ભારતમાં સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી ખૂબ ધમધમી રહી છે. પિતૃતર્પણ એ ધાર્મિક પરંપરા ભલે હોય, હવે એનું વ્યવસાયીકરણ થઈ ચૂક્યું છે. હવે તો પિંડ માટે મુક્તિનાં સ્થાન ગણાતાં ગયાજી, પ્રયાગરાજ, હરિદ્વાર, વારાણસી જેવાં સ્થળોએ ખાસ ટૂર પૅકેજ પણ શરૂ થઈ ગયાં છ
ગયાજી તીર્થયાત્રા
હિન્દુ સંસ્કૃતિમાં શ્રાદ્ધ પર્વ ખાસ મહત્ત્વ ધરાવે છે. ગઈ કાલે શરૂ થયેલા શ્રાદ્ધ પર્વનું સમાપન ૧૦ ઑક્ટોબરે થશે. આ સમય દરમ્યાન મોટા ભાગના ભારતીય પરિવારના સભ્યો પોતાના પૂર્વજોના આત્માની શાંતિ માટે વિધિવત્ પિંડદાન કરતા હોય છે. ભારતમાં પિંડદાન માટે અમુક જગ્યાઓનું ખાસ મહત્ત્વ છે. એમાં ગયાજી, પ્રયાગરાજ, હરિદ્વાર, નૈમિસારણ્ય, વારાણસી, સિદ્ધપુર, ચાણોદ જેવાં સ્થાનો મોખરે છે.
ભારતીય સંસ્કૃતિમાં ‘પિતૃ’ માત્ર ભૂતકાળમાં જીવેલા આપણા પૂર્વજો નથી પરંતુ આપણી ઓળખ, સંસ્કાર અને પરંપરાનાં મૂળ સાથે જોડાયેલું એક જીવંત સ્મરણ છે. પેઢીઓ બદલાતી ગઈ, જીવનશૈલી બદલાઈ અને સમય સાથે અનેક પરંપરાઓનું સ્વરૂપ પણ બદલાયું હોવા છતાં પૂર્વજોનું સ્મરણ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા આજે પણ અવિરત છે. પિંડદાન આ જ ભાવનાનું એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્વરૂપ છે જેની પાછળ પુરાણકથાઓ, ધાર્મિક માન્યતાઓ અને ભારતીય જીવનદૃષ્ટિનું ઊંડું જોડાણ જોવા મળે છે. મહાભારતથી લઈને વિવિધ પુરાણો અને તીર્થ-પરંપરાઓ સુધી પિતૃઓ અને તેમના માટે કરવામાં આવતી વિધિઓનો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કરીને પિંડદાન એટલે કે પિતૃઓને ચોખાના લોટને અથવા જવના લોટને દૂધ, ઘી, મધ અને કાળા તલ સાથે મેળવીને એક મોટો ગોળાકાર પિંડ અર્પણ કરવાની ક્રિયાને માત્ર એક ધાર્મિક વિધિ તરીકે નહીં પરંતુ જીવતા અને દિવંગત વચ્ચેના સંબંધ, ઋણાનુબંધ અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે જોવામાં આવ્યું છે. કદાચ આ જ કારણ છે કે હજારો વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ અનેક પરિવારોમાં શ્રદ્ધાપૂર્વક જળવાઈ રહી છે. ભારતીય પરિવારો પિતૃઓના આત્માની શાંતિ માટે ગયાજી, પ્રયાગરાજ, હરિદ્વાર, વારાણસી, સિદ્ધપુર, ચાણોદ જેવી જગ્યાઓએ જઈને પિંડદાન કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે પિંડદાન કરવાથી મૃત આત્માને ભૌતિક બંધનોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. વિધિ દ્વારા પિતૃઓની ભૂખ અને તરસ શાંત થાય છે જેનાથી પ્રસન્ન થઈને તેઓ પોતાના પરિવારને સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુના આશીર્વાદ આપે છે. જોકે પિંડદાન ઘરે કે સ્થાનિક નદીકિનારે થઈ શકે છે, પરંતુ ભારતમાં કેટલાંક સ્થળોએ પિંડદાન કરવાનું વિશેષ માહાત્મ્ય છે અને તેથી લોકો પોતાના પિતૃઓ માટે દૂર સુધી મુસાફરી કરીને જાય છે. ક્યારેક આ મુસાફરી થોડી કઠિન બની જતી હોય છે એટલે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી એમાં પણ સક્રિય થઈ ગઈ છે અને શ્રાદ્ધ માટે ગાઇડેડ વન-ટૂ કે થ્રી ડેઝની ટૂરોનાં પૅકેજ લગભગ દરેક મોટાં પિંડદાન ક્ષેત્રોના બહાર પડી ગયાં છે. માત્ર ૧૬ દિવસમાં થનારી પિતૃતર્પણની ક્રિયાથી જ એક લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થશે. આ આંકડાઓ માત્ર બહુ જાણીતાં તીર્થક્ષેત્રોમાં થતા સરેરાશ બિઝનેસને ધ્યાનમાં રાખીને અંદાજિત છે, નાનાં સેન્ટરોમાં ઘરઘરાઉ બ્રાહ્મણો દ્વારા થતી પિતૃક્રિયા પાછળ થતા ખર્ચનો ખરેખર જ કોઈ અંદાજ લગાવાઈ શકે એમ નથી. ગયાજીમાં લગભગ ૧૩ વર્ષનો અનુભવ ધરાવતા પંડિત પ્રવીણ પાઠક કહે છે, ‘શ્રાદ્ધ પક્ષની વાત કરીએ તો ગયાજીમાં જ રોજ લગભગ એકથી દોઢ લાખ તર્પણવિધિઓ થતી હશે. સર્વપિતૃ શ્રાદ્ધ અને નવમી જેવા દિવસે તો આ આંકડો એથીયે ઘણો વધી જાય. પિતૃપક્ષ દરમ્યાન મોટા ભાગના પંડિતો ફુલ્લી બુક્ડ હોય છે. જે પંડિતો આખા વર્ષ દરમ્યાન શ્રાદ્ધ ક્રિયા ન કરાવતા હોય તેઓ પણ આ સમયે કામે લાગી જાય છે.’
બિહારના રિજિલિયસ ટૂરિઝમના અંદાજ મુજબ પિતૃપક્ષના ૧૬ દિવસ દરમ્યાન લગભગ ગયાજીમાં અંદાજે પચીસથી ૩૦ લાખ તર્પણવિધિ થતી હશે. બીજા નંબરે આવે છે પ્રયાગરાજનું સંગમસ્થળ, જ્યાં લગભગ સીઝનમાં ૨૦ લાખ પિંડદાન થાય છે. કાશી અને હરિદ્વારમાં દસથી ૧૨ લાખ અને માતૃશ્રાદ્ધ માટે જાણીતા સિદ્ધપુરના બિંદુ સરોવરમાં લગભગ બેથી ૩ લાખ પિંડદાન થાય છે.
પૅકેજની સુવિધા
ADVERTISEMENT
પિતૃઓના શ્રાદ્ધ કે પિંડદાન માટે કોઈ પવિત્ર તીર્થસ્થળે જવાનું હોય ત્યારે આસ્થા સાથે લાંબી તૈયારીઓ પણ જોડાયેલી હોય છે. કઈ સામગ્રી લઈ જવી, ક્યાં રોકાવું, વિધિ માટે યોગ્ય પંડિત ક્યાંથી શોધવો, સ્થળ પર પહોંચ્યા પછીની વ્યવસ્થા કેવી રીતે કરવી - આવા અનેક પ્રશ્નો યાત્રા પહેલાં જ પરિવાર સામે ઊભા થઈ જાય છે. ખાસ કરીને અન્ય શહેર કે રાજ્યમાં જઈને પિંડદાન કરવાનું હોય ત્યારે ધાર્મિક વિધિ સાથે મુસાફરી અને વ્યવસ્થાનો આખો હિસાબ પણ સંભાળવો પડે છે. જોકે હવે આ પરંપરાગત યાત્રાની આસપાસ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ‘પિંડદાન ટૂર પૅકેજ’. એટલે કે પિંડદાન માટેની યાત્રાને માત્ર ધાર્મિક વિધિ પૂરતી મર્યાદિત રાખવાને બદલે રહેવા-જમવાથી લઈને સ્થાનિક પરિવહન, જરૂરી સામગ્રી અને પંડિતની વ્યવસ્થા સુધીની સેવાઓને એક જ પૅકેજમાં ગોઠવવામાં આવે છે. આ વર્ષે બિહાર અને હરિયાણાના પ્રવાસન વિભાગ દ્વારા પિતૃપક્ષ મેળા દરમ્યાન શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ પિંડદાન ટૂરિઝમ પૅકેજ બહાર પાડવામાં આવ્યાં છે. રાજ્યોના ટૂરિઝમ વિભાગ દ્વારા કેમ આવાં ટૂર-પૅકેજિસ શરૂ થયાં છે અને લોકો ચોક્કસ જગ્યાએ જ પિંડદાન માટે કેમ મોહ રાખે છે એ જાણીએ.
ટ્રાવેલ પૅકેજ અને ઈ-પિંડદાન
સામાન્ય ટૂર-પૅકેજિસની જેમ જ આ પૅકેજમાં પરિવહન અને રહેવાની સુવિધા સામેલ હોય છે, કારણ કે આ પિંડદાન ટૂર-પૅકેજ છે એટલે એમાં તમારે પૂજાની સામગ્રી કે પંડિત શોધવાની જરૂર નથી રહેતી. એક દિવસનું પૅકેજ એટલે કે પટનાથી ગયા એક જ દિવસમાં કરવું હોય તો એમાં પટનાથી સવારે નીકળીને પુનપુન ઘાટ, ફાલ્ગુ નદી, વિષ્ણુપદ મંદિર અને અક્ષયવટ વૃક્ષ ખાતે પિંડદાનની વિધિ કરાવીને સાંજે પાછા લાવવામાં આવે છે. આની કિંમત આશરે ૧૪,૫૫૦ રૂપિયાથી ૩૦,૬૫૦ રૂપિયા સુધીની વચ્ચે હોય છે. અન્ય મલ્ટિ-ડે પૅકેજોમાં શ્રદ્ધાળુઓ પોતાની અનુકૂળતા મુજબ એક કે બે દિવસ અથવા બે કે ૩ દિવસનાં પૅકેજ પસંદ કરી શકે છે. જેમાં ગયાજી ઉપરાંત આસપાસનાં ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો જેમ કે રાજગીર અને નાલંદાનો પ્રવાસ પણ સામેલ હોય છે. આ પૅકેજોની કિંમત આશરે ૧૬,૫૫૦ રૂપિયાથી ૩૨,૮૫૦ રૂપિયા સુધીની હોય છે.
જોકે સૌથી યુનિક કહી શકાય એવું છે ઈ-પિંડદાન એટલે કે વર્ચ્યુઅલ પિંડદાન. NRI કે જે લોકો ગયાજી સુધી ટ્રાવેલ કરવા સક્ષમ ન હોય તેમને મનમાં વસવસો રહી જતો હોય છે. તેમના માટે આ ખાસ પૅકેજિસ ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યાં હતાં અને આ સુવિધા આ વર્ષે પણ યથાવત્ છે. વિચાર એ આવે કે ઑનલાઇન પૈસા આપીને પિંડદાન કરવામાં વાંધો નથી, પરંતુ વિશ્વાસ કેવી રીતે કરવો કે પિંડદાન થયું જ હશે. તો ગયાજીનાં મુખ્ય ૩ સ્થળો પર પૂજારી શ્રદ્ધાળુનાં નામ અને ગોત્ર સાથે સંપૂર્ણ વિધિપૂર્વક પિંડદાન કરે છે. આખી પૂજાવિધિ અને મંત્રોચ્ચારનું વિડિયો રેકૉર્ડિંગ કરીને શ્રદ્ધાળુને પેન ડ્રાઇવ અથવા ઑનલાઇન લિન્ક દ્વારા મોકલવામાં આવે છે. પિતૃઓના આત્માને શાંતિ મળશે એ જાણીને તમારા મનને પણ શાંતિ થાય છે.
બેફામ દક્ષિણાનો અંત
સામાન્ય રીતે જ્યારે ડિમાન્ડ ખૂબ હોય ત્યારે પંડિતો અને બ્રાહ્મણો બેફામ દક્ષિણા માગતા હોય છે. શરૂઆતમાં વિધિ કરાવવાનો ચાર્જ કંઈક હોય, પરંતુ વિધિના દરેક તબક્કે દાન-દક્ષિણાની રકમ મૂકવાનું દબાણ થતું હોય છે. જોકે હવે રાજ્ય ટૂરિઝમ ઉપરાંત અનેક પંડિતોની વેબસાઇટ્સ ઉપલબ્ધ છે જ્યાં પિતૃશ્રાદ્ધ માટે ફિક્સ્ડ રેટ નક્કી કરવામાં આવે છે. આ એક પ્રકારે ઑર્ગેનાઇઝ્ડ બિઝનેસ છે. કહેવાય છે કે આ સર્વિસમાં પહેલેથી નક્કી કરેલા રેટ મુજબ ચોક્કસ વિધિઓ કરવાની હોવાથી પરિસ્થિતિનો લાભ લઈને થતી બેફામ લૂંટ પર કન્ટ્રોલ આવે છે.
ભારતમાં પિંડદાન માટે વિશેષ સ્થાનો
ગયાજીમાં પિંડદાન વિશે વિવિધ પૌરાણિક અને દંતકથાઓ પ્રચલિત છે. એક પૌરાણિક કથા અનુસાર ગયા નામે એક અસુર હતો. તેણે ભગવાન બ્રહ્માજીની કઠોર તપસ્યા કરીને એવું વરદાન મેળવ્યું કે જે કોઈ પણ વ્યક્તિ તેને માત્ર જોઈ લેશે અથવા તેનો સ્પર્શ કરશે તેના બધાં પાપ ધોવાઈ જશે અને તે મોક્ષ મેળવીને વૈકુંઠ જશે. અન્ય એક માન્યતા એવી છે કે ગયાજીમાં ફાલ્ગુ નદીના કિનારે પ્રખ્યાત વિષ્ણુપદ મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુનાં પદચિહન પથ્થર પર અંકિત થયેલાં છે. માનવામાં આવે છે કે આ સાક્ષાત્ વિષ્ણુ ભગવાનનાં ચરણ છે. એના પર પિંડ અર્પણ કરવાથી પિતૃઓ વૈકુંઠધામને પામે છે. રામાયણ અનુસાર વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજી પોતાના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કરવા ગયાજી આવ્યા હતા. માતા સીતાએ ફાલ્ગુ નદીના કિનારે રાજા દશરથના આત્માની શાંતિ માટે રેતીનો પિંડ બનાવીને પિંડદાન કર્યું હતું, જેનાથી રાજા દશરથનો આત્મા તૃપ્ત થયો હતો. આ પ્રસંગને કારણે પણ આ સ્થળનું મહત્ત્વ અત્યંત વધી જાય છે. ગયાજીમાં પિંડદાન મુખ્યત્વે ફાલ્ગુ નદી, વિષ્ણુપદ મંદિર, અક્ષયવટ (પવિત્ર વડનું વૃક્ષ) આ ૩ સ્થળોએ પૂર્ણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે અહીં શ્રાદ્ધ સમયે લોકોનો મેળાવડો જામે છે અને તેમને સુવિધા પૂરી પાડવા માટે બિહાર પ્રવાસન વિભાગે આવાં પૅકેજ બહાર પાડ્યાં છે. પિંડદાન માટે મહત્ત્વ ધરાવતાં સ્થળોએ પ્રાઇવેટ ટૂર-પૅકેજિસ વર્ષોથી ઉપલબ્ધ છે તો એમાં નવું શું છે?
ગયાજી સિવાય ભારતનાં પિંડદાન માટે જાણીતાં સ્થળોની વાત કરીએ તો એમાં ઉત્તરાખંડનું બદરીનાથનું બ્રહ્મકપાલ, ઉત્તર પ્રદેશનાં વારાણસી અને પ્રયાગરાજ તેમ જ હરિયાણાનાં કુરુક્ષેત્ર-પેહોવાનો સમાવેશ થાય છે. આ સ્થળો પર પિંડદાનના મહત્ત્વ માટે વિવિધ કથાઓ સંકળાયેલી છે.
વર્ચ્યુઅલ પિંડદાનની ભારે ડિમાન્ડ
ઈ-પિંડદાન એટલે કે વર્ચ્યુઅલ પિંડદાનની ભારે ડિમાન્ડને કારણે ૨૦૦૯માં આ વિચાર આકાર લેવાનો હતો, પરંતુ પારંપરિક વિધિને પ્રોત્સાહન આપનારા લોકોએ આ વિચારનો સખત વિરોધ કર્યો હતો. જોકે વિદેશમાં રહેતા ભારતીયો માટે દર વર્ષે પિંડદાન માટે આ શ્રેષ્ઠ વિકલ્પ બનતો હોવાથી વિરોધ છતાં ઈ-પિંડદાનનું કલ્ચર ખૂબ ફૂલ્યુંફાલ્યું છે. ગયા વર્ષે એટલે કે ૨૦૨૫માં બિહાર પ્રવાસન વિભાગ દ્વારા ઈ-પિંડદાનની શરૂઆત કરવામાં આવી અને એની સફળતાને કારણે આ વર્ષે પણ આ પૅકેજની સુવિધા આ વર્ષે પણ છે. કાશીમાં પણ ઈ-પિંડદાન થઈ શકે છે અને હવે તો આ માટે અનેક પંડિત વેબસાઇટ્સ છે જે ઈ-પિંડદાન કરાવી આપે છે. એમાં વ્યક્તિ ચોક્કસ રકમનું ઑનલાઇન પેમેન્ટ કરીને પિંડદાન કરાવી શકે છે. આખી પૂજાવિધિ અને મંત્રોચ્ચારનું વિડિયો-રેકૉર્ડિંગ કરીને શ્રદ્ધાળુને પેન ડ્રાઇવ અથવા ઑનલાઇન લિન્ક દ્વારા મોકલવામાં આવે છે.
પૂર્વજોના આત્માને શાંતિ અને મુક્તિ...
જ્યાં ગંગા, યમુના અને માન્યતા મુજબ અદૃશ્ય સરસ્વતીનો સંગમ થાય છે એ હિન્દુ પરંપરામાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં પ્રયાગને તીર્થરાજ એટલે કે તીર્થોનો રાજા કહેવામાં આવ્યું છે અને અહીં ભગવાન બ્રહ્માએ સૃષ્ટિના પ્રારંભમાં પ્રકૃષ્ટ યજ્ઞ કર્યો હોવાની માન્યતા છે. બીજી લોકમાન્યતા સમુદ્રમંથન સાથે જોડાયેલી છે, જેમાં અમૃતના કુંભમાંથી પડેલાં ટીપાં જ્યાં પડ્યાં એમાં પ્રયાગનો પણ સમાવેશ થાય છે. આ પવિત્રતાને કારણે સંગમ પર તર્પણ, શ્રાદ્ધ અને પિતૃકર્મ જેવી વિધિઓ કરવાની પરંપરા પણ જોવા મળે છે.
હિન્દુ ધર્મમાં ભગવાન શિવની નગરી તરીકે ઓળખાતું એવું તીર્થ જ્યાં જીવન અને મૃત્યુ બન્નેને આધ્યાત્મિક અર્થ સાથે જોવામાં આવે છે. કાશીની પૌરાણિક પરંપરા મુજબ આ નગરી ભગવાન શિવ સાથે સીધી રીતે જોડાયેલી છે અને અહીં મૃત્યુ પામનારને મોક્ષ પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધા છે. હિન્દુ માન્યતા મુજબ ગંગાનું પવિત્ર જળ પાપોનું ક્ષાલન કરી શકે છે. આ જ મોક્ષની માન્યતા અને ગંગાકિનારે ચાલતી અંત્યેષ્ટિ એટલે કે અંતિમ સંસ્કાર તથા પિતૃવિધિઓને કારણે વારાણસીમાં પિંડદાન અને તર્પણનું પણ વિશેષ ધાર્મિક સ્થાન છે.
પિંડદાનના સંદર્ભમાં હરિયાણાના કુરુક્ષેત્રનું પેહોવા સન્નિહિત સરોવર એટલે કે પ્રાચીન પૃથુદક ખાસ મહત્ત્વ ધરાવે છે. સરસ્વતી નદીના કિનારે આવેલું આ તીર્થ પ્રાચીન સમયથી શ્રાદ્ધ, પિંડ અને તર્પણ માટે જાણીતું છે. મહાભારત સહિત અનેક પુરાણોમાં પૃથુદકના મહિમાનો ઉલ્લેખ મળે છે. એની સૌથી રસપ્રદ પૌરાણિક કથા રાજા પૃથુ સાથે જોડાયેલી છે. પરંપરા અનુસાર રાજા પૃથુએ પોતાના પિતાના અવસાન બાદ સરસ્વતીના કિનારે પિતૃઓ માટે જળતર્પણ કર્યું હતું. આ કારણે આ સ્થળનું પ્રાચીન નામ ‘પૃથુદક’ પડ્યું - અર્થાત્ પૃથુનું જળ. આ જ પરંપરાને કારણે પેહોવા પિતૃઓ માટે શ્રાદ્ધ અને પિંડદાનના તીર્થ તરીકે વિકસ્યું હોવાનું માનવામાં આવે છે.
આપણે મોટા ભાગે પિતૃપક્ષ અને એના પિંડદાન વિશેનાં સ્થાનો અને મહત્ત્વ વિશે જ સાંભળીએ છીએ, પરંતુ ભારતમાં માતૃપક્ષના પૂર્વજોના આત્માની શાંતિ માટે પણ વિશેષ સ્થળ છે. ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પિંડદાનની વાત કરીએ તો પરંપરામાં એનું એક આગવું સ્થાન છે. અહીંનું બિંદુ સરોવર માતૃગયા તરીકે ઓળખાય છે, જ્યાં ખાસ કરીને માતા અને માતૃપક્ષના પૂર્વજો માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. ગુજરાત ટૂરિઝમ પણ બિંદુ સરોવરને માતૃપૂર્વજોના શ્રાદ્ધ સાથે જોડાયેલું પવિત્ર સ્થળ ગણાવે છે. સિદ્ધપુરની આ પરંપરા પાછળ સૌથી પ્રચલિત પૌરાણિક કથા ભગવાન પરશુરામ અને તેમની માતા રેણુકા સાથે જોડાયેલી છે. માન્યતા અનુસાર પરશુરામે બિંદુ સરોવર ખાતે પોતાની માતા રેણુકાનું માતૃશ્રાદ્ધ અને પિંડદાન કર્યું હતું. આ કથાને કારણે સિદ્ધપુર માતા પ્રત્યેનું ઋણ અદા કરવા અને તેમના સ્મરણમાં શ્રાદ્ધવિધિ કરવા માટે વિશેષ તીર્થ તરીકે સ્થાપિત થયું હોવાનું માનવામાં આવે છે. સિદ્ધપુર સાથે બીજી મહત્ત્વપૂર્ણ પરંપરા કપિલમુનિ અને તેમની માતા દેવહૂતિની છે. પૌરાણિક પરંપરા અનુસાર કપિલમુનિએ બિંદુ સરોવર પાસે પોતાની માતા દેવહૂતિને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો અને તેમને મોક્ષનો માર્ગ બતાવ્યો હતો. આ રીતે એક તરફ પરશુરામ દ્વારા માતા માટે કરવામાં આવેલા શ્રાદ્ધની કથા છે તો બીજી તરફ માતાને જ્ઞાન અને મુક્તિ તરફ લઈ જનાર કપિલમુનિની કથા. બન્ને પરંપરાઓ સિદ્ધપુરને માતૃભક્તિ અને માતૃઋણ સાથે ગાઢ રીતે જોડે છે. સિદ્ધપુરમાં માતૃગયા પિંડદાન સેવા છે, જેમાં બિંદુ સરોવર ખાતે માતૃગયા પિંડદાન અથવા શ્રાદ્ધવિધિ કરાવવા આવતા પરિવાર માટે માત્ર પંડિતની વ્યવસ્થા જ નહીં, પરંતુ સમગ્ર યાત્રાની જરૂરિયાતો એકસાથે ગોઠવવાની સુવિધા આપવામાં આવે છે. સેવામાં પિંડદાન માટેના પંડિત અને પૂજાની સામગ્રી ઉપરાંત હોટેલ અથવા ધર્મશાળામાં રોકાણ, ભોજન અને સ્થાનિક પરિવહનની વ્યવસ્થા કરી શકાય છે.
