આટલાબધા વિકલ્પો હોય પણ મોટા ભાગના લોકો જાણતા જ ન હોય કે સ્કોપ શું છે અને એ કયા ધોરણ પછી શરૂ થાય છે તો એનો ફાયદો શું?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
સ્કૂલો અને કૉલેજોમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં યુવાનો પાસ થાય છે, પરંતુ પાસ થયા પછી આગળ શું બનવું છે કે શું કરવું છે એના વિશે ૪૦ ટકા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ્ડ હોય છે. આશ્ચર્યની વાત એ છે કે આખા ભારતમાંથી ૯૩ ટકા જેટલા સ્ટુડન્ટ્સને માત્ર સાત કરીઅર ઑપ્શન વિશે જ વધુ પડતી જાણકારી છે. જેમ કે એન્જિનિયરિંગ, આઇટી, ડિઝાઇનિંગ, લૉ, મૅનેજમેન્ટ, અકાઉન્ટ્સ અને ડૉક્ટર. એ સિવાય અઢીસો જેટલા કરીઅર વિકલ્પો વિશે તેમને ખબર જ નથી હોતી જેને કારણે સ્કિલ અને આવડત હોવા છતાં ખોટા નિર્ણયને કારણે તેઓ આગળ વધી નથી શકતા. આટલાબધા વિકલ્પો હોય પણ મોટા ભાગના લોકો જાણતા જ ન હોય કે સ્કોપ શું છે અને એ કયા ધોરણ પછી શરૂ થાય છે તો એનો ફાયદો શું?
ઘરમાં પણ પેરન્ટ્સ આસપાસનું જોઈને અને સાંભળીને અથવા સગાંસંબંધીઓના અનુભવોના આધારે તેમણે જે લાઇન લીધી હોય એવું કરવાનો આગ્રહ રાખતા હોય છે. એનાથી એ સમયે બાળકો પણ એ સમજૂતીના પ્રભાવમાં આવી નિર્ણય લઈને અભ્યાસ શરૂ કરે છે, પણ થોડા જ સમયમાં એની રુચિ ન હોવાને કારણે ભણતર અધૂરું રહે છે. ઘણા વિદ્યાર્થીઓ જવાબદારીને સમજીને મન વગર પૂરું કરી પણ લે તો આગળ જઈને જૉબ મેળવીને કામ શરૂ કરે પછી પણ એ કામ અણગમતું હોવાને કારણે તેમને સતત સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીનો અનુભવ જણાય છે જે આગળના ભવિષ્ય માટે ઘાતક છે.
માર્ગદર્શનના અભાવે લાખો સ્ટુડન્ટ્સ તેમને મનગમતી કરીઅર નથી મેળવી શકતા, જેના માટે ભારત સરકારે ખરેખર જાગવાની જરૂર છે. મારા વિચારે સ્કૂલ-કૉલેજ મૅનેજમેન્ટ અને સરકારે સાથે મળીને આ સમસ્યા વિશે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. દસમીની પરીક્ષા પછી તરત જ સ્કૂલ દ્વારા જ કરીઅર કાઉન્સેલિંગ આપીને પ્રત્યેક સ્ટુડન્ટને આગળની કરીઅર માટે જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ, કારણ કે પેરન્ટ્સને નવા જુદા-જુદા કોર્સનો અનુભવ હોતો નથી અને ભારતમાં ભણતા વિદ્યાર્થીઓમાં સૌથી મોટો આંકડો મધ્યમ અને ગરીબ વર્ગનો છે જેમને વ્યક્તિગત ધોરણે કાઉન્સેલરો જેવા ખર્ચા પરવડી શકે એમ નથી. સરકારે એજ્યુકેશન ક્ષેત્રમાં જેટલા પણ નવા સુધારાઓ કર્યા હોય એના માટે દસમી અને બારમીના સ્ટુડન્ટ્સ માટે વર્કશૉપ રાખીને વિવિધ વિકલ્પોની જાણકારી આપવી જોઈએ. નહીંતર એકસરખી લાઇનમાં લાખો સ્ટુડન્ટ્સ અથડાતા જશે અને બાકીના વિકલ્પો ખાલી રહેશે જેને કારણે દેશમાંથી બેરોજગારી અને સ્ટ્રેસનું પ્રમાણ ક્યારેય નહીં જાય.
શબ્દાંકન : ભાવિની લોડાયા