૧૦૬ પતંગની કાઇટ-ટ્રેન, કાગડો પતંગ, ટ્રાયલો બાઇટ કાઇટ, ડેલ્ટા કાઇટ સહિતની અવનવી પતંગો લઈને આવ્યા આ ક્લબના ૭ પતંગબાજો
દીપક કાપડિયા.
ગુજરાતની આગવી ઓળખસમા અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં મુંબઈની ગોલ્ડન કાઇટ કલબના પતંગબાજોએ અવનવી પતંગ ચગાવીને પતંગરસિયાઓનું મન મોહ્યું હતું. ૧૦૬ પતંગની કાઇટ ટ્રેન, કાગડો પતંગ, ટ્રાયલો બાઇટ કાઇટ, ડેલ્ટા કાઇટ સહિતની અવનવી પતંગો લઈને મુંબઈના ૭ પતંગબાજ આવ્યા હતા અને આ અનોખી પ્રકારની પતંગો ચગાવીને લોકોને મોજ કરાવી હતી. બીજી તરફ દેશવિદેશના પતંગબાજોની જાત-જાતની પતંગો ચગતી જોવાનો લહાવો માણવા સતત બીજા દિવસે પણ પતંગરસિકો અમદાવાદના રિવરફ્રન્ટ પર ઊમટ્યા હતા.
દેશ અને દુનિયાના પતંગબાજોમાં જેમનું નામ છે એવા મુંબઈના દિલીપસિંહ કાપડિયાના પુત્ર દીપક કાપડિયા પિતાના વારસાને અનુસરી રહ્યા છે. અમદાવાદમાં ૧૦૬ પતંગોની કાઇટ ટ્રેન ચગાવીને તેમણે લોકોને અચંબિત કર્યા હતા. દીપક કાપડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પતંગનો શોખ તો મને હતો જ, પરંતુ મારા પપ્પાને કારણે અમારા પરિવારના તમામ સભ્યોને પતંગનો શોખ લાગ્યો હતો. મારા પપ્પા પાસે પતંગનું ખૂબ જ નૉલેજ હતું, સમજ હતી અને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. હું મારા પપ્પાના વારસાને જાળવી રાખવા માગું છું. મુંબઈ ગોલ્ડન કાઇટ ક્લબના અમે ૭ સભ્યો અહીં આવ્યા છીએ. અમે ૧૦૬ પતંગોની કાઇટ ટ્રેન, કાગડો પતંગ, ડેલ્ટા કાઇટ, ટ્રાયલો બાઇટ કાઇટ સહિતની પંદરેક પ્રકારની પતંગ લઈને આવ્યા છીએ. અમારી ટીમના રઉફભાઈ પતંગ બનાવે છે.’
દીપક કાપડિયાએ કહ્યું હતું કે ‘મારો દીકરો ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રહે છે. તેના ઘરે પણ પતંગો મૂકી રાખી છે. અમે ૧૦૦ પતંગની ઑસ્ટ્રેલિયા કાઇટ ટ્રેન બનાવી છે. હું જ્યારે ઑસ્ટ્રેલિયા જાઉં છું ત્યારે આ પતંગ ઉડાવું છું. ત્યાં ખુલ્લી જગ્યા મળી જાય છે. અમે જ્યારે પતંગ ઉડાવીએ છીએ ત્યારે ત્યાંના નાગરિકો પણ આ પતંગ ચગતી જોવા ઊભા રહી જાય છે. જોકે અમદાવાદની ઉતરાણની વાત કંઈક અલગ જ છે. પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઊમટે છે. અવનવા પ્રકારની અમારી પતંગને ટચ કરવા લોકો ઇચ્છતા હોય છે. પતંગ મહોત્સવમાં લોકો આવતા હોવાથી અમને પણ પતંગ ઉડાડવાની મજા પડે છે.’
ADVERTISEMENT
મુંબ્રાના પતંગમેકર રઉફ શકુર ખાન
મુંબઈના પતંગબાજોની ટીમ માટે પતંગ બનાવતા મુંબ્રાના અબ્દુલ રઉફ શકુર ખાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પતંગ મહોત્સવ માટે એક મહિનાથી તૈયારીઓ ચાલતી હતી. અમે જે ૧૦૬ પતંગની કાઇટ ટ્રેન લઈને આવ્યા છીએ એમાં બે પતંગ વચ્ચે બે મીટરનું ડિસ્ટન્સ રાખીએ છીએ. આ કાઇટ ટ્રેનમાં દરેક પતંગની લંબાઈ ૨૬ ઇંચ અને ઊંચાઈ ૧૩ ઇંચની હોય છે. આ પતંગો મેટલ-પેપરમાંથી બનાવીએ છીએ. સ્પેશ્યલ પતંગ બનાવતાં ખાસ ધ્યાન રાખવું પડે છે. પતંગના ઢઢ્ઢા બનાવવા માટે બામ્બુ છોલતી વખતે આંગળીની ખાસ ચોકસાઈ રાખવી પડે છે. બામ્બુની ફાંસ આંગળીમાં ઘૂસી ન જાય એનું ધ્યાન રાખવું પડે છે.’


