્વાસ્થ્ય અને સુરક્ષા અર્થે કાઉન્સિલમાં વાહનવ્યવહારના આ નવા આયામ વિરુદ્ધ ફરિયાદ કરી અહીંના મોટા ભાગના રહેવાસીઓને આ તકલીફ થતી હોવાથી કાઉન્સિલે ૧૮૯૮ની ૬ જુલાઈએ મોટર વાહનો પર પ્રતિબંધ લાદ્યો જે આજ સુધી બરકરાર છે અને સવા સદી પહેલાંના આ બૅને ટાપુને દુનિયાભરમાં પ્રવાસન માટે પ્રખ્યાત કરી દીધો. ઓન્લી ૧૩ કિલોમીટરનો પરિઘ ધરાવતા આ ટાપુની વસ્તી ફક્ત ૬૦૦-૬૧૦ લોકોની છે. પણ વિન્ટર, સમરના હૉલિડેઝમાં અહીં સાલાના ૧૨ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. એ ઉપરાંત આ પ્રવાસીઓની સગવડ સાચવવા અહીં આવતા કામદાર વર્ગની સંખ્યા તો અલગ હોં!
તો વર્ષે દહાડે આટલાબધા યાત્રાળુઓ અહીં વાહનો નથી એ જોવા આવે છે? હા, એક કારણ એ પણ ખરું જ. લોકોને એ કુતૂહલ તો હોય જ છે કે મોટરગાડી વગરનું આ ગામ કેવું હશે? પણ બીજાં કારણો છે અહીંની અસીમ સુંદરતા. નો ઍર પૉલ્યુશન, નો નૉઇસ પૉલ્યુશન હોવાથી અહીં ગ્રીષ્મકાલીન તથા શીતકાલીન બેઉ જાતનાં યાયાવર પક્ષીઓ પ્રચુર માત્રામાં આવે છે જેથી બર્ડ વૉચર્સ માટે તો આ હેવન બની ગયું છે અને હવા-પાણીનું પ્રદૂષણ ન હોવાથી પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલે છે જે પ્રકૃતિપ્રેમીઓ માટે વરદાનરૂપ છે. અહીંની ઑફિશ્યલ સાઇટ કહે છે કે અહીં ૬૦૦થી વધુ સસ્ટેનેબલ પ્લાન્ટ્સ છે. એ ઉપરાંત રેગ્યુલર ફલાવરના તો ખરા જ. એ જ રીતે મેપલ, બર્ચ, એલ્મ, દેવદાર, ચીડનાં હજારો વૃક્ષો છે. આ વૃક્ષો, ફૂલો, પક્ષીઓ, કિટકો, સુગંધી હર્બ્સ, પ્લાન્ટ અહીંના આખાય વાતાવરણને મઘમઘતું અને મેસ્મેરાઇઝ્ડ રાખે છે. વળી વેહિકલ ન હોવા છતાં સ્વચ્છ, પહોળા ધોરીમાર્ગો, નાની પગદંડીઓ, શેરીઓનું પણ સિસ્ટમૅટિક જાળું છે. રસ્તાઓ પર ટ્રાફિક નથી પરંતુ ઘોડાગાડી, સાઇકલસવાર ઇવન સ્કેટર્સ પણ રોડ-સેફ્ટીના દરેક નિયમ સહિત વાહનવ્યવહારના દરેક નિયમ ફૉલો કરે છે. ઇન ફૅક્ટ અહીં કોઈને ઉતાવળ જ નથી હોતી. દરેક વ્યક્તિ આરામથી જીવે છે, પોતાની પેસમાં રહે છે, સ્ટ્રેસ-ફ્રી રહે છે. આવા કારણોસર મૅકનુવ્હ આઇલૅન્ડની નજીકના વિસ્તારોમાં રહેતા લોકો માટે વીક-એન્ડ ડેસ્ટિનેશન બની ગયું છે તો અન્ય સ્ટેટના અમેરિકન્સ, ફૉરેન ટૂરિસ્ટ માટે અનવાઇન્ડ થવાની પ્લેસ. વસંત ઋતુ, સમર, પાનખરમાં આ ટાપુ એવા સહેલાણીઓથી ભરેલો રહે છે જે વૉન્ટ ટુ લિવ સ્લોની અનુભૂતિ કરવા માગે છે.
એમ તો અહીં ચાર-પાંચ સીનિક પ્લેસ પણ છે. પહેલા નંબરે આવે અહીંનો ફોર્ટ. ૧૭૮૦માં અંગ્રેજો દ્વારા નિર્મિત આ કિલ્લો ૧૮મી અને ૧૯મી સદીની લાઇફસ્ટાઇલનું જ્વલંત ઉદાહરણ છે. ફોર્ટમાં અંદર અનેક પ્રદર્શનો છે. બૅરેક, હૉસ્પિટલ, અધિકારીઓનાં ક્વૉટર્સ જોવાલાયક છે તો દરરોજ યોજાતી સલામી પરેડ અહીંનું મુખ્ય આર્કષણ છે. બીજા ક્રમાંકે દ્વીપના ૮૦ ટકા ભાગમાં ફેલાયેલો મૈકિનૈક આઇલૅન્ડ સ્ટેટ પાર્કને મૂકવો પડે. આ હરિયાળી પહાડીઓમાં નિરુદ્દેશે ફરવું અમેઝિંગ બની રહે છે. આ બટકા-બટકા પહાડોમાં જ એક જગ્યાએ ૧૪૬ ફીટનો આર્ચ રોક છે જે પોસ્ટકાર્ડ પિક્ચરની ગરજ સારે છે. વળી એમાં ૭૫ ફીટ ઊંચી શુગર લોફ કહેવાતી ચુના પથ્થરની પહાડી ઇઝ માઇન્ડબ્લોઇંગ. ઘને જંગલોં સે ગુઝરતા હુઆ બ્રિટિશ લૅન્ડિંગ નેચર ટ્રેલ પગપાળા કે સાઇકલ દ્વારા કરી શકાય છે અને કરવી જ જોઈએ. એ જ રીતે ઘોડાગાડીમાં બેસી ફરવું, ડાઉન ટાઉન મૅકનુવ્હની માર્કેટ, બુટિક, ગૅલરીઓની વિઝિટ, હૉન્ટેડ થિયેટર અને સેન્ટ ઍન કૅથલિક ચર્ચની મુલાકાત આ ટાપુનો ખરો પરિચય કરાવે છે. સાઇક્લિંગ ઉપરાંત કાયાકિંગ કે પેડલ-બોટિંગ જેવી ઍક્ટિવિટી રિલૅક્સિંગ બની રહે, પરંતુ આ બધાથીયે ઉપર અહીંની મેઇન સ્ટ્રીટમાં ઍક્સિડન્ટના ભય વગર ફિયરલેસલી રોલર સ્કેટ્સ કે રોલર બોર્ડ ચલાવવાની મોજ તો જે કરે એ જ માણે બૉસ! અહીંની ગ્રૅન્ડ હોટેલ મૅકનુવ્હનું આઇકૉનિક એલિમેન્ટ છે જે ઓલ્ડેસ્ટ હોવા સાથે ખરા અર્થમાં ગ્રૅન્ડ છે. અહીં રહેવાનું બજેટ ન હોય તોય આ હોટેલની લૉબીમાં, બગીચામાં ટહેલવું (અલબત્ત ડૉલર ચૂકવીને) શાનની બાત બની રહેશે. આ હોટેલની રેસ્ટોરાંમાં બેસીને ચાની ચુસ્કી સાથે વિશાળ જળરાશિ તેમ જ બંદરગાહ નિહાળવું કે વિઝિટિંગ ગેસ્ટ માટેના અલાયદા સ્વિમિંગ-પૂલમાં આંનદની ડૂબકીઓ મારવી વન્સ ઇન લાઇફટાઇમ કરવા જેવી ઍક્ટિવિટી છે. ઇન શૉર્ટ ગ્રૅન્ડ હોટેલની વિઝિટ તો બનતી હી હૈ.
આઇલૅન્ડ આવવાનો બેસ્ટ સમય છે મે ટુ ઑક્ટોબર. એ સમય દરમિયાન અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટો આવવાથી હોટેલ સ્ટે અને બોટ ટિકિટ ઍડવાન્સમાં બુક કરાવી લેવી હિતાવહ રહે છે. બાકી તમારી પાસે પોતાનું ચાર્ટર્ડ પ્લેન કે પાણી તેમ જ બરફમાં ચાલતું સ્નોમોબાઇલ (સ્નો મશીન) હોય તો વિન્ટરમાં પણ અહીં અવાય. અનેક અમેરિકન સેલિબ્રિટી ઇન્ડસ્ટ્રિયલિસ્ટ આ રીતે મૅકનુવ્હમાં આવે છે. બાકી નૉર્મલ ટૂરિસ્ટ મૅકનુવ્હ સુધી પહોંચવા મૈકિનો સિટી તથા સેન્ટ ઈગ્નેસથી ફેરી યાત્રા કરે છે. સીઝન દરમિયાન દર અડધો કલાકે બોટ સર્વિસ હોવા છતાં સીટ પ્રી બુક કરવી જરૂરી બની રહે છે. અનેક યાત્રીઓ અહીંની વન-ડેની યાત્રા પણ કરે છે.
સો તમારી પાસે અમેરિકાના વીઝા હોય તો એક વખત અહીં જજો અને જોજો કે વાહનો વગર પણ વિકાસ પામેલા આ શહેરમાં કેવા લીલાલહેર છે.
નો વેહિકલ આઇલૅન્ડમાં પોલીસ વૅન, ઍમ્બ્યુલન્સ, બંબાગાડી જેવાં વાહનો છે તેમ જ શિયાળામાં બરફ ખદેડવા સ્નોપ્લોનો ઉપયોગ કરાય છે. એ જ રીતે વિન્ટરમાં સ્નોમોબાઇલ ચલાવવું પણ અલાઉડ છે.
ઇટ્સ અ ફજ કૅપિટલ
માથેરાન, મહાબળેશ્વરમાં મળતું ફજ તમારું ફેવરિટ ડીઝર્ટ હોય તો-તો તમારે મૅકનુવ્હ જવું જ રહ્યું. અહીં ૧૮૮૦થી ફજ બને છે અને અહીં એવા મીઠાઈના દીવાનાઓ આવે છે જે ફક્ત ફજ ખાવા સ્પેશ્યલી મૅકન્વુહ આવે છે. આ ટચૂકડા આઇલૅન્ડ પર ૧૩ મોટી-મોટી ફજની દુકાનો છે જ્યાં સીઝન દરમિયાન રોજ પાંચ હજાર કિલો ફજ બને છે. અહીં બાકાયદા ફજ ફેસ્ટિવલ ઊજવાય છે અને સ્વીટ ટૂથધારીઓ આ સમયે આઇલૅન્ડની વિઝિટ અચૂક કરે છે. દર વર્ષે ફેસ્ટિવલ દરમિયાન ડિફરન્ટ ફ્લેવર્સ, ભિન્ન-ભિન્ન દેખાવ અને જાત જાતના કૉમ્બિનેશનનાં ફજ બને છે.
આઇલૅન્ડ પાસેથી દેખાય છે નૉર્ધર્ન લાઇટ્સનો સુપર્બ નજારો
જ્યારે-જ્યારે ખગોળીય અવકાશી ઘટનાઓ જેમ કે ગ્રહણ, ઉલ્કાપિંડોની વર્ષા કે આકાશમાં મલ્ટિપલ પ્લેનેટના સંયોગ થાય એ દિવસોમાં મૅકનુવ્હ દ્વીપ પર પ્રવાસીઓની સંખ્યામાં ભારી વધારો હોય છે. આકાશનું વાતાવરણ સાફ હોવાથી અહીંથી ઍસ્ટ્રોનૉમિકલ મિરૅકલ્સ જોવા અદ્ભુત અને યાદગાર બની રહે છે. એ જ રીતે પૂર્ણિમાના દિવસે પણ ટૂરિસ્ટો ખાસ મૅકનુવ્હ જાય છે. સપ્ટેમ્બર, ઑક્ટોબરની મધ્ય સુધી અહીંથી નૉર્ધર્ન લાઇટ્સનાં પણ અજવાળાં દેખાય છે. કાળા ડિબાંગ આકાશમાં ચમકતા આ રંગબેરંગી અવકાશી પ્રકાશનો નઝારો સુપર્બ હોય છે.

