Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ઘોર અંધારામાં જ્યારે વાઘણ જસ્ટ ૪૦ મીટર જ દૂર હોય

ઘોર અંધારામાં જ્યારે વાઘણ જસ્ટ ૪૦ મીટર જ દૂર હોય

29 July, 2024 12:30 PM IST | Mumbai
Laxmi Vanita

આજે જ્યારે ઇન્ટરનૅશનલ ટાઇગર ડે છે ત્યારે મળીએ વાઘ સાથે જનમોજનમનો નાતો ધરાવતા ટાઇગર ફ્રેન્ડ્સને જેમણે આ ખૂંખાર પ્રાણીને ડર લાગી જાય એ હદે નજીકથી જોયું છે

તુષાર અભ્યંકર

તુષાર અભ્યંકર


ત્યારે ભલભલાના હાંજા ગગડી જાય. ટાઇગર જેવું જાજરમાન પ્રાણી દૂરથી જોવામાં ભલે બ્યુટિફુલ લાગે, પણ જો એ જરાક ઘુરકિયું કરે તોય થથરી જવાય. આજે જ્યારે ઇન્ટરનૅશનલ ટાઇગર ડે છે ત્યારે મળીએ વાઘ સાથે જનમોજનમનો નાતો ધરાવતા ટાઇગર ફ્રેન્ડ્સને જેમણે આ ખૂંખાર પ્રાણીને ડર લાગી જાય એ હદે નજીકથી જોયું છે.


વાઘના નામ પર બે વસ્તુ યાદ આવે. એક તો એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને બીજું કે વાઘ આવ્યો... વાઘ આવ્યો... જે આપણે સ્કૂલમાં ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણતા હતા. એ સિવાય ચલણી નોટો પર પણ વાઘનું ચિહ‍્ન આપણી સંસ્કૃતિને શોભાવી રહ્યું છે. સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે પણ વાઘ આપણા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મંદિરમાં માતાજીના ફોટો સાથે વાઘ છે અને વાઘચર્મને બહુ જ પવિત્ર માનવામાં આવે છે. ઉપરાંત આપણી સંસ્કૃતિમાં વાઘ પાવર, તાકાત અને સુંદરતાનું પ્રતીક છે. એ સિવાય વાઘ હિંમત, અડગતા અને લીડરશિપના ગુણોને દર્શાવે છે; જેને કારણે લોકો વાઘના ફોટો જોઈને જ પ્રેરિત થઈ જાય છે. લોકોને વાઘ જેવા થવાની મહેચ્છા હોય છે. વર્લ્ડ ફૅશનમાં વાઘની પ્રિન્ટ એશિયન કલ્ચરને રજૂ કરે છે. આજે વાઘની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આજે ઇન્ટરનૅશનલ ટાઇગર ડે છે. ભારતમાં ૫૪ લોકેશન છે જ્યાં ટાઇગરનો વસવાટ છે. એમાં નૅશનલ પાર્ક્સ અને સૅન્ક્ચ્યુઅરીઝ પણ આવી જાય. એક સમયે ભારતના આ ઉત્કૃષ્ટ પ્રાણી વાઘની સંખ્યા એટલી હદે ઘટી ગઈ હતી કે ભારત સરકાર દ્વારા વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) ઍક્ટ, ૧૯૭૨ લાગુ કરવામાં આવ્યો. એમાંય ખાસ ટાઇગરના સંરક્ષણ માટે ૧૯૭૩માં પ્રોજેક્ટ ટાઇગર આવ્યો. એ મુજબ વાઘનો શિકાર ગુનો ગણાય છે. પ્રોજેક્ટ ટાઇગર બાદ સમય સાથે ટાઇગર ટૂરિઝમનું બહુ મોટું આકર્ષણ પણ બની ગયા. ત્યારથી લોકોમાં વાઘના સંરક્ષણ પ્રત્યેની જાગૃતિ વધી છે અને આજે એટલાબધા પર્યાવરણપ્રેમીઓ અને પર્યટકો છે જેઓ વાઘના સંરક્ષણ માટે નાનાં-મોટાં કામ કરી રહ્યા છે કાં તો એની સાથે જોડાયેલા છે. આજે મળીએ એવા ટાઇગરપ્રેમીઓને કે જેમણે તેમના જીવનમાં ઘણીબધી વખત વાઘને નરી આંખે અને એકદમ નજીકથી જોયો છે. તેમના આ અનુભવોમાં તેમના દિલની સૌથી નજીકના અનુભવોને જાણીએ.



ટાઇગરની ઘરઘરાટી અને ગંધ આજે પણ રૂંવાડાં ઊભાં કરી દે છે


થાણેમાં રહેતા અને વર્ષોથી બર્ડિંગ અને વાઇલ્ડલાઇફ પ્રવૃત્તિમાં પોતાનો મોટા ભાગનો સમય વિતાવતા તુષાર અભ્યંકર કહે છે, ‘વાઘ એક એવું પ્રાણી છે જેને દુનિયામાં કોઈ અવગણી ન શકે. એક વાર એનાં દર્શન થાય એટલે ભૂલી જ ન શકે એવું મજેસ્ટિક પ્રાણી. નાનપણથી જ મને વાઘ બહુ ગમતો. મેં આજ સુધી ઘણીબધી વખત ટાઇગરને વાઇલ્ડમાં જોયો છે. કૉલેજમાં બર્ડિંગ શરૂ કર્યું અને ધીમે-ધીમે સમગ્ર જીવસૃષ્ટિમાં મારો રસ વધ્યો. મેં અઢળક સફારીઓ કરી છે એટલે મારા માટે એ નક્કી કરવું મુશ્કેલ છે કે ટાઇગર સાથેની મારી કઈ સ્ટોરી બહુ જ યાદગાર છે. આ બંને કિસ્સાઓ દસેક વર્ષ પહેલાં બન્યા છે જે આજે પણ એવું લાગે કે હમણાં જ થયા છે. મધ્ય પ્રદેશના પેંચ નૅશનલ પાર્કમાં અમે સવારે ૬.૩૦ વાગ્યે સફારી માટે નીકળ્યા અને અમે એવા વાઘની ટેરિટરીમાં હતા જે શરમાળ હતો. અમે વાઘના જોડકાને જોયું અને એ મેટિંગ કરી રહ્યું હતું. અમે પહોંચ્યા તો એ અલર્ટ થઈ ગયો અને એ વાઘે ઊંચું જોયું. અમને થયું કે એ કદાચ અટૅક કરે કે ગુસ્સો કરે. તો ત્યારે એણે રૉર એટલે કે ગર્જના તો ન કરી પરંતુ એણે જે ઘરઘરાટી કરી એ ડાયરેક્ટ અમારા સુધી પહોંચી અને જીપમાં જેટલા હતા બધાનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. એવો જ બનાવ એ જ વર્ષે મહારાષ્ટ્રના તાડોબા નૅશનલ પાર્કમાં બન્યો. આ વખતે વાઘ અમારી જીપથી માત્ર ૬ ફુટના અંતરેથી પસાર થયો. જેવો એ પાસે આવ્યો એટલે વાઘની ગંધ આવી, જે આજે પણ મારા માઇન્ડમાં એકદમ તાજી છે. આ બે કિસ્સાઓ એવા છે કે વાત કરતાં જ હું એ ક્ષણમાં સરી પડું છું. વાઘ ઇકોસિસ્ટમનો સૌથી મોટો શિકારી છે અને માનવજીવન માટે બહુ જ જરૂરી હિસ્સો છે. વાઘના કારણે જંગલો ટકી રહ્યાં છે અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વાઘને કારણે નિયંત્રણમાં રહે છે.’

મોતના મોંમાંથી પાછા આવ્યા


છેલ્લાં ચાર વર્ષથી ઝોઓલૉજીમાં ગ્રૅજ્યુએશન પછી ટાઇગર સંરક્ષણ પર કામ કરતો કનક પ્રજાપતિ કહે છે, ‘૨૦૧૯માં નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટી દ્વારા રિસર્ચરની પોસ્ટ બહાર પડી હતી એમાં હું સિલેક્ટ થયો એટલે હું ખાસ વાઘની વસ્તીગણતરી અને એમના હૅબિટાટ પર રિસર્ચ કરી રહ્યો હતો. આજ સુધી સો કરતાં વધારે વખત ટાઇગર સાઇટિંગ થયું છે પરંતુ એ રિસર્ચ વખતે જે અનુભવ થયો એ યાદ આવે તો ભગવાન યાદ આવી જાય. મારા રિસર્ચ માટે ત્યારે હું સાતપુડામાં હતો અને હું ફૉરેસ્ટ ગાર્ડ સાથે બેઠો હતો. ત્યારે રાત્રે પૅટ્રોલિંગમાં વૉકી-ટૉકી પર મેસેજ આવ્યો કે આ લોકેશન પર હલનચલન છે, ત્યાં ચેક કરો. હું ફૉરેસ્ટ ગાર્ડ સાથે જીપ લઈને નીકળ્યો. અમે લોકેશનની નજીક પહોંચવાના હતા એ પહેલાં બહુ જ તાજા કિલ (વાઘે શિકાર કર્યો એવું મૃત પ્રાણી)ની તીવ્ર ગંધ આવી. અમારી પાસે ટૉર્ચ હતી તો અમે જોયું તો એક બચ્ચું મરેલું હતું અને એ કિલ એકદમ તાજું હતું. ત્યારે તો હું એકદમ બિન્દાસ અને ફીલ્ડમાં નવો હતો એટલે જોશ હોય. જીપમાંથી ટૉર્ચ લઈને ઊતરીને એ કિલની નજીક ગયા. નજીક ગયા એટલે ખબર પડી કે બાઇસનનું બચ્ચુ છે. પછી હું અને ફૉરેસ્ટ ગાર્ડ વાત કરવા લાગ્યા. ૧૦-૧૫ મિનિટ ત્યાં જ વાતો કરી રહ્યા હતા. ત્યારે જ છીંકનો અવાજ આવ્યો અને અમે ટૉર્ચ અવાજની દિશામાં ફેરવી અને અમે જોયું કે ટાઇગ્રેસ એના બે કબ સાથે ત્યાં જ હતી. આ જોઈને મારો પરસેવો છૂટી ગયો અને ફૉરેસ્ટ ગાર્ડે મને મૂવમેન્ટ કરવાની ના પાડી. મારા આખા શરીરમાં ધ્રુજારી આવી ગઈ. કૅટ્સ ફૅમિલીમાં એવું હોય કે તમે રાત્રે જ્યારે આવી રીતે ટૉર્ચ ફેરવો ત્યારે એમની આંખોની ચમકને લીધે એમના લોકેશનની ભાળ મેળવી શકાય. ફૉરેસ્ટ ગાર્ડે ધીરે-ધીરે એક કદમ પાછા જવાનું કહ્યું. વાઘણ અમારાથી ૪૦ મીટર જ દૂર હતી. અમારી જીપ એના કરતાં પણ વધારે નજીક હતી પણ જો અમે ભાગવાની કોશિશ કરીએ તો એક જ ઝટકામાં અમે પૂરા થઈ ગયા હોત. સાવચેતીથી ગાડી પાસે પહોંચ્યા અને માંડ-માંડ ત્યાંથી નીકળ્યા. મને એવું લાગ્યું કે પાછળના જન્મમાં કોઈ પુણ્ય કર્યાં હશે એટલે બચી ગયા. આજે જ્યારે વાત કરું ત્યારે લાગે કે મારી પાસે આ મજેસ્ટિક પ્રાણી સાથે જોડાયેલા આવા કિસ્સાઓ પણ છે.’

ક્લાઇમેટ ચેન્જને અટકાવવાની કડીમાં મહત્ત્વની ભૂમિકા છે

વાઘને કારણે જંગલ બચે છે અને જંગલો કાર્બન ડાયોક્સાઇડને શોષવાનું કામ કરે છે, જેના કારણે ક્લાઇમેટ ચેન્જની સમસ્યાઓ સાથે લડવામાં મદદ મળે છે. એ સિવાય છેલ્લાં ૨૦ વર્ષથી વાઇલ્ડલાઇફ ટૂરિઝમ દર વર્ષે ૧૫ ટકાના દરે વધી રહ્યું છે. ભારતનાં ૧૮ રાજ્યોમાં ટાઇગર ટૂરિઝમ છે, જેના કારણે દર વર્ષે હજારો લોકોને કામ મળે છે. ૨૦૧૮-૨૦૨૧ની વચ્ચે પર્યટકો કે મુલાકાતીઓની ૧૦૦ કરોડ રૂપિયાની આસપાસ પ્રવેશ ફીનો આંકડો રહ્યો હતો. વિશ્વભરના નાગરિકો ભારતમાં ખાસ ટાઇગરની મુલાકાતે આવે છે, જેના કારણે ઓવરઑલ ટૂરિઝમને પણ ફાયદો થાય છે.

ટાઇગર બચાવવા કેમ જરૂરી છે એ પણ જાણી લો 

વાઘ જંગલનો રક્ષક છે. વાઘને ફરવા માટે બહુ જ મોટો વિસ્તાર જોઈએ એટલે એ જંગલ વિસ્તારને બચાવે છે. હવે આ જંગલમાં જો પાણી ન હોય તો વાઘ ત્યાં ન રહે અને એ એવી જગ્યા શોધે જ્યાં એને જરૂર પૂરતું પાણી મળી રહે. એટલે એ પરિસ્થિતિ મુજબ અનુકૂલન તો સાધે પરંતુ જો પાણી ન જ હોય તો એ બીજા જંગલ સુધી ચાલીને પણ જઈ શકે છે. વાઘ કાચું માંસ ખાય છે અને કાચું માસ ખાવાથી એના શરીરમાં બહુ જ ગરમી પેદા થાય છે. એના શરીરને ઠંડું રાખવા માટે એને પાણીની જરૂર પડે છે તેથી જ્યાં પાણીનો સ્રોત હોય ત્યાં એમની ઉપસ્થિતિ કહી શકાય. જ્યાં વાઘ રહે છે એ જંગલો હેલ્ધી છે હોય એમ કહી શકાય. જો વાઘની વસ્તી ઘટે તો હર્બીવરસ એટલે કે વનસ્પતિ પર નભતાં પ્રાણીઓની સંખ્યા વધે, જેના કારણે જંગલો ખતમ થઈ જાય. તો જંગલમાં સિસ્ટમની સમતુલા માટે વાઘની વસ્તી જરૂરી છે. આખું જંગલ વાઘ  ચલાવે છે એમ કહીએ તો પણ એ ખોટું નથી. વાઘ સંરક્ષણ પર કામ કરતો કનક કહે છે, ‘૨૦૨૨ની ગણતરી મુજબ ભારતમાં વાઘની સંખ્યા લગભગ ૩૮૦૦ કે એનાથી વધારે છે. મારા અનુમાન પ્રમાણે વર્ષ ૨૦૨૫ સુધીમાં એ ૪૫૦૦ની આસપાસ પહોંચવી જોઈએ.’

સમૃદ્ધ જંગલોને કારણે પરોક્ષ રીતે ખેડૂતોને અને સામાન્ય લોકોને પણ ફાયદો થાય છે. પ્રાણીઓની પોષણકડીમાં સૌથી મોટો ભક્ષક હોવા છતાં એ માનવોનું ભક્ષણ નથી કરતો. જંગલનો આ રાજા વાસ્તવમાં આખી જીવસૃષ્ટિ અને પર્યાવરણ સાચવી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2024 12:30 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK