૪૭૮મો સ્થાપનાદિવસ ઊજવાયો : દરબારગઢમાં પરંપરાગત પૂજનવિધિ યોજાઈ : રાજવી પરિવાર અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા
ભુજ શહેરની સ્થાપના માટે પહેલી ખીલી જ્યાં ખોડવામાં આવી હતી એ જગ્યાને ગઈ કાલે ફૂલોથી સજાવવામાં આવી હતી અને એનું પૂજન કરવામાં આવ્યું હતું. રાજવી પરિવારના સભ્યો સહિત ભુજના નગરજનોએ પૂજનવિધિ કરી હતી.
કચ્છના વડા મથક ભુજનો ૪૭૮મો સ્થાપનાદિન ગઈ કાલે હર્ષોલ્લાસથી ઊજવાયો હતો. દેશમાં સંભવિત રીતે ભુજ પહેલું એવું શહેર છે જેનો સ્થાપના દિવસ ખીલીપૂજન કરીને ઊજવાય છે. સ્થાપના દિવસે દરબારગઢમાં પરંપરાગત રીતે ખીલી પૂજનવિધિ કરવામાં આવી હતી અને કેક-કટિંગ પણ કરવામાં આવ્યું હતું.
ભુજના રાજવી પરિવારના સભ્યો તેમ જ નગરપાલિકાના સભ્યો સહિત સ્થાનિક નાગરિકો સ્થાપનાદિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. ભુજમાં આવેલા દરબારગઢમાં જ્યાં વર્ષો અગાઉ ખીલી ખોડીને ભુજ નગર રચવાની શરૂઆત થઈ હતી એ ખીલીની જગ્યાએ પૂજન કરીને આરતી ઉતારવામાં આવી હતી. આ જગ્યાને ફૂલોથી સજાવવામાં આવી હતી અને ઢોલના તાલે સ્થાપનાદિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભુજ નગરની સ્થાપના બાદ વર્ષોથી રાજા-રજવાડાંઓના સમયમાં રાજવી પરિવાર દ્વારા સ્થાપનાદિવસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હતી. જોકે ભુજ નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ નગરપાલિકાએ સ્થાપનાદિવસની પરંપરા જાળવી રાખી છે અને દરબારગઢમાં જે જગ્યાએ પહેલી ખીલી ખોડવામાં આવી હતી ત્યાં પૂજન-અર્ચન કરીને સ્થાપના દિવસની ઉજવણીની પરંપરા જાળવી રાખી છે.


