Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > આજે સ્કૂલ કેવી રહી એ સવાલનો જવાબ દીકરી અને દીકરાનો અલગ કેમ હોય છે?

આજે સ્કૂલ કેવી રહી એ સવાલનો જવાબ દીકરી અને દીકરાનો અલગ કેમ હોય છે?

Published : 25 August, 2026 06:26 PM | Modified : 25 August, 2026 06:29 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

જ્યારે બાળક સ્કૂલથી ઘરે આવે અને તમે આ પ્રશ્ન પૂછો ત્યારે દીકરી હોય તો આખી ગાથા સંભળાવશે અને દીકરો હોય તો ‘સારી’ કહીને એક શબ્દમાં જ પતાવશે. બાળક પોતાની લાગણીને વાચા આપતાં શીખે છે. દીકરીઓને એ આવડે છે તો ચાલો સમજીએ કે દીકરાઓને કઈ રીતે બોલતા કરવા?

આજે સ્કૂલ કેવી રહી એ સવાલનો જવાબ દીકરી અને દીકરાનો અલગ કેમ હોય છે?

આજે સ્કૂલ કેવી રહી એ સવાલનો જવાબ દીકરી અને દીકરાનો અલગ કેમ હોય છે?


પરેલમાં રહેતી રાધિકાનો દીકરો અંશ સ્કૂલથી આવે પછી ભૂખ લાગી છે એવા બરાડા પાડે છે. જેવું તેને ખાવાનું આપો કે ટીવી કે વિડિયો-ગેમનું રિમોટ હાથમાં લઈ લે ને ખાતાં-ખાતાં રમે છે કે રમતાં-રમતાં ખાય છે. મમ્મી પૂછે કે આજે કેમ રહી સ્કૂલ? તો તે જવાબ જ આપતો નથી. મમ્મી બરાડે કે ભાઈ, કંઈ પૂછું છું તને, જવાબ તો આપ. તો પરાણે બોલશે - ‘સારી’. ટેસ્ટ કેમ ગઈ? - ‘ઠીક’. ડબ્બો? તો એનો જવાબ આપવાને બદલે બૅગ તરફ ઇશારો કરશે. નાહી તો લે પહેલાં, તો તારો ડ્રેસ ધોવાઈ જાય. આ વાત પર ટીવીનું વૉલ્યુમ વધી જાય છે અને ગેમ પર વધુ ધ્યાન અપાય છે. ગેમ પતી જાય પછી તે પોતાના રૂમમાં ગરકાવ થઈ જાય છે. અંશ ૧૨ વર્ષનો છે. રાધિકાને લાગે છે કે તે અંશ સાથે વાતો કરે, પરંતુ જે પણ સવાલ તેને પૂછવામાં આવે એનો તે એક શબ્દમાં જવાબ આપે છે. એવું નથી કે અંશ કશું છુપાવવા માગે છે, પણ તેને બોલતો કરવો કઈ રીતે? મોટા ભાગે દીકરીઓ ચૅટરબૉક્સ હોય છે. આખો દિવસ તેમને બોલવા જોઈએ. જાત-ભાતની વાતો કરવા જોઈએ. સ્કૂલથી આવે એટલે એના પછીનો કલાક ફક્ત દીકરીની વાતો સાંભળવામાં નીકળે. તમે જો એ ન સાંભળો તો તે ગુસ્સે થશે. તેને તમારો એ સમય જોઈતો હોય છે. ઘણી દીકરીઓ તો તેમના જીવનની એક-એક ક્ષણ વિશે વાત કરતી હોય 
છે : શું થયું, કેમ થયું. કોણે શું કીધું, તેમને પોતાને કેવું લાગ્યું… દરેકેદરેક ઇમોશન તે શૅર કરતી હોય છે, જેને લીધે તેમનો ઇમોશનલ ક્વોશન્ટ (EQ) ઘણો વધારે હોય છે. તેમના જીવનમાં તે ક્યાંક અટકી પડે તો પેરન્ટ્સ તરીકે તમે તેમને મદદ કરી શકો છો. જોકે આજકાલ ઘણી છોકરીઓ પણ છોકરાઓની જેમ માતા-પિતા સાથે એક શબ્દના જવાબોની લેણ-દેણ કરતી થતી જાય છે. તેમને લાગે છે કે માતા-પિતા હંમેશાં ભાષણ આપ્યા કરે છે, તે તેમને સમજતાં નથી કે બધી બાબતો માતા-પિતાને કહેવા જેવી હોતી નથી; પણ છોકરાઓમાં તો આ પ્રૉબ્લેમ વધુ વ્યાપક જણાય છે. આવું કેમ છે અને આવી પરિસ્થિતિમાં માતા-પિતા તરીકે આપણે શું કરી શકીએ એ સમજવાની કોશિશ કરીએ.

કેમ નથી બોલતા?



પહેલાં તો એ સમજીએ કે છોકરાઓ કેમ ઓછું બોલે છે અથવા શૅર નથી કરતા? આ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘છોકરાઓ અને છોકરીઓના મગજમાં ભાષાકીય વિકાસ જુદા હોય છે. છોકરીઓના મગજમાં ભાષા અને લાગણીઓને જોડતું સેન્ટર છોકરાઓ કરતાં ઝડપથી અને વધુ સક્રિય રીતે વિકસે છે. તેથી તેઓ પોતાની લાગણીઓને શબ્દોમાં સરળતાથી ઢાળી શકે છે. વળી, એ બન્નેની સ્ટ્રેસને પ્રોસેસ કરવાની રીતમાં તફાવત છે. આખા દિવસના થાક પછી છોકરીઓ વાતો કરીને પોતાનો થાક ઉતારે છે; જ્યારે છોકરાઓ શાંત રહીને, રમીને કે એકલા બેસીને પોતાનું મગજ શાંત કરે છે. આ એક મૂળભૂત તફાવત થયો, પરંતુ એને કારણે બાળક વાત જ ન કરે અને માતા-પિતા અને બાળક વચ્ચે સંવાદ સધાય નહીં તો બૉન્ડિંગ સ્થાપવું અઘરું પડે અને બાળકની દરેક મુશ્કેલીમાં તમે તેને માર્ગદર્શન આપી ન શકો.’


સામાજિક ઘડતર

બીજું એક મહત્ત્વનું કારણ છે સામાજિક ઘડતર. આ વિશે વાત કરતાં પેરન્ટિંગ કોચ અને સાઇકોલૉજિસ્ટ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘તમે ઘરમાં જ જુઓ. દાદા કેટલું ઓછું બોલે છે, પપ્પા પણ વાત કરતા નથી એટલે દીકરો પણ ન બોલવામાં નવ ગુણ માનીને જીવે છે. દીકરાએ જોયું છે કે દાદા અને પપ્પા પણ ઑફિસથી કે દુકાનથી ઘરે આવે પછી શાંત રહે છે. તેમનો આખો દિવસ કેવો રહ્યો એવી કોઈ વાત કરવામાં તેમને રસ નથી માટે દીકરો પણ જોઈને એ જ શીખે છે. રહી વાત પોતાની લાગણીને વાચા આપવાની તો નાનપણથી જ જાણતાં-અજાણતાં છોકરાઓને એવું શીખવવામાં આવે છે કે ‘છોકરાઓ રડે નહીં’ કે ‘છોકરાઓએ મજબૂત રહેવું જોઈએ’. આ કારણે તેઓ પોતાની નબળાઈ કે લાગણીઓ શૅર કરતાં અચકાય છે. સ્કૂલમાં કોઈએ માર્યું તો ઘરે આવીને કહેવું એ શરમજનક છે એમ વિચારીને તે કહેતા નથી. બીજે પક્ષે છોકરીઓને નાનપણથી જ સંવેદનશીલ હોવાની છૂટ મળે છે, જેથી તેઓ લાગણીઓ સરળતાથી વ્યક્ત કરી શકે છે. આપણું સામાજિક માળખું જે પુરુષ માટે એકદમ જડ છે એને બદલવું જરૂરી છે. સંવેદના છોકરી હોય કે છોકરો, બન્નેને અનુભવાય છે એટલે એને સમજવી અને વ્યક્ત કરવી જરૂરી છે.’


છોકરાઓને કેવી રીતે બોલતા કરશો?

છોકરાઓને વાતો શૅર કરવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવા એ સમજીએ કિંજલ પંડ્યા અને દીપ્તિ સાવલા ગાલા પાસેથી. 
તમારા પ્રશ્નો બદલો. ‘આજે સ્કૂલમાં શું થયું?’ જેવા સીધા પ્રશ્નો પૂછવાને બદલે આવા પ્રશ્નો પૂછો : આજે તું ખૂબ ખુશ દેખાય છે, સ્કૂલમાં કઈ વાતે મજા પડી? આજે તેં સૌથી અઘરું કહી શકાય એવું શું કર્યું? શું આજે તને કોઈ વાતે આશ્ચર્યચકિત કર્યો? કોઈ નવા મિત્રો બન્યા? આ પ્રશ્નો સંવાદને જન્મ આપે છે, જેમાંથી 
આખા-આખા બનાવો બહાર આવે છે. એક જ શબ્દમાં જવાબ દેતી વ્યક્તિ પણ વિસ્તારથી વાત કરવાનો રસ ધરાવે છે. આમ, આવા પ્રશ્નો ઉપયોગી છે. 
બાળક સાથે વાતચીત કરવામાં પણ વયસ્ક જેવા જ નિયમો લાગુ પડે છે. તેના મૂડને ઓળખતાં શીખો. કોઈ દિવસ બાળક ખીલીને આવે તો એકદમ જ વાત કરશે. કોઈ દિવસ એ એટલું થાક્યું હશે કે તેને વાતની નહીં, તમારા દ્વારા મળતા કમ્ફર્ટની જરૂર પડે છે. માટે આવતાંની સાથે પ્રશ્નોનો મારો ન કરો. સ્કૂલથી આવે ત્યારે તેને ૧૫-૨૦ મિનિટનો સમય આપો. ફ્રેશ થવા દો, નાસ્તો કરવા દો. શાંત થયા પછી તે જાતે વાત કરવા પ્રેરાશે. ત્યાં સુધીમાં તમે બાળકનો મૂડ સમજી શકશો. 
છોકરાઓની સાથે પ્રવૃત્તિ કરતી વખતે વાત કરો. છોકરાઓ સામસામે બેસીને વાત કરવા કરતાં કોઈ કામ કે રમત રમતાં-રમતાં વાત કરવાનું વધુ પસંદ કરે છે. બાળક આવે પછી તે જમતું હોય ત્યારે કે પછી તેની સાથે બોર્ડ ગેમ રમતાં-રમતાં વાત કરી શકાય. મોટા ભાગે બાળકોને ટ્યુશન કે ક્લાસમાં લેવા-મૂકવા માટે માતા-પિતા જતાં હોય ત્યારે બાળક અને પેરન્ટ્સ બન્ને ચૂપ જ હોય છે. એના બદલે એ સમય ખૂબ સારો છે વાત કરવા માટે. એનો સદુપયોગ કરો. 
બાળક તમારી સામે ત્યારે ખૂલશે જ્યારે તમે તેની સામે ખૂલશો. તમારી પોતાની વાતો શૅર કરો. તમારા દિવસ દરમ્યાન બનેલી કોઈ નાની કે રમૂજી વાત તેને કહો. તમને જોઈને તે પણ પોતાની વાત શૅર કરતાં શીખશે. તમારે તેને શીખવવું નહીં પડે કે શૅર કરવું કેમ જરૂરી છે. તે સામેથી જ કરશે. 
બાળક સાથે વાતચીત એટલે ફક્ત માહિતી નથી કઢાવવાની તેની પાસેથી. તેની સાથે હસવાનું છે. મનની વાત કરવાની છે. જે થયું એ બાબતે તેની શું પ્રતિક્રિયા હતી એ સાંભળવાનું છે અને પોતાની પ્રતિક્રિયા તેને જણાવવાની છે. આ રીતે સાથે જીવવાનું છે, જેનાથી એક બૉન્ડ બનશે જે ઘણો સશક્ત હશે. 
જો તમે તમારા દીકરા સાથે વાતચીતનો સંબંધ વિકસાવી શકશો તો તમારા માટે જ નહીં, તેના માટે પણ એ શ્રેષ્ઠ રહેશે. આ રીતે તે પોતાની ભાવના સમજતાં અને એક્સપ્રેસ કરતાં શીખશે. પોતાના દુઃખને મનમાં નહીં દબાવે. પોતાના ગુસ્સાને જતાવી શકશે એટલું જ નહીં, એ યોગ્ય છે કે નહીં એ પણ સમજી શકશે. પોતાની હારને પચાવી શકશે અને જીવનને જોવાની એક ઊંડી સમજ કેળવી શકશે. આમ, દીકરાઓને બોલતા કરવાના ઘણા ફાયદાઓ છે. 

ધ્યાનમાં રાખો

છોકરીઓ ઘટનાની ઝીણામાં ઝીણા વિગતો જેમ કે કોણે શું પહેર્યું હતું, કોણે શું કહ્યું યાદ રાખે છે અને બોલે છે. છોકરાઓ મુખ્ય ઘટનાઓ પર જ ધ્યાન આપે છે. જો સ્કૂલમાં કોઈ મોટી મૅચ કે મોટી ઘટના ન બની હોય તો તેમના મતે કંઈ નવું બન્યું જ નથી, માટે છોકરાઓ પાસેથી એવી અપેક્ષા ન રાખો કે તેઓ ઝીણી-ઝીણી વિગતો તમને કહેશે. 

 

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 06:29 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK