ગયા વર્ષે રાજ્યના ચીફ મિનિસ્ટરે ડૌલોત્સવ ૨૦૨૬માં ૫૦૦૦ ગાયકોને બોલાવવાનું જાહેર કર્યું હતું. જોકે હજી સુધી આ સંદર્ભે કોઈ રાજકીય પુષ્ટિ થઈ નથી.
બરપેટાને સ્થાનિકો દિતિયા વૈકુંઠ (બીજું સ્વર્ગ) કહે છે.
સત્રાનગરી જેવું ઉપનામ ધરાવતા આસામ રાજ્યના બરપેટામાં હોળી-ધુળેટી પર્વ નિમિત્તે ત્રણથી પાંચ દિવસનો મહાઉત્સવ યોજાય છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા બરપેટિયન્સ આ અવસર પર અચૂક પોતાના ગામમાં આવે છે, કારણ કે રોશની, રંગ, નૃત્ય અને સંગીતથી ભરપૂર આ કાર્યક્રમ ધમાકેદાર હોય છે
આ મહોત્સવ દરમ્યાન આખો મંદિર પરિસર અને યાત્રારૂટ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે.
ADVERTISEMENT
આસામીઝ સુપર-સિંગર ઝુબીન ગર્ગ યાદ છે? જેઓ ગયા વર્ષે સિંગાપોરમાં આકસ્મિક મૃત્યુ પામ્યા હતા. હા, એ જ ઝુબીન ગર્ગે ગાયેલા ‘શ્યામ કાનુ ખેલે હોલી, ફગુઆ કે દિન, રંગોર જુઈ જોલી જ અજી, પાગોલ હોલી’ સાથે ટ્રેડિશનલ ‘મધુકોરે ગુંજે રે’ જેવાં ગીતો અત્યારથી બરપેટાનાં ઘરોમાં વાગી રહ્યાં છે, કારણ કે ફાગણ ફોરમતો આવી ગયો છે.
યસ, બરપેટાનાં કૃષ્ણ-મંદિરો ધોવાઈને ચોખ્ખાંચણક થઈ ગયાં છે. વળી પાલખીઓનું રંગરોગાન કરીને નવીનક્કોર બનાવી દેવાઈ છે, કારણ કે રંગપંચમીના અવસરે અહીં ત્રણથી પાંચ દિવસનો ડૌલોત્સવ થાય છે. એમાં પહેલા દિવસે ગંધ-બનઉત્સવ, બીજા દિવસે ભરડૌલ, ત્રીજા દિવસે ફાકુઆ અને ચોથા દિવસે સુવેરી જેવાં ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. ૫૦૦ વર્ષથી ચાલતા આ વિશિષ્ટ સાંસ્કૃતિક આયોજનની પૉપ્યુલરિટી એવી તો ફેલાઈ છે કે ઉત્સવપ્રિય લોકોને વ્રજની હોળીની જેમ આ ડૌલોત્સવમાં પણ મોજ પડે છે. એટલે અહીંના સ્થાનિકો સાથે હવે દેશના અન્ય ભાગોના ભાવિકો અને ફૉરેન ટૂરિસ્ટો સુધ્ધાં આ ઉત્સવમાં હરખના હિલોળે ચડે છે.
ભારતમાં ૨૦૨૧માં થયેલી જનગણના અનુસાર પૂર્વોત્તર રાજ્ય આસામમાં ૫૮ ટકા નિવાસી વેદિક ધર્મના અનુયાયીઓ છે. એમાંય પંદરની-સોળમી શતાબ્દી પછી તો વૈષ્ણવ ધર્મ અહીંનો પ્રમુખ સંપ્રદાય રહ્યો છે. પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે મહાભારતકાળમાં સ્વયં શ્રીકૃષ્ણ અનેક વખત બ્રહ્મપુત્રાના આ પ્રદેશમાં આવ્યા છે અને પ્રજાને ધર્મ પમાડ્યો છે. વળી અહીં ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શિયસનેસ (ISKCON) સંસ્થા પણ સક્રિય છે. બંગાળી હિન્દુઓ શક્તિવાદ સંપ્રદાય ફૉલો કરે છે તો આસામનો બોડો સમુદાય બાથુવાદ સંપ્રદાયને માને છે જે વૈદિક ધર્મનો જ એક પેટાપ્રકાર છે. આ દરેક સંપ્રદાયને સમર્પિત અનેક નાનાં-મોટાં, પ્રાચીન-અર્વાચીન મંદિરો છે. (આપણે બે અઠવાડિયાં પહેલાં નાંગાવના શિવાલયની માનસયાત્રા કરી જ હતી.) એમાંય પાટનગર ગુવાહાટીથી ૯૦ કિલોમીટરના અંતરે આવેલા બરપેટાને તો સત્રાનગરી એટલે મંદિરોની નગરી કહેવાય છે જ્યાં પટબૌશી સત્ર (મંદિર), સુંદરિદિયા સત્ર, ગણક્કુચી સત્ર જેવાં સુંદર કૃષ્ણ-મંદિરો આવેલાં છે.

ગણક્કુચી સત્ર (મંદિર)
હવે પ્રદેશમાં વૈષ્ણવ પંથની સ્થાપના અને પ્રસારણની વાત કરીએ તો પંદરમી સદીમાં વૈષ્ણવ સંત શંકરદેવ અને તેમના મુખ્ય શિષ્ય માધવદેવ અહીં ૧૮ વર્ષ રહ્યા અને પોતાના આરાધ્યદેવ શ્રીકૃષ્ણની ભક્તિ સાથે વૈષ્ણવ ધર્મનો વ્યાપક પ્રચાર કર્યો. શિષ્ય માધવદેવે ઈસવીસન ૧૫૮૩માં અહીં પહેલવહેલું મંદિર સ્થાપ્યું જેને નામ મળ્યું પટબૌશી સત્ર. આ મંદિર વૈષ્ણવ સંપ્રદાયની પહેલવહેલી બેઠક પણ કહી શકાય, કારણ કે ગુરુ શંકરદેવે અહીં જ ૨૪૦ જેટલાં ભક્તિગીતો અને અંકિયા (એકાંકી નાટકો)ની રચના કરી હતી. આ મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ તો છે, સાથે ગુરુ શંકરદેવનું આસન તથા મથુરાદાસ આટાનું સ્થાન પણ છે. એ પછી શિષ્ય માધવદેવે બરપેટાના સત્રથી એક કિલોમીટર દૂર ગણક્કુચી સત્રની સ્થાપના કરી અને બે કિલોમીટર દૂર સુંદરિદિયા મંદિરની. આ દરેક દેવળ એ સમયથી આજ સુધી વૈષ્ણવ ધર્મ, સંસ્કૃતિ અને સંગીતનાં મહત્ત્વપૂર્ણ કેન્દ્રો બની રહ્યાં છે.
વૈષ્ણવ ધર્મમાં અનેક પ્રકારની પરંપરા, માર્ગ, પ્રકાર, પેટાપ્રકાર છે. ગુજરાત અને ગુજરાતીઓમાં મોટા ભાગે પુષ્ટિમાર્ગીય, સ્વામીનારાયણ, ગોકુલેશ, ભાગવતીઝમ પરંપરા વધુ લોકપ્રિય છે. એમાં શ્રીકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો (બાળ, યુગલ, રાજા)ની ભક્તિ કરવામાં આવે છે. એ જ રીતે ઉત્તર પ્રદેશ, બિહાર, દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ ભિન્ન-ભિન્ન રિચ્યુઅલો મુજબ કાનુડાની સેવા થાય છે. બરપેટામાં કાન્હાના બાળક સ્વરૂપની પૂજા થાય છે. તેમની સેવા, ભોગ, આરતી, ભજન અને પાઠ બધુંય ભિન્ન છે; ઈવન બંગાળ કરતાં પણ અલગ છે. આ પ્રણાલીમાં ભક્તિસંગીત અને ભજનોનું વધુ ચલણ છે. સવારથી રાત સુધીના સમયે-સમયે અને તહેવારોમાં પણ અલગ-અલગ પ્રકારનાં ગીતો ગવાય છે અને નૃત્ય થાય છે. એમાં હોળી નિમિત્તે થતો ડૌલોત્સવ તો ભક્તિ અને નૃત્યની ચરમસીમારૂપ છે. આ ફેસ્ટિવલનું અહીં જન્માષ્ટમી કરતાં પણ વધુ મહત્ત્વ છે, કારણ કે આ સીઝનમાં પ્રકૃતિનાં નવાં-નવાં રૂપરંગ ખીલ્યાં હોય છે, પંખીઓ વસંતનાં વધામણાં કરતાં હોય છે, હવા સુંગધિત થઈ ગઈ હોય છે જેથી ચારેકોર હર્ષની હેલી છવાઈ ગઈ હોય છે. આવા વાસંતી સમયે આવતો આ ફાગોત્સવ તો એવી ખુશી પ્રસરાવે છે કે સ્થાનિકોનાં દિલ ઉમંગ અને ઉત્સાહથી ભરાઈ જાય છે અને તેઓ ગાઈ ઊઠે છે : આંનદો દિયા હૈ કોઈલા બાબા (કાળિયો ઠાકુર).
એટલે તીર્થાટનપ્રેમીઓ, ધુળેટીને આવવાને ચોખ્ખા ૧૦ દિવસ માત્ર રહી ગયા છે ત્યારે આપણે પણ રંગાઈએ ચોથીથી ૭ માર્ચ દરમ્યાન થનારા સત્રાનગરીના આ ડૌલોત્સવના રંગે.
બરપેટામાં ડૌલોત્સવ મનાવવાની શરૂઆત મથુરાદાસ બરુઆ આટાએ કરી. માધવદેવે તેમના બાદ મથુરાદાસ આટાને મંદિરનું સંચાલન કરવાની જવાબદારી સોંપી અને તેમણે સમાનતાવાદી અભિગમ રાખીને જાત-પાત, વર્ણ આદિ ભેદ વગર દરેકને સમાન અધિકાર સોંપીને ‘નીઓ વૈષ્ણવિઝમ’ પ્રણાલી કાયમ કરી. મથુરાદાસે વૈકુંઠમાં જે પ્રમાણે રંગપંચમી મહોત્સવ મનાવાય છે એ જ પરંપરાથી બરપેટામાં ડૌલોત્સવ મનાવવાનું શરૂ કર્યું, જે આજે પાંચ સદી બાદ પણ એ જ રીતથી ચાલી રહ્યો છે. આમ તો આ અવસર ૪ દિવસનો હોય છે, પણ તિથિની વધઘટ અનુસાર એ ત્રણથી પાંચ દિવસનો બની રહે છે. ઉત્સવમાં પહેલા દિવસે ગંધ-બનહુસ્તવ યોજાય છે. એમાં આજુબાજુનાં વનોમાંથી, વૃક્ષોમાંથી પડી ગયેલાં ડાળખાં, લાકડાં વગેરેનો ઉપયોગ કરીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે (આપણે હોળી પ્રગટાવીએ એમ). આ હોળીમાં અનેક પ્રકારની પ્રાકૃતિક ઔષધિ, કપૂર, ધૂપ વગેરે નાખવામાં આવે છે. સ્થાનિકો ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને પાલખીમાં બેસાડીને આ અગ્નિની ૭ પ્રદક્ષિણા કરાવે છે. ઢોલનગારાં અને અસમિયા ભાષાનાં હોળીનાં ગીતોથી આખું વાતાવરણ દૈવી બની જાય છે. શિયાળાની સીઝનમાં શરીરમાં થયેલો કફ, વિકાર વગેરે હોળીની જ્વાળાની ગરમીથી નીકળી જાય અને શરીર આવનારા ગરમ દિવસો માટે તૈયાર થાય એ હેતુસર જેમ આપણે હોળીની પ્રદક્ષિણા કરીએ છે એવા જ ભાવથી કાળિયા ઠાકુરને પણ અહીં પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. એ પછી થાય છે અદ્ભુત આતશબાજીનો રાઉન્ડ. એ સાથે સ્થાનિકો રાત્રે આકાશમાં કંડીલ પણ ચગાવે છે.
બીજો દિવસ છે ભર ડોલનો. અહીં વહેલી સવારે બોર ગીત (ભોરનાં ભજનો) ગવાય છે. બહેનો તો ખરી જ, ભાઈઓ પણ ખૂબ ઉત્સાહથી આ ગીતો ગાવામાં જોડાય છે. એ પછી ધાર્મિક કથાઓ આધારિત નૃત્યનાટિકાઓ ઊજવાય છે તથા ધુલિયા (ઢોલ) નૃત્ય થાય છે. આ પારંપરિક પ્રદર્શનમાં બધા નગરવાસીઓ મંદિરના પરિસરમાં જ હોય છે અને આ સાંસ્કૃતિક કલા-રૂપોનાં વિવિધ માધ્યમોથી ભગવાનની ભક્તિ કરે છે. ત્રીજો દિવસ છે રંગપંચમીનો. શંકરદેવ દ્વારા રચિત ભક્તિગીતો ગાતાં-ગાતાં ભક્તો ભગવાનને ફાકુગુરી (ફૂલ અને હળદરમાંથી બનાવાયેલો રંગ) વડે રંગે છે અને એકબીજા પર ગુલાલ ઉડાડીને નૃત્ય કરે છે. આ દિવસે ગવાતા સંગીતમાં નંદલાલાની છેડતી હોય છે, મસ્તી હોય છે, મહેણાં હોય છે. મસ્તીભર્યો આખો દિવસ વીત્યા બાદ કાળિયા ઠાકુરને, મહાપ્રભુજીને અને દામોદરરાયને ત્રણ અલગ-અલગ પાલખીમાં બિરાજમાન કરીને બરપેટાના કનારા મંદિરમાં લઈ જવામાં આવે છે. ચોથા અને મહોત્સવના સમાપનના દિવસે ત્રણેય દેવોની પાલખી કનારા મંદિરથી પાછી ગણક્કુચી મંદિરમાં લાવવામાં આવે છે. ત્યારની કથા એવી છે કે વિષ્ણુ ભગવાનનાં પત્ની લક્ષ્મી કૃષ્ણને અંદર આવવાની અનુમતિ નથી આપતાં. આથી પંરપરા પ્રમાણે વૈષ્ણવો દરવાજા પર ૪ વાંસ લગાવીને પ્રભુને રોકે છે અને મહાપ્રભુ વાંસને તોડે છે. પછી ત્રણે પાર્ટીઓને મંદિર પરિસરની ૭ પરિક્રમા કરાવવામાં આવે છે. કહેવાતી આ ૭ પરિક્રમા ચારથી ૭ કલાક સુધી ચાલે છે. હજારો લોકો અહીં એકઠા થયા હોય છે. અનેક ટોળાંઓમાં વિવિધ ગીતો ગવાય છે, ઢોલક વાગે છે, નૃત્યો કરવામાં આવે છે, રંગ ઉડાડવામાં આવે છે. ચારેકોર બસ ઉન્માદ જ હોય છે અને આ યુફોરિયા સહિતની પરિક્રમા બાદ ભગવાનનો સત્રામાં પ્રવેશ થાય છે અને ડૌલોત્સવનું સમાપન થાય છે.

પટબૌશી સત્ર (મંદિર)
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
- બરપેટામાં આવેલાં આ મંદિરોને કુલ ૩ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. મથોર સોતલ એટલે આપણી ભાષામાં મંદિરનો પરિસર, કીર્તનઘર અને જગમોહનઘર એટલે ભગવાનને રહેવાનું ગર્ભગૃહ. આસામી પરંપરામાં ગર્ભગૃહ અને કીર્તનઘર ભિન્ન-ભિન્ન ઇમારત હોય છે. દર્શનાર્થીઓ જગમોહનઘરમાં દર્શન કરે છે અને પછી કીર્તનઘરમાં બેસીને ભજન-ભક્તિ કરે છે. ડૌલોત્સવ દરમ્યાન આ દરેક સ્થાનનું આગવું મહત્ત્વ રહે છે.
- પટબૌશી સત્રા પ્રથમ મંદિર હોવા સાથે અહીં શ્રીમંત શંકરદેવ મ્યુઝિયમ પણ છે જેમાં આદ્યગુરુએ લખેલા સાહિત્યક, ધાર્મિક, સાંસ્કૃતિક ગ્રંથો મૂકવામાં આવ્યા છે. અહીં દામોદાર દેવનું મંદિર પણ છે. અહીંથી ૧૪ કિલોમીટર દૂર સુંદરિદિયા મંદિર છે. અહોમ રાજા પ્રમતસિંહ દ્વારા જીર્ણોદ્ધાર થયેલું આ મંદિર બરપેટાના મંદિરની પ્રતિકૃતિ છે, પણ અહીં રિમોટ આસામની અનુભૂતિ કરી શકાય છે. પ્રકૃતિના ખોળે વસેલું આ મંદિર શાંત છે. એ જ રીતે અહીંના લોકો પણ શાંત છતાં વેલકમિંગ છે.
- બારપેટા સેન્ટરથી ૩ કિલોમીટર દૂર આવેલું ગણક્કુચી મંદિર વધુ એક મહત્ત્વનું મંદિર છે. બારેય મહિના સૌમ્ય રહેતું આ મંદિર ડૌલોત્સવ દરમ્યાન ચહેકી ઊઠે છે, કારણ કે અહીંથી મહોત્સવના મંગલાચરણ થાય છે. ઇન ફૅક્ટ, ડૌલોત્સવમાં પટબૌશી, ગણક્કુચી તથા કનારા મંદિરમાં વિવિધ ધાર્મિક વિધિઓ કરાવવામાં આવે છે.
- આ પરંપરામાં દરેક કીર્તનઘરમાં ભાગવતનું પુસ્તક પણ રાખવામાં આવે છે. લોકો અહીં આવે, પોતાની રીતે પાઠ કરે, ભજન કરે અને ચાલ્યા જાય.
- દરેક મંદિરમાં બહેનોને ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની અનુમતિ નથી. તેઓ ફક્ત દૂરથી દર્શન કરી શકે છે. એ જ રીતે ડૌલોત્સવના જુલૂસમાં બહેનો સામેલ થતી નથી કે નૃત્ય કરતી નથી. તેઓ સાઇડમાં ઊભી રહીને આ યાત્રા જોઈ શકે છે. હા, ગીતો ગાવાની છૂટ છે.
ગુવાહાટીથી બરપેટાનું અંતર ૯૦ કિલોમીટરનું છે જે બસ, ટ્રેન, ટૅક્સી વડે ટ્રાવેલ કરી શકાય છે. ગયા વર્ષે જ અહીં નવો બ્રિજ બન્યો છે એટલે આ વિસ્તારમાં જવું-આવવું સરળ બન્યું છે. બરપેટાની હોળી દિન-બ-દિન પ્રખ્યાત થવાથી અહીં દરેક સ્ટાન્ડર્ડની અનેક હોટેલો ખૂલી છે. આમેય આ ટાઉન રાજ્યનું ફોર્થ લાજેસ્ટ શહેર છે. આ ઉપરાંત રેસ્ટોરાંઓ પણ છે જ્યાં લિમિટેડ વેજિટેરિયન ડિશ (ચાઇનીઝ પણ. હા, એ તમને ભાવવી જોઈ, કારણ કે આપણી રસના તો ગુજરાતી ચાઇનીઝ સ્વાદ ખાવા ટેવાયેલી છે) મળી રહે છે. બાકી મંદિરમાં મળતી પ્રસાદની ખીર ઑસમ હોય છે. હોળી પર્વ સિવાયના સમયમાં તમે આસામ જાઓ તોય આ મંદિરોની વિઝિટ દિવ્ય અનુભૂતિ કરાવશે એ ગૅરન્ટી અમારી.
