મોટા ભાગની યુવતીઓ જીવનસાથીની પસંદગી કરતી વખતે સૌથી પહેલાં કોઈ બે વસ્તુ જોતી હોય તો એ છે છોકરો ભણેલું કેટલું છે અને બીજું, તે કમાણી કેટલી કરે છે.
ફાલ્ગુની અને નીરવ શાહ તેમના પુત્ર સાથે
આજકાલ મોટા ભાગની યુવતીઓ જીવનસાથીની પસંદગી કરતી વખતે સૌથી પહેલાં કોઈ બે વસ્તુ જોતી હોય તો એ છે છોકરો ભણેલું કેટલું છે અને બીજું, તે કમાણી કેટલી કરે છે. જોકે ૧૯ વર્ષ પહેલાં ઘાટકોપરમાં રહેતાં ફાલ્ગુની શાહે આ બન્ને બાબતે થોડીક અવઢવ અનુભવ્યા પછી નીરવ શાહની આવડત પર વિશ્વાસ મૂકીને લગ્ન માટે હા પાડી દીધી હતી. આ લવ-સ્ટોરીમાં પછી શું થયું એ જાણવા જેવું છે
આપણે ઘણી હિન્દી ફિલ્મોમાં જોયું છે કે ગરીબ ઘરનો હીરો હોય અને હિરોઇન અમીર પિતાની પુત્રી હોય. બન્ને વચ્ચે પ્રેમ થાય, પણ બન્નેના પ્રેમની વચ્ચે અમીરી-ગરીબીની ઊંડી ખીણ હોય. એને પાર કરીને લગ્નના પડાવ સુધી પહોંચવા માટે બન્નેને અનેક પાપડ બેલવા પડે. અંતે હૅપી એન્ડિંગ થાય. આવી જ કંઈક લવ-સ્ટોરી ઘાટકોપરમાં રહેતાં ૪૩ વર્ષનાં ફાલ્ગુની અને ૪૫ વર્ષના નીરવ શાહની છે. ફાલ્ગુની નૅચરોપથી ડૉક્ટર છે, જ્યારે નીરવે બારમા ધોરણથી ભણવાનું છોડી દીધું હતું. ફાલ્ગુની એક સધ્ધર પરિવારનાં હતાં, જ્યારે નીરવનો પરિવાર ગરીબ હતો. બન્નેનાં એજ્યુકેશનલ અને ફૅમિલી બૅકગ્રાઉન્ડમાં મોટો ફરક હોવા છતાં બન્નેની જોડી લગ્નના માંડવા સુધી પહોંચી. જનરલી ફિલ્મોમાં હીરો-હિરોઇનનું મિલન થઈ જાય એટલે વાર્તા પૂરી થઈ જાય, પણ રિયલ લાઇફમાં તો લગ્ન પછી જ ખરા પડકારો આવતા હોય છે. ફાલ્ગુની સાથે પણ એવું જ થયું. પરણીને સાસરે આવ્યા પછી કરવું પડેલું ઍડ્જસ્ટમેન્ટ, એ પછી સંતાનસુખની પ્રાપ્તિ માટે એક દાયકાથી વધુની પ્રતીક્ષા. આ પડકારો વચ્ચે પણ નીરવ અને ફાલ્ગુનીએ કોઈ દિવસ એકબીજાનો સાથ ન છોડ્યો. જીવનના તડકા-છાયા વચ્ચે બન્નેએ રાજીખુશીથી આજે લગ્નજીવનનાં ૧૯ વર્ષ વિતાવી લીધાં છે.
ADVERTISEMENT
પહેલી મુલાકાત
ફાલ્ગુની સ્કૂલમાં ભણતાં ત્યારથી નીરવને ઓળખે છે. એ કઈ રીતે એનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘નીરવની બહેન બિજલ અને હું એક જ ક્લાસમાં હતાં. ઉપરથી બેસ્ટ ફ્રેન્ડ્સ હતાં. અમારા બન્નેનાં ઘર પણ નજીક જ હતાં એટલે મારે તેના ઘરે અવારનવાર જવાનું થાય. એ રીતે હું નીરવને પણ ઓળખતી થઈ ગઈ. હું નીરવને સારી રીતે ઓળખતી ત્યારે થઈ જ્યારે જૈન જાગૃતિ સેન્ટર (JJC) તરફથી એક રિસૉર્ટમાં પિકનિકનું આયોજન થયું હતું. અમારા બન્નેના પરિવાર એના મેમ્બર હતા એટલે બન્નેની ફૅમિલી એ પિકનિકમાં આવી હતી. એ સમયે હું આઠમા ધોરણમાં હતી. એ પિકનિકમાં મારા અને નીરવ વચ્ચે એકદમ સારી રીતે વાતચીત થઈ હતી. એ પછી તો અમે ઘણી જગ્યાએ ફ્રેન્ડસર્કલ સાથે હરવા-ફરવા જતાં. સાથે રહીને અમારી મિત્રતા ખૂબ સારી થઈ ગઈ.’
દિલની વાતનો ઇઝહાર
દોસ્તીમાંથી પ્રેમ થતાં વાર લાગતી નથી. નીરવ સાથે પણ એવું જ થયું. વર્ષો વીતતાં ગયાં એમ નીરવ ફાલ્ગુનીના પ્રેમમાં પડી ગયા એટલે એક દિવસ તેમણે દિલની વાત ફાલ્ગુનીને કહી દેવાનું નક્કી કર્યું. ફાલ્ગુનીને પ્રપોઝ કઈ રીતે કરેલું એ યાદોને તાજી કરતાં નીરવ કહે છે, ‘મને અને ફાલ્ગુનીને ગરબા રમવાનો પણ ખૂબ જ શોખ. અમને બન્નેને રમતાં પણ સારું આવડે. એટલે અમે નવરાત્રિમાં સાથે રમવા જઈએ. ફાલ્ગુની BScના થર્ડ યરમાં ભણતી હતી. નવરાત્રિ ચાલુ હતી. હું, ફાલ્ગુની અને અમારા બીજા ફ્રેન્ડ્સ અમે બધાં ગરબા રમવા માટે આવ્યાં હતાં. મેં નવરાત્રિના ગ્રાઉન્ડ પર જ ફાલ્ગુનીને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. મારા ફ્રેન્ડ્સને આ વાતની ખબર હતી, પણ ફાલ્ગુનીને એનો અંદાજ પણ નહોતો. ફાઇનલી ગ્રાઉન્ડ પર પહોંચ્યા બાદ મોકો જોઈને મેં ફાલ્ગુનીને ઘૂંટણિયે બેસીને મારા દિલની વાત કહી દીધી. જોકે એ દિવસે ફાલ્ગુની ખુશ થવાને બદલે એકદમ આઘાત પામી ગઈ. તેણે મને કોઈ જવાબ ન આપ્યો.’
આ રીતે વાત બની
ફાલ્ગુનીને નીરવ સાથે રહેવું, તેની સાથે વાતો કરવી પસંદ હતી પણ તેમ છતાં નીરવે જ્યારે પ્રપોઝ કર્યું ત્યારે તેને તે કોઈ જવાબ કેમ ન આપી શકી એ વિશે વાત કરતાં ફાલ્ગુની કહે છે, ‘હું પૈસેટકે સુખી હતી, અમારું થ્રી BHKનું ઘર હતું, પર્સનલ કાર હતી, મારી પાસે પોતાનો મોબાઇલ હતો. બીજી બાજુ નીરવ વન-રૂમ કિચનમાં તેના પરિવાર સાથે રહેતો હતો. ઉપરથી તેની કારકિર્દીનાં પણ કોઈ ઠેકાણાં નહોતાં. મારું ભણવાનું ચાલુ હતું, જ્યારે નીરવે બારમા ધોરણથી ભણવાનું છોડી દીધું હતું. તેની સાથે મને મારું કોઈ ભવિષ્ય દેખાઈ રહ્યું નહોતું. મને સમજાઈ નહોતું રહ્યું કે હું શું બોલું.’
વાતને આગળ વધારતાં નીરવ કહે છે, ‘એક તો અમારી આર્થિક સ્થિતિ નબળી હતી. ઉપરથી પપ્પાને
હાર્ટ-બ્લૉકેજ હતું. તેમની સારવાર માટે પણ પૈસા ઉધાર લેવા પડેલા. ઘર ચલાવવા માટે વહેલી તકે નોકરી પર લાગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે હું ભણવાનું છોડીને નોકરી પર લાગી ગયેલો. ફાલ્ગુનીને મેં પ્રપોઝ કર્યું ત્યારે હું જૉબ પર જતો હતો. તેણે મને કોઈ જવાબ નહોતો આપ્યો એટલે હું એક વર્ષ સુધી તેને લગભગ દરરોજ પૂછતો રહ્યો કે તું મારી સાથે લગ્ન કરીશ? તું ફક્ત હા પાડી દે, બાકી બધું હું સંભાળી લઈશ.’
દરરોજ તેને આપવા માટે મારી પાસે કોઈ જવાબ ન હોય છતાં તે રોજ મને એક જ પ્રશ્ન પૂછે કે તું મારી સાથે લગ્ન કરીશ? અંતે એક વર્ષ બાદ મેં તેને હા પાડી દીધી એમ જણાવી પોતાની `ના` `હા`માં કેમ બદલાઈ એનો જવાબ આપતાં ફાલ્ગુની કહે છે, ‘નીરવે ખૂબ ઓછા સમયમાં જૉબ કરતાં-કરતાં નાના પાયે પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો હતો એટલે મને રિયલાઇઝ થયું કે નીરવમાં આવડત તો છે એટલે જીવનમાં તે જરૂર સફળ થશે.’
થોડો ફૅમિલી-ડ્રામા થયો
ફાલ્ગુની અને નીરવે તો જીવન સાથે વિતાવવાનું નક્કી કરી લીધું પણ બન્ને પરિવારને સહમતીથી આગળ વધવા માટે મનાવવાનું જરૂરી હતું. એ વિશે વાત કરતાં ફાલ્ગુની કહી છે, ‘મેં નીરવ વિશે મારા ઘરે જાણ કરી ત્યારે પપ્પાને એટલો વાંધો નહોતો, કારણ કે તેમને ખબર હતી કે તે એક સંસ્કારી છોકરો છે. જોકે મારી મમ્મીને નીરવ સામે વિરોધ હતો. મમ્મીને એ વાતની ચિંતા હતી કે પિયરમાં લાડકોડ અને બધી જ સુખસુવિધા વચ્ચે ઊછરેલી હું નીરવના ઘરે કઈ રીતે ઍડ્જસ્ટ કરી શકીશ. બીજી બાજુ નીરવના ઘરવાળા પણ મારાથી એટલા ખુશ નહોતા. તેમને એમ હતું કે અમીર પરિવારની દીકરી અમારા ઘરે નહીં રહી શકે, તે થોડા દિવસોમાં જ કંટાળીને અમારા દીકરાને છોડીને જતી રહેશે. બન્નેના પરિવારે ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ અમે અમારો નિર્ણય બદલવા માગતાં નહોતાં. અંતે સમય સાથે બન્નેના પરિવાર અમારાં લગ્ન કરાવવા માટે માની ગયા.’
શરૂઆતના દિવસો અઘરા
ફાલ્ગુની નીરવને પરણીને સાસરે તો આવી ગઈ પણ ઍડ્જસ્ટ થવામાં ઘણો સમય લાગી ગયો હતો. એ વિશે વાત કરતાં ફાલ્ગુની કહે છે, ‘નીરવના વન-રૂમ કિચનના ઘરમાં મારે સાસુ, સસરા, જેઠ, જેઠાણી, નણંદ બધાં જ સાથે રહેવાનું હતું એટલે પ્રાઇવસીનો તો પ્રશ્ન હતો જ. મેં મારા પિયરમાં કોઈ દિવસ કિચનમાં પગ મૂક્યો નહોતો. ઘરે જમવાનું બનાવવા માટે મહારાજ હતા. નીરવના ઘરે આવીને આટલા બધા સભ્યોનું જમવાનું બનાવવાનું મારા માટે અઘરું હતું. મને તો કંઈ બનાવતાં પણ આવડતું નહોતું. એવામાં નીરવના ઘરે છાશવારે મહેમાનોની અવરજવર રહેતી એટલે એવા સમયે એટલાબધા માણસોનું જમવાનું બનાવતાં નાકે દમ આવી જાય. ઘણી વાર તો એમ લાગતું કે જિંદગી કિચનના કામમાં જ જતી રહેશે. ઉપરથી મેં મારા ઘરે કોઈ દિવસ કોઈ વસ્તુનો હિસાબ આપ્યો નહોતો. જે વસ્તુ જોઈતી હોય એ ભાવ પૂછ્યા વગર ફટાકથી લઈ લઉં. નીરવના ઘરે આવ્યા બાદ માર્કેટમાંથી શાકભાજી લાવ્યા બાદ ઘરે આવીને ખર્ચનો હિસાબ રાખવો પડતો. તો આ બધી વસ્તુથી હું ઘણી વાર અકળાઈ જતી હતી. જોકે આ સમય દરમિયાન મને મારી જેઠાણીએ ખૂબ સપોર્ટ કરેલો. ધીમે-ધીમે મેં બહાર જઈને જૉબ કરવાનું શરૂ કર્યું. લગ્નનાં પાંચ વર્ષ પછી મેં અને નીરવે મળીને નવું ઘર લીધું. ધીમે-ધીમે બધું થાળે પડવા લાગ્યું.’
૧૨ વર્ષે સંતાનસુખ
નીરવ અને ફાલ્ગુનીનું લગ્નજીવન સરળ રીતે આગળ વધી રહ્યું હતું, પણ તેમને બાળક નહોતું થઈ રહ્યું. એ માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા પણ સફળતા મળી નહોતી રહી. જીવનનો આ તબક્કો ફાલ્ગુની માટે ફિઝિકલી અને મેન્ટલી બન્ને રીતે પડકારરૂપ હતો. એ વિશે વાત કરતાં ફાલ્ગુની કહે છે, ‘લગ્નનાં બે વર્ષ થયાં એ પછીથી જ મેં અને નીરવે બાળક માટે ટ્રાય કરવાનું શરૂ કરી દીધું હતું. અનેક દવાની ગોળીઓ ખાધી પણ બાળક નૅચરલી કન્સીવ થઈ રહ્યું નહોતું. મારા શરીરમાં એટલા બધા હૉર્મોનલ બદલાવ આવી રહ્યા હતા કે મારો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. ઉપરથી લોકો અમને જે-તે મંદિરે જવાની, બાધા રાખવાની, પૂજા કરવાની સલાહો આપ્યા કરતાં. એટલે એક લેવલ પર હું ખૂબ જ ફ્રસ્ટ્રેટ થઈ જતી. આને લઈને મારા અને નીરવ વચ્ચે ઘણી વાર મતભેદ પણ થઈ જતા. હું મેડિકલ સાયન્સની સ્ટુડન્ટ છું એટલે મને આ બધી વસ્તુમાં એટલી શ્રદ્ધા નહોતી. બીજી બાજુ નીરવ લોકોની વાત માનવાનો આગ્રહ રાખતો. જોકે જીવનની આ નાજુક ક્ષણમાં નીરવે મારો સાથ પણ એટલો જ આપ્યો છે. મારી ટ્રીટમેન્ટ દરમિયાન ડૉક્ટરે મને એક ઇન્જેક્શન આપ્યું હતું એનું એવું રીઍક્શન થયું કે ત્રણ મહિના સુધી હું બેડરેસ્ટ પર હતી. મારા બ્રેઇનની એક નર્વ અફેક્ટ થઈ ગઈ હતી એટલે જેવી મારી ડોક ફરે એટલે હું સીધી બેભાન થઈ જાઉં. અમે ન્યુરોસર્જ્યનને પણ દેખાડેલું. તેમનું કહેવું હતું કે આનો કોઈ ઇલાજ નથી. ઇન્જેક્શનની દવાની અસર જેમ-જેમ ઓછી થતી જશે તેમ આપોઆપ સારું થતું જશે. હું બેભાન ન થઈ જાઉં એટલે ડોક સીધી જ રાખવાની હતી અને એ માટે મેં ગળામાં પટ્ટો બાંધી દીધો હતો. એ સમયે નીરવે મારું ખૂબ ધ્યાન રાખેલું. મને નવડાવે, ખવડાવે, બહાર ફરવા લઈ જાય. મેં ઇન્ટરાયુટરિન ઇનસેમિનેશન (IUI) અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) જેવી ફર્ટિલિટી ટ્રીટમેન્ટનો સહારો લીધો. એમાં પણ પાછું મિસકૅરેજ થઈ જાય એટલે મારા માટે આ બધું આઘાતરૂપ હતું. જોકે હું ત્રીજી વખત IVF ટ્રીટમેન્ટ શરૂ કરાવવા જઈ રહી હતી તો એ સમયે જ મેં નૅચરલી કન્સીવ કરી લીધું. અમારા માટે આ એક ચમત્કાર હતો. મને એક દીકરો થયો. આજે તો મારો દીકરો ધ્યાન પણ છ વર્ષનો થઈ ગયો છે.’
ફાલ્ગુની અને નીરવ છેલ્લાં ૨૯ વર્ષથી સાથે છે. તેમનાં લગ્નને પણ ૧૯ વર્ષ થઈ ગયાં છે. આટલાં વર્ષના લગ્નજીવનમાં ઘણી નાજુક ક્ષણો આવી, પણ તેમણે એકબીજાનો સાથ છોડ્યો નહીં. આજે બન્ને તેમના લગ્નજીવનમાં ખુશ છે.

