આ વર્ષે ગંગાસાગર ખાતે મકરસંક્રાન્તિનો મેળો ૧૦ જાન્યુઆરીએ શરૂ થયો છે અને ૧૭ જાન્યુઆરી સુધી ચાલશે. મકર સંક્રાન્તિ સ્નાન ૧૫ જાન્યુઆરીએ થશે.
કપિલમુનિ મંદિર
સાંજ પછી અહીંના દરિયામાં નાહવા ઊતરવું નહીં, કારણ કે સૂર્યાસ્ત બાદ અહીં વિરાટ કદનાં મોજાં ઊછળે છે.
ADVERTISEMENT
દુનિયાએ જોયું કે ઈ. સ. ૨૦૨૫ના છેલ્લા દિવસે અને ૨૦૨૬ના પહેલા દિવસે ભારતના બનારસ, વૃંદાવન, સાંવરિયા શેઠ, તિરુપતિ, ઉજ્જૈન જેવાં પ્રખ્યાત તીર્થધામોમાં લાખો ભક્તો પોતાના આદ્યદેવનાં દર્શનાર્થે ઊમટ્યા હતા. એમાં નોટિસેબલ વાત એ હતી કે એ લાખો ભાવિકોમાંથી ૭૦થી ૭૫ ટકા ભક્તો યુવા હતા. વેસ્ટર્ન લાઇફ સ્ટાઇલમાં ગળાડૂબ આ પેઢીએ પશ્ચિમી તહેવાર ભારતીય પદ્ધતિથી અને ભગવાનનાં દર્શન કરીને ઊજવ્યો.
યસ, છેલ્લાં થોડાં વર્ષોથી ભારતનો યુવા વર્ગ દેશનાં જાણીતાં-અજાણ્યાં, પૌરાણિક, પ્રાચીન મંદિરે કે સ્થાને મોટી સંખ્યામાં જાય છે. જુવાનિયાઓને હવે કાશ્મીર કરતાં કેદારનાથ વધુ ગમે છે. વેનિસ કરતાં વૃંદાવન વહાલું લાગે છે, પટાયા કરતાં પ્રયાગમાં રસ પડે છે અને ગોવાને બદલે ગંગાસાગરને ચુઝ કરે છે.
વેલ, તેમના આ વલણનો ફાયદો એ થયો છે કે આપણાં વીસરાઈ ગયેલાં અગણિત તીર્થો ફરીથી પ્રકાશમાં આવ્યાં છે. આપણો ધાર્મિક વારસો સચવાયો છે અને આનંદની વાત તો એ છે કે એ અન્વયે યંગ જનરેશન પૌરાણિક કથાઓ, તેમનાં પાત્રો, તેમની વિશેષતાઓ વિશે વાંચે છે, સાંભળે છે અને જરૂર પડ્યે વિદ્વાનોને પૂછે પણ છે.
સો, આ યુવાનોની રાહે આજે આપણે જઈએ ગંગાસાગર મહાતીર્થ જ્યાં મકર સંક્રાન્તિના અવસરે શાહી સ્નાનનું આયોજન થાય છે. ગંગાસાગર પશ્ચિમ બંગાળ રાજ્યના ૨૪ પરગણા નામના જિલ્લાના કાકદ્વીપ ટાપુનું એક ગામ છે. સાગરદ્વીપ તરીકે પણ ઓળખાતા આ વિસ્તારનો પરિઘ તો સાવ બાર-સાડાબાર કિલોમીટરનો છે, પણ એની પવિત્રતા અસીમ છે. પુરાણો કહે છે કે આ કપિલમુનિની સાધનાભૂમિ છે. ઈશ્વાકુ વંશીય રાજા સગરના ૬૦,૦૦૦ પુત્રોની મોક્ષભૂમિ છે, ગંગાજીના સાગર સાથેના સંગમની ભૂમિ છે.

ગંગા નદી અને સાગરના સંગમસ્થાને ડૂબકી લગાવતા શ્રદ્ધાળુઓ.
આ સ્થળના મુખ્ય નાયક કપિલમુનિની વાત સૌપ્રથમ કરીએ. કપિલ કર્દમઋષિ અને દેવહુતિના પુત્ર હતા. સૃષ્ટિનું નિર્માણ કરનાર બ્રહ્માજીના પુત્ર કર્દમ અત્યંત તેજસ્વી ઋષિ હતા. કર્દમને બ્રહ્મચારી સાધુ બનવું હતું, પરંતુ પિતાજીનો આદેશ હતો કે પુત્ર લગ્ન કરે અને સંતાનોત્ત્પતિ કરી સંસારની રચના કરે. પિતાની આજ્ઞા ઉથાપી શકાય એમ નહોતી એટલે તેમની સંન્યાસી બનવાની ઇચ્છા કઈ રીતે પૂર્ણ થશે એ વિડંબનાનો ઉકેલ લાવવા કર્દમજીએ બિંદુસર આશ્રમે જઈને ૧૦,૦૦૦ વર્ષો સુધી વિષ્ણુ ભગવાનની તપસ્યા કરી. વિષ્ણુજી પ્રસન્ન થયા અને કર્દમઋષિએ પ્રભુને પોતાની કામના કહી. ત્યારે વિષ્ણુજીએ સમસ્યાનો તોડ કાઢતાં કર્દમને પ્રૉમિસ કર્યું કે તેઓ સંસાર માંડે. દશાવતાર સ્વયં કપિલમુનિના પુત્રરૂપે અવતરશે. એ પછી વિષ્ણુજીના કહેવાથી કર્દમે સૃષ્ટિના પ્રથમ મનુષ્ય મનુની પુત્રી દેવહુતિ સાથે લગ્ન કર્યાં અને સંકલ્પ કર્યો કે સંતાનના જન્મ બાદ તેઓ સંન્યાસીપણું ગ્રહણ કરી લેશે. લગ્નગ્રંથિથી જોડાયા પછી આ યુગલને એકસાથે ૯ પુત્રી જન્મી (પુરાણોમાં ઉલ્લેખ છે કે કપિલજીએ પોતે જ માયાથી આ ક્રિયા કરી હતી). પુત્રીઓના જન્મ બાદ પતિ કર્દમના સંન્યાસ લેવાના સંકલ્પથી દેવહુતિ પરિચિત તો હતી જ. તેને ચિંતા થઈ કે પતિ ગયા બાદ મારી પુત્રીઓનાં લગ્ન કઈ રીતે થશે, કોણ કરશે? દેવહુતિએ આ ચિંતામાંથી મુક્ત થવા પતિ પાસે મૃત્યુની માગણી કરી ત્યારે કર્દમઋષિએ કહ્યું, ‘હવે પુત્રરૂપે સ્વયં નારાયણનો જન્મ થશે અને એ પુત્ર તેની માતા અને બહેનોની સંભાળ રાખશે.’
ઍન્ડ, વિષ્ણુજીએ કપિલરૂપે જન્મ લીધો અને એ સમયે બ્રહ્મા સહિત ૯ મુખ્ય ઋષિઓ કર્દમને વધાઈ આપવા ગયા અને કર્દમે એ ૯ મહર્ષિઓ - મસ્પી, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભ્રુગુ, અર્થવર્ણ અને વશિષ્ઠ સાથે તેમની ૯ પુત્રીઓના વિવાહ કરાવ્યા અને કપિલને પત્ની પાસે રાખીને સંસારનો ત્યાગ કરી દીધો.

સ્નાન કરીને અર્ઘ્ય આપી રહેલાં ભક્તો.
ખેર, આ તો થઈ કપિલમુનિના પિતાજીની કથા, પણ કપિલમુનિની વાત કરીએ તો નારાયણના પંચમ અવતારે પૃથ્વી પર પુનર્ધર્મ સ્થાપિત કરવા દુષ્ટ રાજા વેનાનો વધ કર્યો અને વેદોનો પુનરુદ્ધાર કર્યો હતો. આ સાથે કપિલમુનિના અન્ય એક ઉપકારની વાત કરીએ. અયોધ્યાના રાજા સગરે અશ્વમેધ કર્યો. એ કાળની પ્રથા મુજબ આ યજ્ઞમાંથી પ્રગટ થયેલા ઊર્જાવાન અશ્વને ધરા પર છૂટો મૂકી દેવામાં આવે અને એ જ્યાં-જ્યાં જાય એ ધરતીના શાસકે, ઘોડાના માલિક રાજવીની શરણાગતિ સ્વીકારવાની રહે. એ રીતે સગરે પોતાના ઘોડાને છોડી દીધો અને પોતાના ૬૦,૦૦૦ પુત્રોના સૈન્યને એ ઘોડા સાથે રાખ્યું. આથી જો કોઈ રાજ્યનો રાજા સગરનું શરણું સ્વીકારવાનો ઇનકાર કરે તો સૈન્ય તેને હરાવીને ત્યાં સગરનું સામ્રાજ્ય સ્થાપી દે. ફરતો-ફરતો એ તોખાર કપિલમુનિના આશ્રમે પહોંચ્યો (અન્ય કથા મુજબ ઇન્દ્રએ એ ઘોડાને અહીં છુપાવી દીધો, કારણ કે તેમને ડર લાગ્યો કે ૧૦૦ રાજ્યોને તાબે કરી લેનાર એ અશ્વ પૃથ્વીલોક પછી ઇન્દ્રલોકમાં પહોંચી તેમનું રાજ્ય હડપ ન કરી લે). ઘોડાએ અને એની પાછળ સૈન્યએ અહીં આવીને મુનિની સાધનામાં ભંગ પાડ્યો અને સૈનિકોએ આશ્રમને વેરણછેરણ કરી નાખ્યો અને કપિલમુનિને અપશબ્દો કહ્યા. આથી મુનિ અત્યંત ક્રોધિત થયા અને સગર રાજાના પુત્રો સામે તેજોલેસ્યા છોડી. એનાથી ૬૦,૦૦૦ પુત્રો અગ્નિમાં બળીને મૃત્યુ પામ્યા અને નરકમાં ગયા. એ પછી લાંબા અરસા બાદ ઈશ્વાકુ વંશનો રાજા ભગીરથ પોતાના પિતૃઓનું તર્પણ કરવા કપિલમુનિના આશ્રમે આવ્યા અને મુનિને સગરના પુત્રોને નરકલોકમાંથી મુક્તિ અપાવવાની વિનંતી કરી ત્યારે કપિલમુનિએ ભગીરથને કહ્યું, ‘એ આત્માઓને પવિત્ર જળનો સ્પર્શ થશે એટલે તેમનો મોક્ષ થશે. એ જાણીને રાજા ભગીરથે મા ગંગા (નદી)ને પ્રગટ કરવા માટે કઠિન તપ આદર્યું અને ભગીરથના ભગીરથ તપોબળે ગૌમુખમાંથી પવિત્ર જળધારા પ્રગટી ભાગીરથી. એ આ ભાગીરથી ગંગોત્રી, હર્ષિલ, ઉત્તર કાશીથી વહીને દેવપ્રયાગ આવે છે જેમાં અલકનંદા ભળે છે અને નદીને નવું નામ મળે છે ગંગા. પાપનાશની ગંગામૈયા. એ ગંગા આજે ઉત્તર ભારતનાં અનેક રાજ્યો, પ્રદેશોમાં વહીને વેસ્ટ બંગાળના દક્ષિણી છેડા પર જે એક સમયે કપિલમુનિની તપોસ્થલી રહી હતી એ સ્થળે બંગાળના ઉપસાગરમાં વિલીન થાય છે અને એ સ્થળ બને છે ગંગાસાગર.

ગંગાસાગર મેળામાં કાચના ટુકડા પર ઊભા રહીને સાધના કરી રહેલા સાધુ.
હા, હા, કપિલમુનિએ ભગીરથને આપેલા વચન મુજબ સગરના દરેક પુત્રોને અહીંથી મુક્ત કરાવ્યા અને એ ન્યાયે આજે પણ ભક્તો પોતાના આત્માને જન્મ-મરણના ફેરામાંથી મુક્ત કરાવવા માટે ગંગાસાગરે આવીને સ્નાન કરે છે. એમાંય મકર સંક્રાન્તિના પાવન પર્વે તો દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં ‘હોલી બાથ’ લેવા આવે છે. ઉત્તરાયણની આગલી સંધ્યાએ તીર્થયાત્રીઓ સાગરદેવ (દરિયા)ને શ્રીફળ અને જનોઈ અર્પણ કરે છે અને બીજા દિવસે શુભ મુરતે સંગમમાં સ્નાન કરીને કપિલમુનિના મંદિરે દર્શન કરવા જાય છે. સરકારી આંકડા મુજબ ગયા વર્ષે મકર સંક્રાન્તિએ અહીં ૩૦ લાખ ભાવિકોએ સ્નાન કર્યું હતું અને મેળાની અવધિ દરમિયાન ૧ કરોડથી વધુ ભક્તોએ ગંગાસાગરની જાત્રા કરી હતી. આ વર્ષે આ સંખ્યામાં ચોક્કસ વધારો થવાનો છે અને એ માટે સરકારે હંગામી સુવિધાઓ ઊભી કરી દીધી છે. જોકે ગંગાસાગરમાં સ્નાન ફક્ત ૧૪-૧૫ જાન્યુઆરી કે મેળા દરમ્યાન જ થાય એવું નથી. હા, આ દિવસો મુખ્ય છે, બાકી વર્ષના બધાય દિવસે અહીં ડૂબકી મારીને પુણ્ય અર્જિત કરી શકાય છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
- અહીં અનેક ભક્તો પિંડદાન, પિતૃતર્પણવિધિ પણ કરાવડાવે છે.
- આખા તટ પર ક્યાંય નાહવા માટે ઘાટ નથી એટલે ભક્તો ગંગાસાગર કિનારા પર ક્યાંય પણ સ્નાન કરી શકે છે. જોકે દરિયામાં પગ ડૂબે એટલા પાણીમાં સ્નાન કરવું હિતાવહ છે, કારણ કે એ પછી અચાનક સાગરની ઊંડાઈ વધી જાય છે.
- આ સાગરદ્વીપ પર આવેલા સાગર બીચ પરનો સૂર્યાસ્ત મનમોહક છે, તો અહીંનું ઓમકારનાથ મંદિર, ભારત સેવા આશ્રમનું મંદિર (અહીં રહેવાની સગવડ છે) મસ્ટ મસ્ટ વિઝિટ. એ જ રીતે નામખાના બ્લૉકનો બખાલી બીચ યાત્રાળુઓને આલિંગન આપવા આતુર રહે છે. આ તટના અંતિમ ભૂભાગ પર વિશ્વ લક્ષ્મીમાતાનું મંદિર છે જે દર્શનની દૃષ્ટિએ તો મહત્ત્વનું છે, પણ ફોટોગ્રાફિક સ્થળ પણ છે.
- આખા દ્વીપ પર મેળા દરમ્યાન અને પછી પણ શાકાહારી ખોરાક મેળવવો કઠિન છે એથી કલકત્તાથી જ એ સુવિધા કરવી બહેતર રહેશે. એમ તો અનેક ભાવિકો કલકત્તાથી ગંગાસાગરની વન-ડે ટ્રિપ પણ કરે છે.
- સ્નાન પછી કાઢી નાખવાનાં કપડાં માટે સાગરકાંઠે સુવિધા છે છતાં ભાવિકો જ્યાં-ત્યાં કપડાં, નિર્માલ્ય, એઠી-જૂઠી પતરાળી નાખી દઈને સ્થળની સુંદરતાને ઝાંખી પાડી દે છે. એમાંય જ્યારે માનવમહેરામણ ઊમટે ત્યારે આવી ગંદકી વધુ થાય છે, અન્યથા આ સ્થળ ચોખ્ખુંચણક રહે છે.

ગંગાસાગર મેળામાં જાઓ તો માટલામાં ભરેલી ખજૂરની તાડી અચૂક પીવા જેવી છે.
હવે કપિલમુનિના મંદિરની વાત કરીએ તો અત્યારે સંગમતટથી ૪૦૦ મીટરની દૂરી પર આવેલું મંદિર ૧૯૭૪માં બનાવાયું છે. ઍક્ચ્યુઅલી આ સ્થળે ગુપ્ત કાળથી મંદિર તો હતું જ, પરંતુ કોસ્ટલ ઇરોસનને કારણે એ દેવળ નષ્ટ થઈ ગયું. એ પછી ઓગણીસમી સદીના પ્રારંભમાં એક અંગ્રેજ અધિકારીએ આ ટાપુ પર સાફસફાઈ કરાવી ત્યારે ત્યાંના બંગાળી જમીનદારે અહીં કપિલમુનિનું મંદિર બનાવડાવ્યું. વાંસનું નાનું એ દેવાલય ૧૯૬૦ની આસપાસ દરિયાઈ ચક્રવાતોને કારણે ધ્વંસ થઈ ગયું. એ પછી નાનું પાકું મંદિર બનાવવામાં આવ્યું અને બાવન વર્ષ પહેલાં એનો પુનરુદ્ધાર કરીને મંદિરને વિસ્તૃત કરવામાં આવ્યું. આ નવું મંદિર કિનારાથી દૂર છે છતાં હાઇટાઇડ કે દરિયાઈ તોફાનો વખતે મંદિરમાં પાણી ભરાઈ જાય છે.
નાઉ, કમ ઇનસાઇડ ઑફ મંદિર. તો ગર્ભગૃહમાં વચ્ચે કપિલમુનિની મૂર્તિ છે જેની આજુબાજુ માતા ગંગા અને સગર રાજાની પ્રતિમા છે. એ સિવાય મુખ્ય મંદિરમાં રાધા-કૃષ્ણ, રામ-સીતા, હનુમાનજી અને શંકર-પરિવાર પણ બિરાજે છે. તો પરિસરમાં નૃત્ય કરતા શિવજીનું સરસ સ્ટૅચ્યુ છે. આશ્રમમાં ભક્તોને રહેવા માટે સાદી પણ સુઘડ વ્યવસ્થા છે અને નજીકમાં અન્ય આશ્રમો અને અતિથિનિવાસો પણ છે. આશ્રમોમાં જમવાની સુવિધા મળી જાય છે. બાકી અહીં શાકાહારી ખાણું મેળવવું એટલું અઘરું છે જેટલું રાજ્યના ચીફ મિનિસ્ટર સાહિબાને કોઈ મુદ્દે કન્વીન્સ કરવાં. જોકે મમતામૅડમની સરકાર ગંગાસાગર મેળાને બહુ પ્રમોટ કરે છે. આ વખતે પણ એ દરમ્યાન આસ્થાળુઓને રહેવા માટે આખા ટાપુ પર અનેક તંબુઓ બાંધવામાં આવે છે. ઠેકઠેકાણે મોબાઇલ ટૉઇલેટ ઊભાં કરવામાં આવે છે અને સાગરઆરતી, પ્રવચન અને કલ્ચરલ કાર્યક્રમોનું આયોજન કરવાની સાથે આખા તટવિસ્તારને રંગબેરંગી રોશનીથી શણગાર્યો છે. ભક્તોની સુવિધા માટે સુરક્ષાદળો, પોલીસો, ખોયા-પાયા કેન્દ્રો અને મેડિકલ ટીમને તૈયાર રખાય છે.

હવે ‘સારે તીરથ બાર બાર, ગંગાસાગર એક બાર’ એમ કેમ કહેવાય છે એ મુદ્દા પર આવીએ. આ મોક્ષતીર્થ જ્યાં આવેલું છે એ આખો વિસ્તાર ટાપુ છે એ એની ચારે બાજુએ પાણી છે. મેઇન લૅન્ડથી અલગ હોવાને કારણે એક જમાનામાં અહીં પહોંચવું ખૂબ અઘરું હતું એથી એ કહેવત બની ગઈ. જોકે આજે ઘણી સુવિધા છે છતાં કલકત્તાથી ફક્ત ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળે પહોંચવા માટે ટ્રેન, રિક્ષા, બોટ અને પાછી રિક્ષાની સફર કરવી પડે છે. કલકત્તાના સિઆલદાહ સ્ટેશનથી લોકલ જેવી ટ્રેન પકડીને કાકદ્વીપ સ્ટેશને ઊતરવાનું હોય છે. એ બે-અઢી કલાકની જર્ની પછી યાત્રાળુ તુકતુક (ઇલેક્ટ્રિ રિક્ષા) વડે પ્લૉટ ૮ પર જાય. જ્યાંથી જેટી નંબર ચાર પરથી ફેરી મળે. અડધો-પોણો કલાક હાલકડોલક થતી બોટમાં હીંચ્યા બાદ કાચુ બેડિયા ઊતરીને ફરી ત્યાંથી તુક તુકમાં ૨૦ મિનિટ બેસો ત્યારે આ મિલન તીર્થે પહોંચાય છે. ઇન શૉર્ટ, મુંબઈથી હવાઈ યાત્રા દ્વારા જેટલા સમયમાં કલકત્તા પહોંચો એનાથી બમણા ટાઇમ અને અનેક વાહનોની મદદ પછી ગંગાસાગર જવાય છે છતાં અમે કહીએ છીએ, ‘ફુલ લાઇફમાં એક બાર તો ગંગાસાગર જવું જ. કારણ કે રજતરંગી રેતીનો વિશાળ તટપ્રદેશ, સ્વચ્છ આકાશ, ભૂરો દરિયો, બેલગામ પવન, એ પવનને ચીરીને આગળ વધતી માનવકદ લહેરો તેમ જ મંદિરની ઊર્જાના મિશ્રણથી એવું વાતાવરણ રચાય છે કે મનુષ્યને જીવતેજીવ મોક્ષ મળી ગયાની લાગણી થાય.


