ભિવંડીના ગોડાઉનમાંથી એક કરોડ રૂપિયાનો સ્કિમ્ડ મિલ્ક પાઉડર જપ્ત
મોહમ્મદ અલી રોડ પરની હોટેલના કિચનમાં જોવા મળેલી ગંદકી.
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મુંબઈમાં સોમવારે હોટેલો અને રેસ્ટોરાંની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી ૬ હોટેલોને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે ત્રણનાં લાઇસન્સ રદ કરવામાં આવ્યાં હતાં.
ભીંડીબજારની જાણીતી હોટેલ શાલીમારનું ૧૬ એપ્રિલે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. એ પછી ૨૮ એપ્રિલે એને નોટિસ મોકલીને જરૂરી સુધારા કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ સોમવારે ફરી ઇન્સ્પેક્શન કરવામાં આવતાં ત્યાં પચીસ જેટલી ત્રુટિઓ મળી આવી હતી. જેમ કે ભીનું અને ચીકણું ફ્લોરિંગ, કાચા માલની નોંધ ન હોવી, પીવાના પાણીની ચેકિંગ-વ્યવસ્થાનો અભાવ, ખાવાના તેલની ક્વૉલિટી-ચેકની નોંધ નહોતી, શાકાહારી અને માંસાહારી ડિશની અલગ-અલગ ડિસ્ટ્રિબ્યુશનની વ્યવસ્થા ન હોવી, બારીઓમાંથી કીડા ન આવે એ માટે જાળી લગાડાઈ નહોતી. આમ એક નહીં પણ અનેક ત્રુટિઓ મળી આવતાં ગઈ કાલે FDAએ એનું લાઇસન્સ રદ કર્યું હતું.
ADVERTISEMENT
એ જ પ્રમાણે ભીંડીબજારની નૂર મોહમ્મદી હોટેલ અને ઉમરખાડીની રહેમાનિયા રેસ્ટોરાં પર પણ સોમવારે કાર્યવાહી કરીને ગઈ કાલે એમનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું
આ ઉપરાંત સોમવારે ભિવંડીના પૂર્ણા ગામમાં આવેલા સાંઈ કાર્ગો મૂવર્સના ગોડાઉન પર FDA દ્વારા રેઇડ પાડવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન ૧,૦૦,૩૩,૦૦૦ રૂપિયાનો ૨૨,૧૦૦ કિલો વિવિધ પ્રકારનો સ્કિમ્ડ મિલ્ક પાઉડર જપ્ત કરવામાં આવ્યો હતો. એ મિસ-બ્રૅન્ડેડ હતો અને સબ-સ્ટાન્ડર્ડ હોવાનું જણાઈ રહ્યું હતું. એ બધો જ સ્ટૉક હાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એનાં સૅમ્પલ આગળ ટેસ્ટિંગ માટે લૅબમાં મોકલવામાં આવ્યાં છે.
સોમવારે રાજ્યમાં કેવી કાર્યવાહી થઈ?
ભિવંડીમાંથી ૧,૦૦,૩૩,૦૦૦ રૂપિયાનો ૨૨,૧૦૦ કિલો સ્કિમ્ડ મિલ્ક પાઉડર જપ્ત કરવામાં આવ્યો.
પ્રતિબંધિત પાનમસાલા અને ગુટકાના વેચાણ, ડિસ્ટ્રિબ્યુશન અને ટ્રાન્સપોર્ટ સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંતર્ગત ૭ જણની ધરપકડ કરીને ૬૭,૩૦,૧૦૯ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો.
૪૨,૦૧૦ રૂપિયાની ૨૧૦ કિલો અન્ય ખાદ્ય આઇટમો જપ્ત કરવામાં આવી.
કુલ ૩૨ હોટેલ, રેસ્ટોરાં, ઢાબાની ચકાસણી કરીને આઠને નોટિસ અપાઈ અને ચારનાં લાઇસન્સ રદ કરવામાં આવ્યાં.
કુલ ૧,૬૮,૦૫,૧૧૯ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
કુલ ૮ જગ્યાએ રેઇડ પાડવામાં આવી.
FDAએ છેલ્લા ૩ મહિનામાં ૩૪ બ્લડ બૅન્કનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં
નિયમોનું યોગ્ય પાલન ન થતું હોવાથી ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંતર્ગત મુંબઈની જે. જે. મહાનગર અને માયા બ્લડ બૅન્કનાં લાઇસન્સ કૅન્સલ કરવામાં આવ્યા છે. FDAએ છેલ્લા ૩ મહિનામાં ૨૧ બ્લડ બૅન્ક અને ૧૩ બ્લડ સ્ટોરેજ સેન્ટરનાં લાઇસન્સ કૅન્સલ કર્યાં છે.
FDAના ઑફિસરે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે કાર્યવાહી કરાયેલી બ્લડ બૅન્કોમાં મુંબઈની જે. જે. મહાનગર અને માયા બ્લડ બૅન્ક એમ બે બ્લડ બૅન્ક જ મુંબઈની હતી. બાકીની બ્લડ બૅન્ક પુણે, મિરજ, સાંગલી અને અમરાવતીની હતી. બ્લડ સ્ટોરેજ સેન્ટર્સ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનના હતાં. એમાં રેડ ક્રૉસ સોસાયટી બ્લડ સ્ટોરેજ સેન્ટર (ઉલ્હાસનગર), ગુડ હેલ્થ કન્સેપ્ટ LLP (મુંબ્રા), સંકલ્પ બ્લડ સેન્ટર (કલ્યાણ-વેસ્ટ) અને શ્રી બાલાજી મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ (બદલાપુર-ઈસ્ટ)નો સમાવેશ થતો હતો. FDAના જૉઇન્ટ કમિશનર (ડ્રગ્સ) ગણેશ રોકડેએ કહ્યું હતું કે આ જે બ્લડ બૅન્કોનાં લાઇસન્સ કૅન્સલ થયાં છે એમાં બહુ મોટા પ્રમાણમાં ક્વૉલિટી વાયલેશન્સ જોવા મળ્યું હતું.
