પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલા બ્રાહ્મણવાડા ગામમાં ચૌધરી સમાજમાં સદીઓથી ચાલી આવતી પ્રથાને સમાજના લોકો આજે પણ અનુસરી રહ્યા છે
હાથને બાંધીને દોડી રહેલી માતાઓ.
ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે અંદાજે ૭૦૦ વર્ષ જૂની પરંપરાને આજે પણ અનુસરી રહ્યો છે ચૌધરી સમાજ : માતાની કૂખે પહેલો દીકરો અવતરે એની ગામમાં હોળીના દિવસે અનોખી વિધિ કરવામાં આવે છે અને લગભગ દોઢથી બે કિલોમીટર દોડ લગાવે છે માતાઓ : આ વર્ષે છ મમ્મીઓએ દીકરાના સ્વસ્થ જીવન માટે દોડીને વારાહી માતાજીના આશીર્વાદ લીધા, એક મમ્મી છેક અમેરિકાથી આવી
ઉત્તર ગુજરાતના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના દિવસે છ માતાઓએ તેમના પુત્રના નીરોગી જીવન માટે ખરાબપોરે ધોમધખતા તડકે ઉઘાડા પગે તથા બાંધેલા હાથે દોડ લગાવી હતી અને વારાહી માતાજીના મંદિરે પહોંચીને માતાજીના આશીર્વાદ લીધા હતા. આ આકરી દોડમાં મમ્મીઓને તેમનાં સ્વજનો, સ્નેહીજનો અને ગામલોકોએ વધાવી હતી.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલા બ્રાહ્મણવાડા ગામમાં ચૌધરી સમાજમાં સદીઓથી ચાલી આવતી પ્રથાને સમાજના લોકો આજે પણ અનુસરી રહ્યા છે. આ દોડ વિશે વાત કરતાં બ્રાહ્મણવાડાના યુવા મંડળના અગ્રણી અપૂર્વ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ખેરાલુના ચૌધરી છીએ અને વર્ષો પહેલાં ત્યાંથી અહીં આવીને વસ્યા છીએ. ગામમાં રહેતા ચૌધરી પરિવારમાં પહેલા દીકરાનો જન્મ થાય તેનો એ દીકરાની પહેલી હોળીના દિવસે જેમ કરવાનો હોય છે. પરિવારમાં દીકરાનો જન્મ થાય અને આ દીકરાની પહેલી હોળી આવે ત્યારે ઘણા ગુજરાતી પરિવારોમાં જેમ તરીકે ઓળખાતો પ્રસંગ યોજાય છે, જેમાં બાળકને આંબાના મોર સાથે સાકરનું પાણી પિવડાવવામાં આવે છે. સ્વજનો દીકરા માટે સાકરનો બનેલો હાર લઈને આવે છે અને એ પહેવરાવે છે. કપડાં અને શક્તિ મુજબ ભેટ આપે છે. હોલિકાદહન વખતે દીકરાને તેડીને પરિવારજન તેને પ્રદક્ષિણા કરાવે છે. ગામમાંથી બીજે જઈને વસેલા જ્ઞાતિજનો આ દિવસે ગામમાં આવીને જેમ કરે છે. જે માતાને પહેલો દીકરો જન્મ્યો હોય તે માતાઓ ગામમાં ગોગા મહારાજના મંદિરેથી વારાહી માતાજીના મંદિર સુધી હોળીના દિવસે દોડે છે. બપોરે લગભગ ત્રણેક વાગ્યાના અરસામાં આ માતાઓની હથેળીમાં શ્રીફળ, ત્રિશૂલ અને સવા રૂપિયો મૂકવામાં આવે છે અને હાથ બાંધી દેવામાં આવે છે. લગભગ દોઢથી બે કિલોમીટર સુધી દોડીને આ માતાઓ વારાહી માતાજીના મંદિર સુધી દોડે છે અને ત્યાં દોડ પૂરી થાય છે. આ દોડ પાછળની માન્યતા એવી છે કે માતા આ રીતે દોડે જેથી તેના દીકરાનું સ્વાસ્થ્ય સારું રહે, નીરોગી રહે અને બાળકની તંદુરસ્તી સારી રહે. આ પરંપરા છેલ્લાં ૬૦૦–૭૦૦ વર્ષોથી ચાલી આવી રહી છે. બાપદાદાના વખતથી આ પરંપરા ચાલે છે.’
ADVERTISEMENT
‘આ વખતે છ માતાઓ તેમના બાળકના નીરોગી જીવન માટે દોડી હતી જેમાં મમતા ચૌધરી, રિપલ ચૌધરી, પન્ના ચૌધરી, એકતા ચૌધરી, ડૉ. પેલવ ચૌધરીનો સમાવેશ હતો. તડકામાં માતાઓ હાથ બાંધીને દોડે એટલે સ્વાભાવિક રીતે તેમને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ગરમી હોય, ઉઘાડા પગે દોડવાનું, હાથ બાંધેલા હોય અને એમાં શ્રીફળ, ત્રિશૂલ હોય એટલે દોડવામાં જે મૂવમેન્ટ આવવી જોઈએ એ યોગ્ય રીતે આવે નહીં એ સ્વાભાવિક છે, છતાં પણ આ માતાઓ તકલીફનો સામનો કરીને દોડી હતી.
પોતાના દીકરાઓ માટે હાથ પર રૂમાલ બાંધીને આસ્થાની દોડ લગાવનાર છ માતાઓ અને તેમનાં સ્વજનો.
અમેરિકાના શિકાગોથી પોતાના દીકરાનો જેમ કરવા ગામમાં આવેલાં નિર્મલ ચૌધરીએ કહ્યું હતું કે ‘મારે ચાર વર્ષનો દીકરો છે અને તેના જેમ માટે હું ગામમાં આવી હતી. હોળીના દિવસે મારા દીકરા માટે હું પણ દોડમાં સામેલ થઈને માતાજીના મંદિર સુધી દોડી હતી અને પરંપરાને પૂરી કરી હતી. મારે દીકરા ઉપરાંત એક દીકરી છે. દોડ પૂરી કરીને માતાજીના મંદિરે મારાં બાળકોના દીર્ઘાયુ માટે અને તેઓ સ્ટ્રૉન્ગ બની રહે એવી પ્રાર્થના કરી હતી. ગામમાં ૭૦૦ વર્ષ જૂની પ્રથા છે જે વડીલો પાસેથી જાણવા મળ્યું હતું. દુનિયાના કોઈ પણ ખૂણામાં હોઈએ પણ પહેલો દીકરો આવે તો તેનો જેમ કરવા ગામમાં આવવું પડે છે. આગલા દિવસે ઘરે ૪૦થી ૪૫ કિલોની સુખડી બનાવીએ છીએ. ગામના દરેક ઘરમાં ૨૫૦ ગ્રામ સુખડી વહેંચાય છે. આ ઉપરાંત પિયર પક્ષમાં તેમ જ ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં પણ સુખડી વહેંચીએ છીએ.’
અમેરિકામાં રહેતાં હોવા છતાં પણ પરંપરાને નિભાવવા માટે ગામ આવેલાં નિર્મલ ચૌધરીએ કહ્યું હતું કે ‘હું ફાર્માસિસ્ટ તરીકે જૉબ કરું છું અને મારા હસબન્ડ બિઝનેસ કરે છે. હું પ્રથામાં માનું છું, જે પ્રથા ચાલતી આવે છે એને પૂર્ણ કરવામાં મને ખુશી મળે છે. હું માનું છું કે ભગવાન–માતાજીનું કંઈક સત હશે, નહીં તો આટલાં વર્ષોથી પ્રથા કોઈ જાળવી ન રાખે.’

