નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડા પ્રધાનની અધ્યક્ષતામાં થઈ
દેવમોગરાધામમાં નરેન્દ્ર મોદીએ યાહામોગી પાંડોરી માતાજીનાં ચરણે ટોપલામાંથી ધાન્ય અર્પણ કર્યું હતું.
ગુજરાત આવેલા નરેન્દ્ર મોદીએ સાતપુડાની ગિરિમાળામાં આવેલા દેવમોગરાધામમાં યાહામોગી પાંડોરી માતાજીનાં દર્શન અને પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી. નરેન્દ્ર મોદીએ ટોપલામાં ધાન્ય અને શ્રીફળ ભરી લાવીને માતાજીનાં ચરણે અર્પણ કર્યું હતું.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ગઈ કાલે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
આ પહેલાં નરેન્દ્ર મોદીએ આદિવાસીઓની પરંપરાગત વિધિ મુજબ હિજારીપૂજન કરીને માતાજીને ઘરેણાં, ચાંદીની ચેઇન સહિતનો સંપૂર્ણ શણગાર અર્પણ કર્યો હતો. તેમણે માતાજીની આરતી ઉતારીને, ચૂંદડી ચડાવીને તેમ જ હાર પહેરાવીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
દેવમોગરાધામમાં આવેલા નરેન્દ્ર મોદીને પૂજારીએ ચાંલ્લો કર્યો હતો. ટ્રસ્ટીઓએ તેમને આદિવાસી પરંપરાગત પાઘડી, ચાંદીનું કડું અને કોટી પહેરાવ્યાં હતાં તેમ જ માતાજીની ચાંદીની પ્રતિકૃતિ આપી હતી.

મહિલાઓ આરતીની થાળી લઈને નરેન્દ્ર મોદીની આરતી ઉતારવા આવી હતી.
ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાયો હતો. એમાં નરેન્દ્ર મોદી પર લોકોએ સતત પુષ્પવર્ષા કરી હતી. રોડ-શો દરમ્યાન કેટલીક મહિલાઓ હાથમાં આરતીની થાળી લઈને નરેન્દ્ર મોદીની આરતી ઉતારવા આવી હતી.
નરેન્દ્ર મોદી સભામંડપમાં ખુલ્લી જીપમાં ઊભા રહીને સ્ટેજ સુધી ગયા હતા અને સૌનું અભિવાદન કર્યું હતું. તેમની સાથે જીપમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા.
ભારતનાં જુદાં-જુદાં રાજ્યોના કલાકારો દ્વારા સ્ટેજ સામે આદિવાસી સમાજનાં પરંપરાગત વાજિંત્રો લઈને તેમ જ પહેરવેશ પહેરીને નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલાકારોએ હેરતઅંગેજ કરતબ રજૂ કર્યાં હતાં અને મહિલાઓએ તલવારબાજી સહિત આદિવાસી સંસ્કૃતિની ઝલક રજૂ કરીને નરેન્દ્ર મોદી સહિતના લોકોનાં મન મોહી લીધાં હતાં. કાર્યક્રમ પૂરો થયા બાદ નરેન્દ્ર મોદીએ ઊભા થઈને તાળીઓ પાડી બધા કલાકારોને વધાવ્યા હતા.
ભગવાન બિરસા મુંડાના વંશજ સુખરામ મુંડા અને રવિ મુંડા સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ તેમને પુષ્પગુચ્છ આપીને તેમ જ શાલ ઓઢાડીને આવકાર્યા હતા અને સન્માન કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ મંચ પર મુકાયેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવવંદના કરી હતી.
આ પહેલાં સુરત જિલ્લાના અંત્રોલીમાં બની રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશનની મુલાકાત લીધી હતી.
નરેન્દ્ર મોદીએ શું કહ્યું

ગઈ કાલે ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદીએ બિરસા મુંડાની પ્રતિમાને નમન કર્યું હતું.
સ્વાતંય સંગ્રામનાં અસંખ્ય પ્રકરણો આદિવાસી ગૌરવ અને બહાદુરીથી રંગાયેલાં છે.
આપણે સ્વતંત્રતા ચળવળમાં આદિવાસી સમાજના યોગદાનને બિરદાવવાનું કામ આઝાદી પછી તરત થવું જોઈતું હતું, પણ માત્ર અમુક પરિવારોને આઝાદીનું શ્રેય આપવાના પ્રયાસ ત્યારે થયા હતા અને એવા પ્રયાસમાં આદિવાસી ભાઈ-બહેનોનાં બલિદાન, તપસ્યા અને સમર્પણને અવગણવામાં આવ્યાં હતાં.
કૉન્ગ્રેસ ૬-૬ દાયકા સુધી હાથ પર હાથ ધરીને બેઠી રહી, પણ એણે આદિવાસી સમાજના કલ્યાણ માટે કશું ન કર્યું.
અમારી સરકાર આદિવાસી સમાજના વિકાસ માટે સમર્પિત અને પ્રતિબદ્ધ છે.
નરેન્દ્ર મોદીએ આદિવાસી છોકરી પાસેથી વારલી પેઇન્ટિંગ સ્વીકાર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં એક કાર્યક્રમ દરમ્યાન સ્નેહા વસાવા નામની છોકરી પાસેથી વારલી ચિત્ર સ્વીકાર્યું હતું. તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે એને અટકાવી દીધું હતું અને પોતાનું આર્ટવર્ક લઈને ઊભી રહેલી સ્નેહા પાસેથી એ લઈ આવવા માટે સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના કર્મચારીઓને વિનંતી કરી હતી. વડા પ્રધાને તેના કાર્યની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે આ ગિફ્ટના બદલામાં તેઓ તેને પત્ર લખશે.
આર્ટવર્ક કેવી રીતે તૈયાર કર્યું એ વિશે બોલતાં સ્નેહા વસાવાએ જણાવ્યું હતું કે તેણે પરંપરાગત રંગોને બદલે ગાયનું છાણ, ગુંદર અને ચોખાના લોટના મિશ્રણનો ઉપયોગ કરીને આ પેઇન્ટિંગ અનોખી રીતે બનાવ્યું હતું. આ ટેક્નિક તે સ્થાનિક કૉલેજમાં શીખી હતી.


