શંકાના ઘેરામાં આવેલી વ્યક્તિના ઘરે ક્રાઇમ બ્રાન્ચને ત્રણ દેશી કટ્ટા અને બૉમ્બ બનાવવાની સામગ્રી મળી આવી
અમદાવાદમાં જ્યાં પાર્સલ બ્લાસ્ટ થયો એ ઘર પાસે પાર્સલના ટુકડા જોવા મળી રહ્યા છે. FSL અને પોલીસે તપાસ હાથ ધરી હતી.
અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રૉ-હાઉસમાં રહેતા બળદેવ સુખડિયાના ઘરે ગઈ કાલે આવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. બ્લાસ્ટ થયાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ-અધિકારીઓ સહિત ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)ની ટીમે તેમ જ બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDS)ની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ ઘટના પાછળ પ્રાથમિક દૃષ્ટિએ અંગત વિવાદમાં બદલો લેવાના ઇરાદે આ કૃત્ય કર્યું હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે અને પાર્સલ આપવા આવનારી વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રૉ-હાઉસમાં રહેતા અને ગુજરાત હાઈ કોર્ટમાં ક્લર્ક તરીકે કામ કરતા બળદેવ સુખડિયાને ત્યાં ગઈ કાલે ગૌરવ ગઢવી નામની વ્યક્તિ પાર્સલ લઈને આવી હતી. આ પાર્સલ ખોલતાં એમાં બ્લાસ્ટ થયો હતો, જેને કારણે પાર્સલ લઈને આવેલી વ્યક્તિ તેમ જ બળદેવ સુખડિયાને પણ ઈજા થઈ હતી. મીડિયા સાથે વાત કરતાં બળદેવ સુખડિયાએ કહ્યું હતું કે ‘મારે ત્યાં એક વ્યક્તિ પાર્સલ લઈને આવી હતી. જોકે આ પાર્સલ મેં મગાવ્યું નહોતું. દરમ્યાન આ પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે થોડી ક્ષણો માટે મને દેખાતું બંધ થઈ ગયું હતું. બ્લાસ્ટને કારણે મારા કાકાના દીકરાને તેમ જ પાર્સલ લઈને આવનારી વ્યક્તિને પણ ઈજા થઈ હતી.’
ADVERTISEMENT
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને રૂપેણના ઘરેથી ત્રણ દેશી કટ્ટા તેમ જ બૉમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી (તસવીરઃ જનક પટેલ)
બ્લાસ્ટ થયાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાર્સલ લઈને આવનાર ગૌરવ ગઢવીની અટકાયત કરીને તેની પૂછપરછ કરી હતી. આ પૂછપરછના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપેણ બારોટ નામના માણસના ઘરે તપાસ કરતાં તેના ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા તેમ જ બૉમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી. પોલીસે રૂપેણ બારોટને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.