Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > વર્કિંગ મધર્સ, બ્રેસ્ટફીડિંગને બોજ ન સમજો, સારું પ્લાનિંગ હશે તો એ પણ સરળ બની જશે

વર્કિંગ મધર્સ, બ્રેસ્ટફીડિંગને બોજ ન સમજો, સારું પ્લાનિંગ હશે તો એ પણ સરળ બની જશે

Published : 04 August, 2026 07:27 PM | Modified : 04 August, 2026 07:29 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

જૉબ કરતી માતાઓ માટે બ્રેસ્ટ પમ્પ અને મિલ્ક સ્ટોરેજ કેવી રીતે બાળકને માતાનું દૂધ સતત મળી રહે એમાં મદદરૂપ બને છે? નૅશનલ બ્રેસ્ટફીડિંગ વીક નિમિત્તે જાણો ઉપયોગી માહિતી અને જરૂરી માર્ગદર્શન.

વર્કિંગ મધર્સ, બ્રેસ્ટફીડિંગને બોજ ન સમજો, સારું પ્લાનિંગ હશે તો એ પણ સરળ બની જશે

વર્કિંગ મધર્સ, બ્રેસ્ટફીડિંગને બોજ ન સમજો, સારું પ્લાનિંગ હશે તો એ પણ સરળ બની જશે


જે મમ્મી પોતાના બાળકને ઘરે છોડીને કામ પર જાય છે તેના માટે આ કરવું ખૂબ જ અઘરું છે. બાળકને મમ્મીની હૂંફની જરૂર હોય છે અને એની સાથે-સાથે તેના દૂધની પણ. હૂંફ તો તમે તેને તમારા સમયે આપી શકો છો, પણ બ્રેસ્ટ પમ્પ દ્વારા દૂધ સ્ટોરેજ કરીને તમે બાળકને તેનો હક અને તેનું પોષણ પૂરું પાડી શકો છો. થોડું પ્લાનિંગ, થોડી ડિસિપ્લિન અને તમારા થોડા પ્રયત્નોથી જો બાળકને મમ્મીનું દૂધ પૂરું પાડી શકાય તો એનાથી રૂડું શું હોઈ શકે? ઑગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું નૅશનલ બ્રેસ્ટફીડિંગ વીક તરીકે ઊજવાય છે ત્યારે સમજીએ બ્રેસ્ટફીડિંગના ફન્ડા

ઇન્ટરનેટ પર હાલમાં મમ્મીઓના એક કૉમન પ્લૅટફૉર્મ પર ઘણીબધી સ્ત્રીઓ પોતપોતાના મનની વાતની ચર્ચા કરી રહી હતી જેમાં ઓએ આટલી મહેનત કરીને પોતાની કરીઅર બનાવી હોય છે તે આજની તારીખે જૉબ છોડી નથી શકતી કે છોડવા નથી માગતી. એટલે ઘણી છોકરીઓએ જલદી જૉબ શરૂ કરવી પડે છે..



પહેલા છ મહિના


બાળક ૬ મહિનાનું થાય એ પછી પણ જૉબ શરૂ કરવી ઘણી અઘરી છે પણ અશક્ય નથી એ વિશે પીડિયાટ્રિશ્યન અને લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટ ડૉ. ઝીનલ ઉનડકટ શાહ કહે છે, ‘ગાઇડલાઇન્સ મુજબ ૬ મહિના સુધી નવજાત બાળકને સંપૂર્ણપણે માનું દૂધ મળવું જ જોઈએ અને ૬ મહિને ઉપરનો ખોરાક શરૂ કર્યા બાદ એ ખોરાકની સાથે-સાથે બે વર્ષ સુધી બાળકને સ્તનપાન કરાવવું જોઈએ. ૬ મહિના સુધી મમ્મી કોઈ રીતે મૅનેજ કરીને બાળક સાથે જ રહી શકે તો એનાથી સારું કશું નથી. ૬ મહિના પછી કે અમુક કેસમાં એ પહેલાં જ બાળકને ઘરે છોડીને મમ્મીએ જવું પડે તો પહેલું ધ્યાન તેણે સ્તનપાનનું રાખવું જોઈએ. આજની તારીખે મા બાળકથી દૂર રહીને પણ બાળકને પોતાનું દૂધ આપી શકે છે. થોડું પ્લાનિંગ, થોડી સમજદારી કેળવશો તો તમે ચોક્કસ દૂર રહીને પણ બાળકને તમારા દૂધનું સુખ આપી શકશો. સ્તનપાન કરાવવું જરૂરી છે, પણ એને બોજરૂપ ન સમજો. એ માતૃત્વનો એક ભાગ છે, તમારા બાળકનો હક છે અને તમારો એના પ્રત્યેનો અખૂટ પ્રેમ છે. આ ભાવ રાખશો તો કામ સરળ રહેશે.’

કામ શરૂ કરો ત્યારે


તમે જ્યારે કામ શરૂ કરો ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ એ સમજાવતાં ડૉ. ઝીનલ ઉનડકટ શાહ કહે છે, ‘સીધા પાંચ દિવસના કામકાજના સપ્તાહમાં પાછા આવવાને બદલે જ્યારે તમે કામ શરૂ કરો ત્યારે તમારા શેડ્યુલમાં થોડી રાહત મળી શકે છે કે નહીં એ જુઓ. જો શક્ય હોય તો ધીમે-ધીમે કામ પર પાછા ફરવું. કામચલાઉ પાર્ટટાઇમ કામ અથવા વર્ક-ફ્રૉમ-હોમ જેવા ઑપ્શન વાપરી જુઓ. આ બધું તમારા સ્તનપાનના રૂટીનમાં પડતી ખલેલ સાથે અનુકૂલન સાધવામાં મદદ કરી શકે છે. જો તમે નાઇટ શિફ્ટમાં કામ કરો છો તો રાત દરમ્યાન સીધું સ્તનપાન કરાવી શકાય એ માટે સવારની શિફ્ટમાં બદલી માગવાનો પ્રયાસ કરો.’
અમુક મહત્ત્વની બાબતો વિશે સમજાવતાં ડૉ. ઝીનલ ઉનડકટ શાહ કહે છે, ‘તમારા કામના દિવસનું આયોજન કરવાનો પ્રયાસ કરો અને એમાં તમારા દૂધ કાઢવાના સમયગાળાને સામેલ કરો. આ સમય મિસ ન થઈ જાય એ માટે ખુદને યાદ અપાવવા માટે અલાર્મ સેટ કરો અથવા તમારા કૅલેન્ડરમાં માર્ક કરો. તમે કામ પર પાછા ફરો એ પહેલાં તમારા નવા શેડ્યુલની એક પ્રૅક્ટિસ કરી જુઓ. એ તમને પડકારોનો અંદાજ લગાવવામાં અને ઉકેલો શોધવામાં મદદ કરી શકે છે.’

ઘરની બહાર નીકળો ત્યારે શું કરવું?

ઘરેથી કામ પર જવા નીકળો એ પહેલાં આટલી વસ્તુઓ ચોક્કસ લઈને જાઓ : બ્રેસ્ટ-પમ્પ, મિલ્ક સ્ટોરેજ કન્ટેનર, લેબલ્સ અને પેન, ઇન્સ્યુલેટેડ કૂલર બૅગ, બ્રેસ્ટ-પમ્પને સાફ કરવા માટે જરૂરી સમાન. ચુસ્ત ઢાંકણવાળા કાચ અથવા બિસ્ફેનૉલ A (BPA) કેમિકલથી મુક્ત હાર્ડ પ્લાસ્ટિકની બૉટલોમાં બ્રેસ્ટ મિલ્ક સંગ્રહિત કરી શકાય છે. દૂધના સ્ટોરેજ બાબતે સમજાવતાં ડૉ. ઝીનલ ઉનડકટ શાહ કહે છે, ‘ઑફિસમાં દર ૪ કલાકે મિલ્ક કાઢીને ભરવું જરૂરી છે. એમાં લંચ-બ્રેકમાં અને પછી ટી-બ્રેક વખતે પમ્પ વડે દૂધ કાઢી એને બૉટલમાં ભરીને લેબલ લગાડી લેવું. એ દૂધને આ ઇન્સ્યુલેટેડ બૅગમાં પૅક કરીને રાખવું અને ઘરે જઈને ફ્રિજમાં મૂકી શકાય. જો ઑફિસમાં ફ્રિજ હોય તો ફ્રિજમાં મૂકવું બહેતર રહેશે. સ્ટોરેજ કન્ટેનર પર હંમેશાં તારીખ અને સમય એવી વસ્તુથી લખો જે ભીનું થવા પર ભૂંસાઈ ન જાય, ખાસ કરીને જો દૂધ ફ્રીઝ કરવાનું હોય. જેમ કે તમે માસ્કિંગ ટેપ અને પર્મનન્ટ માર્કરનો ઉપયોગ કરી શકો છો. દૂધ જ્યારે રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરો ત્યારે એને ફ્રિજમાં પાછળના ભાગમાં રાખો જ્યાં તાપમાન સ્થિર રહે છે. રેફ્રિજરેટરના દરવાજામાં દૂધ ન મૂકો, કારણ કે દરેક વખતે દરવાજો ખોલતી વખતે તાપમાન થોડું વધે છે અને દૂધમાં બૅક્ટેરિયા વધવાનું જોખમ વધી શકે છે.’

દૂધના સ્ટોરેજ માટે આટલું મસ્ટ

૨૪ કલાકની અંદર બાળકે વાપરવાનું હોય એવું તાજું એક્સપ્રેસ કરેલું દૂધ રેફ્રિજરેટરના પાછળના ભાગમાં સંગ્રહિત કરવું સૌથી સારું છે જ્યાં તાપમાન સૌથી સ્થિર રહે છે. ૨૪ કલાકની અંદર ઉપયોગમાં ન લેવાતું દૂધ જો ફ્રીઝ કરવામાં આવે તો વધુ સમય સુધી સારું રહેશે. વારંવાર ફ્રીઝ/ઓગળવાનું અથવા બગાડ ટાળવા માટે નાના જથ્થામાં ફ્રીઝ કરવું વધુ વ્યવહારુ છે. જો રેફ્રિજરેટર ન હોય તો એક્સપ્રેસ કરેલું દૂધ સામાન્ય તાપમાને લગભગ ૮ કલાક સુધી બગડતું નથી.

જ્યારે પણ શક્ય હોય ત્યારે સીધું સ્તનપાન કરાવો

કાર્યસ્થળ પર દૂધ એક્સપ્રેસ કરવાથી અને જ્યારે પણ શક્ય હોય ત્યારે તમારા બાળકને સીધું સ્તનપાન કરાવવાથી દૂધનું ઉત્પાદન ચાલુ રાખવામાં મદદ મળશે. કામ પર જતાં પહેલાં અને ઘરે પહોંચો ત્યારે બાળકને સ્તનપાન સીધું કરાવો કારણ કે એ જરૂરી છે. તમારા બાળકની સંભાળ રાખનારને સૂચના આપો કે તમે ઘરે પહોંચો એના એક કલાક પહેલાં બાળકને પેટ ભરીને ન ખવડાવે. તમે ઘરે પહોંચો એટલે તરત ફ્રેશ થઈને તમારા બાળકને સ્તનપાન કરાવો. એ તમારા અને બાળકના બન્ને માટે ખૂબ જ સારું ગણાશે. 

પ્રસવ પછીનો 5-5-5નો નિયમ શું છે?

પ્રસવ પછીનો 5-5-5નો નિયમ દેખાવમાં મૉડર્ન છે પરંતુ વર્ષોથી આપણે ત્યાં નવી બનેલી મમ્મીને આવી જ રીતે રહેવાની સલાહ આપવામાં આવી છે. આજે મૉડર્ન સમયમાં જ્યાં ન્યુક્લિયર ફૅમિલીઝ થઈ ગઈ છે ત્યાં નવી મમ્મીને આ સલાહ આપનારું કોઈ નથી. એટલે મૉડર્ન નિયમ ગણીને પણ જો તમે એને ફૉલો કરશો તો એનાથી ફાયદો થશે. આ નિયમ બાળક સાથે ઘરે વિતાવેલા પ્રથમ ૧૫ દિવસમાં આરામ અને માનસિક શાંતિને પ્રોત્સાહન આપે છે. પ્રસવ પછીનો 5-5-5 નિયમ જન્મ પછીની રિકવરી માટેનો સમયગાળો દર્શાવે છે જેમાં પાંચ દિવસ પલંગમાં, પાંચ દિવસ પલંગ પર અને પાંચ દિવસ પલંગની આસપાસ વિતાવવાની વાત છે. 
આ સમય દરમ્યાન મમ્મીઓએ મહેમાનોની ખાતરદારી કરવાની, ઘરકામ કરવાની કે મોટાં બાળકોને સંભાળવાની જરૂર હોતી નથી. મુખ્ય ધ્યાન ફક્ત આરામ કરવા પર અને નવજાત શિશુ સાથે પ્રેમથી સમય વિતાવવા પર હોય છે. આપણે ત્યાં આમ તો આ સમયગાળો સવા મહિનાનો હોય છે જેમાં સ્ત્રી બાળક સાથે ઘરે આવ્યા પછીના પ્રથમ ૪૦ દિવસ સુધી મોટા ભાગે પોતાના રૂમમાં જ રહે છે અને ઘરથી બહાર તો નીકળતી જ નથી.
૧. પલંગમાં પાંચ દિવસનો સમયગાળો ઊંઘવામાં, બાળકને વહાલ કરવામાં, સ્કિન-ટુ-સ્કિન ટચ આપવામાં અને પોતાના શરીરની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં વિતાવવો જોઈએ. બાળકની સાથે આત્મીયતા વધારવા અને તમારા શરીરને સ્વસ્થ કરવા માટે પાંચ દિવસ સુધી જેટલું વધુ બની શકે એટલું પલંગમાં જ રહેવું.
૨. પલંગ પર પાંચ દિવસનો સમયગાળો થોડા નાના ફેરફારો સાથે ઘણોખરો ‘પલંગમાં પાંચ દિવસ’ જેવો જ દેખાય છે. આગળના આ પાંચ દિવસ માટે તમે હજી પણ પલંગ પર જ રહો છો, પરંતુ આરામ કરવા અને બાળકને રમાડવા સિવાય પણ થોડી વધુ પ્રવૃત્તિઓ કરી શકો છો. ફક્ત સીધા પડી રહેવાને બદલે પલંગ પર બેસવું અને થોડી હલચલ કરવી યોગ્ય છે.
૩. પલંગની આસપાસ પાંચ દિવસનો તબક્કો એવો છે જ્યારે તમે ગાદલું છોડીને રૂમમાં થોડું ચાલવા-ફરવા માટે સક્ષમ હો છો, તમે વારંવાર સીડીઓ ચડવા-ઊતરવાનું ટાળીને રૂમમાં વધુ હલચલ કરી શકો છો. આ સ્પીડથી આગળ વધવું મમ્મી અને બાળક બન્ને માટે હેલ્ધી છે. બાકી સવા મહિનાનો તમે સંપૂર્ણ આરામ કરો એ રિકવરી માટે અને મમ્મી-બાળક વચ્ચેના બૉન્ડિંગ માટે અત્યંત જરૂરી છે. સમજો કે સ્તનપાન સારી રીતે થઈ શકે એ માટે પણ એટલો સમય અને કોશિશ જરૂરી છે. જો આ સમય તમે આપશો તો સ્તનપાન ત્યાં સુધીમાં સારી રીતે કરાવી શકશો. 

બ્રેસ્ટ મિલ્ક સ્ટોરેજ માટેનો 5-5-5 રૂલ

જ્યારે પણ બાળક માટે બ્રેસ્ટ મિલ્ક પમ્પ કરીને એકઠું કરી રાખવાનું હોય ત્યારે આ દૂધ કેટલું અને કેવી રીતે ટકશે એનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. સામાન્ય રીતે દૂધ કાઢ્યા પછી બંધ કાચના વાસણમાં રૂમ-ટેમ્પરેચર પર રાખો તો પાંચ કલાક સુધી સારું રહે છે. જો તેને રેફ્રિજરેટ કરીને રાખો તો પાંચ દિવસ સુધી સારું રહે અને જો ફ્રીઝરમાં મૂકી રાખો તો એ પાંચ મહિના સુધી સારું રહે છે.

હિરકણી કક્ષ

શિવાજી મહારાજના સમયમાં હિરકણી એક એવી સ્ત્રી હતી જે પોતાના બાળકને દૂધ પિવડાવવા માટે રાતના અંધારામાં પહાડ ઊતરીને તેના બાળક સુધી પહોંચી હતી. હિરકણીના માતૃત્વની મિસાલ દેવામાં આવે છે. તેથી જ તેના નામ પરથી આજે મહારાષ્ટ્ર સરકાર અને UNICEFએ સાથે મળીને જગ્યાએ-જગ્યાએ હિરકણી કક્ષ બનાવ્યા છે. આખા મહારાષ્ટ્રમાં જાહેર જગ્યાઓએ અને કામની જગ્યાઓએ મળીને કુલ ૨૦૦૦ કક્ષ છે.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 07:29 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK