Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > આ મંદિરમાં લાલાને લાડ લડાવતાં પહેલાં યશોદામૈયાની અનુમતિ લેવી પડે છે

આ મંદિરમાં લાલાને લાડ લડાવતાં પહેલાં યશોદામૈયાની અનુમતિ લેવી પડે છે

Published : 21 November, 2026 02:14 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

શંખ આકારનો એરિયલ વ્યુ અને ઇન્ટીરિયરમાં ગોવર્ધન થીમની ઝાંખી કરાવતું આ ધામ માત્ર દર્શનનું સરનામું નથી, યશોદાજીના વાત્સલ્યભાવનો અવિસ્મરણીય અનુભવ પણ કરાવે છે 

શ્રી લડ્ડુ ગોપાલ મંદિરનો એરિયલ વ્યુ.

શ્રી લડ્ડુ ગોપાલ મંદિરનો એરિયલ વ્યુ.


મુંબઈ નજીક વિરારના શિરસાડ ફાટા પાસે આવેલું શ્રી લડ્ડુ ગોપાલ મંદિર કૃષ્ણભક્તોને સીધા વ્રજભૂમિમાં લઈ જાય છે. શંખ આકારનો એરિયલ વ્યુ અને ઇન્ટીરિયરમાં ગોવર્ધન થીમની ઝાંખી કરાવતું આ ધામ માત્ર દર્શનનું સરનામું નથી, યશોદાજીના વાત્સલ્યભાવનો અવિસ્મરણીય અનુભવ પણ કરાવે છે 

કૃષ્ણ એટલે ઉત્સવ, કૃષ્ણ એટલે પ્રેમરસ અને કૃષ્ણ એટલે પરમ શાંતિ. મુંબઈની ભાગદોડથી દૂર લાલાને મળવા જ્યારે મન વ્યાકુળ થાય ત્યારે પહોંચી જાઓ મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) પર વિરાર નજીક શિરસાડ ફાટા પાસે, લીલીછમ પ્રકૃતિના ખોળામાં ગુલાબી પથ્થરોથી બનેલા શંખ આકારના ‘શ્રી લડ્ડુ ગોપાલ મંદિર’માં. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણભક્તો માટે ખુલ્લા મુકાયેલા આ મંદિરમાં બાળકૃષ્ણની મનમોહક છબી જોઈને બધો થાક ઊતરી જશે. જગદ્ગુરુ શ્રીમદ્ રામાનંદાચાર્ય નરેન્દ્રચાર્યજી મહારાજની પ્રેરણાથી નિર્મિત આ ધામની આજે માનસયાત્રા કરીએ.



શંખ આકૃતિ અને ગોવર્ધન થીમ


હાઇવે પર દૂરથી મંદિરને જોતાં જ માનસયાત્રાની શરૂઆત થઈ જાય છે. સામાન્ય રીતે હિન્દુ મંદિરો નાગરશૈલીનાં હોય, જેમાં શિખર નીચેથી વિસ્તરેલું અને ઉપર જતાં શંકુ આકાર જેવું લાગે અથવા દ્રવિડ શૈલીનાં હોય, જેમાં એકની ઉપર એક માળ ધરાવતું ગોપુરમ હોય છે. શ્રી લડ્ડુ ગોપાલ મંદિર આ પરંપરાગત શૈલી કરતાં તદ્દન અલગ છે. મંદિરનો આકાર શંખ જેવો વળાંકવાળો છે. મંદિરના પ્રાંગણમાં પ્રવેશતાં જ વ્રજભૂમિમાં આવી ગયા હોઈએ એવી અનુભૂતિ થાય છે. મંદિરનો બાહ્ય આકાર ભલે શંખ જેવો હોય, એનું ઇન્ટીરિયર ગોવર્ધન થીમ પર આધારિત છે. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ધારણ કરીને શ્રીકૃષ્ણે વ્રજવાસીઓને જે રીતે આશ્રય આપ્યો હતો એ જ ભાવ સાથે અંદરનું માળખું તૈયાર કરાયું છે. મંદિરમાં પ્રવેશ્યા બાદ કૃષ્ણભક્તો ગોવર્ધન પર્વતની છત્રછાયામાં હોય એવો પરમ આનંદ અનુભવે છે.

જગદ્ગુરુ રામાનંદાચાર્ય નરેન્દ્રાચાર્યજી સંસ્થાનના CEO સુનીલ ઠાકુર કહે છે, ‘અત્યાર સુધીમાં સંસ્થાન દ્વારા કૃષ્ણનાં ૧૨ અનન્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. એમાંથી વિરારનું આ શ્રી લડ્ડુ ગોપાલ મંદિર વિશેષ રૂપે વાત્સલ્યભક્તિનું પ્રતીક છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ (કમળ) ભગવાન વિષ્ણુનાં આયુધ અને પ્રતીકો છે. આ સંકલ્પનાને સાકાર કરવા માટે મંદિરની બાહ્ય રચના શંખ આકારની રાખવામાં આવી છે. અહીં લડ્ડુ ગોપાલ ઊંચાઈ પર બિરાજમાન છે. ભક્તો જ્યારે દર્શન કરવા માટે પાયરીઓ ચડીને ઉપર જાય છે ત્યારે સ્પાઇરલ (વળાંકવાળા) માર્ગેથી પસાર થવું પડે છે. આ પાયરીઓ પર ચાલતાં-ચાલતાં ભક્તોની ગોવર્ધન પરિક્રમા થઈ જાય છે. વળાંકવાળા માર્ગને લીધે મંદિરનો એરિયલ વ્યુ જોતાં શંખ આકાર નજરે પડે છે. વાસ્તવમાં આ મંદિર માત્ર જોવા કે ફરવા માટેનું સ્થળ નથી; આ તો શ્રીકૃષ્ણની લીલાઓને માણવાનું અને સમજવાનું ધામ છે.’



મંદિરના ગુંબજ પર બે લેયરમાં કરેલી કલાત્મક કોતરણી અને જગદ્ગુરુ રામાનંદાચાર્ય નરેન્દ્રાચાર્યજી સંસ્થાનના CEO સુનીલ ઠાકુર

એરિયલ વ્યુથી શંખ જેવું દેખાતું આ મંદિર કૃષ્ણભક્તોને સીધા વ્રજભૂમિમાં લઈ જાય છે. યશોદામૈયાની અનુમતિ લઈને પાયરીઓ ચડીને લડ્ડુ ગોપાલનાં દર્શન કરવામાં ગોવર્ધન પરિક્રમા કર્યાનો લહાવો મળે છે. લાલાને મૈયાના મંદિરમાં વિશ્રામ કરાવવાની અનોખી પરંપરા વૈષ્ણવોના હૃદયને વાત્સલ્યભાવથી ભરી દે છે.

આધ્યાત્મિક વિજ્ઞાન

મંદિરના નિર્માણમાં રાજસ્થાનના બંસી પહાડપુરના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરાયો છે. આ પથ્થરોની ખાસિયત એ છે કે જેમ જૂના થાય, હવા, તડકો અને વરસાદના સંપર્કમાં આવે એમ એની ગુલાબી આભા વધુ ખીલે છે. સમય જતાં પથ્થર પાકતો જાય છે, જેનાથી એના પર કરેલી બારીક કોતરણી, મૂર્તિઓના હાવભાવ અને ડિઝાઇન વધુ સ્પષ્ટ દેખાવા લાગે છે. આ પથ્થરો હજારો વર્ષ સુધી ઝાંખા નથી પડતા. એના પર વ્રજવાસીઓ, ગોપીઓ, ગાયો, વાંસળી વગાડતો અને માખણચોરી કરતો કાનુડો, કાલીયમર્દન, રાસલીલાના પ્રસંગોને સુંદર રીતે કંડાર્યા છે. શંખની આકૃતિ અને વ્રજભૂમિનો આ અનોખો સમન્વય પ્રેમરસમાં તરબોળ કરી દે છે. સ્થાપત્યકલા પાછળનું આધ્યાત્મિક વિજ્ઞાન સમજાવતાં સુનીલભાઈ કહે છે, ‘વૈષ્ણવ પરંપરામાં ચાર મુખ્ય સંપ્રદાયો છે – શ્રી સંપ્રદાય (રામાનુજાચાર્ય), માધવ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય (વિષ્ણુસ્વામી) અને સનકાદિ સંપ્રદાય (નિમ્બાર્કાચાર્ય). આથી મંદિરમાં ચાર દરવાજા છે. જોકે દક્ષિણ દિશાનો દરવાજો બંધ રાખવામાં આવ્યો છે. શાસ્ત્રો મુજબ દક્ષિણ દિશાને નકારાત્મક ઊર્જાની દિશા માનવામાં આવે છે. ગર્ભગૃહમાં લડ્ડુ ગોપાલના સખાઓ સુદામા, અર્જુન, દ્રૌપદી, ઉદ્ધવજી, ગરુડની ૧૨ ફુટ ઊંચી મૂર્તિઓ સ્થાપિત કરી છે. બે લેયરમાં બનેલા ગુંબજ અને છતની કારીગરી આંખો આંજી દે એવી છે. પ્રથમ લેયરમાં સાગના લાકડા પર ભગવાન વિષ્ણુના મત્સ્ય, કૂર્મ, વરાહ, વામન, નરસિંહ, પરશુરામ સહિત દશાવતારને કલાત્મક રીતે કંડારવામાં આવ્યા છે. ગુંબજની નીચેની દ્વિતીય લેયરમાં બ્રહ્મલોક, સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળલોક દૃશ્યમાન થાય છે, જે ભક્તોને સમગ્ર સૃષ્ટિના નાથના શરણમાં આવ્યા હોવાનો અહેસાસ કરાવે છે. મથુરાના કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વસુદેવજી કઈ રીતે યમુના નદી પાર કરીને બાલકૃષ્ણને ટોપલીમાં લઈને ગોકુળ પહોંચ્યા એ પ્રસંગ અને કાનુડાની વિવિધ બાળલીલાઓ અહીં સુંદર કલાકૃતિઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે. આ બધી જ લીલાઓ નિહાળ્યા પછી કૃષ્ણભક્તો યશોદામૈયાના મંદિરમાં પહોંચે છે, જ્યાં લાલાને લાડ લડાવતાં પહેલાં મૈયાની અનુમતિ લેવાની અનોખી પરંપરા છે.’

કઈ રીતે પહોંચશો?

ટ્રેન માર્ગે : વિરાર રેલવે-સ્ટેશન પર ઈસ્ટમાં ઊતરીને ત્યાંથી શિરસાડ ફાટા માટે ઑટોરિક્ષા, પ્રાઇવેટ ટૅક્સી કે બસસેવા ઉપલબ્ધ છે.

રોડ માર્ગે : મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય હાઇવે (NH-48) પરથી જનારા કૃષ્ણભક્તો માટે વિરાર નજીક આવેલું શિરસાડ ફાટા મુખ્ય લૅન્ડમાર્ક છે. ત્યાંથી મંદિર બિલકુલ ૫૦૦ મીટરના અંતરે આવેલું છે. નજીકમાં જ મહાવીરધામ જૈન તીર્થ આવેલું છે.

સમય : મંદિર સવારે ૮:૦૦થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.


મુખ્ય ગર્ભગૃહની બહાર યશોદામૈયાનો પહેરો અને શ્વેત આરસપહાણમાંથી નિર્મિત શ્રી લડ્ડુ ગોપાલની સુંદર પ્રતિમા

યશોદામૈયાનો પહેરો

ગોવર્ધનની છત્રછાયા હેઠળ કૃષ્ણભક્તો લાલાની ઝાંખી કરવા આગળ વધે છે ત્યાં જ આ મંદિરની સૌથી અનોખી પરંપરાનો અનુભવ થાય છે. કાનુડાને નજર ન લાગે એ માટે મુખ્ય ગર્ભગૃહની બહાર યશોદામૈયાનો પહેરો છે, જેમણે અખિલ બ્રહ્માંડના નાથને વાત્સલ્યની દોરથી બાંધ્યા એ મૈયાનાં દર્શન કરીને, બે હાથ જોડી વિનંતી કરવી પડે ત્યારે લડ્ડુ ગોપાલની ઝાંખી થાય. શ્રી લડ્ડુ ગોપાલ મંદિરની સૌથી ભાવવિભોર કરી દે એવી આ વિશેષ પ્રથા વિશે સુનીલભાઈ જણાવે છે, ‘અહીં લાલાના સંગાથે યશોદામૈયા પણ બિરાજમાન છે. મંદિરની અન્ય મૂર્તિઓ ગુલાબી પથ્થરમાંથી કંડારાઈ છે, જ્યારે લડ્ડુ ગોપાલ અને મૈયાની મૂર્તિઓ આરસપહાણની તેમ જ ચાંદીની છે જેને ઉત્સવ મૂર્તિ કહે છે. લાલાને લાડ લડાવવાની રીત પણ અનોખી છે. નટખટ કાનુડો દિવસભર મુખ્ય મંદિરમાં બિરાજે છે, પણ રાત પડતાં જ તેને મા સાંભરે છે. શયન આરતી બાદ ઉત્સવ મૂર્તિને પાલખીમાં પધરાવીને યશોદામૈયાના મંદિરે લાવવામાં આવે છે. લાલો આખી રાત મૈયાના સાન્નિધ્યમાં પોઢીને વિશ્રામ કરે છે અને સવારે મંગળા આરતી પૂર્વે તેને ફરી મુખ્ય મંદિરે લવાય છે. આ પરંપરા મહાપ્રભુ વલ્લભાચાર્યજીની વાત્સલ્યભક્તિથી પ્રેરિત છે.’

યશોદામૈયાની આજ્ઞા લીધા બાદ મુખ્ય મંદિરમાં પહોંચતાં જ કૃષ્ણભક્તનું હૃદય સખાભાવથી છલકાઈ જાય છે. ઘૂંટણભેર ચાલતાં લાલાની મોટી-મોટી અને ચમકતી આંખોમાં બાળસહજ તોફાન દેખાય છે. મુખ પર મંદ-મંદ મુસ્કાન રેલાય છે. લાલાના મસ્તક પર મોરપંખ, કાનમાં કુંડળ અને ગળામાં વૈજયંતીમાળાનો નિત્ય નવો શ‍ૃંગાર‍‍ કરાય છે. ઋતુ અને ઉત્સવો પ્રમાણે રંગબેરંગી વાઘા પહેરાવાય છે. પુષ્ટિ સંપ્રદાય મુજબ નાના બાળકની જેમ જ લાલાને લાડ લડાવવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 02:14 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK