Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > એક સમયે ઈરાનમાં ૧૦ હિન્દુ મંદિર હતાં, એમાંનું બંદર અબ્બાસનું વિષ્ણુ મંદિર તો આજે ઈરાનનું રાષ્ટ્રીય સ્મારક છે

એક સમયે ઈરાનમાં ૧૦ હિન્દુ મંદિર હતાં, એમાંનું બંદર અબ્બાસનું વિષ્ણુ મંદિર તો આજે ઈરાનનું રાષ્ટ્રીય સ્મારક છે

Published : 31 May, 2026 10:57 AM | IST | Mumbai
Alpa Nirmal

બંદર અબ્બાસના મંદિરમાં એક મ્યુઝિયમ પણ છે. એમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન સંબંધિત કલાકૃતિઓ તથા ભગવાનની મૂર્તિઓ અને ખંડિત કલાકૃતિઓ પ્રદર્શિત થઈ છે.

બંદર અબ્બાસનું વિષ્ણુ મંદિર.

બંદર અબ્બાસનું વિષ્ણુ મંદિર.


ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધમાં કોણે, કોને, કેટલું નુકસાન પહોંચાડ્યું? કોનું પલડું ભારી? કોણે હુંકાર કર્યો? આગામી ચાલ કોની? એ વિશે વિશેષજ્ઞોને વાતો કરવા દઈએ. આપણે તો વાત કરીએ સત્તરથી ઓગણીસમી સદી દરમ્યાન અહીં વ્યાપકપણે પાંગરેલા હિન્દુ ધર્મની, મંદિરોની અને ઇન્ડો-પર્શિયન સંબંધોની

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને થોડા સમય પહેલાં સોશ્યલ મીડિયા પર ઈરાનના બંદર અબ્બાસ ખાતે આવેલા ૧૩૪ વર્ષ પહેલાં નિર્માણ પામેલા વિષ્ણુ મંદિરનો વિડિયો પોસ્ટ કર્યો અને ૨૪ કલાકમાં તો એ વાઇરલ થઈ ગયો. આ વિડિયો લગભગ ૧૦ લાખથી વધુ વખત જોવાઈ ગયો. આજે બે અઠવાડિયાં પછી પણ આ વિડિયો જોવાઈ રહ્યો છે, રી-પોસ્ટ થઈ રહ્યો છે અને ચર્ચાઈ રહ્યો છે. આ નાનકડી રીલે લોકોના મનમાં કુતૂહલ ઊભું કરી દીધું છે કે કટ્ટર ઇસ્લામિક દેશમાં હિન્દુ મંદિર કઈ રીતે હોઈ શકે? બટ ડિયર રીડર્સ, ઇસ્લામિક દેશ પર્શિયા અને ભારત વચ્ચે સદીઓ પૂર્વેથી સૌહાર્દપૂર્ણ સંબંધો છે. આપણી વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન, આર્થિક સંબંધો તથા એકબીજા દેશમાં આવનજાવન ૩૦૦-૪૦૦ વરસથી ચાલતી આવી છે. આવો, એ વિશે વિસ્તારમાં જાણીએ.




અંદર મ્યુઝિયમની જેમ મૂર્તિઓ સચવાઈ છે.


પ્રાચીન ફારસ અને પ્રાચીન ભારત વચ્ચેના સંબંધો પણ પ્રાચીન

આમ તો આ બેઉ પ્રદેશો વચ્ચેના સંબંધો સિંધુ ઘાટી સિવિલાઇઝેશનથી પણ પહેલાંના હોવાનું મનાય છે. આપણા ધર્મગ્રંથ ઋગ્વેદ અને ઈરાનના પ્રાચીન ગ્રંથ અવેસ્તામાં અનેક શબ્દો તથા અનુષ્ઠાનોમાં સમાનતા જોવા મળે છે. એ જ રીતે ઈરાનના કરમાનશાહ શહેરમાં આવેલી ગુફાઓની નક્કાશીમાં દેવી-દેવતાઓનાં શિલ્પ - ખાસ કરીને સૂર્યના દેવ મિથ્રાને ભારતીય અવતારમાં દર્શાવાયા છે. આ કળા સૂચવે છે કે ઈરાન અને ભારત વચ્ચે સદીઓ પહેલાંથી વ્યાપારિક તથા સામાજિક સંબંધો હતા. જળમાર્ગે તથા ભૂમિમાર્ગે આવતા વેપારીઓના માધ્યમથી મૂર્તિકલા, વાસ્તુકલા, સંસ્કૃતિ, ખાણી-પીણી, ઈવન ભાષા, કલ્ચર તથા અનેક ક્ષેત્રો એકબીજાથી પ્રભાવિત હતાં. ઈરાની ઇતિહાસ અનુસાર છઠ્ઠી શતાબ્દી દરમ્યાન ઈરાનના સાયરસ ધ ગ્રેટ અને ડેરિયસ ફર્સ્ટે અખંડ ભારતના ઉત્તર-પશ્ચિમી પટ સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું.



ભગવાન વિષ્ણુની પ્રતિમા.

એ પછી મધ્યયુગમાં ફારસી સંસ્કૃતિ ભારતીયોની રોજબરોજની જિંદગીમાં વણાઈ ગઈ અને મોગલોના આગમન બાદ તો એનો નિરંતર વિકાસ થયો. પંદરમી અને સોળમી સદીમાં સ્થાનિક ભારતીય મૂળના અનેક રાજવંશોએ તેમને આવકાર સાથે સંરક્ષણ આપ્યું અને પર્શિયા તથા ભારત વચ્ચે મિત્રતાનાં બીજ રોપાયાં. ૧૯૮૦ના દાયકા સુધી એ દોસ્તીની વાડી લીલીછમ રહી. આવા સુવર્ણ સંબંધોને અનુલક્ષીને જ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ પોતાના પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’માં લખ્યું છે કે ભારતીયો તથા ઈરાનીઓ વચ્ચે ઇતિહાસ, સંસ્કૃતિ અને રહેણીકરણીમાં જેટલું સામ્ય છે એવી નિકટતમ સમાનતા અન્ય કોઈ સભ્યતાઓ સાથે નથી.


જૂના મંદિરની ઇમારતો પર કૃષ્ણનાં ચિત્રો.

ઈરાનમાં હિન્દુ ધર્મનો વ્યાપ

આગળ કહ્યું એમ વેપારીઓની આવન-જાવનથી સંસ્કૃતિઓનું આદાન-પ્રદાન થયું. એની સાથે ધાર્મિક નિયમોમાં ભિન્નતા હોવા છતાં એકબીજાના આચાર-વિચાર તથા નિયમો પરત્વે પૂર્ણ સન્માન રહ્યું. આથી છેક સાતમી સદી દરમ્યાન આ રાષ્ટ્ર પૂર્ણતઃ ઇસ્લામ બની ગયું હોવા છતાં હિન્દુ સમુદાય અહીંના સોદાગરો સાથે કામકાજ કરતો હતો. સમય વીતતાં સિલ્ક રૂટ તથા જળમાર્ગનો વિકાસ થવાથી બિઝનેસ વધ્યો અને ઈરાનનાં ઇસ્ફાહાન અને તેહરાન જેવાં શહેરોમાં સેંકડો ભારતીય વેપારીઓ, કારીગરો, સૈનિકો સ્થાયી થયા. તેઓ વૈદિક ધાર્મિક પરંપરા પાળતા હતા, પણ પોતાનાં ઘરોમાં. જાહેરમાં ધાર્મિક કાર્યક્રમો માટે તેમને ભેગા થવા કોઈ સ્થાન નહોતું. એ બન્યું છેક અઢારમી સદીના અંતમાં બંદર અબ્બાસ નગરમાં (જેની રીલ અમિતાભ બચ્ચને પોતાના હૅન્ડલ પર શૅર કરી હતી). વાત એમ હતી કે આપણી આઝાદી પૂર્વે અંગ્રેજો મોટી સંખ્યામાં ભારતીય ગુલામોને અહીં પોર્ટ પર કામ કરવા લાવ્યા હતા. એ વખતે ઈરાનમાં મોહમ્મદ હસન
સાદ-અલ-મલિકનો શાસનકાળ હતો. બ્રિટિશ ઇન્ડિયન કંપનીના ભારતીય કામગારોને આ ઈરાની શાસક દ્વારા તેમના ઇષ્ટદેવનું સ્થાન બનાવવાની મંજૂરી મળી અને એ કામગારોએ પથ્થર, માટી, ચૂના તથા મોર્ટારનો ઉપયોગ કરીને ૪ વર્ષની અંદર ભારતીય અને ઇસ્લામિક શૈલીના મિશ્રણ સમું મંદિર બનાવ્યું અને ૧૮૯૨માં એમાં ૪ હસ્તધારી વિષ્ણુજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. આમ ઈરાનમાં રહેતા હિન્દુ સમુદાયને રાજકીય માન્યતાપ્રાપ્ત પ્રથમ પૂજાસ્થળ પ્રાપ્ત થયું.


૧૩૪ વર્ષ પહેલાં મંદિર બન્યું ત્યારની તસવીર.

ઇસ્લામિક આર્કિટેક્ચર શૈલી આધારિત, મોટો ગોળ ગુંબજ ધરાવતા આ મંદિરમાં કમળની નક્કાશી છે. રંગમંડપ, પ્રદક્ષિણાપથ અને ગર્ભગૃહ ઉપરાંત મંદિરના ઉપરના મજલે જવા ઘુમાવદાર સીડીઓ પણ છે. મંદિરની છત અને દીવાલો પર રામ, શ્રીકૃષ્ણ તથા વિષ્ણુજીના અન્ય અવતારોનાં ભીંતચિત્રો હતાં જે હવે ઝાંખાં પડી ગયાં છે. મંદિર ઉપરાંત પરિસરમાં પૂજારી તેમ જ સાધુ-સંન્યાસીઓને રહેવા માટે કક્ષ પણ બનાવવામાં આવ્યા હતા જેમાં અત્યારે નાનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જોકે એ સમયે અને એ પછી પણ અહીં શું ધાર્મિક કાર્યક્રમો થતા કે પૂજાવિધિ વગેરેની કોઈ માહિતી નથી. જોકે ૧૯૭૯માં ઈરાનમાં મોટા પાયે થયેલી ઇસ્લામિક ક્રાન્તિ અને ખોમૈનીના કટ્ટરવાદી અભિગમ બાદ હિન્દુઓ સહિત મોટી સંખ્યામાં ભારતીય નિવાસીઓ ઈરાન છોડીને ચાલ્યા ગયા અને ત્યારથી આ મંદિર ફક્ત એક રાષ્ટ્રીય સ્મારક તરીકે રહી ગયું છે.

ઈરાનના અન્ય પ્રાંતોમાં પણ છે હિન્દુ મંદિરો

બંદર અબ્બાસ હોર્મુઝ ખાડી પાસે મહત્ત્વનું સ્થળ હોવાથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અહીં થાણું સ્થાપ્યું હતું. આ કંપની યુરોપ-એશિયા વચ્ચે માલવાહક જહાજોની હેરફેર કરતી, જેમાં ભારતનિવાસી કામગારો કામ કરતા. આથી ઈરાનનું પ્રૉપર પહેલું હિન્દુ મંદિર અહીં બન્યું હતું. જોકે બુશહર પ્રાંતના બુશહરમાં હિન્દુ વેપારીઓની સંખ્યા વધુ હોવાથી ત્યાં એક શિવાલયનું નિર્માણ એ પહેલાં થયું હતું. જોકે એ દેવળ એક ભારતીય વેપારીના ઘરની ઓરડીમાં હોવાથી એને આધિકારિક માન્યતા નહોતી મળી. એ જ રીતે પર્શિયામાં કજરવંશના કાર્યકાળ દરમ્યાન શિરાજનગરમાં પણ હિન્દુ મંદિરની સ્થાપના થયાનો ઉલ્લેખ છે. જોકે આ બે દેવળોનો કોઈ ઑફિશ્યલ રેકૉર્ડ નથી. એ જ રીતે ઇસ્ફાહાનનું હિન્દુ મંદિર સફવી યુગ દરમ્યાન બન્યું હોવાનું કહેવાય છે. બંદર અબ્બાસના મંદિર પછી ઓગણીસમી સદીમાં કરમાનમાં હિન્દુ વેપારીઓએ મંદિર બનાવડાવ્યું, જાહેદાનમાં પણ આર્ય સમાજ મંદિરની સ્થાપના થઈ, અહવાજ તેમ જ તેહરાનમાં, પારસી વિરાસત માટે મશહૂર યાજદ શહેરમાં, શિયાઓના પ્રમુખ તીર્થ મશહદમાં પણ હિન્દુ મંદિરો બન્યાં હતાં. ચાબહારમાં તો ગુજરાતી વેપારીઓએ શિખરયુક્ત મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ભારતીય શૈલીમાં બનેલા આ દેવાલયની કોતરણી કરવા ભારતથી ખાસ કારીગરો તેડાવ્યા હતા. ઇન શૉર્ટ, ઈરાનમાં જ્યાં-જયાં હિન્દુઓની વસ્તી હતી ત્યાં-ત્યાં નાનાં-મોટાં મંદિરોનું નિર્માણ થયું. ઈસવીસન ૧૯૭૬માં ISCON સંસ્થાના ભક્તિ વેદાંતસ્વામી પ્રભુપાદે તેહરાનની યાત્રા કરી અને અહીં રહેલા વિશાળ હિન્દુ જનસમૂહને દર્શન થાય એ હેતુ ISCON મંદિરની સ્થાપના કરી હતી. એ સાથે અહીં વેજિટેરિયન રેસ્ટોરાંની પણ શરૂઆત કરી હતી. આ ‘ગોવિંદા શાકાહારી રેસ્ટોરાં’એ ઈરાન જતા અનેક વ્યાપારી બંધુઓ, ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ તથા ઈરાનમાં કામકાજ કરતા હિન્દુઓની ભૂખ શમાવી છે.

ઈરાનમાં હિન્દુ સભ્યતાની કેટલીક રસપ્રદ વાતો 

૨૦૧૫ની સાલ સુધી ઈરાનમાં ૩૯,૨૦૦ હિન્દુઓ રહેતા હતા. તેઓ ખાસ કરીને બંદર અબ્બાસ, જાહેદાન, તેહરાનમાં વસતા હતા.

 વહાણવટાના વ્યાપાર સાથે સંકળાયેલા વેપારીઓ મોટા ભાગે હોર્મુઝ ખાડી વિસ્તારોમાં રહેતા હતા. આ જ એરિયામાં ઓમાન દેશની બરાબર સામે આવેલા ચાબહારમાં (જે આજે પર્યટનધામ તરીકે વિકસિત છે) ઘણી ગુજરાતી વસ્તી હતી. કચ્છ, હાલાર આદિ ભારતીય પશ્ચિમી પટ્ટામાંથી ગયેલા આ ગુજરાતીઓએ અહીં નક્કાશીદાર સુંદર મંદિર બંધાવડાવ્યું હતું.

ઈરાનિયન પ્રજા હિન્દુઓને ગોર (ગોર મહારાજના સંદર્ભે) અથવા ગબર કહેતી. આથી મંદિરને એ લોકો ‘ગોરાન’ કહેતા.

એક વખતના ઈરાની ચલણમાં નંદી પર બેઠેલા શિવજીની છાપ હતી. એ જ રીતે લક્ષ્મીજીનું ચિત્ર ધરાવતી પોસ્ટલ સ્ટૅમ્પ પણ બનાવવામાં આવી હતી.

વિષ્ણુ મંદિરના વિડિયો સાથે ઈરાની ગાયિકા ફઝિના કિશનનું ડિવોશનલ સૉન્ગ વખણાયું

અમિતાભ બચ્ચને શૅર કરેલા વિડિયોના બૅકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘એ વિષ્ણુ જાન’ પણ કાફી લોકપ્રિય બન્યું છે. ​ફઝિના કિશન નામની ઈરાની કન્યાએ આ પહેલાં પણ શિવભજનો અને શિવસ્તોત્ર ગાયાં છે. ઇન્ડિયન મ્યુઝિક-ડિરેક્ટર કાર્તિક કુલાલની લય પર બનેલા ‘એ વિષ્ણુ જાન’ ગીતના બોલ સાદા છે, પરંતુ ફજીનાના હૃદયસ્થ ભાવોએ તેને આધ્યાત્મિક ઊંચાઈ બક્ષી છે. ઈરાન - ઇઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધના માહોલમાં તેણે ગાયેલાં ભાવવાહી ભજનો તથા સ્તુતિઓએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર જાતજાતનું પોસ્ટ કરતા ઉત્સાહીજનોમાં જબરદસ્ત ચાહત જગાડી છે. કાર્તિક કુલાલે આ પહેલાં પણ પર્શિયન અને ઇન્ડિયન હિસ્ટોરિકલ લિન્ક્સને કનેક્ટ કરીને નોટિસેબલ કમ્પોઝિશન તૈયાર કર્યાં છે.

૩ વર્ષ પહેલાં હિન્દી મ્યુઝિકની ફર્સ્ટ પાયદાને રહેલું ‘ઍનિમલ’ ફિલ્મનું ગીત ‘જમાલ જમાલુ’ ઓરિજિનલ ઈરાની સૉન્ગ છે.વિષ્ણુ મંદિરના વિડિયો સાથે ઈરાની ગાયિકા ફઝિના કિશનનું ડિવોશનલ સૉન્ગ વખણાયુંઅમિતાભ બચ્ચને શૅર કરેલા વિડિયોના બૅકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘એ વિષ્ણુ જાન’ પણ કાફી લોકપ્રિય બન્યું છે. ​ફઝિના કિશન નામની ઈરાની કન્યાએ આ પહેલાં પણ શિવભજનો અને શિવસ્તોત્ર ગાયાં છે. ઇન્ડિયન મ્યુઝિક-ડિરેક્ટર કાર્તિક કુલાલની લય પર બનેલા ‘એ વિષ્ણુ જાન’ ગીતના બોલ સાદા છે, પરંતુ ફજીનાના હૃદયસ્થ ભાવોએ તેને આધ્યાત્મિક ઊંચાઈ બક્ષી છે. ઈરાન - ઇઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધના માહોલમાં તેણે ગાયેલાં ભાવવાહી ભજનો તથા સ્તુતિઓએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર જાતજાતનું પોસ્ટ કરતા ઉત્સાહીજનોમાં જબરદસ્ત ચાહત જગાડી છે. કાર્તિક કુલાલે આ પહેલાં પણ પર્શિયન અને ઇન્ડિયન હિસ્ટોરિકલ લિન્ક્સને કનેક્ટ કરીને નોટિસેબલ કમ્પોઝિશન તૈયાર કર્યાં છે.

ઇસ્લામીકરણ પૂર્વે ઈરાનમાં પૂર્ણ ધાર્મિક સ્વતંત્રતા હોવાથી હિન્દુ ઉપરાંત બૌદ્ધ અને સિખ ધર્મનો પણ સારો વિકાસ થયો હતો. અહીંના જાહેદાન શહેરમાં ગુરુદ્વારા પણ છે અને ૧૯૩૦માં અહીં વસતા સિખ પરિવારો માટે ભારતીય સ્કૂલ પણ શરૂ થઈ હતી જે ૧૯૫૨માં તેહરાન શિફ્ટ કરાઈ અને ૨૦૦૪માં એને નવું નામ મળ્યું સેન્ટ્રલ યુનિવર્સિટી - તેહરાન. પૂર્વે જે દેશે અનેક ધર્મ અને સંપ્રદાયોનો આદર કર્યો હતો એ દેશમાં આજે ૯૭ ટકા વસ્તી ઇસ્લામ ધર્મને માને છે અને અન્ય ૩ ટકામાં ક્રિશ્ચિયન, બહાઈ તેમ જ રૅશનલિસ્ટ લોકો છે.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 10:57 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK