Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > એકલવ્ય સરીખો શિષ્ય ક્યાંય નહીં જડે રે લોલ

એકલવ્ય સરીખો શિષ્ય ક્યાંય નહીં જડે રે લોલ

Published : 26 July, 2026 04:03 PM | IST | Mumbai
Alpa Nirmal

અહીં કોઈ પૂજા-આરતી આદિ ધાર્મિક વિધિઓ થતી નથી. કોઈ શ્રદ્ધાળુ પોતાની રીતે પૂજા કરે કે ભોગ ચડાવે. પ્રસાદમાં મોટા ભાગે મીઠે ચાવલ અથવા ખીર હોય છે.

નવું જીર્ણોદ્રાર થયેલું એકલવ્યનું તીર્થ.

તીર્થાટન

નવું જીર્ણોદ્રાર થયેલું એકલવ્યનું તીર્થ.


ગુરુપૂર્ણિમાનું પર્વ આવે એટલે પૂજનીય ગુરુની ગરિમાની વાતો થાય, ગુરુની મહત્તા અને મહાનતાની વાતો થાય અને મનુષ્યના જીવનમાં ગુરુના મહત્ત્વ વિશેની ચર્ચા થાય. જોકે આજે આપણે ગુરુની નહીં, એક એવા શિષ્યની વાત કરીશું જેમના જેવો શિષ્ય આ મન્વંતરમાં થયો નથી અને કદાચ થશે પણ નહીં

આમ તો મહાભારતકાળની કથા છે પરંતુ આજે પણ આ પાત્ર વિશે, તેની ગુરુદક્ષિણા વિશે, તેના સમર્પણ વિશે વિદ્યાર્થીઓને વારંવાર કહેવામાં આવે છે; તેના જેવી જ્ઞાનોપાર્જના કરવાની શીખ અપાય છે; કોઈ પણ પરિસ્થિતિમાં તેના જેવી અડગતા કેળવવાનો, નાસીપાસ ન થવાનો અને લક્ષ્ય પ્રાપ્ત કરવાનો બોધ અપાય છે. જી હા, આ પાત્ર છે એકલવ્ય. મહાન ધનુર્ધારી અર્જુનને લઘુતાગ્રંથિનો અનુભવ કરાવનાર નિષાદ રાજા હિરણ્યધનુકનો પુત્ર એકલવ્ય.



આ બુધવારે ૨૯ જુલાઈએ અષાઢ સુદ પૂર્ણિમાએ જ ગુરુપૂર્ણિમાનો પવિત્ર ઉત્સવ છે. તો આપણે જઈએ ભારતના એકમાત્ર એકલવ્ય મંદિરે. હરિયાણા રાજ્યના ખાંડસા ગામે આવેલા આ મંદિર વિશે કહેવાય છે કે આ જ સ્થળે એકલવ્યે ગુરુદક્ષિણારૂપે ગુરુ દ્રોણાચાર્યને પોતાનો જમણો અંગૂઠો કાપીને આપી દીધો હતો. જોકે એ પહેલાં પ્રતિભાશાળી એકલવ્યની બહુ જાણીતી કથાનો એક રીકૅપ કરી લઈએ.


આદિવાસી જનજાતિઓના રાજા હિરણ્યધનુકનો પુત્ર એકલવ્ય અત્યંત તેજસ્વી અને પ્રતિભાવાન રાજકુમાર હતો. નાનપણથી જ બાણ ચલાવવું તેને ખૂબ ગમતી રમત હતી. તીર તેના જમણા હાથ સમાન હતું, જ્યારે કામઠું ડાબા હાથ સમાન. આખો સમય તે એનાથી રમતો. એ સમયમાં ગુરુ દ્રોણાચાર્યની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી હતી. એમાંય હસ્તિનાપુરના કુરુવંશના રાજકુમારોને શિક્ષા આપ્યા બાદ અનેક દેશોના રાજકુમારો દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા આવતા. દ્રોણાચાર્ય શસ્ત્રવિદ્યા શીખવવા સાથે વિદ્યાર્થીઓમાં સંયમ, આત્મનિયંત્રણ અને ધૈર્ય જેવા ગુણો પણ ખીલવતા.


પહેલાં આવી દેરી જેવું હતું.


બીજી બાજુ હસ્તિનાપુરની ચમકદમકથી દૂર શ્રીંગવેરપુર રાજ્ય હતું જેમાં રહેતી હતી નિષાદ પ્રજા. અહીંના રાજા હિરણ્યધનુક પણ બહાદુર હતા. તેમનો પુત્ર એકલવ્ય પણ પિતાની જેમ વીર હતો. પુત્રનો તીરકામઠાં સાથેનો લગાવ અને નિશાન સાધવાની આવડતથી પિતા અને ગામવાસીઓને લાગતું હતું કે આ તેજસ્વી રાજકુમારનો જન્મ બાણાવળી થવા માટે જ થયો છે.

એકલવ્ય જેમ-જેમ મોટો થતો ગયો એમ-એમ ધનુર્વિદ્યા શીખવાની તેની ઇચ્છા પ્રબળ થતી ગઈ. ગુરુ દ્રોણાચાર્ય અને તેમના શિષ્યોની કહાનીઓ સાંભળીને તેનાં સપનાંને દિશા મળી અને ગુરુ પાસે જવા તે પિતાની અનુમતિ લેવા ગયો. પિતા હિરણ્યધનુકે કહ્યું કે ‘આપણે તો જંગલવાસીઓ છીએ. ગુરુ દ્રોણાચાર્ય ફક્ત ઉચ્ચ કુળના રાજકુમારોને જ શિક્ષા આપે છે.’ ત્યારે એકલવ્યે ઉત્તર આપ્યો કે ‘ગુરુ કોઈ કુળ કે જાતિ જોઈને નહીં, શિષ્યની મહેનત અને શ્રદ્ધા જોઈને કેળવણી આપે છે. મને કોશિશ કરવા દો. મને વિશ્વાસ છે કે મહાન ગુરુ મારી લગન જોઈને મને નિરાશ નહીં કરે.’

પુત્રના સાહસને જોઈને પિતાએ તેને ગુરુ પાસે જવાની સંમતિ તો આપી. એની સાથે શીખ પણ આપી કે તેનો રાહ સરળ નહીં હોય, અનેક કઠિન પરિસ્થિતિઓ આવશે.

પિતાના આશીર્વાદ અને ગુરુ પ્રત્યેની અસીમ આસ્થા લઈને એકલવ્ય ઊપડ્યો હસ્તિનાપુરની વાટે. તેના દરેક પગલામાં ગુરુ દ્રોણાચાર્યને મળવાની ગજબ તાલાવેલી હતી અને વિદ્યા શીખવાનો તલસાટ હતો. ચાલતાં-ચાલતાં તે ગુરુના આશ્રમે આવી પહોંચ્યો અને નજર સામે પહેલું એ જ દૃશ્ય આવ્યું જે સપનારૂપે એકલવ્ય બાળપણથી જોતો હતો. ‘ગુરુ દ્રોણાચાર્ય શિષ્યોને શસ્ત્રવિદ્યાના પાઠ ભણાવી રહ્યા હતા. કોઈ રાજકુમારો તલવારબાજી શીખી રહ્યા હતા તો કેટલાક રાજકુમારો પોતાના બાણથી નિશાન સાધી રહ્યા હતા.’ એકલવ્ય તો ખુશ થઈ ગયો અને ગુરુ દ્રોણાચાર્યને વંદન કરી પોતાને આ વિદ્યા શીખવવાનો અનુરોધ કર્યો.

અજાણ્યા યુવાનની આંખોમાં વિદ્યા મેળવવાની ઝંખના અને ગુરુ પ્રત્યેની ભક્તિ જોઈને ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યને પૂછ્યું, ‘તું કોણ છે અને શા માટે આવ્યો છે?’

એકલવ્યે પોતાની મંછા કહી. ત્યારે ગુરુ નિષાદપુત્રના વિનયથી ખુશ થયા. જોકે તેઓ સખત દુવિધામાં હતા, કેમ કે એક તરફ હતો અસાધારણ જિજ્ઞાસા અને સમર્પણવાળો એકલવ્ય અને બીજી તરફ હતી તેમના કર્તવ્યની મર્યાદા. તેઓ ફક્ત રાજવંશના ઉત્તરાધિકારીઓને જ વિદ્યા આપવા બંધાયેલા હતા. એટલે તેમણે એકલવ્યનો શિષ્ય તરીકે અસ્વીકાર કર્યો. ગુરુ દ્રોણાચાર્યના ઇનકારથી એકલવ્ય ઝંખવાયો, પરંતુ તેણે મનોમન દ્રોણાચાર્યને પોતાના શિક્ષક-ગુરુ બનાવ્યા. ગુરુ પ્રત્યે કોઈ કડવાશ રાખ્યા વિના તે ત્યાંથી જંગલ તરફ નીકળી પડ્યો. જંગલમાં જઈને સૌપ્રથમ તેણે માટીમાંથી ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી અને એને ગુરુમૂર્તિ તરીકે સ્થાપિત કરી.


એકલવ્ય એ આ સ્થળે અંગૂઠો દાન કર્યો હતો.

એકલવ્ય દરરોજ સવારે સ્નાનાદિ કાર્યોથી શુદ્ધ થઈને ગુરુમૂર્તિ પાસે આવતો. એની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ મેળવતો અને ધનુર્વિદ્યાના અભ્યાસમાં લાગી જતો. તેણે એ શિક્ષાને સાધના બનાવી દીધી જાણે. દરરોજના અથાગ પ્રયત્નો, પ્રૅક્ટિસ અને મહેનતથી એકલવ્યે પોતાની ઇન્દ્રિયોને એવી સાધી લીધી કે તે આંખો પર પટ્ટી બાંધીને ફક્ત અવાજની સહાયથી સટીક નિશાન સાધી શકતો.

આમ ને આમ દિવસો, મહિનાઓ, વર્ષો સુધી એકાંતવાસમાં રહીને એકલવ્યે ધનુર્વિદ્યા એવી આત્મસાત્ કરી લીધી કે તે આ સંસારનો મહાન બાણાવળી બની ગયો. એવામાં એક દિવસ ગુરુ દ્રોણાચાર્ય પાંડવો, કૌરવો અને અન્ય શિષ્યો સાથે એ જ જંગલમાં આવ્યા જ્યાં એકલવ્ય રહેતો હતો. ગુરુ સાથે તેમનો શિકારી કૂતરો પણ હતો. એ કૂતરો જંગલમાં ભટકી ગયો અને એકલવ્ય જ્યાં ધનુર્વિદ્યાની પ્રૅક્ટિસ કરી રહ્યો હતો ત્યાં પહોંચીને ભસવા લાગ્યો.

કૂતરાના ભસવાથી એકલવ્યના અભ્યાસમાં ખલેલ પહોંચવા લાગી, પરંતુ દયાળુ એકલવ્યે જીવ લેવાને બદલે ૭ બાણ વડે શ્વાનનું મુખ એવી રીતે બંધ કર્યું કે કૂતરાને પીડા ન થાય, પણ એનું ભસવાનું બંધ થઈ જાય. થોડી વાર પછી એ પ્રાણી અને ગુરુ દ્રોણાચાર્યનો ભેટો થયો અને ગુરુ સહિત શિષ્યોએ જોયું કે કૂતરાનું મોઢું બાણ વડે બંધ છે, પરંતુ એના મુખ કે શરીરના બીજા ભાગે ક્યાંય કોઈ ઘા નથી. આ અસાધારણ દૃશ્ય જોઈ શિષ્યો અચંબિત થઈ ગયા કે આવું કરતબ કરવાવાળો ધનુર્ધર કોણ હોઈ શકે? તેની ભાળ મેળવવા ગુરુ તથા શિષ્યો શ્વાનના પગના નિશાને-નિશાને જંગલમાં આગળ ચાલવા લાગ્યા. થોડે આગળ જ તેમણે જોયું કે માટીની એક ગુરુમૂર્તિ સમક્ષ જટાધારી યુવક ધ્યાનમગ્ન બેઠો છે. તેની પાસે ધનુષ અને બાણ પડ્યાં છે. ગુરુદેવ પોતાની પ્રતિમા જોઈને જાણી ગયા કે એ તેમની પ્રતિકૃતિ છે. તેણે ધ્યાનસ્થ યુવકને જગાડીને પૂછ્યું કે તે કોણ છે? એકલવ્યે આંખો ખોલી ને સામે સાક્ષાત્ ગુરુને ઊભેલા જોઈને ભાવવિભોર થઈ ગયો અને ગુરુને પોતાની આખી વાત કહી. અર્જુન સહિત બધા રાજકુમારો અને ગુરુ આ અદ્ભુત વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. દ્રોણાચાર્ય સમજી ગયા કે આ નિષાદ યુવાન અતુલ્ય છે; તેની બરાબરી કોઈ નહીં કરી શકે, અર્જુન પણ નહીં. આથી તેમણે રાજાઓને આપેલા વચનના પાલનની રક્ષા માટે એક કઠિન નિર્ણય લીધો અને એકલવ્ય પાસે ગુરુદક્ષિણા માગી.

વનવાસી રાજકુમારને તો પ્રેરણાદાયી ગુરુ માટે અનન્યભાવ હતો જ અને એ ગુરુ આજે અકિંચન યુવક પાસે કંઈ માગી રહ્યા હતા. અન્ય શિષ્યો ગુરુની આવી માગણીથી અચરજમાં પડી ગયા કારણ કે ધનુર્વિદ્યા માટે હાથનો અંગૂઠો મહત્ત્વનું અંગ છે, જો એ જ કપાઈ જાય તો તેની વિદ્યા પૂરી થઈ જાય. જોકે એકલવ્ય મક્કમ હતો. તેણે ગુરુની માગણી સાંભળી અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તલવારથી પોતાનો અંગૂઠો કાપીને ગુરુના ચરણે ધરી દીધો.

મંદિર હોવા છતાં અહીં કોઈ મૂર્તિ નથી. એકલવ્યની મૂર્તિ છે, પરંતુ એ મંદિરની છત પર પ્રતિષ્ઠિત છે જેથી દૂરથી લોકોને ખ્યાલ આવે કે અહીં એકલવ્યનું તીર્થ છે.

શું આ છે એકલવ્યે બનાવેલી ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ?

મહાભારતકાળમાં દ્રોણાકૌર નામના ગામમાં ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હતો. આજે ઉત્તર પ્રદેશ રાજ્યની પશ્ચિમી સરહદે આવેલું દનકૌર નામે જાણીતું આ નગર ગ્રેટર નોએડા રીજનમાં આવેલું છે. કહેવાય છે કે અહીં તળાવ માટે જમીન ખોદતાં દ્રોણાચાર્યની એ પ્રતિમા નીકળી હતી જે એકલવ્યે બનાવી હતી. ફૉર્મ્યુલા વન રેસિંગ ટ્રૅકની નજીક આવેલા એક મંદિરમાં એ મૂર્તિ અન્ય મૂર્તિઓ સાથે પ્રતિષ્ઠિત છે. જન્માષ્ટમીના તહેવારે અહીં મોટો મેળો ભરાય છે. ખાંડસાથી દનકૌલનું અંતર છે ૮૫ કિલોમીટર. એટલે આ મૂર્તિ એકલવ્યે બનાવી છે એ વિશે કોઈ પ્રમાણ નથી. એની ખરાઈ તો ઇતિહાસવિદો જ કરી શકશે.


એકલવ્યએ બનાવેલી ગુરુ દ્રોણની મૂર્તિ.

તો આ છે બેજોડ શિષ્ય એકલવ્યની કથા. આજે આપણે જે તીર્થની માનસયાત્રા કરવાના છીએ એ સ્થળ માટે કહેવાય છે કે એકલવ્યે અહીં પોતાનો અંગૂઠો ગુરુને સમર્પિત કર્યો હતો. આજે અહીં મોટા પરિસરમાં એકલવ્યનું મંદિર છે. જોકે એમાં કોઈ મૂર્તિ નથી, ફક્ત લંબચોરસ ઓટલા જેવી વેદી છે. મંદિર વિશે માહિતી આપતાં સંજયકુમાર રાઘવ કહે છે, ‘આ પ્રદેશ પહેલાં ખાંડવવન તરીકે ઓળખાતો. એ પછી અપભ્રંશ થઈ એનું નામ ખાંડસા થયું છે. અહીં અનેક વર્ષોથી એક ગુંબજવાળુ નાનકડું સ્થાપત્ય હતું જે વિશે કહેવાતું કે આ એકલવ્યની દાનભૂમિ છે, પરંતુ કોઈ દેખરેખ કરવાવાળું ન હોવાથી એ ઉપેક્ષિત સ્થળ ગ્રામજનોના ચિત્તમાંથી વીસરાઈ ગયું હતું અને સમયાંતરે ચરસી તથા દારૂડિયાઓનો અડ્ડો બની ગયું હતું. ત્યારે મારા પિતાજી સુનીલકુમાર રાઘવે આર્મીની નોકરીમાંથી રિટાયર થઈને આ ભૂમિને ફરી ચેતનવંતી બનાવવાનું બીડું ઝડપ્યું, જેમાં ગેરકાનૂની તત્ત્વો સાથે તેમની દુશ્મની પણ થઈ ગઈ.’

૮-૧૦ વર્ષની અથાગ મહેનત પછી સુનીલકુમારે અહીં એકલવ્ય મંદિરની સ્થાપના કરી અને બાજુમાં એકલવ્ય એકૅડેમી પણ શરૂ કરી. એમાં બાળકોને કુસ્તી, કબડ્ડી, બૅડમિન્ટન તથા અન્ય રમતગમત શીખવવામાં આવે છે. જોકે બે વર્ષ પહેલાં અસામાજિક તત્ત્વોએ સુનીલકુમાર રાઘવની હત્યા કરી દીધી, પરંતુ તેમના પ્રયત્નોથી આપણને મહાભારતના એ મહાન પાત્રનું પવિત્ર સ્થાન સાંપડ્યું છે.

દિલ્હીના પડખે આવેલું ગુડગાંવ હવે ગુરુગ્રામના નામે જાણીતું થયું છે. એના સેક્ટર ૩૭માં આવેલા ખાંડસા ગામના એકલવ્ય તીર્થે જવું સાવ સહેલું છે. અહીં સુધી દિલ્હી મેટ્રો આવે છે. મેટ્રોના મિલેનિયમ સિટી સેન્ટર સ્ટેશને ઊતરતાં આ તીર્થ વૉકેબલ ડિસ્ટન્સ પર છે. અન્યથા હરિયાણાના આ ગામે જવા દિલ્હી અને ચંડીગઢથી અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે. રહેવાનું તો નૅચરલી દિલ્હીમાં જ હોય. બાકી ગુરુગ્રામના સેક્ટર ૨૯, ૪૪, ૫૦માં ફર્સ્ટ ક્લાસ હોટેલ પ્રૉપ્રર્ટીઝ છે જ. અને હા, ૧૦,૦૦૦ની વસ્તી ધરાવતા ખાંડસામાં જમવા માટે અનેક ઢાબા અને રેસ્ટોરાં છે. તમારી જાણ ખાતર દિલ્હીના T૩ ઍરપોર્ટ ટર્મિનલથી ખાંડસાનું ડિસ્ટન્સ માત્ર ૩૬ કિલોમીટર છે. એટલે બ્રિટનમાં શેક્સપિયર કે હૅરી પૉટરનાં લેખિકા જે. કે. રૉલિંગનું નિવાસસ્થાન જોવા લાંબા થનારા દેશવાસીઓ ભારતની ગુરુ-શિષ્યની અદ્ભુત પરંપરાની માઇલસ્ટોન સમાન સ્ટોરીના મુખ્ય નાયકના આ તીરથે પણ અવશ્ય જજો.

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2026 04:03 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK