સેક્સને પાપ કે વિકૃતિ તરીકે રજૂ કરવાને બદલે એને બાયોલૉજી અને સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી તરીકે સમજાવો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
શનિવારે મને મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો. મારા તે ફ્રેન્ડને ૧૬ વર્ષનો દીકરો છે. ફ્રેન્ડને મનમાં બરાબરની મૂંઝવણ હતી. તેણે મને પૂછ્યું કે ‘આજના સ્માર્ટફોન અને ઇન્ટરનેટના જમાનામાં મારા દીકરા સુધી બધી જ માહિતી સરળતાથી પહોંચી જાય છે. મને ડર છે કે તે કોઈ ખોટા રસ્તે ન ચડી જાય. મારે તેની સાથે સેફ સેક્સ અને કન્સર્ન વિશે વાત કરવી જોઈએ? ધારો કે હું તેના ભલા માટે તેની સાથે એ વાત કરું તો શું તેને વધુપડતી છૂટછાટ મળી જશે અને તે ખોટા રસ્તે વળી જશે?’
આ પ્રશ્ન આજનાં બધાં ટીનેજ બાળકોના પેરન્ટ્સને સતાવે છે. મોટા ભાગના પેરન્ટ્સ એવા ભ્રમમાં જીવે છે કે જો આપણે બાળકો સામે આ વાતો કરીશું તો આપણે જ તેમના મનમાં કુતૂહલ પેદા કરીશું; પણ વાસ્તવિકતા એ છે કે જો તમે વાત નહીં કરો તો સોશ્યલ મીડિયા, પૉર્ન સાહિત્ય અને મિત્રોની અધકચરી માહિતી તેમને ગેરમાર્ગે દોરવા માટે તૈયાર જ બેઠાં છે.
ADVERTISEMENT
૧૪થી ૧૬ વર્ષની ઉંમર એટલે ટીનેજ જીવનનો એવો પડાવ છે જ્યાં શરીરમાં હૉર્મોનલ બદલાવો આવવાને કારણે જાતીય જિજ્ઞાસા જાગવી અત્યંત સ્વાભાવિક છે.
સાઇકોલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટ તરીકે હું કહીશ કે જો ટીનેજ દીકરા-દીકરીના રૂમમાંથી કે ફોનમાંથી કશુંક ન મળવાનું મળી આવે તો પેરન્ટ્સે કડકાઈથી વર્તવાને બદલે એક મિત્ર તરીકે તેમની સાથે બેસવું જોઈએ. સેક્સને પાપ કે વિકૃતિ તરીકે રજૂ કરવાને બદલે એને બાયોલૉજી અને સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી તરીકે સમજાવો. ઓશો કહેતા કે પ્રકૃતિના આ વેગને દબાવવા કરતાં એને સાચી દિશા આપવી જરૂરી છે.
ઘણા પેરન્ટ્સ ડરે છે કે સાચી માહિતી આપવાથી બાળક પ્રયોગો કરવા તરફ પ્રેરાશે. જોકે સાઇકોલૉજી કહે છે કે જ્ઞાન નહીં, અજ્ઞાનતા જ હંમેશાં જોખમી બને છે.
જો આ ઉંમરે બાળકને સમજાવવામાં આવે કે સંબંધોમાં સામેની વ્યક્તિની ઇચ્છા અને આદર સૌથી ઉપર છે. ‘ના’નો અર્થ એક જ થાય છે ના, પછી એ સોશ્યલ મીડિયાની લાઇફ હોય કે વાસ્તવિક જીવનના સંબંધો. પેરન્ટ્સે યાદ રાખવાનું છે કે ટીનેજમાં સુષુપ્ત મનના વિચારો અતિશય વેગવંતા હોય છે એટલે ટીનેજરને ડરાવવાને બદલે એ સમજાવો કે અસુરક્ષિત સંબંધો ભવિષ્યમાં શારીરિક અને માનસિક રીતે કેવાં મોટાં સંકટો લાવી શકે છે. ટીનેજ એવી ઉંમર છે જેમાં સંવાદ મહત્ત્વનો બને છે. આ ઉંમરનાં બાળકો સાથે અતિશય કડકાઈ કે અતિશય બેદરકારી બન્ને નુકસાનકારક છે. સાચી સમજણ એ કોઈ છૂટછાટ નથી, પણ આજના ડિજિટલ યુગમાં સંતાનની સુરક્ષા માટેની સૌથી મજબૂત લક્ષ્મણરેખા છે. સંબંધોમાં આદર અને સંયમ કેળવાય એ જ સાચી સમજદારી છે.
