Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > સિંગલ રહેવાનું વલણ એ જરૂરિયાતનો અંત છે કે જીવનની નવી પ્રાયોરિટી?

સિંગલ રહેવાનું વલણ એ જરૂરિયાતનો અંત છે કે જીવનની નવી પ્રાયોરિટી?

Published : 28 September, 2026 02:28 PM | Modified : 28 September, 2026 02:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજની કરીઅર-ઓરિએન્ટેડ યુવતીઓ માટે લગ્ન કરતાં આત્મસન્માન, કરીઅર અને માનસિક શાંતિ વધુ મહત્ત્વનાં બની રહ્યાં છે. પાર્ટનરની જરૂરિયાતને નકાર્યા વગર તેઓ યોગ્ય સમજણ, વિશ્વાસ અને લાગણીભર્યા સંબંધની રાહ જોવાનું પસંદ કરે છે.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


હમણાં-હમણાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે. યોગ, મેડિટેશન અને પ્રાણાયામ જેવા સેમિનારની સાથોસાથ કૉર્પોરેટ અને મલ્ટિનૅશનલ કંપનીઓ સાઇકોલૉજિસ્ટનાં અને સાઇકિયાટ્રિસ્ટનાં સેશન્સ પણ રાખતી થઈ છે. આવા જ એક સેશનમાં મારે જવાનું થયું. સેશન પછી જ્યારે વ્યક્તિગત વાત ચાલતી હતી ત્યારે ૩૦ વર્ષની એક યુવતી મને મળવા આવી. તેનો પ્રશ્ન હતો કે ‘ફૅમિલી અને રિલેટિવ્સ સતત મૅરેજ માટે દબાણ કરે છે, પણ મને સિંગલ રહેવામાં કોઈ અડચણ દેખાતી નથી. મારી ઘણી ફ્રેન્ડ્સ પણ આ જ રસ્તે છે. શું કૉર્પોરેટ સેક્ટરમાં આવ્યા પછી સ્ત્રીઓને લાઇફ-પાર્ટનર કે ઇન્ટિમેટ લાઇફની જરૂરિયાત નથી રહેતી? શું અમારો આ નિર્ણય અકુદરતી છે?’
આ પ્રશ્ન આજની મૉડર્ન સોસાયટી અને ખાસ કરીને કૉર્પોરેટ કલ્ચર સાથે જોડાયેલી નવી જનરેશનની મેન્ટાલિટી માટે બહુ મોટો બનતો જાય છે. જૂની માન્યતા છે કે સ્ત્રી માટે મૅરેજ એ આર્થિક અને સામાજિક સુરક્ષાનું અનિવાર્ય સાધન છે, પરંતુ આજે જ્યારે સ્ત્રી પોતે આર્થિક સધ્ધર બની છે ત્યારે સંબંધોનાં સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયાં છે.
આખી વાતને બે દૃષ્ટિકોણથી જોવી જોઈએ. સાઇકિયાટ્રિસ્ટના દૃષ્ટિકોણથી વાત કરીએ તો સ્ત્રીઓને પાર્ટનરની જરૂર નથી એવું માનવું ભૂલભરેલું છે. માનવમન સહજ રીતે સાહચર્ય અને સંવેદના ઝંખે છે. પહેલાં સ્ત્રીઓ આર્થિક નિર્ભરતા કે સામાજિક આશ્રય માટે સમાધાન કરતી, આજે કૉર્પોરેટ વર્લ્ડમાં પોતાની મહેનતથી ઓળખ ઊભી કર્યા પછી સ્ત્રી એવી વ્યક્તિ શોધે છે જે તેના સેલ્ફ-રિસ્પેક્ટ અને કરીઅરને સમજે. જ્યાં સુધી બૌદ્ધિક મેળ ન બેસે ત્યાં સુધી ખોટા સંબંધમાં બંધાવા કરતાં તે એકલા રહેવાનું પસંદ કરે છે. આ જેટલું સાચું છે એટલું જ સાચું એ છે કે કરીઅર-ઓરિયેન્ટેડ સ્ત્રીઓ પોતાના અંગત વિકાસ અને માનસિક શાંતિ વચ્ચે સમાધાન કરવા માગતી નથી અને એટલે જ તે ઘર અને ફૅમિલીની જવાબદારીને બર્ડન માનતી થઈ ગઈ છે.
સેક્સોલૉજિસ્ટના દૃષ્ટિકોણથી વાત કરીએ તો બાયોલૉજિકલ જરૂરિયાત કુદરતી હોય. એ કોઈ સ્ટેટસ કે ડેઝિગ્નેશન જોઈને આવ-જા ન કરે. જોકે દિવસના દસથી ૧૨ કલાકની જૉબ, મીટિંગ્સ અને ડેડલાઇન્સ પાછળ દોડતી વ્યક્તિની મોટા ભાગની એનર્જી કામમાં વપરાઈ જાય છે એટલે થાક અને સ્ટ્રેસને કારણે સેક્સ-ડ્રાઇવ સુષુપ્ત બની શકે, નષ્ટ નથી થતી.
આજની યુવતી માટે ઇન્ટિમેટ રિલેશન માત્ર એક યાંત્રિક વિધિ નથી. માત્ર ફિઝિકલ રિલેશનને બદલે તે ઇમોશનલ સ્વીકાર, ટ્રસ્ટ અને મેન્ટલ અટૅચમેન્ટને વધારે મહત્ત્વ આપતી થઈ છે. હવેના સમયમાં સંબંધો એ કોઈ ફરજિયાત સામાજિક ઠરાવ નથી, પરસ્પરના સ્નેહ અને સમજણનો મેળ છે અને એના માટે તે રાહ જુએ છે. એમાં કશું ખોટું પણ નથી.

-ડૉ. મુકુલ ચોકસી


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK