Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ફરતાં-ફરતાં કમાઓ અને કમાતાં-કમાતાં ફરો ૧ રૂપિયામાં કાશ્મીરથી કન્યાકુમારીની સાહસિક સફર કરી જયપુરના આ યુગલે

ફરતાં-ફરતાં કમાઓ અને કમાતાં-કમાતાં ફરો ૧ રૂપિયામાં કાશ્મીરથી કન્યાકુમારીની સાહસિક સફર કરી જયપુરના આ યુગલે

Published : 23 August, 2026 05:14 PM | IST | Jaipur
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

જયપુરના રાહુલ દેવ પત્ની અને ૩ વર્ષની દીકરી સાથે મૉડિફાઇડ કારમાં ‘કૅફે કારવાં’ બનાવી નીકળ્યા હતા. રસ્તામાં ચા-નાસ્તો વેચીને કમાણી કરતાં-કરતાં આ પરિવારે ૩૭ દિવસમાં ૪,૦૦૦ કિલોમીટરથી વધુની અનોખી ભારતભ્રમણ સફર પૂરી કરી.

૧ રૂપિયામાં કાશ્મીરથી કન્યાકુમારીની સાહસિક સફર કરી જયપુરના આ યુગલે

૧ રૂપિયામાં કાશ્મીરથી કન્યાકુમારીની સાહસિક સફર કરી જયપુરના આ યુગલે


૩૨ વર્ષના રાહુલ દેવે પત્ની પિન્કી અને ૩ વર્ષની દીકરી સાથે ભારતભ્રમણની એકદમ યુનિક રોડ-ટ્રિપ કરી. કારમાં બનાવેલા ‘કૅફે કારવાં’ સાથે તેમણે પ્રવાસ શરૂ કર્યો. રસ્તામાં જ્યાં જગ્યા મળે ત્યાં તેઓ કાર ઊભી રાખીને ચા, દાલબાટી, મૅગી અને મોમોઝ જેવી ખાણી-પીણીની વસ્તુઓનું વેચાણ કરતા. જે પૈસા મળે એમાંથી કારમાં ડીઝલ પુરાવીને પ્રવાસને આગળ વધારતા. આ રીતે ફરતાં-ફરતાં કમાણી કરીને ૩૭ દિવસમાં તેમણે ભારતભ્રમણ કરી લીધું.  તેમનો આ યુનિક આઇડિયા લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. જોકે સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહેલી તેમની કહાણી કોઈ જોવાલાયક સ્થળોની ટૂરિસ્ટ-ટ્રિપ નહોતી, એક અનોખી સર્વાઇવલ ચૅલેન્જ હતી. સફરની મજા સાથે આર્થિક સંઘર્ષમાંથી બહાર નીકળવાનો આ યુવા દંપતીનો કીમિયો આજની પેઢી માટે આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે

આજના સમયમાં બાજુના સ્ટેટમાં ફરવા જવું હોય તોય દિવસો અગાઉથી હોટેલ-બુકિંગ, બજેટ અને સેફ્ટીનું પ્લાનિંગ કરવું પડે છે. 
પૈસા વિના ડગલું પણ માંડી શકાતું નથી. એવામાં કોઈ કપલ ૩ વર્ષની દીકરીને લઈને માત્ર એક રૂપિયામાં કાશ્મીરથી કન્યાકુમારી ફરવા નીકળે એ વાત હજમ ન થાય. સાંભળવામાં ફિલ્મી વાર્તા લાગે, પરંતુ જયપુરના એક કપલે આ પાગલપનને હકીકતમાં બદલી નાખ્યું છે. ૩૨ વર્ષના રાહુલ દેવ, તેમની પત્ની પિન્કી અને ૩ વર્ષની દીકરી એલી (Ellie) મૉડિફાઇડ સ્કૉર્પિયો કારને પોતાનું ઘર અને રોજગારનું સાધન બનાવીને નીકળી પડ્યાં. ‘કૅફે કારવાં’ નામના અનોખા કન્સેપ્ટ સાથે તેમણે ૩૭ દિવસમાં ૪૦૦૦ કિલોમીટરથી વધુની સફર સક્સેસફુલી પૂરી કરીને દેશભરમાં ધૂમ મચાવી છે. કોઈ પણ આર્થિક બૅકઅપ વગર રોડ-ટ્રિપ કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું છે, પરંતુ આ યુવા દંપતીએ સાબિત કરી દીધું કે જો તમારામાં કંઈક અલગ કરવાનો જુસ્સો હોય તો આખી દુનિયા તમારો સાથ આપે છે. આ કોઈ સામાન્ય જોવાલાયક સ્થળોની ટૂરિસ્ટ-ટ્રિપ નહોતી, હાઇવેના કિનારે ઊભા રહીને પ્રવાસીઓને ચા-નાસ્તો વેચીને કમાણી કરતાં-કરતાં ફરવાની અનોખી સર્વાઇવલ ચૅલેન્જ હતી. સોશ્યલ મીડિયા પર લોકો આ કપલની મહેનત અને તેમના આત્મવિશ્વાસનાં જોરદાર વખાણ કરી રહ્યા છે ત્યારે જાણીએ આ સફર પાછળની પ્રેરણાદાયી કહાણી.



ટર્નિંગ પૉઇન્ટ


રાહુલ અને પિન્કીની આ અનોખી સફરની પાછળ મોટો સંઘર્ષ છુપાયેલો છે. ૩૨ વર્ષના રાહુલ દેવ ક્રીએટિવ આર્ટિસ્ટ અને ફિટનેસ-ક્રેઝી છે. હરવા-ફરવાનો પણ ખાસ્સો શોખ. અભ્યાસ પૂરો કર્યા બાદ નવથી પાંચની કૉર્પોરેટ જૉબ કરવામાં તેમને રસ નહોતો. હંમેશાંથી કંઈક નવું કરવાનું પ્લાનિંગ હતું. સોશ્યલ મીડિયા પર તેઓ પ્રૅન્કના વિડિયો પોસ્ટ કરતા. ૨૦૧૬માં ફેસબુકના માધ્યમથી તેમની મુલાકાત પિન્કી સાથે થઈ. બન્ને એક જ શહેરનાં અને એકસરખો શોખ ધરાવતાં હોવાથી પ્રેમમાં પડ્યાં. ૨૦૧૮માં રાહુલે કૉમેડી યુટ્યુબ ચૅનલ બનાવી જેમાં ૮ લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ હતા અને બધું સરસ ચાલી રહ્યું હતું, પરંતુ કોરોનાકાળમાં નવા વિડિયો શૂટ કરવાનું અશક્ય બની ગયું. લૉકડાઉન ખૂલ્યા પછી ચૅનલ એ સ્કેલ પકડી શકી નહીં અને અંતે એને બંધ કરી દેવી પડી. કમાણીનો મુખ્ય સ્રોત ઠપ થઈ ગયો. આર્થિક સંકડામણ છતાં પિન્કીએ તેનો સાથ ન છોડ્યો. ૨૦૨૦માં બન્ને પારિવારિક સહમતીથી પરણી ગયાં. ધીમે-ધીમે જીવન થાળે પડતું ગયું. કમાણી માટે તેઓ પ્રવાસના વિડિયો પોસ્ટ કરવા લાગ્યાં. જોકે ઘરના ખર્ચા નીકળે એટલી કમાણી પણ નહોતી થતી. આર્થિક ભીંસમાં પણ દેશનો ખૂણેખૂણો એક્સપ્લોર કરવાની ઇચ્છા જીવંત રાખી.
સોશ્યલ મીડિયા પર ટ્રિપના વિડિયો ટ્રેન્ડિંગ છે એમ જણાવીને આગળ વાત કરતાં રાહુલ કહે છે, ‘હું હંમેશાં ફૅમિલી સાથે ટ્રિપ કરું છું. પ્રવાસના વિડિયો અને સ્ટોરી પોસ્ટ કરીને થોડીઘણી કમાણી કરી લેતા. લોકોને જકડી રાખવા વિવિધ સ્થળો એક્સપ્લોર કરવા પડે. એલી દોઢ વર્ષની હતી ત્યારે લદ્દાખની સફરમાં કારમાં ડીઝલ પુરાવવામાં ૪૦,૦૦૦ રૂપિયા ખર્ચાઈ ગયા. ટોલ-ટૅક્સ અને અન્ય ખર્ચ અલગ. ગણતરી માંડી કે જો વર્ષમાં ૪ મોટી ટ્રિપ પણ કરવી હોય તો ઓછામાં ઓછું બે લાખ રૂપિયાનું બજેટ જોઈએ. આટલા પૈસા ક્યાંથી લાવવા? કમાણી ઓછી ને ઘરની બચત પ્રવાસ પાછળ ખર્ચાઈ રહી હતી. આવું ક્યાં સુધી ચાલે? કંઈક નવું કરવું પડશે. ત્યાર બાદ કૅમ્પિંગ-સાઇટ પર ફોકસ કર્યું. જોકે બૅન્ક-બૅલૅન્સ તળિયે પહોંચી ગયું. બીજું એ કે અમે પહેલેથી બહારનું ખાવાનું ઓછું પ્રિફર કરીએ છીએ એટલે કારને મૉડિફાઇડ કરીને એમાં નાનકડું કિચન બનાવ્યું હતું. વિચાર આવ્યો કે પોતાના માટે તો જમવાનું બનાવીએ છીએ, હવે લોકો માટે બનાવીએ અને બે પાંદડે થઈએ. આ વિચારને અમલમાં મૂકીએ એ પહેલાં ભાવુક ઘટના બની. એક દિવસ દીકરીએ કહ્યું, પાપા ઘૂમને ચલો. મેં લાચારીથી જવાબ આપ્યો, બેટા, પાપા કે પાસ પૈસે નહીં હૈ. તે માસૂમ બાળકીએ પોતાના પર્સમાંથી કાઢીને મારા હાથમાં એક રૂપિયાનો સિક્કો મૂક્યો અને કહ્યું, યે લો પૈસા, ઘૂમને ચલો. એક રૂપિયાના સિક્કાએ મારી અંદર રહેલા મુસાફરને બહુ મોટી ચૅલેન્જ આપી દીધી. નવો આઇડિયા આવ્યો અને શરૂ થઈ મિશન એક રૂપિયામાં કાશ્મીરથી કન્યાકુમારીની સફર. આવી ચૅલેન્જ સાથે ભારતની સૌથી લાંબી રોડ-ટ્રિપ કરનારો હું પહેલો યુટ્યુબર બન્યો. આ રોડ-ટ્રિપ એન્જૉયમેન્ટ માટે નહોતી, મારા પરિવારને આર્થિક સંઘર્ષમાંથી બહાર કાઢવાનો જરિયો હતી.’

એક રૂપિયો ચૅલેન્જ


દેવદંપતીની કહાણી કોઈ રોમાંચક ફિલ્મથી કમ નથી. સફરનું આર્થિક મૉડલ સંપૂર્ણપણે હાઇવેના કિનારે ચાલતા ટેમ્પરરી સ્ટૉલ પર નિર્ભર હતું. એક રૂપિયાની સેલ્ફ-ચૅલેન્જ બાદ તેમણે કેટલાંક બૅનર અને કટઆઉટ બનાવ્યાં. થીમ હતી ‘ઘર સે દૂર ઘર કી ચાય’. કારમાં ઊભા કરેલા કિચનને ‘કૅફે કારવાં’ નામ આપ્યું. ચા બનાવવાની સામગ્રી, મૅગીનાં પૅકેટ અને વાસણો લીધાં. ખિસ્સામાં માત્ર એક રૂપિયો લઈને નીકળેલા રાહુલે હોમટાઉન જયપુરથી નીકળતાંની સાથે જ હાઇવે પર પોતાની કાર ઊભી રાખીને સ્ટૉલ લગાવી દીધો. સફરના પહેલા દિવસે તેમને ૫૦૦ રૂપિયાની કમાણી થઈ. આ કમાણીથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો. બે દિવસમાં આસપાસના લોકો અને મુસાફરોને ચા-નાસ્તો કરાવીને ૨૫૦૦ રૂપિયા ભેગા થઈ ગયા. આ ૨૫૦૦ રૂપિયા એટલે સ્કૉર્પિયોનું પહેલું ફુલ ટૅન્ક ડીઝલ. રસ્તામાં કમાતા જવાનું અને આગળ વધતા જવાનું. તેમની સ્કૉર્પિયો કારનો સેટઅપ એકદમ યુનિક હોવાથી રસ્તા પર અલગ તરી આવતો હતો. કાર પર બૅનરો લટકાવ્યાં હતાં જેમાં લખેલું હતું કે તેઓ એક રૂપિયામાં ભારતભ્રમણ પર નીકળ્યા છે. એ જોઈને લોકો ઇમ્પ્રેસ થઈ જતા.
બસ, કુછ અલગ કરના હૈ એવા વિચાર સાથે કારમાં કૅફેનો સેટઅપ ઊભો કર્યો જેથી પ્રવાસ પણ ચાલતો રહે અને ખિસ્સામાંથી પૈસા પણ ન જાય એમ જણાવીને રાહુલ કહે છે, ‘હાઇવે પર, ટૂરિસ્ટ-સ્પૉટ કે ટ્રાફિકવાળો રસ્તો આવે ત્યાં કાર પાર્ક કરી રોડસાઇડ કૅફે ખોલીને ચા વેચવાનું નક્કી કર્યું. અમે જોયું કે માત્ર ચાના વેચાણથી પૈસા ઊભા નહીં થાય. આથી મૅગી, મોમોઝ, શેક અને રાજસ્થાની સ્પેશ્યલ દાલ-બાટી જેવી વાનગીઓ મેનુકાર્ડમાં ઉમેરી. આ કૅફેમાંથી રોજ જે કમાણી થાય એમાંથી ગાડીમાં ડીઝલ પુરાવવાનું અને બાકી વધેલા પૈસાથી આગળના શહેર તરફ પ્રયાણ કરવાનું. એક રૂપિયામાં જયપુરથી કાશ્મીર અને ત્યાંથી કન્યાકુમારી સુધી જઈને પાછા ફરવું એ જ અમારું એકમાત્ર લક્ષ્ય હતું. અમારું ધ્યેય રસ્તામાં આવતાં જોવાલાયક પર્યટનસ્થળો જોવાનું હતું જ નહીં. ટાર્ગેટ પ્યૉર રોડ-ટ્રિપ હતી. જોવાલાયક સ્થળો માટે અમે ભવિષ્યમાં અલગથી ટ્રિપ પ્લાન કરીશું, પણ આ વખતે અમારે માત્ર સડકનો અને સર્વાઇવલનો એવો અનુભવ કરવો હતો જે ભારતમાં કોઈએ ન કર્યો હોય. જોકે રસ્તામાં આવતાં કેટલાંક પર્યટનસ્થળોએ સ્ટૉલ લગાવીને વધુ કમાણી કરવાના હેતુથી એન્ટ્રી લીધી હતી. સવારે વહેલા ઊઠવાનું, નિત્યકર્મ પતાવીને વાનગીઓનું પ્રી-પ્રિપરેશન કરવાનું, દિવસ દરમ્યાન થોડા કલાકો ડ્રાઇવ કરીને આગળ વધવાનું અને સાંજે કોઈ જગ્યાએ સ્ટૉલ લગાવી દેવાનો. અમે કાયમ માટે ધંધો કરવા નથી આવ્યા એ વાતની આસપાસના સ્થાનિક ચાવાળા કે બીજા લારી-ગલ્લાવાળાઓને ખબર હતી એટલે ધંધાકીય હરીફાઈ જેવો પ્રશ્ન નહોતો નડતો અને સ્થાનિક દુકાનદારો પણ બહુ સપોર્ટ કરતા હતા.’

યાદગાર અનુભવો

રાહુલની ચા એટલી ફેમસ થઈ ગઈ કે લોકો લાઇનો લગાવતા. ચા ઉપરાંત તેઓ ગરમાગરમ મોમોઝ, મૅગી, પૌંઆ અને રાજસ્થાનની પ્રખ્યાત વાનગી દાલ-બાટી બનાવીને લોકોને પીરસતા હતા. એક દિવસમાં ૭૫ રૂપિયાની કમાણી પણ જોઈ અને નાગપુર તથા ગ્વાલિયર જેવાં મેટ્રો સિટીમાં એક દિવસમાં ૫૦૦૦ રૂપિયાનું બમ્પર સેલિંગ પણ કર્યું છે. કમાણીમાં લોકેશન બહુ મૅટર કરતું હતું. પૈસા ન હોવાથી રાત્રિરોકાણ માટે આ પરિવારે સેફ ફૉર્મ્યુલા શોધી કાઢી હતી. તેઓ સામાન્ય રીતે હાઇવે પરના મોટા પેટ્રોલ-પમ્પની આસપાસ જ કાર પાર્ક કરીને એની અંદર સૂઈ જતા હતા. પેટ્રોલ-પમ્પ પસંદ કરવાનું મુખ્ય કારણ એ હતું કે ત્યાં ૨૪ કલાક લાઇટો અને સ્ટાફ હોવાથી સિક્યૉરિટી રહેતી અને સવારે વૉશરૂમની સુવિધા મળી જતી. જોકે ઇમર્જન્સી સૅનિટેશન માટે ટૉઇલેટ-ટેન્ટ પણ રાખ્યો હતો. ક્યારેક હાઇવે પર હોટેલમાલિકો પાર્કિંગમાં કાર પાર્ક કરીને સૂવાની પરવાનગી આપતા.
પ્રવાસ દરમ્યાન ક્યારેય લાઇવ લોકેશન શૅર નથી કર્યાં એમ જણાવીને પોતાના અનુભવો શૅર કરતાં દેવદંપતી કહે છે, ‘સોશ્યલ મીડિયા પર મોટી સંખ્યામાં ફૉલોઅર્સ છે. જો પહેલેથી જણાવી દઈએ તો તેઓ અમને સપોર્ટ કરવા સ્ટૉલ પર ધસારો કરે અને ચૅલેન્જનો કોઈ અર્થ ન રહે. આ ચૅલેન્જ અમારે જાતમહેનતથી પૂરી કરવી હતી. જોકે સ્ટૉલ પર ઘણા ફૉલોઅર્સ મળ્યા. નાગપુર અને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ ફૉલોઅર્સ હોવાનું જાણવા મળ્યું. સૌથી આશ્ચર્યની વાત એ છે કે દક્ષિણ ભારતમાં જ્યાં લોકોને સરખું હિન્દી બોલતાં નથી આવડતું તેમણે અમને ખૂબ સપોર્ટ કર્યો. અમને ત્રણેયને ગળામાં કટઆઉટ લટકાવીને ઊભેલા જોઈને બધા ઇમ્પ્રેસ થઈ જતા. કારનો સેટઅપ પણ અલગ હોવાથી આકર્ષણનું કેન્દ્ર બન્યો. આંધ્ર પ્રદેશના લોકો દાલ-બાટીના દીવાના થઈ ગયા. સ્ટૉલ પર ખાધા પછી પાર્સલ પૅક કરાવીને ઘરે લઈ જતા. એવા ચાહકો પણ મળ્યા જેઓ ૨૦ રૂપિયાની ચા પીએ અને ૧૦૦ રૂપિયા ટિપ તરીકે આપીને જાય. ઉત્તર ભારતમાં હનુમાનના મંદિરની બહાર ભરાયેલા લોકલ મેળામાં સ્ટૉલ લગાવ્યો હતો તો વૃંદાવનમાં એક ફૂડ-કોર્ટનો માલિક અમારો ફૉલોઅર નીકળ્યો અને તેણે પોતાના ફૂડ-કોર્ટની સામે જ સ્પેસ આપી દીધી. બૅન્ગલોરમાં એક ફૉલોઅર્સને ખબર પડી કે અમે આવવાના છીએ તો તેણે મેસેજ કર્યો કે પેટ્રોલ-પમ્પ પર સૂવા નહીં દઈએ, અમારા ઘરે જ રોકાવું પડશે. વૈષ્ણોદેવી અને વૃંદાવનમાં દર્શન પણ કર્યાં. કન્યાકુમારીમાં એક ગુજરાતી પરિવાર અમને મળીને ખુશ થઈ ગયો. પંજાબમાં એક કપલ અમારા માટે જમવાનું લઈને આવ્યું હતું. તેઓ એલીના હાથમાં ચિપ્સનાં પૅકેટ્સ અને ૧૧૦૦ રૂપિયાનું કવર આપીને ગયા એ પછી ખબર પડી. અમે આગરામાં હતા ત્યારે દિલ્હીના એક ભાઈએ કહ્યું કે હું આવું છું, આગરામાં મારું ઘર છે, આપણે મળીએ. જોકે તેમની રજા કૅન્સલ થતાં આવી ન શક્યા, પણ દિલ્હીમાં બેઠાં-બેઠાં અમારા માટે હોટેલ બુક કરી આપી. આવાં તો અઢળક સંભારણાં છે જે અમને જીવનભર યાદ રહેશે.’

પાવરફુલ લેડી પર્સ્પેક્ટિવ

પિન્કી મેકઅપ આર્ટિસ્ટ છે. જોકે લગ્ન પછી પતિના ટ્રાવેલિંગ વિડિયોએ તેને કૅમેરાવુમન બનાવી દીધી. આ સક્સેસ-સ્ટોરીનો તે આધારસ્તંભ છે. રાહુલના કન્સેપ્ટને તેણે ઉત્સાહથી વધાવી લીધો હતો. પતિ ફરવા લઈ જાય અને કામ પણ કરાવે એવું તે હોતું હશે? આવો વિચાર તેને ક્યારેય નથી આવ્યો. તેણે હોંશે-હોંશે હરતા-ફરતા કૅફેના મૅનેજમેન્ટની જવાબદારી ઉપાડી હતી. પિન્કી કહે છે, ‘આજકાલ બધાને ફરવું છે, પણ બજેટને લીધે ફરી નથી શકતા. લાઇફમાં કંઈક નવું કરવું હોય તો પડકારો ઝીલવા પડે. આર્થિક મજબૂરી અને ફરવાના પૅશનમાંથી જન્મેલો આ અનોખો આઇડિયા હતો. મારી દીકરી એલી આ સફરની અસલી સ્ટાર હતી. ગળામાં નાનું કટઆઉટ લટકાવીને ક્યુટ અવાજમાં ‘ચાય પી લો... ચાય પી લો...’ બોલીને લોકોને બોલાવતી અને ખુશ થઈને ડાન્સ કરતી. જોકે એક વાર તે માંદી પડી એટલે મને ચિંતા થઈ હતી. મધ્ય પ્રદેશમાં પ્રવેશતી વખતે અમારી કાર ખરાબ થઈ ગઈ. સૂમસામ રસ્તો હતો એટલે થોડો ભય લાગ્યો, પણ રાહુલે તરત મેકૅનિકને બોલાવ્યો. ઘણી મહિલાઓ સવાલ પૂછતી કે નાનું બાળક લઈને આવી રખડતી લાઇફસ્ટાઇલમાં કઈ રીતે સર્વાઇવ થાય? હું તેમને કહેતી કે આ મારું કામ છે, નોકરિયાત મહિલાઓ પોતાના બાળકને ઘરે અથવા બેબી-સિટિંગમાં મૂકીને જાય છે જ્યારે મારું બાળક તો ૨૪ કલાક મારી નજર સામે રહે છે. રસ્તો કઠિન હતો, પણ પહેલાથી છેલ્લા દિવસ સુધી ચહેરા પર સ્માઇલ હતું.’
રાહુલનો પરિવાર હવે જયપુર પાછો આવી ગયો છે. એલીનું સ્કૂલમાં ઍડ્‍મિશન કરાવ્યું છે. જોકે તેમણે સ્કૂલના સત્તાવાળાઓ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે પ્રવાસમાં રહીશું એટલે દીકરી રજા ઘણી લેશે. તેમનું માનવું છે કે પ્રવાસમાં દીકરી જે શીખશે એ દુનિયાની કોઈ સ્કૂલ શીખવી નહીં શકે. તેઓ હોમ-સ્કૂલિંગ વિશે પણ વિચારી રહ્યા છે. સોશ્યલ મીડિયાની કમાણી પર નિર્ભર ન રહેતાં હવે તેઓ ચાના બિઝનેસમાં ઝંપલાવવા માગે છે. ભારતભરમાંથી ફૉલોઅર્સ તેમની હિંમતને બિરદાવી રહ્યા છે. આ સફર માત્ર એક રોડ-ટ્રિપ નથી, સ્ટ્રેસફુલ લાઇફ જીવતી યુવા પેઢી માટે આત્મનિર્ભરતા અને મિનિમલિઝમ (ઓછાં સાધનોમાં જીવવું) સાથે જીવવાનો સંદેશ છે. કોઈ સ્પૉન્સરશિપ કે બૅકઅપ વગર પોતાની મહેનતના દમ પર સપનાં પૂરાં કરી શકાય છે એ જયપુરના આ પરિવારે સાબિત કરી દીધું છે. 

 

Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 05:14 PM IST | Jaipur | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK