Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > છુપાયેલી જાતિ તરીકે ઓળખાય છે કેરલાની આ આદિવાસી જાતિ

છુપાયેલી જાતિ તરીકે ઓળખાય છે કેરલાની આ આદિવાસી જાતિ

Published : 04 January, 2026 12:50 PM | IST | Mumbai
Laxmi Vanita

આ જાતિનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો માનવામાં આવે છે. તેમનું નામ ‘શોલા’ અથવા ‘ચોલા’ (અર્થાત ગીચ જંગલ) અને ‘નાઈકન’ (અર્થાત રાજા) શબ્દોથી ઊતરી આવ્યું છે.  તેઓ કેરલાના પશ્ચિમ ઘાટનાં ગીચ જંગલોમાં માનવસંસ્કૃતિના પ્રાચીન સ્વરૂપ તરીકે જીવતા રહ્યા છે.

છુપાયેલી જાતિ તરીકે ઓળખાય છે કેરલાની આ આદિવાસી જાતિ

છુપાયેલી જાતિ તરીકે ઓળખાય છે કેરલાની આ આદિવાસી જાતિ


કેરલાના મલપ્પુરમ જિલ્લાના નિલંબુર વિસ્તારમાં અને સાઇલન્ટ વૅલી નૅશનલ પાર્કનાં ગીચ જંગલોમાં એશિયાની છેલ્લી ગુફાવાસી જાતિ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. લુપ્ત થવાના આરે પહોંચેલી ચોલાનાઈકન જાતિ તરીકે જાણીતા આ આદિવાસીઓને બહારની દુનિયા સાથે જોડવાના કેટલાય પ્રયાસો થઈ ચૂક્યા છે તેમ છતાં તેઓ આજે પણ જીવનનિર્વાહ માટે ઝઝૂમી રહ્યા છે

નિલંબુરનાં જંગલો એની સમૃદ્ધ કુદરતી સંપત્તિ અને જૈવવૈવિધ્ય માટે પ્રખ્યાત છે. આ વિસ્તાર દુનિયાના સૌથી જૂના અને મોટા માનવસર્જિત ટીક (સાગવાન)નાં જંગલો માટે ઓળખાય છે. પશ્ચિમ ઘાટનો ભાગ હોવાથી નિલંબુર પર્યાવરણીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ક્ષેત્ર સાથે જોડાયેલો છે. અહીં હાથી, વાઘ, હરણ, રીંછ સહિત અનેક વન્યજીવો અને દુર્લભ પક્ષી પ્રજાતિઓ જોવા મળે છે. સાથે-સાથે ચોલાનાઈકન જેવી પ્રાચીન આદિવાસી જાતિઓનાં નિવાસસ્થાન હોવાને કારણે નિલંબુરનાં જંગલો સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે.



એકવીસમી સદીમાં કોઈ ગુફામાં રહેતું હોય એ વાત કદાચ અચરજ પમાડે. કેરલાના પશ્ચિમ ઘાટનાં ગીચ અને અસ્પર્શિત જંગલોમાં એક એવી આદિવાસી જાતિ વસે છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચોલાનાઈકન (Cholanaikkan) તરીકે ઓળખાતી આ જાતિને એશિયાની છેલ્લી ગુફાવાસી જાતિ માનવામાં આવે છે અને તેઓ આજે પણ કુદરત સાથે ગાઢ સંબંધ ધરાવતું જીવન જીવે છે. લોકોએ આ જાતિ વિશે એટલા માટે જાણવું જરૂરી છે કારણ કે તેઓ કુદરત સાથે સહઅસ્તિત્વનું જીવતું ઉદાહરણ છે. પશ્ચિમ ઘાટ જેવા સંવેદનશીલ પર્યાવરણીય વિસ્તારમાં તેઓ સદીઓથી જંગલને નુકસાન પહોંચાડ્યા વગર જીવન જીવતા આવ્યા છે તેથી તેમનું પરંપરાગત જ્ઞાન જૈવવૈવિધ્યના સંરક્ષણ માટે અત્યંત ઉપયોગી બની શકે છે. તેમની ભાષા, સંસ્કૃતિ અને જીવનશૈલી લુપ્ત થવાના કાંઠે છે અને જો સમાજ તેમને અવગણશે તો માનવઇતિહાસનો એક મહત્ત્વપૂર્ણ અધ્યાય ખોવાઈ જશે. ચોલાનાઈકન વિશે મહત્ત્વની વાતો જાણીએ.


ચોલાનાઈકન આદિવાસી જાતિનો ઇતિહાસ

આ જાતિનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો માનવામાં આવે છે. તેમનું નામ ‘શોલા’ અથવા ‘ચોલા’ (અર્થાત ગીચ જંગલ) અને ‘નાઈકન’ (અર્થાત રાજા) શબ્દોથી ઊતરી આવ્યું છે.  તેઓ કેરલાના પશ્ચિમ ઘાટનાં ગીચ જંગલોમાં માનવસંસ્કૃતિના પ્રાચીન સ્વરૂપ તરીકે જીવતા રહ્યા છે. ઇતિહાસકારો અને માનવશાસ્ત્રીઓ મુજબ ચોલાનાઈકન લોકો આધુનિક સમાજના સંપર્કમાં આવ્યા પહેલાં સંપૂર્ણ રીતે ગુફાઓ અને જંગલ આધારિત જીવન જીવતા હતા. તેમના વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ ભારતના એવા થોડાક સમુદાયોમાંથી એક છે જેમણે લાંબા સમય સુધી કોઈ રાજાશાહી, જમીનવ્યવસ્થા કે જાતિપ્રણાલીનો સંપર્ક જ કર્યો નહોતો. માનવામાં આવે છે કે તેઓ પ્રાગૈતિહાસિક યુગના શિકારી–સંગ્રાહક સમુદાયોના સીધા વંશજ છે. બ્રિટિશ કાળ દરમિયાન પણ તેઓ મોટા ભાગે અજાણ્યા જ રહ્યા અને સ્વતંત્રતા બાદ જ સરકારનું ધ્યાન તેમના અસ્તિત્વ તરફ ગયું. તેઓ ક્યારેય ખેતી અથવા સ્થાયી વસાહત પર નિર્ભર રહ્યા નથી; પરંતુ શિકાર, મધસંગ્રહ અને વનઊપજ દ્વારા જીવન ચલાવતા હતા. વર્ષો સુધી તેમણે બહારની દુનિયાથી સંપર્ક ટાળ્યો, કારણ કે જંગલ તેમના માટે માત્ર રહેઠાણ નહીં પરંતુ સંપૂર્ણ જીવનવ્યવસ્થા હતી. તેઓ પોતાની યાદશક્તિ અને મૌખિક પરંપરાથી ઇતિહાસ આગળ વધારતા આવ્યા છે; લિખિત ઇતિહાસ કે દસ્તાવેજો વગર પણ તેઓ ઋતુઓ, પ્રાણીઓના વર્તન અને જંગલના માર્ગો વિશે અદ્ભુત જાણકારી ધરાવે છે. રસપ્રદ રીતે ઘણા વૃદ્ધ ચોલાનાઈકન લોકો આજે પણ પોતાના પૂર્વજોને ગુફાઓમાં રહેતા હોવાનું યાદ કરે છે. બહારની દુનિયા સાથે નહીંવત્ જેવા સંપર્કને કારણે તેમની ભાષા, સંસ્કૃતિ અને સામાજિક બંધારણ લગભગ અખંડિત રહ્યાં છે. નિષ્ણાતો માને છે કે સ્થાનિક જૈવવૈવિધ્ય વિશેનું તેમનું જ્ઞાન પશ્ચિમ ઘાટની પર્યાવરણીય સુરક્ષા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


લગભગ ૪૦૦થી ઓછી વસ્તી ધરાવતી ચોલાનાઈકન જાતિ આજે પણ ભારતના એક સૌથી નાજુક આદિવાસી સમુદાયોમાંથી એક છે. તેઓ મોટા ભાગે કેરલાનાં નિલંબુર જંગલોમાં રહે છે, જ્યાં તેઓ હજી પણ પરંપરાગત રીતે જંગલ આધારિત જીવન જીવે છે.

નિલંબુરનાં જંગલો એની સમૃદ્ધ કુદરતી સંપત્તિ અને જૈવવૈવિધ્ય માટે પ્રખ્યાત છે. આ વિસ્તાર દુનિયાના સૌથી જૂના અને મોટા માનવસર્જિત ટીક (સાગવાન)નાં જંગલો માટે ઓળખાય છે. પશ્ચિમ ઘાટનો ભાગ હોવાથી નિલંબુર પર્યાવરણીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ક્ષેત્ર સાથે જોડાયેલો છે. અહીં હાથી, વાઘ, હરણ, રીંછ સહિત અનેક વન્યજીવો અને દુર્લભ પક્ષી પ્રજાતિઓ જોવા મળે છે. સાથે-સાથે ચોલાનાઈકન જેવી પ્રાચીન આદિવાસી જાતિઓનાં નિવાસસ્થાન હોવાને કારણે નિલંબુરનાં જંગલો સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે.

ચોલાનાઈકન સંસ્કૃતિ વિશે જાણવા જેવું

ચોલાનાઈકન લોકોની વસાહતો નાનાં જૂથોમાં વહેંચાયેલી હોય છે, જેને જેનમમ (Jenmam) કહેવામાં આવે છે અને બેથી સાત પરિવારો મળીને એક ચેમમ (Chemmam) બનાવે છે. તેમનો વિસ્તાર ખૂબ જ નિયંત્રિત છે અને બહારના લોકોને ત્યાં વનઊપજ એકત્ર કરવાની કે તેમની સાથે સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. તેઓ દ્રવિડ ભાષા સંબંધિત એક અનોખી બોલી બોલે છે જે સીધી રીતે આધુનિક દ્રવિડ ભાષાઓ સાથે જોડાયેલી નથી પરંતુ એમાં મલયાલમ અને કન્નડા ભાષાની કેટલીક સમાનતાઓ જોવા મળે છે. તેમની સંસ્કૃતિ પણ વિશિષ્ટ છે, તેમનાં નામો હિન્દુ પુરાણકથાઓથી પ્રભાવિત નથી જે તેમના લાંબા સમય સુધીના એકાંત અને બહારની દુનિયાથી દૂર રહેલા જીવનને દર્શાવે છે.

વર્તમાન પરિસ્થિતિ

લગભગ ૪૦૦થી ઓછી વસ્તી ધરાવતી ચોલાનાઈકન જાતિ આજે પણ ભારતના સૌથી નાજુક આદિવાસી સમુદાયોમાંથી એક છે. તેઓ મોટા ભાગે કેરલાના નિલંબુર જંગલોમાં રહે છે જ્યાં તેઓ હજી પણ પરંપરાગત રીતે જંગલ આધારિત જીવન જીવે છે. જોકે સમય સાથે તેમની જીવનશૈલીમાં કેટલાક ફેરફારો થયા છે, તેમ છતાં મોટા ભાગના લોકો હજી પણ શિકાર–સંગ્રહ પર નિર્ભર છે અને બાગવાડી કે ખેડૂતજીવન તરફ પરિવર્તન નથી થયું. તેમની વસાહતો જંગલની અંદર છે અને બહારની દુનિયા સાથે તેમના સંબંધ ખૂબ જ મર્યાદિત છે. આ જાતિના સંરક્ષણ માટે સરકાર અને કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યાં છે. કેરલા સરકાર અને આદિવાસી વિકાસ વિભાગ દ્વારા તેમને વિશેષ સંરક્ષિત જનજાતિ - Partiuclar Vulnerable Tribal Groups (PVTG) તરીકે માન્યતા આપવામાં આવી છે જેથી તેમને આરોગ્ય, ખોરાક, રહેઠાણ અને શિક્ષણમાં પ્રાથમિકતા મળે. સમગ્ર શિક્ષા કેરલા (SSK) દ્વારા ઘરઆધારિત શિક્ષણ, વર્ચ્યુઅલ વર્ગો અને તેમની પોતાની ભાષામાં ઑડિયો-વિઝ્યુઅલ પાઠો તૈયાર કરવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા જંગલમાં સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અલર્ટ સિસ્ટમ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેથી માનવ–વન્યજીવ સંઘર્ષ ઓછો થાય. કેટલીક NGO અને સંશોધન સંસ્થાઓ તેમની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાનનું દસ્તાવેજીકરણ કરવાની કામગીરી કરી રહી છે. તેમ છતાં નિષ્ણાતો માને છે કે લાંબા ગાળાની સુરક્ષા માટે વધુ સંવેદનશીલ અને સંસ્કૃતિ-આધારિત પ્રયાસોની જરૂર છે.

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2026 12:50 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK