Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ભાનગઢની ભૂતાવળ

Published : 19 April, 2026 12:49 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

એકવીસમી સદી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના સમયમાં આ પ્રકારની વાતો ટાઢા પહોરનાં ગપ્પાં લાગે, પણ રાજસ્થાન અને રાજસ્થાનીઓ માટે આ કિલ્લામાં રહેલી ભૂતાવળ આજે પણ એક ચમત્કાર સમાન છે.

ભાનગઢ ફોર્ટ

ભાનગઢ ફોર્ટ


રાજસ્થાનના ભાનગઢના કિલ્લા પર રાત રહી શકાતું નથી. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના જમાનામાં લોકો આ વાતનો વિશ્વાસ પણ કરે છે અને જે અખતરો કરવા જાય તેને ભાનગઢના કિલ્લામાં રહેલી ભૂતાવળ મસ્તમજાનો પરચો પણ આપે છે. ભાનગઢનો કિલ્લો કેવી રીતે ભૂતિયો બન્યો એ જાણવા જેવું છે

‘ચલો-ચલો નીકળો ફટાફટ... છે બજ ગ્યા હૈ! અબે અઠે એક મિનટ ભી કોઈ કોની રૈવેલા... વેગા બારે નીકળો, નીં તો અનહોની વ્હે જાવેલા!’



રાજસ્થાનના જયપુરથી ૭૬ કિલોમીટર દૂર આવેલા ભાનગઢની સાંજનું દૃશ્ય છે અને હાથમાં લાકડી સાથે રાજસ્થાન પોલીસ ટૂરિસ્ટોને ભાનગઢના કિલ્લામાંથી જ નહીં, કિલ્લાની આજુબાજુથી પણ દૂર કરે છે તો સાથોસાથ તેમની ચાલમાં પણ ઉતાવળ છે. સાંજે ૬ પછી અને ખાસ તો સૂર્યાસ્ત પછી આ એરિયામાં તેઓ પણ રહેવા નથી માગતા.


રહે ક્યાંથી? સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી આ કિલ્લા પર પિશાચી આત્માઓનું રાજ શરૂ થાય છે. હા, આ હકીકત છે અને આ હકીકતને માત્ર સ્થાનિક લોકો જ નહીં, રાજસ્થાન સરકાર પણ માને છે અને ચુસ્તપણે એનું પાલન પણ કરે છે. દિવસ દરમ્યાન તમારે રહેવું હોય એટલી વાર અહીં રહો પણ સૂર્યાસ્ત પછી બિલકુલ નહીં. ભાનગઢની આ જે ભૂતાવળ છે એ આજકાલની નથી, છેક ૩૦૦ વર્ષ જૂની છે. ભૂત-પિશાચ અને ડાકણની વાતો સાંભળીને હસી પડતા બ્રિટિશરો પણ પોતાના શાસન દરમ્યાન આ કિલ્લામાં રાતવાસો કરવા રાજી નહોતા. ભાનગઢના સ્થાનિક પોલીસ-કૉન્સ્ટેબલ રાજસિંહ શેખાવત કહે છે, ‘કિલ્લામાં રાત રોકાવાની મનાઈ છે, પણ જો કોઈ એનો ભંગ કરે તો એ માટે કોઈ દંડ વસૂલ કરવામાં નથી આવતો. એનું કારણ એ છે કે ખુદ પ્રશાસન પણ માને છે કે એવી ભૂલ કરનારો દંડ ચૂકવવા માટે પણ હયાત રહેતો નથી.’

એવું તે શું છે કે ભાનગઢના કિલ્લામાં કોઈ રહેવા રાજી નથી થતું?



ભાનગઢ કિલ્લાનું એન્ટ્રન્સ. 

એકવીસમી સદી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના સમયમાં આ પ્રકારની વાતો ટાઢા પહોરનાં ગપ્પાં લાગે, પણ રાજસ્થાન અને રાજસ્થાનીઓ માટે આ કિલ્લામાં રહેલી ભૂતાવળ આજે પણ એક ચમત્કાર સમાન છે. ભાનગઢના કિલ્લામાં રહેનારાએ શું સહન કરવું પડે અને એ પણ શું કામ એ જાણવું હોય તો આપણે થોડું રિવાઇન્ડ થઈને અઢારમી સદીમાં જવું પડે.

છત વિનાનાં મકાનો

ભાનગઢના કિલ્લામાં સેંકડોની સંખ્યામાં ઘરો છે, પણ એ ઘરો પર કોઈ છત નથી જેને આ કિલ્લાનું બીજું એક મોટું રહસ્ય ગણવામાં આવે છે. આ રહસ્ય પાછળનું કારણ બે રીતે સમજાવવામાં આવે છે. પહેલું કારણ ઇતિહાસની દૃષ્ટિએ. ઇતિહાસ કહે છે કે ગુરુ બાલુ નાથના માથેથી છત ગઈ એટલે કે કુટિર ગઈ ત્યારે તેમણે જે શાપ આપ્યો હતો એમાં એવું પણ કહ્યું હતું કે અહીં રહેતા લોકોનાં પુણ્ય ખતમ થતાં તેમનાં ઘર પર છત નહીં રહે અને એ પછી ધીમે-ધીમે બધાં ઘરોની છતો પડી ગઈ.

હવે વાત કરીએ કારણ નંબર બેની. પુરાતત્ત્વ વિભાગનું કહેવું છે કે નબળા બાંધકામને કારણે કે નૅચરલ ડિઝૅસ્ટર દરમ્યાન આ બન્યું હશે જેને લોકકથા સાથે જોડી દેવામાં આવ્યું છે. જોકે પુરાતત્ત્વ વિભાગ પાસે પણ પોતાના આ લૉજિકનું કોઈ મજબૂત કારણ નથી.

વાત એ ઇતિહાસની

ભાનગઢના આ શાપિત કિલ્લાની સાથે એક નહીં, ત્રણ-ત્રણ કથા જોડાયેલી છે અને એ ત્રણેત્રણ કથા પર રાજસ્થાનીઓને પૂરો વિશ્વાસ છે. ભાનગઢના કિલ્લાની સ્થાપના ૧પ૭૩માં રાજા ભગવંત દાસે કરી અને એ પછી ભાનગઢનું રાજ્ય શરૂ થયું. સત્તરમી સદી શરૂ થતાં સુધીમાં તો અહીં ૯૦૦૦થી વધારે ઘરો અને પરિવારો સુખસમૃદ્ધિ સાથે રહેવા માંડ્યાં, પણ ભાનગઢને નજર લાગી ૧૭૨૦માં અને એની પડતી શરૂ થઈ. મોગલ સામ્રાજ્યના પતન પછી ભાનગઢની સત્તા મેળવવા માટે સંઘર્ષો વધ્યા. આની પાછળનું સૌથી મહત્ત્વનું કારણ જો કોઈ હોય તો એ ભાનગઢની પ્રગતિ હતી. ઇતિહાસમાં એવું કહેવાયું છે કે ભાનગઢમાં લોકોના ઘરના દરવાજા ચાંદીના અને મહેલના દરવાજા સોનાના હતા. લોકોમાં સુખાકારી એ સ્તર પર હતી કે કોઈ પોતાના ઘરના દરવાજાને તાળું મારતું નહીં. ભાનગઢની વાતો હિન્દુસ્તાનનાં છેવાડાનાં રાજ્યો સુધી પહોંચી હતી જેને લીધે દૂરદેશાવરથી લોકો ત્યાં રહેવા આવતા અને ભાનગઢના રાજવી તેમને પ્રેમથી આવકારતા પણ ખરા.

ઇતિહાસની જ આંગળી પકડીને આગળ વધીએ તો કહેવું પડે કે ઈસવીસન ૧૭૨પ ઊતરતાં સુધીમાં ભાનગઢ અને અજબગઢ વચ્ચે એવી તે દુશ્મની વધી કે અજબગઢના મહારાજા ચૈતરસિંહે ૧૦,૦૦૦ સૈનિકોની સેના સાથે ભાનગઢ પર ચડાઈ કરી. ભાનગઢના એ સમયના રાજવી છત્રસિંહ એ સમયે જયપુરના સવાઈ જયસિંહ સાથે દોસ્તી ધરાવતા હતા, પણ ચૈતરસિંહ અને સવાઈ જયસિંહ વચ્ચે વધારે સારો ઘરોબો હોવાથી તેમણે ભાનગઢને સેનાકીય મદદ આપવાનો ઇનકાર કરી દીધો અને ચૈતરસિંહ યુદ્ધ હાર્યા.

સવાઈ માનસિંહે ચૈતરસિંહને બંદી બનાવ્યા તો ખરા, પણ ચૈતરસિંહે રાજવીને છાજે એ પ્રકારે પોતાના જ હાથે પોતાનું માથું ઉતારી લીધું. આ જ યુદ્ધમાં રાજા ચૈતરસિંહની દીકરી રત્નાવતીનું પણ મોત થયું અને રાજવી પરિવાર ખતમ થઈ ગયો. જોકે યુદ્ધને કારણે થયેલી પારાવાર ખૂનામરકી વચ્ચે પણ ભાનગઢ ઊભું હતું. આ ભાનગઢને તોડવાનું છેલ્લું કામ ૧૭૮૩ના ભયાનક દુષ્કાળે કર્યું. ૪૦ મહિના સુધી ચાલેલા આ દુષ્કાળને ચાલીસા દુષ્કાળ તરીકે ઓળખવામાં આવ્યો છે. આ દુષ્કાળે ભાનગઢની કમર તોડી નાખી અને ગણ્યાગાંઠ્યા કહેવાય એ જ બચ્યા એટલે નિસાસાભેર એ લોકોએ ભાનગઢ છોડવાનું નક્કી કર્યુ. અલબત્ત, અજબગઢના રાજવીએ ભાનગઢ પરનો પોતાનો કબજો અકબંધ રાખ્યો. અહીંથી આપણી મૂળ વાતની શરૂઆત થાય છે.

માયાવી દુનિયાનો પ્રવેશ

કહેવાય છે કે ભાનગઢનો કિલ્લો બનતો હતો ત્યારે કિલ્લાથી થોડે દૂર ગુરુ બાલુ નાથની કુટિર હતી. ગુરુ બાલુ નાથ નખશિખ પ્રામાણિક અને ઓલિયા આત્મા. કિલ્લો બનાવતાં પહેલાં રાજા ભગવંત દાસ તેમની આજ્ઞા લેવા ગયા અને ગુરુજીએ આજ્ઞા આપતાં કહ્યું કે તમારા મહેલનો પડછાયો મારી કુટિર પર પડવો ન જોઈએ. રાજા ભગવંત દાસે એ શરતનું પાલન કર્યું, પણ સત્તાપલટાઓ પછી સવાઈ માનસિંહને તો કંઈ પડી નહોતી એટલે તેમણે પોતાની ઇચ્છા મુજબ, મરજી મુજબ આગળ વધવાનું શરૂ કર્યુ. માનસિંહને પહાડી મહેલ જોઈતો હતો એટલે માનસિંહે ગુરુ બાલુ નાથે મૂકેલી શરતનો ભંગ કરીને ગ્રાઉન્ડ પ્લસ વન કહેવાય એવા મહેલની ઉપર બીજા માળ ચણવાના શરૂ કરી દીધા. હવે ગુરુ બાલુ નાથની કુટિરમાં સૂર્યપ્રકાશ આવતો બંધ થઈ ગયો અને ગુરુજીની કમાન છટકી. તેમણે શાપ આપ્યો કે જે અંધકાર હું જોઉં છું એવા જ અંધકાર વચ્ચે ભાનગઢનો આ જાજરમાન કિલ્લો ડૂબી જશે, આજે હું સૂર્યદેવને નમન કરવા માટે તરસું છું એવી જ રીતે આ કિલ્લામાં જે એક રાત રોકાશે તે બીજા દિવસનો સૂર્યોદય જોવા માટે ટળવળશે.

ગુરુ બાલુ નાથ તો પોતાની કુટિર છોડીને નીકળી ગયા, પણ તેમનો શાપ ભાનગઢ પર અકબંધ રહી ગયો અને એ દિવસ, આજની ઘડી. ભાનગઢના કિલ્લામાં રાત પસાર કરવાની આવે તો ભલભલાના મોતિયા મરી જાય છે. અરે, આ કિલ્લાથી લોકો કઈ હદે ફફડે છે એનું જીવતું-જાગતું ઉદાહરણ છે કિલ્લા પાસે બનાવવામાં આવેલી ભારતીય પુરાતત્ત્વ વિભાગના ગાર્ડ્‌‍સની ઑફિસ. નિયમ મુજબ ભારતીય પુરાતત્ત્વ વિભાગ આ પ્રકારની સંપત્તિની જાળવણી માટે ગાર્ડ્‌‍સ મૂકે છે. ભાનગઢના કિલ્લા પર નજર રાખતા ગાર્ડ્‌‍સ પણ સૂર્યાસ્ત પછી કિલ્લાની હદ છોડીને દૂર જતા રહે છે. તેમની ઑફિસ પણ કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારથી થોડે દૂર બનાવવામાં આવી છે. જરા વિચાર કરો, બાંદરામાં આવેલી કલેક્ટર ઑફિસનું પોલીસ-સ્ટેશન BKCમાં હોય તો કેવું કહેવાય. બસ, આવું જ કંઈક ભાનગઢ કિલ્લાની પોલીસ-ચોકી સાથે થયું છે.

ગુરુ બાલુ નાથના શાપની અસર બીજી જ રાતથી વર્તાવા માંડી હતી. લોકોને જાતજાતની ભૂતાવળના અનુભવો થવા માંડ્યા. લટકતી લાશ દેખાતી તો કૂવામાંથી પાણીને બદલે લોહી નીકળતું. સવાઈ માનસિંહ આણિ મંડળી થોડી જ રાતના આ અનુભવ પછી ત્યાંથી ઉચાળા ભરી ગઈ, પણ જનારા એ લોકોમાંથી કેટલાક લોકોએ કિલ્લાથી દૂર આવેલી રાજની જમીન પર નાનું ગામ વસાવ્યું જેને નામ પણ ભાનગઢ જ આપવામાં આવ્યું. આજે પણ એ ગામ અકબંધ છે. આ ગામમાં કોઈ જાતની ભૂતાવળ જોવા નથી મળતી, પણ ગામથી અઢી-ત્રણ કિલોમીટર દૂર આવેલા કિલ્લામાં સૂરજ ડૂબતાં જ ભાતભાતના પિશાચી તાંડવ શરૂ થઈ જાય છે.

એક કથા યે ભી 

સ્થાનિક લોકોમાં ભાનગઢના શાપિત કિલ્લા માટે એક વાત એવી પણ છે કે સિંધિયા નામનો એક તાંત્રિક રાજા ચૈતરસિંહની દીકરી રત્નાવતીના પ્રેમમાં પડ્યો. રત્નાવતીને પામવા માટે તેણે પિશાચિની કર્મવિધિ કરી, પણ એ વિધિ અવળી પડતાં પિશાચે આવીને સિંધિયાની હત્યા કરી. મરતાં પહેલાં સિંધિયાએ શાપ આપ્યો કે ભાનગઢમાં રહેતા તમામેતમામ લોકો મરશે, તેમને ક્યારેય મુક્તિ નહીં મળે અને તેમનો આત્મા ભાનગઢમાં જ ભટકતો રહેશે.


અંદર આવેલા ખંડેર થઈ ગયેલા મંદિરો.

સિંધિયાની આ વાતનો ઉલ્લેખ પણ રાજસ્થાનના ઇતિહાસમાં છે, પણ સ્થાનિક લોકો ગુરુ બાલુ નાથવાળી વાતમાં વધારે શ્રદ્ધા ધરાવે છે.

સાચું શું છે?

વિજ્ઞાનના સમયમાં આ પ્રકારની વાતો સ્વભાવિક રીતે જ ગળે ઊતરે નહીં એટલે કેટલાક અખતરાબાજોએ ભાનગઢના કિલ્લા પર જઈને આ બધી તપાસ કરી છે જેમાંથી કેટલીક સામાન્ય વાતો બહુ સહજ રીતે સામે આવી છે. પૅરાનૉર્મલ ઇન્વેસ્ટિગેટર્સને રિસર્ચ દરમ્યાન જાણવા મળ્યું છે કે સાંજ પડતાં સુધીમાં આ પ્રિમાઇસિસમાં નકારાત્મક ઊર્જા ભારોભાર વધી જાય છે જેને લીધે વાતાવરણ ભારેખમ બની જાય છે. કેટલાક લોકોએ તો એનર્જી ચેક પણ કરી છે, જેમાં બહાર આવ્યું છે કે સાંજ પડતાં સુધીમાં નેગેટિવ એનર્જી એ હદે પ્રસરી જાય છે કે ત્યાં હાજર રહેલા માણસનું માથું ભારે થઈ જવાથી લઈને તેને ચક્કર સુધ્ધાં આવવા માંડે છે. આવું થવા પાછળનું કારણ એ માનવામાં આવે છે કે થયેલા યુદ્ધમાં ભાનગઢના પુષ્કળ લોકો મરાયા હતા, જેમનો જીવ હજી પણ અહીં ભટકતો હોઈ શકે છે.

આ ઉપરાંત એવું પણ જોવા મળ્યું છે કે રાતના સમયે કિલ્લામાંથી વિચિત્ર અવાજો - પથ્થરો પડવાનો અવાજ અને પાયલનો અવાજ - આવતા રહે છે તો સાથોસાથ અચાનક જ અત્તરની સુગંધ પ્રસરી જાય છે. એ ખુશ્બૂને ગુરુ બાલુ નાથની હાજરી ગણવામાં આવે છે, કારણ કે ગુરુ બાલુ નાથ અત્તરના શોખીન હતા. જેઓ ભૂતડા-ભૂતડીમાં નથી માનતા એવા લોકોનો દાવો છે કે આ વિસ્તાર અવાવરું હોવાથી રાતના સમયે જંગલી જાનવરો બહાર આવે છે જે ફરતાં હોવાથી વાતાવરણમાં ડર પ્રસરી જાય છે. વાતમાં તથ્ય ત્યારે લાગે જ્યારે તમને ખબર પડે કે ભાનગઢ કિલ્લાની નજીક જ સરિસ્કા ટાઇગર રિઝર્વ છે જેમાં ચિત્તા, રીંછ જેવાં જંગલી પ્રાણીઓ રહે છે. કદાચ રાત્રિના પ્રતિબંધનું એક કારણ આ જંગલી જાનવરોનો ડર પણ હોઈ શકે. અત્તર માટે તેમનો તર્ક એવો છે કે આ વિસ્તારમાં અઢળક પ્રકારનાં ફૂલો થાય છે. આ ફૂલો એવાં છે કે એ રાતના સમયે ખીલે છે અને ખુશ્બૂ આપે છે.

ફિલ્મ અને ભાનગઢ

૨૦૧૪માં લો-બજેટની ફિલ્મ બની ‘ટ્રિપ ટુ ભાનગઢ’. આ એક હૉરર-થ્રિલર ફિલ્મ છે જેની વાર્તા પાંચ મિત્રોની આસપાસ ફરે છે. તેઓ ભાનગઢના કિલ્લાની મુલાકાતે જાય છે અને ત્યાંની રહસ્યમય ઘટનાઓમાં ફસાઈ જાય છે. આ જ વર્ષ દરમ્યાન બીજી ફિલ્મ આવી ‘ભાનગઢ’. આ ફિલ્મમાં પણ ભાનગઢના કિલ્લા સાથે જોડાયેલાં રહસ્યોને બતાવવામાં આવ્યાં હતાં તો ૨૦૧૭માં ‘ભાનગઢ : ધ લાસ્ટ એપિસોડ’ નામની ફિલ્મ બની જે એક ન્યઝ-ચૅનલના ક્રૂ વિશે છે, આ ક્રૂ ભાનગઢના રહસ્યનો પર્દાફાશ કરવા ત્યાં જાય છે અને ગુમ થઈ જાય છે.

આ તો વાત થઈ ભાનગઢની ભેદી ઘટનાઓ પર બનેલી ફિલ્મોની, પણ ભાનગઢમાં શૂટિંગ થયું હોય એવી ફિલ્મની જો વાત કરીએ તો એ ફિલ્મમાં સૌથી મોખરે નામ આવે છે ‘કરણ અર્જુન’નું. સલમાન ખાન અને શાહરુખ ખાનની આ બ્લૉકબસ્ટર ફિલ્મનું શૂટિંગ પણ આ વિસ્તારોમાં થયું હતું. ભાનગઢ કિલ્લાના અમુક ભાગો અને આસપાસનાં ગામડાંઓનો ઉપયોગ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.

ટીવી-સિરિયલ ‘આહટ’ અને ‘ફિયર ફાઇલ્સ’માં પણ ભાનગઢના કિલ્લા અને ગુરુ બાલુ નાથની વાત પર એપિસોડ્સ બન્યા છે.

વાત કોઈ પણ હોય, હકીકત એ જ છે કે ભાનગઢના કિલ્લામાં રાતે રહેવાની મનાઈ છે અને રહેવાનો પ્રયાસ જે કોઈએ કર્યો છે તેનો અનુભવ સુખદ તો નથી જ રહ્યો.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 12:49 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK