પેરન્ટિંગ માટે કોઈ યુનિવર્સલ મૅન્યુઅલ નથી, પરંતુ એના વિશે અઢળક શબ્દો અને સમજૂતીઓ અવારનવાર ચર્ચાતાં હોય છે. આજકાલ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિંગ ‘રૂમમેટ પેરન્ટિંગ’માં વળી નવું શું છે? એના લાભ-ગેરલાભ શું છે એ વિશે નિષ્ણાત સાથે વાત કરીએ
પ્રતીકાત્મક તસવીર
અત્યારના સમયમાં પરિવાર અને પેરન્ટિંગનો અર્થ ઝડપથી બદલાઈ રહ્યો છે. દુનિયામાં, ખાસ કરીને પશ્ચિમના દેશોમાં, ‘રૂમમેટ પેરન્ટિંગ’ જેવાં નવાં ઘરેલુ મૉડલ્સ સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. હવે આ ચર્ચા ભારતીય સોસાયટીના સંદર્ભમાં ધીમે-ધીમે વધી રહી છે. પેરન્ટ્સ જ્યારે પોતાનાં બાળકો સાથે એક રૂમમેટની જેમ રહેતા હોય ત્યારે બાળકો પર એની શું અસર પડે છે? શું તમને ખ્યાલ પણ છે કે તમે તમારાં બાળકો સાથે રૂમમેટ જેવું વર્તન કરી રહ્યા છો? આ તમામ પાસાંઓને વધુ ઊંડાઈથી સમજીએ જેથી ખબર પડે કે રૂમમેટ પેરન્ટિંગ માત્ર સોશ્યલ મીડિયા ટ્રેન્ડ છે કે સમાજમાં પરિવર્તનની આગાહી કરી રહ્યો છે.
રૂમમેટ પેરન્ટિંગ શું છે?
ADVERTISEMENT
ઊર્જા કાઉન્સેલિંગ ઍન્ડ રેમેડિયલ સેન્ટરના ફાઉન્ડર-ડિરેક્ટર અને છેલ્લાં ૧૬ વર્ષથી કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરતા સ્કૂલ-કાઉન્સેલર, સાઇકોલૉજિસ્ટ અને સ્પેશ્યલ એજ્યુકેટર ડૉ. મિહિર પારેખ કહે છે, ‘આ શબ્દ પરથી જ એની વ્યાખ્યા સમજી શકાય છે. રૂમમેટ એટલે કે જે સાથે રહેતા હોય, પરંતુ એકબીજા સાથે કોઈ સંબંધ ન ધરાવતા હોય. જ્યારે પેરન્ટિંગ શબ્દ ઉમેરવામાં આવે ત્યારે એનો અર્થ એ કે પેરન્ટ્સનો બાળકો સાથે આમ તો સંબંધ છે, પરંતુ આમ સંબંધ નથી. તેઓ માત્ર સાથે રહે છે અને જવાબદારી નિભાવે છે. રૂમમેટ શબ્દ અને રૂમમેટ સાથેની લાઇફની વાત કરીએ તો ટીનેજર્સને બહુ જ એક્સાઇટિંગ લાગે છે. એમ કહીએ કે બહુ જ ગ્લોરિફાઇડ શબ્દ કે લાઇફ છે. એ એટલા માટે છે કારણ કે તમે રૂમમેટ માટે જવાબદાર નથી. રૂમમેટ સાથે બેસીને મસ્તી કરવી હોય તો કરો, વાત કરવી હોય તો કરો, તેમના પ્રૉબ્લેમમાં સામેલ થવું હોય તો થાઓ એવી સિચુએશન છે; પરંતુ જો આ જ રૂમમેટ સાથે જવાબદારીનો ભાવ ક્યાંય નથી હોતો. એવું જ રૂમમેટ પેરન્ટિંગનું છે.’
સાથે છતાં અલગ-અલગ
રૂમમેટ પેરન્ટિંગનો જન્મ ન્યુક્લિયર ફૅમિલીની સિસ્ટમથી થયો હોઈ શકે એમ જણાવતાં ડૉ. મિહિર પારેખ કહે છે, ‘આજે મમ્મી-પપ્પા બન્ને વર્કિંગ હોય છે. તેઓ એટલાં વ્યસ્ત હોય છે કે તેમની એક સિસ્ટમ ડેવલપ થઈ ગઈ હોય છે જેમાં ટાઇમ-ટેબલ પ્રમાણે કામ ચાલતું હોય છે. તેથી દિવસમાં એક પણ વખત સાથે
બેસીને જમવાનું શક્ય નથી બનતું કે બાળક સાથે કોઈ વાતચીત કરવાનો મોકો નથી મળતો. બાળકના જીવનમાં નવી
ઍક્ટિવિટી શું થઈ છે એના વિશે પણ ખ્યાલ નથી આવતો. ધારો કે સાંજે એક જ રૂમમાં સાથે બેઠા છો તો પણ તમે અલગ-અલગ સમય વિતાવો છે. એટલે કે પેરન્ટ્સ ઑફિસના કે ઘરના કામ માટે મોબાઇલ કે લૅપટૉપમાં વ્યસ્ત છે તો બાળક પણ પોતાના ટૅબ્લેટ કે ફોનમાં સમય વિતાવે છે. આ જ દૃશ્ય તમે કોઈ હૉસ્ટેલ કે બૅચલરના ઘરમાં જાઓ તો જોવા મળશે. એક છતની નીચે બધા સાથે છતાં અલગ-અલગ હોય છે. એ તો ઠીક, સંવાદના નામ પર હાય કે હેલો પણ નથી થતું.
દિવસ કેવો ગયો એ વાત તો બહુ દૂરની થઈ જાય છે. અગાઉ કહ્યું એમ પેરન્ટ્સ એક રૂટીન પર ચાલે છે. ધારો કે બાળક સાથે સંવાદ થાય તો પણ તેને એમ જ પૂછવામાં આવે કે હોમવર્ક થઈ ગયું? સ્કૂલમાં ભણવાનું કેમ ચાલે છે? બાળકોને દરરોજ આ સવાલનો જવાબ આપવાનું નથી ગમતું એટલે તેઓ પણ પેરન્ટ્સથી દૂર રહેવાનું પસંદ કરે છે. જ્યારે બાળકની પરીક્ષાનું પરિણામ તેમના હાથમાં આવે ત્યારે તેમને આંચકો લાગે છે. હવે જ્યારે બાળકને સવાલનો જવાબ આપવાની આદત નથી રહી ત્યારે તેના પરિણામ કે ભણવા વિશે કંઈક પૂછવામાં આવે તો બન્ને વચ્ચે અણગમો પેદા થાય છે.’
પૉઝિટવ કે નેગેટિવ?
દરેક વસ્તુ જેમ સંપૂર્ણ નકારાત્મક કે સકારાત્મક નથી હોતી એવી રીતે આ પેરન્ટિંગના પણ અમુક ફાયદા અને અમુક નુકસાન છે એમ જણાવતાં ડૉ. મિહિર પારેખ કહે છે, ‘પેરન્ટ્સ બહુ વ્યસ્ત હોય તો બન્નેમાંથી કોઈ પેરન્ટ્સ-ટીચર્સ મીટિંગમાં જઈ નથી શકતા એટલે બાળકે પોતાની રીતે જવાબ આપવો પડતો હોય છે. આવી પરિસ્થિતિનો અવારનવાર સામનો કરતું બાળક ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે. તે નાની ઉંમરે સમજી જાય છે કે કોઈ પણ મુશ્કેલી આવે તેણે જાતે જ ફોડી લેવાનું છે. એને કારણે તે અન્ય બાળકો કરતાં વધારે વાસ્તવિક અને માનસિક રીતે મજબૂત બને છે. એ સિવાય આવી પરિસ્થિતિઓ તેમનામાં ડિસિઝન-મેકિંગ સ્કિલ ડેવલપ કરે છે જે કોઈ પણ જટિલ પરિસ્થિતિમાં પ્રેશર મેઇન્ટેઇન કરવામાં મદદરૂપ થાય છે. જોકે એનાથી વિપરીત અસરમાં બાળક શૅર કરવાનું બંધ કરી દે છે, એકલું-એકલું રૂંધાયા કરે છે. પરિસ્થિતિ જ્યારે હાથની બહાર નીકળી જાય ત્યારે એનાં ચિહનોનો ખ્યાલ આવે છે. બાળક જ્યારે તમારી સાથે બોલવાનું બંધ કરી દે કાં તો તમને અવગણવાનું શરૂ કરે ત્યારે જ પરિસ્થિિતનો દોર હાથમાં લઈ લેવાનો. રૂમમેટ પેરન્ટિંગનું સૉલ્યુશન છે વીક-એન્ડ પેરન્ટિંગ. એટલે કે માનો આખું અઠવાડિયું બાળક પર ધ્યાન નથી અપાયું કે તેના સવાલનો જવાબ નથી અપાયો તો વીક-એન્ડમાં તમારે ૧૦૦ ટકા બાળક પર ધ્યાન આપવાનું છે. જો આ રિધમ કેળવાય તો બાળક અઠવાડિયા દરમ્યાન ઇગ્નૉર્ડ ફીલ નહીં કરે. ઉપરાંત તે આતુરતાથી મમ્મી-પપ્પા સાથે વીક-એન્ડ પસાર કરવાની રાહ જોશે.’
આ પેરન્ટિંગની અસર પેરન્ટ્સને પણ થાય છે
પેરન્ટિંગના આ મૉડલનાં બન્ને પાસાંને સમજાવતાં ડૉ. મિહિર પારેખ કહે છે, ‘પેરન્ટ્સને પણ આપણે દોષ ન આપી શકીએ, કારણ કે આધુનિક સમયમાં બધા જ વ્યસ્ત છે. ત્યારે તેઓ પર્ફેક્ટ પેરન્ટ્સ બનવાની કોશિશ કરતા હોય છે, પરંતુ શરૂઆતનાં ચિહનો દેખાતાં નથી હોતાં. બાળક સાથેના સંબંધમાં અંતર આવે ત્યારે પેરન્ટ્સ પોતે પણ યુઝ્ડ ફીલ કરવા લાગતા હોય છે. બાળક પેરન્ટ્સ પાસે જરૂર હોય ત્યારે જ વાત કરે અને બાકીનો સમય અન્ય લોકો સાથે વિતાવે. પેરન્ટ્સ પોતે બાળકો માટે એક બૅન્ક હોય એવું અનુભવવા લાગે છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું પ્રથમ પગથિયું છે ખુલ્લા મનથી વાતની શરૂઆત કરવી. પેરન્ટ્સે દર વખતે સવાલોના ટૉપિક બદલવા જરૂરી છે. આખા અઠવાડિયા દરમ્યાન સાથે જમવાનો સમય નથી મળ્યો તો વીક-એન્ડ પર તો સાથે જ જમવાના બહાને ડિફિકલ્ટ ટૉપિક પર ચર્ચા શરૂ કરો. બાળકના મનમાં એ સ્પષ્ટ કરો કે કોઈ પણ મૂડ હોય કે પરિસ્થિતિ હોય તેમના માટે સૌથી વિશ્વાસુ વ્યક્તિ તમે જ હોવા જોઈએ.’
રૂમમેટ પેરન્ટિંગમાં ઊછરેલાં બાળકો સ્ટ્રૉન્ગ, ઇન્ડિપેન્ડન્ટ અને પ્રૅક્ટિકલ બને છે. તેમની નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થાય છે. તેઓ ગમે એવી અક્ષમ પરિસ્થિતિમાંથી પણ બહાર આવવાની ક્ષમતા વિકસાવે છે.
આ વાતાવરણમાં ઊછરેલાં બાળકોમાં નકારાત્મક અસર બહુ લાંબા ગાળાની હોય છે. અમુક બાળકો ભવિષ્યમાં પેરન્ટ્સ બનવાનું ટાળે છે અને જે પેરન્ટ્સ બને છે તેઓ ઓવર-પ્રોટેક્ટિવ પેરન્ટ્સ બને છે.


