વરસાદના પાણીનો સંગ્રહ અને વૃક્ષારોપણ જેવા ઉપાયો પર તત્કાળ ધ્યાન આપવાની જરૂર છે.
નૈની સરોવર
ઉત્તરાખંડના નૈનીતાલમાં આવેલા અને ટૂરિસ્ટોમાં લોકપ્રિય એવા નૈની સરોવરનું જળસ્તર ઘટી રહ્યું છે અને ગયાં પાંચ વર્ષમાં એ સૌથી નીચલા સ્તરે પહોંચ્યું છે. ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચે આ સરોવરનું જળસ્તર ૧૫થી ૧૮ ફૂટ ઘટી ગયું છે. હજી ઉનાળો શરૂ થાય એ પહેલાં જ પાણીનું સ્તર ૪.૭ ફૂટ જેટલું ઘટી જતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દરરોજ જળસ્તર ૦.૫ ઇંચ ઘટી રહ્યું હોવાથી સ્થાનિક પ્રશાસન અને પર્યાવરણવિદોએ ચિંતા વ્યક્ત કરી છે. આવનારા દિવસોમાં નૈનીતાલમાં જળસંકટની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શા માટે જળસ્તર ઘટ્યું?
આ વખતે નૈનીતાલમાં વરસાદ અને બરફવર્ષામાં ૯૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે. આના કારણે સરોવરને રીચાર્જ કરતાં પ્રાકૃતિક સ્રોત પણ સુકાઈ ગયાં છે. સરોવર કાંઠે સિમેન્ટના રસ્તા અને કૉન્ક્રીટનાં મકાનો બની ગયાં હોવાથી પાણી શોષવાની જગ્યાઓ ખતમ થઈ રહી છે. વરસાદનું પાણી સરોવર સુધી પહોંચતું નથી એથી એના જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે. પાણી ઓછું થવાથી સરોવરની સુંદરતા પણ ઘટી રહી છે. જળસ્તર જળવાઈ રહે એ માટે વધારે વરસાદ પડવો જરૂરી છે. વધારે પડતું બાંધકામ, જળવાયુ પરિવર્તન, વધતી જતી વસ્તી અને વૃક્ષોની કાપણીના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે.
ADVERTISEMENT
ઉનાળામાં પડકાર
ઉનાળામાં વધારે સંખ્યામાં ટૂરિસ્ટો આવે છે અને એથી પાણીની માગણી વધી જાય છે. આથી સ્થાનિક રહેવાસીઓ અને હોટેલ ઉદ્યોગ માટે પાણીની ઉપલબ્ધતા પડકાર બની શકે એમ છે. સરોવરને બચાવવા માટે વરસાદના પાણીનો સંગ્રહ અને વૃક્ષારોપણ જેવા ઉપાયો પર તત્કાળ ધ્યાન આપવાની જરૂર છે.

