પર્સનલ ઈગો કરતાં કુટુંબની આબરૂનું મૂલ્ય જેને મન વધુ તે પડ્યું પાનું નિભાવી જાણે છે, પણ નવી પેઢીમાં નિભાવી જાણવાની ભાવના રહી નથી અને એટલે આંખ સામે માબાપ દુખી થતાં હોય તો પણ ધાર્યું કરે છે
પ્રતીકાત્મક તસવીર
અમારા હિમાદાદા ને શાંતિકાકીને તો તમે ઓળખો જ છો. હિમાદાદાને તમે ‘દાદા’ ક્યો તો વાંધો નઈ પણ શાંતિકાકીને કોઈ ‘દાદી’ ક્યે તો એની કમાન એવી છટકે કે જાણે આ જગતની એ દાદી હોય. આ અમારાં શાંતિકાકી પાસે દરેક સવાલના પોતીકા ઉત્તર હોય ને શાંતિકાકી કરતાં હિમાદાદા પાસે એના ડબલ જવાબો હોય છે. શાંતિકાકી ‘મિસ વર્લ્ડ’નો અર્થ કરે કે જેને આખું વર્લ્ડ મિસ કરે એ. કાકી માટે ફિક્સિંગ ને બૉક્સિંગ બેય સરખા. એના મતે બૉક્સિંગમાં એક જણ ધૂંબો સહન કરે ને ફિક્સિંગમાં કરોડોને ધૂંબો આવે!
અમારાં શાંતિકાકી દેખાવે દેશી પણ વિચારે વિદેશી. સાવરણી અને વેલણ એ શાંતિકાકીનાં શસ્ત્રો. પોતાના ઘરમાં શું રસોઈ બનાવવી એના કરતાં આજુબાજુવાળીઓએ શું બનાવ્યું એની ખબર કાકીને વધુ હોય. પોતાના ઘરે ભલે કોઈ ન આવતું હોય, પણ શેરીમાં કોના ઘરે કોણ આવ્યું ને કોની ન્યાં કોણ ગ્યું એ કાકીને ખબર હોય. શાંતિકાકી અમારી શેરીની જીવતીજાગતી ન્યુઝ ચૅનલ. નાની એવી વાતને એટલીબધી મોટી કરીને શેરીમાં રજૂ કરે જાણે આભ તૂટી પડે. કાકી પાસે શબ્દભંડોળ માંડ પાંચસો શબ્દોનું, પણ એનું ટર્નઓવર પાંચ હજાર શબ્દોનું!
ADVERTISEMENT
કાકીની કરકસર કદાચ ખુદ કરકસર કરતાં પણ વધુ અસરદાયક છે. વરસમાં એકાદ વાર હિમાદાદા ગાયત્રી યજ્ઞ કરે. કાકી યજ્ઞમાં કાકા સાથે બેસે તો ખરાં, પણ હવનકુંડના અગ્નિમાં કુકર મૂકીને ખીચડી ચડાવી લ્યે. હિમાદાદા ખિજાય તો તાડૂકીને કહી દે કે તમતમારે શ્લોક બોલોને! માતાજીને ખીચડી પકાવવામાં વાંધો નથી તો તમને શું વાંધો છે?
આ કપલ કદી લોકલ બસ સિવાય ગોંડલની બહાર નીકળતું નથી છતાં એ બેયને પ્લેનનાં ભાડાં વધે એની ઉપાધિ હોય. એક દી કાકીએ મને પૂછેલું આપણા ગામમાં પોસ્ટમાસ્તર ટપાલ લઈ આવે, દૂધવાળો દૂધ લઈ આવે, શાકવાળો શાક લઈ આવે તો પછી આ ફાયરબ્રિગેડવાળા પાણી કેમ લઈને આવે છે? એ ‘ફાયર’ લઈને આવવા જોઈએને?
મારી પાસે આ કે આવા એકેય સવાલના જવાબ હોય નહીં એટલે મેં નક્કી કર્યું કે જવાબ દેવા કરતાં આ વડીલોને સામા સવાલો કરી એ લોકોને તેમના સવાલો ભુલાવી દેવા.
મેં હમણાં એક દી શાંતિકાકીને પૂછેલું કે તમારાં લગન વખતે હિમાદાદાને વિશ કરવા કેટલા લોકો આવેલા? કાકીએ દાઢમાંથી જવાબ આપ્યો કે ‘ચાર-પાંચ જણે અભિનંદન આપેલાં અને આખી સોસાયટીએ તારા કાકાનો લગ્ન કરી લેવા બદલ આભાર માનેલો.’
જોકે એક વડીલ ઉંમરની પેઢીના જમાનામાં કન્યા જોવા જાવાની સિસ્ટમ નહોતી ને એટલે જ હું કાયમ ફરી-ફરીને ડાયરામાં કહેતો હોઉં છું કે કૂવામાં પડવું જ છે પછી એની ઊંડાઈ માપવાની જરૂર શું?
એક જમાનામાં ઘરની ગૃહલક્ષ્મી કોને બનાવવી એ મા-બાપ અને પરિવારજનો નક્કી કરતાં. એવા ઘણા મુરબ્બીઓ કદાચ આ વાંચતા હશે જેમણે સુહાગરાતે ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે તેને ખબર પડી કે આ આપણું નસીબ...! મૉરલ એટલું કે વડીલોને પણ એકબીજા માટે ફરિયાદો અને અસંતોષ હતાં છતાં તેમણે પોતાનાં પાત્રોને તેમની તમામ મર્યાદા સાથે સ્વીકાર્યાં. પડ્યું પાનું નિભાવીને જીવનભર સહન કર્યું કારણ કે એ દંપતીઓ માટે તેમના પર્સનલ ઈગો ને જરૂરિયાત કરતાં તેમના કુટુંબની આબરૂનું મૂલ્ય વધુ હતું. એ માટે એ લોકોએ આજીવન ભરણપોષણના કેસ નથી કર્યા. આપણા અભણ વડીલોની કુટુંબ માટેની નૈતિક જવાબદારી અને સમજદારીને સલામ! આપણે ખૂબ ભણ્યા, પોતાની રીતે પાત્રો સિલેક્ટ કરીને પરિણામો શું લાવ્યા? ડિવૉર્સના લાખો કેસ કોર્ટમાં સડી રહ્યા છે. કરોડો વ્યથિત પુરુષો અને સ્ત્રીઓનાં જીવન લગ્નમાં ભંગાણ પડવાથી નર્ક જેવાં થઈ ગયાં છે.
સગાઈ ટાણે દરેક પરિવાર એવું જ ગામને કહે છે કે ‘અમારે જોતું’તું એવું મળી ગયું.’ આ તો વહુ માથાફરેલી નીકળે પછી જ કુટુંબને ખબર પડે છે કે આ નમણું નાગરવેલ જેવું ચીભડું વાડને ગળી ગયું. સગાઈ પછી વૉટ્સઍપમાં લાંબી-લાંબી કવિતાઓ જેને લખી હોય તેની ઉપર પછી વધુમાં વધુ ‘કોર્ટની કલમો’ લાગે એવા પ્રયત્નો શરૂ થાય છે. જેની યાદમાં ઉજાગરા કર્યા હોય છે તેના નામ પર જ આબરૂના ધજાગરા થાય છે. જેના માટે રોયા હોય તેની પાછળ રોવાનો સમય અચાનક આવી જાય.
જેને દિલની અગણિત લાગણીઓથી દિલ ફાડીને પ્રેમ કર્યો હોય તેના ઘરમાંથી જ કરિયાવરની વસ્તુઓ ગોતી-ગોતીને ગણીને લઈ જવામાં આવે! છેડાછેડી અને છૂટાછેડામાં હાર્ડ્લી બે-ત્રણ માત્રાનો જ તફાવત છે પરંતુ છેડાછેડીથી છૂટાછેડા સુધીની યાત્રા બહુ દર્દનાક હોય છે. જાણે કે કોઈ ડૉક્ટર ઍનેસ્થેસિયા વગર તમારું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ કે બાયપાસનું ઑપરેશન કરી રહ્યો છે. ‘ડાયવૉર્સ’ આપણી સુધરેલી પેઢીની બાયપ્રોડક્ટ છે. આવો, આપણે ધીરજ વધારીએ. પરિવાર માટે કમાવું જેટલું મહત્ત્વનું છે એટલું જ જતું કરીને સહન કરવું પણ મહત્ત્વનું છે.
કારણ પહેલાં દીવાલોમાં ઘર હતાં, હવે ઘર વચ્ચે દીવાલો છે. આપણને સગા ભાઈ કરતાં વધુ સાળાની ફિકર છે. સગી બહેન કરતાં ‘સાળી’ વધુ સચવાઈ છે. પરિવારની ભાવના પૈસાની આ દોડમાં દફન થઈ ચૂકી છે. પહેલાં આપણે મા-બાપ સાથે રહેતાં, હવે મા-બાપ આપણી સાથે રહેવા લાગ્યાં છે. દોસ્તો, આ પ્રગતિ નથી, પરગતિ છે!

