અરવલ્લીની પ્રાચીન પહાડીઓમાં આવેલું આ સ્થાન પરશુરામજીનાં એ સાધના સ્થળોમાંનું એક છે. કહેવાય છે કે સ્વયં પરશુરામજીએ પોતાની કુહાડીથી આ પહાડીને કાપીને ગુફા બનાવી હતી અને આ ગુફામાં રહેલા સ્વયંભૂ શિવલિંગ સમક્ષ પોતાનાં પાપોનો ક્ષય કરવા કઠોર તપ કર્યું હતું.
પહાડની ગુફામાં આવેલું પરશુરામ મંદિર. એમાં ૫૦૦થી વધુ પગથિયાં ચડીને જવું પડે છે.
થોડા મહિનાઓથી ચર્ચામાં રહેલી અરવલ્લીની પહાડીઓમાં, તળેટીમાં અનેક પૌરાણિક અને પ્રાચીન તીર્થધામો છે. એમાં રાજસમંદ અને પાલી જિલ્લાને જોડતા એક ડુંગરની બખોલમાં બિરાજતા પરશુરામ મહાદેવ તો રામાયણ અને મહાભારત કાળ પૂર્વેના છે. કહેવાય છે કે વિષ્ણુના અવતાર પરશુરામે માતાના શિરચ્છેદના ઘોર પાપથી મુક્તિ મેળવવા માટે લાંબો સમય અહીં રહી શિવસાધના કરી હતી
આખાય રાજસ્થાનમાં અત્યારે કડકડતી ઠંડી છે પરંતુ અરવલ્લી ખાણકામ મુદ્દે સ્થાનિક લોકોનું લોહી ઊકળી રહ્યું હતું. જોકે સુપ્રીમ કોર્ટે અરવલ્લી કેસમાં પોતાના જ અગાઉના નિર્ણય પર સ્ટે આપ્યો છે એટલે પર્યાવરણપ્રેમીઓને ટાઢક વળી છે, જોકે એ પછી પણ અરવલ્લીની પર્વતમાળાઓના ખાણકામ પર સૌની નજર રહેશે એ નક્કી.
લગભગ બે અબજ વર્ષ જૂની અરવલ્લી રેન્જ, દુનિયાની ઓલ્ડ માઉન્ટન રેન્જિસમાં સ્થાન પામે છે. હરિયાણાથી રાજસ્થાન અને ગુજરાત સુધી પ્રસરેલી આ પર્વતમાળા ઇકોલૉજીની દૃષ્ટિએ તો મહત્ત્વપૂર્ણ છે જ પણ ગ્રેનાઇટ, આરસ, બલુઆ, ચૂનાના પથ્થરો તેમ જ જસત, તાંબું, સીસું જેવાં અનેક ખનિજોથી પણ સમૃદ્ધ છે અને એની આ સમૃદ્ધિ થકી છેલ્લા ૪ દશકમાં આખી પર્વત શૃંખલાની વાટ લાગી ગઈ છે.
વેલ, આ મુદ્દે આપણે બહુ ચર્ચા કરવી નથી. આપણે તો અહીં આવેલાં પૌરાણિક તીર્થસ્થળોની વાત કરવી છે. અરાવલી શૃંખલામાં અનેક તીર્થ સ્થળો આવેલા છે, જેમાં પ્રથમ ક્રમાંકે છે તો શક્તિપીઠ અંબાજી જ છે. સાથે જૈન તીર્થ રાણકપુર, દેલવાડા તથા માઉન્ટ આબુના અચલેશ્વર મહાદેવ, અધર દેવી મંદિર તેમ જ સિકર નજીકનું શાકંભરી મંદિર પણ અત્યંત શ્રદ્ધેય અને પ્રાચીન તીર્થો છે. વળી જોધપુરથી ૧૭૮ કિલોમીટર અને પ્રખ્યાત ફોર્ટ ટાઉન કુંભલગઢથી ફક્ત ૧૦ કિલોમીટરના અંતરે આવેલા પરશુરામ મહાદેવને તો રાજસ્થાનના અમરનાથનો દરજ્જો પ્રાપ્ત થયો છે. અરવલ્લીના ખનન મામલે લેવામાં આવનાર નિર્ણય ભલે ડાયરેક્ટ્લી આ તીર્થોને અફેક્ટ નહીં કરે. છતાંય એની આજુબાજુમાં જો ખાણકામ થશે તો વહેલા-મોડા આ ક્ષેત્રને અસર તો થશે. ખેર, નામી એક્સપર્ટો આ વિષયે નિર્ણયો કરશે. આપણે તો નવા વર્ષનાં મંગલાચરણ બાબા અમરનાથના આશીર્વાદ લઈને કરીએ.
ADVERTISEMENT
શિવલિંગ તેમ જ અન્ય દેવી-દેવતાઓ.
વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામજીની કથાનો આપ સર્વેને ખ્યાલ હશે જ કે મહાન ઋષિ જમદગ્નિ અને દેવી રેણુકાના પુત્ર પરશુરામનો જન્મ પૃથ્વીને ક્ષત્રિય યોદ્ધાઓના અત્યાચારથી મુક્ત કરવા થયો હતો. બ્રાહ્મણ પિતા અને ક્ષત્રિય વંશીય રેણુકાના આ પાંચમા પુત્રે કુહાડીથી શૂરવીર અત્યાચારીઓની ૨૧ પેઢીઓનો વધ કરી નાખ્યો હતો. પરંતુ અત્યારે એ વાતને બાજુ પર રાખી પરશુરામજીની અન્ય ઇમ્પૉર્ટન્ટ કહાની પર ફોકસ કરીએ.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
- શિવાલય સવારે ૬થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. પાલીથી આવો તો પહાડીની તળેટી પાસે પુજાપો, પ્રસાદ, સુવેનિયર તેમ જ ચા-પાણી પીરસતી અનેક હાટડીઓની બજાર છે. ૫૦૦ પગથિયાં અને થોડો પગપાળા રસ્તો કાપતાં મુશ્કેલીથી એકાદ કલાકનો સમય લાગે છે. એ રસ્તામાં બેસવા ઓટલાની સુવિધાઓ છે જ્યાં મોટા દિવસો દરમિયાન પાણી, શરબત, ચા વગેરે મળી રહે છે.
- કુંભલગઢના કિલ્લાથી પણ કાચી પગદંડી ઉપર ચાલીને પરશુરામજી મહાદેવના દ્વારે પહોંચી શકાય છે. આ અઢીથી ત્રણ કિલોમીટરનો રસ્તો જંગલ જેવા વિસ્તારમાંથી પસાર થાય છે એટલે ભીડ સિવાયના દિવસોમાં એકલા જવું બહુ હિતાવહ નથી. પરંતુ ૮-૧૦ વ્યક્તિઓનું ટોળું હોય તો પ્રૉબ્લેમ નથી થતો. આ રસ્તે પણ નાનાં પૌરાણિક મંદિરો છે તેમ જ દેશી વૃક્ષોની કતારબદ્ધ હરોળ છે. ક્યારેક અહીં જંગલી જાનવરો પણ મળી જાય છે. જોકે આખા રસ્તે વાંદરા બધાને કંપની આપે છે જેમને સીડી ચડવામાં પ્રૉબ્લેમ હોય તેઓ આ રસ્તેથી મંદિરે જઈ શકે છે અને દાદર ઊતરવાની કોઈ તકલીફ ન હોય તો પાલી સાઇડ પણ ઊતરી શકાય છે.
એક પૌરાણિક પુરાણમાં ઉલ્લેખ છે કે રેણુકા માતાનું સતીત્વ એવું પવિત્ર હતું કે પતિની ધર્મક્રિયા માટે તેઓ કાચી માટીના ઘડામાં જળ ભરીને લાવી શકતાં હતાં. તેમના સ્ત્રીત્વના પ્રતાપે પાણી ભરવા છતાં એ કાચી માટી વિખેરાઈ ન જતી ને અગ્નિમાં પકવ્યા વગરનો એ ઘડો ફૂટતો પણ નહીં. પરંતુ એક દિવસ માતા રેણુકા જ્યારે નદીમાં પાણી ભરવા ગયાં ત્યારે ગંધર્વોના સમૂહને જળક્રિયા કરતાં જોઈ ક્ષણભર માટે તેમના ઉપર મોહી પડ્યાં ને પળભરની આ વૃત્તિને કારણે એ દિવસે તેમનો ઘડો ફૂટી ગયો અને તેઓ સમયસર જમદગ્નિ પાસે જળ લઈ પહોંચી શક્યાં નહીં. આ બાજુ પરશુરામના પિતાને થયું કે પત્નીને કેમ વિલંબ થયો, આથી તેમણે પોતાની યોગિક શક્તિથી આ આખી ઘટના જાણી ને ક્રોધિત થઈને પુત્રોને માતાના શિરચ્છેદનો આદેશ આપ્યો. મોટા ચાર પુત્રોએ પિતાને વિનયપૂર્વક ના કહી દીધી તો પિતાએ તેમને પણ જડ કરી નાખી તેમના પ્રાણ હરી લીધા. પરંતુ પરશુરામે પિતાની આજ્ઞા માની કુહાડી વડે માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. પુત્રના કર્તવ્યપાલનથી ખુશ થઈને પિતા જમદગ્નિએ પરશુરામને બે વરદાન માગવાનું કહ્યું અને પરશુરામે પોતાની માતા તેમ જ ચારેય ભાઈઓને પુનઃજીવિત કરવાનાં વચન માગી લીધાં. એ પછી પરશુરામનું આખું કુટુંબ પરત પૂર્વવત થઈ ગયું પરંતુ પરશુરામ પોતે, માતા સાથે કરેલા દુરાચારથી એટલા વ્યથિત હતા કે એ પાપના પ્રાયશ્ચિત્ત રૂપે તેમણે આર્યભૂમિનાં વિવિધ ક્ષેત્રોમાં જઈ કઠિનથી કઠિન તપસાધના કરવા લાગ્યા.
અરવલ્લીની પ્રાચીન પહાડીઓમાં આવેલું આ સ્થાન પરશુરામજીનાં એ સાધના સ્થળોમાંનું એક છે. કહેવાય છે કે સ્વયં પરશુરામજીએ પોતાની કુહાડીથી આ પહાડીને કાપીને ગુફા બનાવી હતી અને આ ગુફામાં રહેલા સ્વયંભૂ શિવલિંગ સમક્ષ પોતાનાં પાપોનો ક્ષય કરવા કઠોર તપ કર્યું હતું. એમ પણ કહેવાય છે કે પરશુરામે અહીં પોતાની તપસ્યાથી ભગવાન શંકર પાસેથી ત્રણ દિવ્ય શસ્ત્રો પ્રાપ્ત કર્યાં હતાં.
હવે અહીંના શિવમંદિરની વાત કરીએ તો મેવાડના રાણા કુંભા (જેમણે કુંભલગઢ કિલ્લો બનાવડાવ્યો)એ ૧૪મી સદીમાં મંદિરનું નિર્માણ કરાવ્યું. તેમ જ નીચેથી ઉપર સુધી પહોંચવા કાચી કેડી તૈયાર કરાવી. આ સંદર્ભે પણ આ મંદિર ૭૦૦ વર્ષ પૂર્વેનું છે અને ત્યારથી શિવભક્તો અહીં દર્શનાર્થે આવે છે.
અનોખું છે અહીંનું શિવલિંગ
આ નૅચરલ શિવલિંગમાં એક અનોખી વિશેષતા છે. એની ઉપર જળ ચડાવો તો લીટરોના લીટરો લિંગમાં આવેલા છિદ્રમાં સમાઈ જાય પરંતુ જો આ શિવલિંગનો દૂધથી અભિષેક કરો તો, એક ટીપું દૂધ પણ એ છિદ્રમાં જતું નથી. વૈજ્ઞાનિકો માટે ભલે આ બાબત ભૌગોલિક ઘટના હશે, પરંતુ ભક્તોને મન આ કૈલાસપતિના ચમત્કારથી કમ નથી.

મંદિરનું પ્રાંગણ.
સમુદ્રની સપાટીથી પોણાચાર હજાર ફુટ ઊંચે આવેલું આ શિવાલય એક પહાડીની ચોટી પર આવેલું છે. એટલે ત્યાં પહોંચવા ૫૦૦ પગથિયાં ચડવાનાં રહે છે. આટલી ચઢાઈ હોવા છતાં શ્રદ્ધાળુઓ બારે મહિના ભોલેનાથનાં દર્શન કરવા આવે છે. ઊંચાઈ હોવાથી ઉનાળામાંય અહીંનું વાતાવરણ સૌમ્ય રહે છે. તો શિયાળો તો રાજસ્થાનની ટૂરિસ્ટ સીઝન છે જ. જોકે પ્રભુ ઉપરાંત પ્રકૃતિના પ્રેમીને સાવનમાં અહીં વધુ મજા આવે છે. વરસાદથી લીલીછમ્મ થઈ ઊઠેલી પર્વતો પરની વનરાઈ અને પહાડો પરથી વહેતાં નાનાં-મોટાં ઝરણાં ઍડ્વેન્ચર લવર્સને મોજ કરાવી દે છે. ને શ્રાવણ મહિનો બાબા ભોલેના ભક્તોને ભક્તિમય બનાવી દે છે. શ્રાવણ મહિનામાં અહીં મોટો મેળો ભરાય છે. એમાંય શ્રાવણ સુદ છઠ અને સાતમે તો હજારો ભાવિકો મહાદેવને મત્થા ટેકવા આવે છે. એ દિવસે સ્થાનિક સામાજિક સંસ્થાઓ વિશેષ આયોજનો કરે છે. ભક્તો માટે ભક્તિ સંધ્યા, ભંડારા યોજાય છે. ને ભાવિકો સારુ હંગામી આવાસો પણ ઊભા કરાય છે.
આ ગુફામંદિરની એક ચટ્ટાન પર પ્રાકૃતિક રીતે એક રાક્ષસી આકૃતિ બની છે ને એવું લાગે છે જાણે પરશુરામ પોતાની કુહાડીથી એ રાક્ષસનો વધ કરી રહ્યા છે. મંદિરની અંદર સ્વયંભૂ શિવલિંગ ઉપરાંત તેમના પુત્ર ગન્નુબાપાની પણ પ્રાકૃતિક મૂર્તિ છે. અહીં નવ જળકુંડો પણ છે જે સાતસો વર્ષ પહેલાં બન્યા છે અને કહે છે કે આ કુંડનું પાણી કપરા દુષ્કાળ વખતે પણ સુકાતું નથી.
કાશ્મીરના અમરનાથ તીર્થમાં જેમ એક ચટ્ટાન પરથી ટપકતા જળ વડે બરફનું શિવલિંગ નિર્માણ થાય છે એ રીતે અહીં કુદરતી રીતે જ સ્વયંભૂ શિવલિંગ પર ગૌમુખ જેવી દેખાતી પહાડની બખોલમાંથી નિરંતર પાણી ટપક્યા કરે છે. વળી નવાઈની વાત એ છે કે એ જળનું ટીપું શિવલિંગમાં આવેલા એક છિદ્રમાં પડે છે ને એમાં કેટલુંય પાણી નાખો તોય એ છિદ્ર ભરાતું નથી.
કેવી રીતે જવાય?
પાલી જિલ્લામાં આવેલા આ શિવસ્થાને જવા મુંબઈથી ફાલના જતી ટ્રેનો લેવી સુગમ રહે છે. ફાલનાથી મંદિરની તળેટી ફક્ત ૬૬ કિલોમીટર દૂર છે જેની માટે રાજસ્થાન પરિવહન નિગમની બસો પણ મળે છે ને પ્રાઇવેટ ટૅક્સી પણ મળે છે. પાલીમાં નાનાં ગેસ્ટ હાઉસ, જૈન ધર્મશાળા છે અને જમવા માટે અનેક ભોજનાલયો પણ છે. જોકે યાત્રાળુઓ કુંભલગઢમાં પણ નિવાસ કરી શકે છે. અહીં હેરિટેજ હોટેલ, લક્ઝરી રિસૉર્ટના અનેક ઑપ્શન અવેલેબલ છે અને ભોજનમાં પણ વિવિધતાઓ મળી રહે છે.


