Thane Fire: ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને ઈજા થયાના અહેવાલ નથી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના થાણે વિસ્તારમાંથી આગ (Thane Fire) લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે પંચપખાડી એરિયામાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ના હેડક્વૉર્ટરમાં આગ લાગી હતી. સુરક્ષા કર્મચારીઓ, સિવિક બોડીના કર્મચારીઓ તેમ જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઇ હતી.
યુપીએસ સિસ્ટમ, પેપર્સ અને ફેનને ભરડામાં લીધાં આગે
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી અનુસાર સૌ પ્રથમ આ આગ યુપીએસ સિસ્ટમ, પેપર્સ અને ફેનમાં આગ (Thane Fire) લાગી હતી. ચીફ ફાયર ઓફિસર ગિરીશ ઝળકે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર તડવી, ટીએમસી સુરક્ષા સ્ટાફ અને ઇલેક્ટ્રિકલ વિભાગના અધિકારીઓ સાથે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને ઈજા થયાના અહેવાલ નથી.
સુરક્ષા ગાર્ડની સતર્કતા
થાણે પશ્ચિમમાં આવેલ પંચપખાડી એરિયામાં ટીએમસી મુખ્યાલયના ચોથા માળે શહેરી વિકાસ ડીપાર્ટમેન્ટમાં સવારે 08:07 વાગ્યે આગનો બનાવ બન્યો હતો. ફાયરવિભાગે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એક ફાયર એન્જિન અને એક બચાવ વાહન તૈનાત (Thane Fire) કર્યું હતું, જેના પરિણામે આગને ઝડપથી નિયંત્રણમાં લેવામાં આવી હતી અને લગભગ 08:35 વાગ્યે આગને સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. હાલ ત્યાં પરિસ્થિતિ નોર્મલ થઈ ગઈ છે. ટીએમસીના સુરક્ષા ગાર્ડ વિષ્ણુ મોરેએ સૌને ચેતવ્યા હતા. વિષ્ણુ મોરેએ આગના તણખા જોયા હતા અને તરત જ કંટ્રોલ રૂમને સમયસર માહિતગાર કર્યા હતા. તેની સતર્કતાને કારણે આગ પાસેના વિભાગોમાં ફેલાતીરહી ગઈ હતી. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે કોઈ વ્યક્તિના ઈજાના અહેવાલ નથી અને ઓફિસની કામગીરીમાં કોઈ મોટો વિક્ષેપ થયો નથી, બધુ થાળે પડી ગયું છે.
આ સમગ્ર ઘટના અંગે એક સિનિયર સિવિક અધિકારીએ જણાવ્યું હતું કે સ્થળ પર લાઈફગાર્ડ્સ, ઇમરજન્સી સેવા આપતા કર્મચારીઓ અને અગ્નિશામકો સર્વેના પ્રયાસો થકી 8:35 સુધીમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આ સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે અડધા કલાકમાં તો પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી હતી.
શું TDR ફાઈલો બળી ગઇ?
ટીએમસીની ઓફિસમાં આગ (Thane Fire) લાગવાથી 200 કરોડ રૂપિયાની TDR (ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટ્સ) સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ફાઇલો બળીને ખાખ થઈ ગઈ હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ચર્ચાઇ રહ્યું છે કે આ આગમાં ટીડીઆર ટ્રાન્ઝેક્શન સંબંધિત ઘણી મહત્વપૂર્ણ ફાઇલો, દસ્તાવેજો અને રેકોર્ડ્સ બળી ગયા છે. એવું પણ ચર્ચામાં છે કે આ ફાઇલો અને સંબંધિત વ્યવહારોની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા હતી.
થાણેના ગાંવદેવી માર્કેટ બિલ્ડિંગમાં ભીષણ આગ, ૧૫૫ દુકાનો રાખ
મે મહિનામાં થયેલી એક ઘટના અંગે વાત કરીએ તો થાણે પશ્ચિમના નૌપાડામાં ગાંવદેવી ભાજી માર્કેટમાં વજેલી સવારે 3.30 વાગ્યે મોટી આગ ફાટી નીકળી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા અને ઘણી દુકાનોને ભારે નુકસાન થયું હતું. નવપાડા પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર આગની જાણ સવારે 3.43 વાગ્યે કરવામાં આવી હતી. બચાવ કામગીરીમાં એક ફાયર ફાઇટરનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા.
