બ્લડ-કૅન્સરને કારણે મોત તરફ સરકી રહેલા ૧૫ વર્ષના ભાઈને બચાવવા ૧૧ વર્ષની બહેને હામ ભીડી, બોન મૅરો ડોનેટ કરીને ઉગારી લીધો : આવતી કાલે ભાઈબીજ છે ત્યારે ભાઈ-બહેનના બૉન્ડની હૃદયસ્પર્શી ઘટના સામે આવી
પ્રતીકાત્મક તસવીર
બ્લડ-કૅન્સરનું નામ પડે ત્યાં જ દરદી જીવવાની આશા છોડી દેતો હોય છે ત્યારે ૧૫ વર્ષના ભાઈને થયેલા બ્લડ-કૅન્સરની સારવાર કરવા માટે ૧૧ વર્ષની બહેને બોન મૅરો ડોનેટ કર્યા હતા એટલું જ નહીં, ભાઈએ પણ સખત હિંમત બતાવીને કૅન્સરને હંફાવ્યું હતું.
ફેબ્રુઆરીમાં ૧૫ વર્ષના ટીનેજરને સખત તાવ આવતો હતો અને દવા લેવા છતાં એ ઊતરતો નહોતો એટલે તેનું રૂટીન બ્લડ ચેક-અપ કરવામાં આવ્યું હતું. એમાં વાઇટ બ્લડ-સેલ્સ નિર્ધારિત માત્રા કરતાં વધુ માત્રામાં હોવાનું જણાઈ આવ્યું હતું. એથી ડૉક્ટર પણ ચિંતામાં પડી ગયા હતા. પહેલાં તેને ઍન્ટિ-બાયોટિક આપીને સાજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે એમ છતાં કોઈ ફરક ન પડતાં આખરે તેની બોન મૅરો ટેસ્ટ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
એનું જે રિઝલ્ટ આવ્યું એ ચોંકાવનારું હતું. તેના ૪૫ ટકા બોન મૅરોમાં કૅન્સરના સેલ હતા. તેને ઍક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા (ALL) એટલે કે સાદી ભાષામાં બ્લડ-કૅન્સર થયું હતું. સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના ડૉ. બાલક્રિશ્ન પાતાડેએ કહ્યું હતું કે ‘ટીનેજરોમાં બ્લડ-કૅન્સર બહુ જ ઝડપથી પ્રસરતું હોવાથી એની વહેલી તકે સારવાર કરવી પડે છે. આ પરિસ્થિતિ મેડિકલ ઇમર્જન્સી કહેવાય છે. એથી તેને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરીને કીમોથેરપી ચાલુ કરી દેવાઈ હતી. કીમોથેરપીને કારણે તેના કૅન્સરના સેલનો નાશ થયો હતો. જોકે ૩ મહિના પછી ફરી કૅન્સરે ઊથલો માર્યો હતો અને એ વધુ તીવ્રતાથી ત્રાટક્યું હતું. એથી એ પછી બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડશે એવું નક્કી થયું હતું.’
બોન મૅરો લોહીથી જોડાયેલી વ્યક્તિ જ સામાન્ય રીતે આપી શકે છે, કારણ કે એ જે દરદીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના હોય તેને જિનેટિકલી મૅચ થવા જોઈએ. આ માટે જ્યારે પરિવારના સભ્યોની ટેસ્ટ કરવામાં આવી ત્યારે ટીનેજરની નાની ૧૧ વર્ષની બહેનના બોન મૅરો પર્ફેક્ટ્લી મૅચ થયા હતા. એ વખતે જરા પણ ખચકાટ વગર ૧૧ વર્ષની તે બાળકીએ આગળ આવીને કહ્યું હતું કે મારા ભાઈને બચાવવા મારામાંથી જે જોઈતું હોય એ લઈ લો. એ પછી તરત જ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ડૉક્ટરોએ બાળકીનાં હાડકાંમાંથી સારા સેલ કાઢીને તેના ભાઈના બ્લડમાં વહેતા કર્યા હતા. એ પછી એક અઠવાડિયા બાદ એનું રિઝલ્ટ મળવાનું ચાલુ થયું હતું અને ટીનેજરમાં રેડ બ્લડ સેલમાં વધારો જોવા મળ્યો હતો. બહેનમાંથી ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા સેલે નવા બ્લડ સેલ બનાવવાનું ચાલુ કરી દીધું હતું. આમ એ બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ રહ્યું હતું. આજે ૧૪૦ દિવસ પછી તે ટીનેજર સ્વસ્થ થઈ ગયો છે. જોકે રેગ્યુલર ચેક-અપ કરાવતા રહેવું પડે છે. ડૉક્ટરોનું કહેવું છે કે તેની પ્રગતિ ખરેખર અપ્રતિમ છે અને તેની એ પ્રગતિથી બહેન પણ ખુશ છે. જોકે આ ઘટનાથી તેમના આખા પરિવારની જિંદગી બદલાઈ ગઈ હતી.

