Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > મૉન્સૂનવાલા મૉસિનરામ

મૉન્સૂનવાલા મૉસિનરામ

Published : 10 August, 2025 03:26 PM | IST | Meghalaya
Alpa Nirmal

તમારી મેમરીમાં વર્લ્ડની વેટેસ્ટ પ્લેસ તરીકે હજીયે ચેરાપુંજી સ્ટોર થયેલું હોય તો ભૂંસી નાખો, હવે આ સ્થાન મેઘાલયના જ બીજા એક ગામે લઈ લીધું છે

મૉન્સૂનવાલા મૉસિનરામ

મૉન્સૂનવાલા મૉસિનરામ


ભારતના નૉર્થ-ઈસ્ટ રાજ્યમાં ખાસી હિલ્સ પર આવેલા આ ગામમાં હવે ટૂંક સમયમાં જ વિશ્વનું પ્રથમ રેઇન મ્યુઝિયમ શરૂ થવાનું છે. ખરેખર બારેમેઘ ખાંગા થાય ત્યારે કેવું લાગે એની અનુભૂતિ અહીં મળશે. મસ્ત વરસાદી માહોલમાં વરસાદી ગામની સફરે જઈને ચાલો ભીંજાઈએ 


ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘વહુ અને વરસાદને જશ નહીં.’ જેમ વહુ કોઈ પણ કામ કરે એમાંથી પરિવારજનો ભૂલ કાઢે એ રીતે વરસાદ કેટલુંય શુભ પરિણામ આપે પણ લોકો એને વગોવે જ. જો જૂન મહિનામાં ન આવે તોય વરસાદ ભૂંડો, જુલાઈ મહિનામાં સતત આવે ને ક્યાંક વળી પાણી ભરાવાની સમસ્યા સર્જાય તો-તો મેઘા પર માછલાં જ ધોવાય અને જો એ થોડો પાછો ઠેલાય ને ગણેશોત્સવ કે નવરાત્રિ પલાળે તો-તો ભાઈ ભગવાન જ બચાવે એ મેહુલિયાને. મુંબઈગરાનો સીન આમાં પાછો અલગ. તેમને તો આગામી વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો જળાશયોમાં આવી જાય એટલે વર્ષારાણી સાથે સંબંધ પૂરો. જો એ પછી પણ વર્ષાનાં નાનાં-મોટાં ઝાપટાં પડ્યાં તો-તો વરસાદને ‘સુરતી’ (ગાળો) જ સંભળાવાય.



વેલ, વરસાદનું આવવું, કેટલું આવવું એ વિશે આટલી પિષ્ટપેષણ કરવાનું કારણ એ છે કે આપણે આજે મૉસિનરામની વાત કરવાની છે જ્યાં એક વરસમાં ૧૧,૮૭૨ મિલીમીટર વરસાદ પડી જાય છે. જોકે મુંબઈમાં ઍવરેજ ૨૩૦૦થી ૨૫૦૦ મિલીમીટર પડે છે, પણ દિલ્હીમાં પડતો ઍન્યુઅલ રેઇનફૉલ તો અહીં એક દિવસમાં પડી જાય છે.


મૉસિનરામ પાસે આવેલી ૩૪ કિલોમીટર લાંબી ક્રેમ લિયાટ પ્રાહ નામની આ ભારતની સૌથી લાંબી પ્રાકૃતિક ગુફા પણ જોવા જેવી છે. 


પહેલાં ચેરાપુંજી અને પછી મૉસિનરામ. એવાં કયાં કારણો છે કે દુનિયાનો હાઇએસ્ટ રેઇનફૉલ અહીં થાય છે ભલા? તો એનાં મુખ્ય કારણો છે અહીંથી બંગાળના ઉપસાગરની નજીદીકી અને આ પ્રદેશના સરતાજની જેમ ઊભેલી ખાસી હિલ્સની વિશાળ રેન્જ. એપ્રિલની શરૂઆતમાં જ બંગાળના ઉપસાગર પરથી ઉત્તર દિશા તરફ ગરમ અને ભેજવાળા પવનો વાય છે અને એ પવનો ખાસી પર્વત સાથે અથડાય છે. એક તો ઑલરેડી આ પર્વતમાળાનું મૂળ દરિયાઈ સપાટીથી ૪૬૦૦ ફુટ ઊંચે છે. એમાં એનું ૬૪૪૭ ફુટ ઊંચું હાઇએસ્ટ શિલૉન્ગ પીક મેઘાલયના આ ક્ષેત્રની નજીકમાં છે એટલે ભેજ ભરીને ભારે થયેલા આ પવનોનાં વાદળો ખાસી હિલ્સની ઊંચે જઈ નથી શકતાં અને મૉસિનરામ, ચેરાપુંજીના વિસ્તારોમાં વરસી પડે છે. માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયાથી આ સિલસિલો ચાલુ થઈ જાય છે અને ઑક્ટોબર સુધી ચાલુ રહે છે. એમાંય જૂન, જુલાઈ, ઑગસ્ટ, સપ્ટેમ્બર તો એકબીજાની પ્રતિયોગિતામાં હોય એ રીતે પૂરા જોશથી વરસે છે. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે ‘અહીં એક-બે દિવસ કે અઠવાડિયું એકધારો વરસાદ વરસે એવું નથી. અહીં તો મહિનાઓ સુધી વરસાદ બંધ જ નથી થતો. તો-તો પછી અહીં વસ્તી જ નહીં હોય અને લોકો કામ પણ શું કરતા હશે? વસ્તી નથી એવું નથી, લોકો રહે છે પણ ઓછા. પર્ટિક્યુલર મૉસિનરામ ડોંગ્રમમાં અઢીસો જેટલાં કુટુંબો સ્થાયી છે અને એ લોકો ખેતી વગેરેનું કામ કરે છે. અનરાધાર વરસાદ વરસતો હોય તોય બાળકો સ્કૂલમાં જાય છે અને સ્ત્રીઓ પણ બજારનાં કામો કરવા બહાર જાય છે.’

ઍક્ચ્યુઅલી, મૉસિનરામ ૧૪૬ નાના-નાના કસબા અને ગામડાંઓનો એક જિલ્લો છે. ડોંગ્રમ અહીંનું મુખ્ય ગામ છે. પાણી પી-પીને પહોળા થઈ ગયેલા પહાડો, પર્વતોના લીસા ઢોળાવ પર ફૂટી નીકળેલી પર્વતીય વનસ્પતિઓ, ઓઝોન વાયુનું ઘટ્ટ લેયર, એકબીજા સાથે ધીંગામસ્તી કરતાં વાદળોની આખી પલટનો, વાદળો-વાયરાઓ, વરસાદને પનાહ આપતું ખમતીધર આકાશ, ગામ ગજવતાં ઢગલાબંધ ઝરણાંઓ અને ચોમાસાની ઋતુમાં કાન ફાડી નાખે એવા જોશથી વરસતો વરસાદ આ સમગ્ર વિસ્તારની ખાસિયત છે. આ ઉપરાંત અહીં માર્વાજમ્બુઇન ગુફા છે. ખાસી હિલ રેન્જના પર્વતોની બખોલમાં ચૂનાના પથ્થરોની આ ગુફામાં અવિરત ટપકતા પાણીએ અવનવી ડિઝાઇનો બનાવી છે. હજારો વર્ષથી થતી આ રાસાયણિક પ્રક્રિયાથી અનેક સ્ટૈલેગ્માઇટ્સનું નિર્માણ થયું છે. ભૂવૈજ્ઞાનિકો માટે તો એ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ શિવભક્તો ખુશ થાય એવી વાત એ છે કે ભૌગોલિક પ્રક્રિયાથી આ ગુફામાં એક સ્ટૈલેગ્માઇટ વિશાળ શિવલિંગ સ્વરૂપે નિર્માણ પામ્યું છે. આ ઉપરાંત ગુંબજ જેવી એક ચટ્ટાન પણ નૅચરલી બની છે જેને સિમ્પર રૉક કહેવાય છે. કુદરતના આવા

અહીંના વૉટરફૉલ્સ ખૂબ નયનરમ્ય છે. 

કરિશ્માને જોવા, જાણવા, માણવા દેશભરમાંથી અને હવે તો વિદેશીઓ પણ મૉસિનરામ આવે છે. કેટલાક સાહસિકો તો ખાસ વર્ષાઋતુમાં અહીં આવે છે જેથી મેહુલિયાની મોજ માણી શકાય. જોકે એવા બોલ્ડ પર્યટકોની સંખ્યા જૂજ હોય છે. સહેલાણીઓ મોટા ભાગે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન અહીં આવે છે જ્યારે મૉસિનરામ સૂકું હોય છે અને આવા ટૂરિસ્ટોને અહીંના વરસાદનો અનુભવ કરાવવા જ મેઘાલયની સરકારે આ ગામમાં રેઇન મ્યુઝિયમ બનાવવાનું નક્કી કર્યું છે. ભાઈ, આ વેટેસ્ટ પ્લેસ છે એટલે જ તો અહીં આવ્યા છીએ અને આ વર્ષાથી સમૃદ્ધ ગામમાં આવ્યા પછી કોરેકોરા જવા દેવાય!

 

પર્યટનને પુશ કરવા બનાવવામાં આવનારા દુનિયાના ફર્સ્ટ વર્ષા સંગ્રહાલયમાં લાઇવ વર્ષા સિમ્યુલેશન એરિયા હશે, જ્યાં પર્યટકો અહીંના ગાંડાતૂર વરસાદનો આસ્વાદ માણી શકે. વળી વેધર એક્ઝિબિશનમાં જલવાયુ પરિવર્તન, ક્લાઉડ ફૉર્મેશનના ઇન્ટરૅક્ટિવ પ્રોજેક્શન હશે. આ ઉપરાંત ખાસી સંસ્કૃતિ ઉજાગર કરતા વિવિધ પ્રોગ્રામ, શો વગેરે હશે. ગિનેસ બુક ઑફ રેકૉર્ડ્સમાં વધુ વરસાદને કારણે સ્થાન પામેલા મૉસિનરામમાં અત્યાર સુધી વેધશાળા કે વર્ષામાપક ડિપાર્ટમેન્ટ નથી. ધી ઇન્ડિયા મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ અને ઇસરોના સહયોગથી હવે અહીં વેધશાળા પણ નિર્માણ થવાની છે. એ સાથે જ પર્યટકોને આવવા-જવા નવા માર્ગો, રહેવા માટે હોમ-સ્ટે વગેરે સગવડો પણ ઊભી કરવામાં આવશે. આ સુવિધાઓથી સ્થાનિક લોકો માટે રોજગાર ક્રીએટ
થશે અને પ્રદેશનો આર્થિક વિકાસ પણ થશે.

અરે, મૉસિનરામની આખી રામાયણ કહેવામાં એ તો કહેવાનું રહી જ ગયું કે એ એક્ઝૅક્ટ્લી ક્યાં આવેલું છે? તો જાણી લો કે મૉસિનરામ મેઘના આલય (નિવાસ સ્થાન) એવા મેઘાલયનું એક વિલેજ છે. પૂર્વોત્તર ભારતનું આ આખું રાજ્ય જ આમ તો હિલસ્ટેશન છે. ૪૯૦ ફુટથી લઈને ૬૫૦૦ ફુટની ઊંચાઈ ધરાવતા આ સ્ટેટમાં ખાસી અને ગારોની લાંબી પર્વતમાળાઓ છે. આ હિલ રેન્જને કારણે આખા પ્રદેશમાં જોરદાર વરસાદ પડે છે અને વધુ વરસાદને કારણે અહીં હજારો ઝરણાં તથા સેંકડો નાની-મોટી બારમાસી નદીઓ વહે છે. દરિયાઈ સપાટીથી આટલું ઊંચું હોવાથી આખા રાજ્યનું તાપમાન બારે મહિના ખુશનુમા રહે છે. આવી મદહોશ મોસમ વિવિધ વનસ્પતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ સહિત મનુષ્યોને પણ બહુ આકર્ષિત કરે છે એટલે છેલ્લા થોડા સમયમાં ઘુમ્મકડોમાં ખાસ્સું પૉપ્યુલર થયું છે. પૂર્વોત્તરના કોઈ પણ રાજ્યમાં જવું હોય, ક્યાંયથી પણ જવું હોય તો ગુવાહાટી ઇસ ધ બેઝ પૉઇન્ટ. ટ્રેન કે પ્લેન દ્વારા આસામની રાજધાની પહોંચો, ત્યાંથી ૧૦૦ કિલોમીટરનું રોડ ટ્રાવેલ કરીને શિલૉન્ગ આવી શકાય છે. લીલા રંગના મખમલી ગાલીચા ઓઢીને બેઠેલા પહાડોની ધારને કાપીને બનાવાયેલો આ રૂટ જ આખા રાજ્યની સુંદરતા બતાવતા ટ્રેલર સમાન છે. આ સુંદર રાજ્યના પાટનગર શિલૉન્ગથી મૉસિનરામ ફક્ત ૫૬ કિલોમીટર દૂર છે અને વર્ષોથી દુનિયાના વેટેસ્ટ પ્લેસ તરીકે લોકાના મનોમસ્તકમાં અડિંગો જમાવીને બેઠેલું ચેરાપુંજી માત્ર ૧૫ કિલોમીટર દૂર છે. હવે વાત કરીએ અહીં કઈ રીતે જવાય, ક્યાં રહેવાય, શું જમાય એની. તો શિલૉન્ગમાં તો રહેવા અને જમવાના લૉટ્સ ઑફ ઑપ્શન છે જ; પણ હવે નાનાં ગામોમાં પણ હોમ-સ્ટે, ઇકો-હોટેલ, રિસૉર્ટના વિકલ્પો ઉપલબ્ધ છે. મૉસિનરામમાં હોમ-સ્ટેનો જ આધાર લેવો પડે છે. હા, ચેરાપુંજીમાં પાંચ-સાત હોટેલ છે. ખાવા-પીવાની વાત કરીએ તો હોટેલોની રેસ્ટોરાંમાં પરાઠા-શાક, રાઇસની વરાઇટી, મોમો, પીત્ઝા-પાસ્તા જેવું મળી જાય. બાકી બહાર બજારમાં વેચાતી પ્રાદેશિક વાનીઓ ખાવાનું આપણું કામ નહીં, ખાસ કરીને ગુજરાતીઓનું તો નહીં જ. હા, ઠેર-ઠેર મૅગી અને ચા, કૉફી જેવાં પીણાં મળી જાય છે.

એશિયાના સૌથી ચોખ્ખા ગામે જજો હોં

ભારત-બંગલાદેશની સીમા પર આવેલું માલવ્યાન્નાંગ રાજધાની શિલૉન્ગથી ૯૦ કિલોમીટરના અંતરે છે. ૮૨ પરિવારનું કાયમી નિવાસસ્થાન ધરાવતું ગામડું ૧૦૦ ટકા સાક્ષર છે. જોકે એની એકમાત્ર વિશેષતા નથી. ૨૦૦૩માં ડિસ્કવર ઇન્ડિયા પત્રિકાએ માવલ્યાન્નાંગને એશિયાનું સૌથી સ્વચ્છ ગામ તરીકે ઘોષિત કર્યું હતું. અહીં પ્લાસ્ટિકને નો એન્ટ્રી છે. એટલા સુધી કે અહીં કચરાટોપલી પણ વાંસની વપરાય છે.

માઇક્રોસ્કોપની નજરે મેઘાલય

 રાજ્યની રાજધાની શિલૉન્ગનું નામ સ્થાનિક શક્તિશાળી દેવતા ઉ-શિલાંગ પરથી પાડવામાં આવ્યું છે.

 છેલ્લા થોડા વખતથી ટ્રેકર્સમાં મેઘાલયની પહાડીઓ પૉપ્યુલર બની રહી છે. જોકે પર્વતારોહકો માટે હિમાચલ પ્રદેશ કે ઉત્તરાંચલમાં મળી જતી વિશેષ સગવડો હજી શરૂ નથી થઈ.

 ચા, સોપારી, ચોખા અને ખાસ તો જૈવિક ખેતીમાં આ રાજ્ય કાઠું કાઢી રહ્યું છે. એ જ રીતે લેખક, સંગીતકાર, ચિત્રકારો જેવા આર્ટિસ્ટ્સ અહીં મહિનાઓ સુધી રહીને નવું-નવું ક્રીએશન કરતા રહે છે.

 મેઘાલય એના લાઇવ બ્રિજ માટે જગતભરમાં પ્રસિદ્ધ છે. અહીંનાં જંગલોમાં ઊગતાં ફિક્સ ઇલૅસ્ટિક વૃક્ષોનાં મૂળમાંથી બનાવાયેલા આ ઝૂલતા પુલ ખૂબ જ યુનિક છે.

 ખાસી પ્રજા અને બંગલાદેશી નિરાશ્રિતો વચ્ચે અવારનવાર ટકરાવ થાય છે. મેઘાલય અને બંગલાદેશ વચ્ચે લગભગ ૪૪૦ કિલોમીટર લાંબી સરહદ છે. એના ૩૫૦ કિલોમીટર પર વાડ લાગેલી છે. છતાં છીંડાંઓ કરી-શોધીને પાડોશીઓ આપણા દેશમાં ઘૂસી જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2025 03:26 PM IST | Meghalaya | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK