વર્ષમાં ફક્ત ૧૦ દિવસ પૂરતી જ થતી આ યાત્રાના આ વર્ષે તો ફક્ત બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આવતા વર્ષે એમાં જોડાવાનો નિર્ધાર કરીને આ વર્ષે આપણે શ્રી નાગદ્વાર સ્વામીની માનસયાત્રા કરીએ
યાત્રા કરતા યાત્રાળુઓ દ્વારા લગાવવામાં આવતા ભોલેનાથના જયકારા થાકેલા યાત્રાળુઓના તન-મનમાં પ્રાણ પૂરે છે.
અમરનાથ યાત્રામાં ન જઈ શકતા હો પણ એ યાત્રા જેવો જ રોમાંચ માણવો હોય તો મધ્ય પ્રદેશમાં થતી નાગદ્વાર યાત્રાએ જઈ શકો છો. વર્ષમાં ફક્ત ૧૦ દિવસ પૂરતી જ થતી આ યાત્રાના આ વર્ષે તો ફક્ત બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આવતા વર્ષે એમાં જોડાવાનો નિર્ધાર કરીને આ વર્ષે આપણે શ્રી નાગદ્વાર સ્વામીની માનસયાત્રા કરીએ
ગયા તીર્થાટનમાં આપણે મધ્ય પ્રદેશની વિશેષતાઓની વાત કરી હતી, એમ.પી. ટૂરિઝમ બોર્ડની જાહેરખબરની વાત કરી હતી. એ જ સૂચિમાં અન્ય એક ઍડ્વર્ટાઇઝમેન્ટ પણ બહુ ચોટડૂક છે. રાત્રિનાટક ભજવતી એક અદાકારા ગાય છે, ‘અરે પૂરા એમ.પી. દેખન કો એક જનમ સે કમ ન ચલે, બાર બાર જનમ લેન પડે.’ આ ગીતની આગળની કડીમાં ફક્ત મનુષ્યરૂપે નહીં; પશુ, પંખી, જળચરરૂપે જન્મ લઈને મધ્ય પ્રદેશનાં વિવિધ સ્થળોની મુલાકાત કરવાની વાત કર્યા બાદ ગીતના અંતિમ શબ્દો છે, ‘એમ.પી. ઐસા ભાયા, જો આયા વો વાપસ આયા, યે એમ.પી. કી માયા.’
ખરેખર, આ ગીતના લેખકે ફક્ત શબ્દો જોડીને ગીત નથી બનાવ્યું; ગીતમાં તેમણે એમ.પી.ની મુલાકાતે આવનારા પર્યટકો અને તીર્થયાત્રીઓનો ભાવ જોડ્યો છે, લાગણીને વાચા આપી છે. એનો તાજો દાખલો છીએ આપણે. મધ્ય પ્રદેશની અજબ-ગજબની વાતો વાંચતાં, સાંભળતાં, અનુભવતાં એમ થયું કે હવે આપણે તીર્થાટન એક્સપ્રેસ આ રાજ્યમાં જ ફેરવીએ. અહીંનાં જાણીતાં-અનએક્સ્પ્લોર્ડ તીર્થોની યાત્રા કરીએ અને એમ.પી.ના અદ્ભુત કલ્ચર અને રિવાજોના રંગમાં રંગાઈએ.
ADVERTISEMENT
યસ, આજે આવી એક આઇકૉનિક યાત્રાની વાત કરવી છે જે આ વર્ષે ૧૯ જુલાઈએ શરૂ થઈ છે અને ૨૯ જુલાઈએ સમાપ્ત થવાની છે. આ લખાય છે ત્યાં સુધીમાં સાડાત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નાગદ્વાર યાત્રા કરી લીધી છે અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે ૧૦ દિવસમાં સાડાપાંચ લાખથી વધુ યાત્રાળુઓ નાગરાજને ભેટવા આવશે. સો, આ નાગદ્વાર છે ક્યાં? અહીં કેવી રીતે જવાય? વળી ફક્ત વર્ષના ૧૦ દિવસ જ આ ધામ કેમ ખુલ્લું રહે છે? આવા પ્રશ્નો થયા હોય તો આ રહ્યા એના ઉત્તરો. નાગદ્વાર પચમઢીની નજીક સતપુડા પર્વતની રેન્જમાં આવેલું છે. સતપુડા કી રાની તરીકે જાણીતા પચમઢીથી તો સર્વે સહેલાણીઓ પરિચિત છે જ. એ પચમઢીથી સતપુડા ટાઇગર રિઝર્વમાં આવેલા ૧૨ કિલોમીટની પહાડી ચડાઈ કર્યા બાદ મળે છે નાગદ્વાર અને એમાં બિરાજે છે દેવોના દેવ મહાદેવ.
શ્રી પદમશેષ મંદિરના નામે પણ ઓળખાતું આ મંદિર પ્રાચીન કે અદ્વિતીય નથી. ગાઢ જંગલોની વચ્ચે ઊંચા પથ્થરિયા પહાડોની વચ્ચે એક પર્વતની ટોચ પર અર્વાચીન શિવલિંગ પ્રસ્થાપિત છે અને આ શુભ્ર શિવલિંગનાં દર્શનાર્થે કઠિન ચડાઈ કરીને લાખો ભોલે ભક્તો આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ સ્થળનું કોઈ પૌરાણિક કનેક્શન નથી કે નથી અહીં કોઈ ભવ્ય મંદિર. તો પછી આસ્થાળુઓને કયું સત્ત્વ આકર્ષે છે કે વર્ષોવર્ષ અહીં આવનારા લોકોની સંખ્યા વધતી જ જાય છે?માન્યતા છે કે નાગદ્વારની કઠિન યાત્રા પૂરી કરવાથી કુંડળીમાં રહેલા કાલસર્પ દોષનું નિવારણ થાય છે.
વેલ, એનાં બે મુખ્ય તત્ત્વ છે. પહેલું, ધાર્મિક દૃષ્ટિએ આ નાગદ્વાર નાગલોકનું દ્વાર મનાય છે જે આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્ત્વનું છે અને બીજું મુખ્ય તત્ત્વ છે તબિયતને તરબતર અને ટેસ્ટિંગ કરતો અહીંનો મનોરમ્ય ટ્રેક. સતપુડાના પહાડોની ઑલમાઇટી રેન્જ, આભને આંબતાં સાગ-સાલનાં વૃક્ષો, બિલાડીના ટોપની જેમ જ્યાં-ત્યાંથી ફૂટી નીકળેલાં નાનાં-મોટાં સેંકડો ઝરણાં, વર્ષાઋતુને લીધે જમીન ફાડીને જબરદસ્તી ઊગી આવેલી વગડાઉ વનરાઈ, શેવાળથી નીલમ રત્ન જેવી ઝાંય ધરાવતા ખડકો, સાંબેલાધારથી લઈને ઝરમર વરસતો મેહુલિયો અને રેઇનકોટની સિલાઈમાંથીયે જગ્યા ગોતીને ઘૂસી જતી ધુમ્મ્સની ઠંડી-ઠંડી અનુભૂતિ ભક્તોની સાથે સહેલાણીઓને પણ આ યાત્રામાં તાણી લાવે છે. ચારથી ૬ કલાકના આ ટ્રેકમાં અમરનાથની યાત્રા જેવો જ રોમાંચ મળે તો તમે જ કહો કે કયો ભક્ત નાગદ્વારની યાત્રાએ આવવાનું છોડે?
હવે રહી વાત ફક્ત ૧૦ દિવસની અવધિની તો આગળ કહ્યું એમ આ ટાઇગર રિઝર્વ વિસ્તાર છે, અહીં માણસોને એન્ટ્રી નથી. જોકે નાગપંચમી નિમિત્તે અહીં યોજાતી યાત્રાની ૧૦૦ વર્ષ પ્રાચીન પરંપરાને જીવિત રાખવા શ્રાવણ સુધી પાંચમ પૂર્વેના ૯ દિવસ દરમ્યાન આ પ્રતિબંધિત એરિયા યાત્રાળુઓ માટે ખુલ્લો મુકાય છે. કહે છે કે આઝાદી પૂર્વે થોડા સંતો દ્વારા અમરનાથની યાત્રાના પ્રતીકરૂપે આ યાત્રા શરૂ થઈ હતી. એ સમયે આ એરિયા વાઘ અભયારણ્ય તરીકે પ્રસ્થાપિત નહોતો થયો. અનેક ઋષિઓ અને સાધુ-સંતો સાધના અર્થે સતપુડા પર્વત રેન્જમાં વિચરતા ને રહેતા. ગીચ જંગલ હોવાથી અહીં સર્પોનું પ્રમાણ પણ વિપુલ માત્રામાં રહેતું. આવા અનેક સંદર્ભોને સાંકળીને અહીં નાગદ્વાર બનાવાયું. આ પ્રમાણે અહીં નાગપંચમીના તહેવાર પર ભક્તોનું આવાગમન શરૂ થયું, જે માઉથ-ટુ-માઉથ પબ્લિસિટીથી વ્યાપક થયું અને સેંકડોમાંથી હજારો ભક્તો આ સમય દરમ્યાન અહીં આવવા લાગ્યા. એમાંય સોશ્યલ મીડિયાના આગમન બાદ યાત્રાનો પ્રચાર વધુ વ્યાપક થતાં ભક્તોની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ.
યાત્રાના અંતિમ પૉઇન્ટે ચિંતામણિ (ગણેશજીનું એક નામ) ગુફા છે. ૧૦૦ ફુટ લાંબી ગુફામાં નાગદેવની અનેક મૂર્તિઓ છે. એનાથી અડધો કિલોમીટર આગળ સ્વર્ગદ્વાર છે જેની પાસે છે શ્રી પદમશેષ મંદિર. આખી યાત્રા સર્ક્યુલર રૂટ પ્રમાણે થાય છે જે મોટા ભાગના યાત્રાળુઓ એક જ દિવસમાં પૂરી કરે છે. અહીં રોકાવાની કોઈ સુવિધા નથી, પરંતુ એકાદ-બે જગ્યાએ સ્થાનિક ગ્રામજનોએ પતરાના શેડ ઊભા કર્યા છે જ્યાં રહી શકાય છે. ટ્રેક દરમ્યાન નાસ્તો, ચા-પાણી, શરબત, મૅગી વગેરે મળે છે તો એકાદ સ્થળે મહાદેવ મેલા સમિતિ દ્વારા ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે. કાશ્મીરની અમરનાથ તેમ જ નાગદ્વારની યાત્રા શ્રાવણ મહિના દરમ્યાન યોજાય છે. વળી અમરનાથમાં હિમાલયની શૃંખલાઓમાંથી પસાર થઈને હિમના શિવલિંગનાં દર્શન કરવાનાં હોય છે એ જ રીતે નાગદ્વાર યાત્રામાં સતપુડાની પહાડીઓની સર્પાકાર પગદંડીઓ પર ચાલીને મહાદેવજીનાં દર્શન કરવામાં આવે છે. બેઉ યાત્રામાં પ્રકૃતિ અને નૈસર્ગિક સૌંદર્યનાં દર્શન થાય છે. આથી નાગદ્વારને એમ.પી.નું અમરનાથ પણ કહેવાય છે.
મુંબઈથી પચમઢી જવા રેલવે દ્વારા પિપરિયા સ્ટેશન પહોંચવાનું રહે છે. પિપરિયાથી ૪૫ કિલોમીટર સર્પાકાર ડ્રાઇવ બાદ સમુદ્રતટથી સાડાત્રણ હજાર ફુટે આવેલા પચમઢીમાં પહોંચી જવાય છે. મહાભારતકાળથી અસ્તિત્વમાં આવેલા આ નગરનું નામ પાંચ પાંડવોએ અહીં બનાવેલી પાંચ ગુફા - પાંચ મઢી પરથી પડ્યું છે. સતપુડા રેન્જનું સૌથી હાઇએસ્ટ પૉઇન્ટ ધૂપગઢ પચમઢીથી ૧૦ કિલોમીટરના અંતરે છે. ત્યાંથી નાગફની અને અહીં (નાગદ્વાર યાત્રા આરંભસ્થળ)થી આ યાત્રા શરૂ થાય છે. આખી સર્ક્યુલર યાત્રામાં કુલ ૨૮ ધાર્મિક તેમ જ પ્રાકૃતિક પૉઇન્ટ છે જે દરેક ટ્રેકર પોતપોતાની શારીરિક તેમ જ સમયની અનુકૂળતા મુજબ કરે છે. જોકે મોટા ભાગના ભક્તો ગણેશ મંદિર (પ્રથમ પૉઇન્ટ)થી ચિંતામણિ દેવસ્થાન (નવમો પૉઇન્ટ) સુધી યાત્રા કરે છે, જે ૧૨ કિલોમીટરની છે. એમાં ભજિયાગિરિ, કાજલી, મુખ્ય પદમશેષ મંદિર, પંચમુખી ગુફા (ઝરણાં), સ્વર્ગદ્વાર, નર્કદ્વાર, ચિંતામણિ દેવસ્થાન જેવાં મુખ્ય સ્થાન આવે છે. આ મુખ્ય સર્ક્યુલર રૂટના અનેક પેટારૂટ અને ઇન્ટીરિયર રૂટ પણ છે.
ચાલો મધ્ય પ્રદેશની અમરનાથ યાત્રા પર
અનેક સંદર્ભોને સાંકળીને અહીં નાગદ્વાર બનાવાયું. આ પ્રમાણે અહીં નાગપંચમીના તહેવાર પર ભક્તોનું આવાગમન શરૂ થયું, જે માઉથ-ટુ-માઉથ પબ્લિસિટીથી વ્યાપક થયું અને સેંકડોમાંથી હજારો ભક્તો આ સમય દરમ્યાન અહીં આવવા લાગ્યા. એમાંય સોશ્યલ મીડિયાના આગમન બાદ યાત્રાનો પ્રચાર વધુ વ્યાપક થતાં ભક્તોની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ.
યાત્રાના અંતિમ પૉઇન્ટે ચિંતામણિ (ગણેશજીનું એક નામ) ગુફા છે. ૧૦૦ ફુટ લાંબી ગુફામાં નાગદેવની અનેક મૂર્તિઓ છે. એનાથી અડધો કિલોમીટર આગળ સ્વર્ગદ્વાર છે જેની પાસે છે શ્રી પદમશેષ મંદિર. આખી યાત્રા સર્ક્યુલર રૂટ પ્રમાણે થાય છે જે મોટા ભાગના યાત્રાળુઓ એક જ દિવસમાં પૂરી કરે છે. અહીં રોકાવાની કોઈ સુવિધા નથી, પરંતુ એકાદ-બે જગ્યાએ સ્થાનિક ગ્રામજનોએ પતરાના શેડ ઊભા કર્યા છે જ્યાં રહી શકાય છે. ટ્રેક દરમ્યાન નાસ્તો, ચા-પાણી, શરબત, મૅગી વગેરે મળે છે તો એકાદ સ્થળે મહાદેવ મેલા સમિતિ દ્વારા ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે. કાશ્મીરની અમરનાથ તેમ જ નાગદ્વારની યાત્રા શ્રાવણ મહિના દરમ્યાન યોજાય છે. વળી અમરનાથમાં હિમાલયની શૃંખલાઓમાંથી પસાર થઈને હિમના શિવલિંગનાં દર્શન કરવાનાં હોય છે એ જ રીતે નાગદ્વાર યાત્રામાં સતપુડાની પહાડીઓની સર્પાકાર પગદંડીઓ પર ચાલીને મહાદેવજીનાં દર્શન કરવામાં આવે છે. બેઉ યાત્રામાં પ્રકૃતિ અને નૈસર્ગિક સૌંદર્યનાં દર્શન થાય છે. આથી નાગદ્વારને એમ.પી.નું અમરનાથ પણ કહેવાય છે.
મુંબઈથી પચમઢી જવા રેલવે દ્વારા પિપરિયા સ્ટેશન પહોંચવાનું રહે છે. પિપરિયાથી ૪૫ કિલોમીટર સર્પાકાર ડ્રાઇવ બાદ સમુદ્રતટથી સાડાત્રણ હજાર ફુટે આવેલા પચમઢીમાં પહોંચી જવાય છે. મહાભારતકાળથી અસ્તિત્વમાં આવેલા આ નગરનું નામ પાંચ પાંડવોએ અહીં બનાવેલી પાંચ ગુફા - પાંચ મઢી પરથી પડ્યું છે. સતપુડા રેન્જનું સૌથી હાઇએસ્ટ પૉઇન્ટ ધૂપગઢ પચમઢીથી ૧૦ કિલોમીટરના અંતરે છે. ત્યાંથી નાગફની અને અહીં (નાગદ્વાર યાત્રા આરંભસ્થળ)થી આ યાત્રા શરૂ થાય છે. આખી સર્ક્યુલર યાત્રામાં કુલ ૨૮ ધાર્મિક તેમ જ પ્રાકૃતિક પૉઇન્ટ છે જે દરેક ટ્રેકર પોતપોતાની શારીરિક તેમ જ સમયની અનુકૂળતા મુજબ કરે છે. જોકે મોટા ભાગના ભક્તો ગણેશ મંદિર (પ્રથમ પૉઇન્ટ)થી ચિંતામણિ દેવસ્થાન (નવમો પૉઇન્ટ) સુધી યાત્રા કરે છે, જે ૧૨ કિલોમીટરની છે. એમાં ભજિયાગિરિ, કાજલી, મુખ્ય પદમશેષ મંદિર, પંચમુખી ગુફા (ઝરણાં), સ્વર્ગદ્વાર, નર્કદ્વાર, ચિંતામણિ દેવસ્થાન જેવાં મુખ્ય સ્થાન આવે છે. આ મુખ્ય સર્ક્યુલર રૂટના અનેક પેટારૂટ અને ઇન્ટીરિયર રૂટ પણ છે.
નાગદ્વાર યાત્રામાં ગોવિંદગિરિ પહાડી પર આવેલી મુખ્ય ગુફામાં શિવલિંગ પર કાજળ લગાવવાની પરંપરા છે. ભક્તો માને છે કે એથી તેમની બધી મનોકામના પૂરી થશે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
- આ વર્ષે નાગદ્વાર યાત્રા ૧૯ જુલાઈએ શરૂ થઈ હતી અને ૨૯ જુલાઈએ પૂરી થશે. આખા રૂટમાં વરસાદ, ઝેરી જીવજંતુઓ, નાળાં-ઝરણાં-વોકળા, સર્પો મળે છે. સો બી પ્રિપેર ફૉર ઇટ.
- રૂટમાં સ્થાયી સૅનિટેશનની સુવિધાઓ નથી, પરંતુ આ મેળા દરમ્યાન અનેક સ્ટૉલધારકો એ માટે હંગામી સુવિધાઓ ઊભી કરે છે.
- ખરબચડી સપાટી, કાદવ-કીચડ, શેવાળ હોવાથી તથા પાણીમાંથી પસાર થવાનું હોવાથી દરેક યાત્રાળુએ યોગ્ય શૂઝ પહેરવાં જરૂરી છે. એ જ રીતે રેઇનકોટ તેમ જ એક જોડી સ્પેર કપડાં રાખવાં પણ સગવડયુક્ત બની રહેશે.
- પેઇન રિલીફ ઑઇન્ટમેન્ટ કે સ્પ્રે, દવાઓ તેમ જ થોડો નાસ્તો સાથે રાખવો સેફ પર્યાય છે. જોકે હવે અમુક સમિતિઓ દ્વારા બેઝિક રૈન બસેરા કે મેડિકલ હેલ્પ સાથે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
- આ યાત્રામાં મધ્ય પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્રના ભક્તો મોટા પ્રમાણમાં જોડાય છે.