૧૨૦૦ કિલો પતંગની દોરી એકઠી કરી : નવતર પ્રયોગ હાથ ધરીને એમાંથી અપાયું કલાત્મક સ્વરૂપ
અમદાવાદના ઇન્દુલાલ યાજ્ઞિક પાર્કની અંદર વેસ્ટ દોરીમાંથી કૉમનવેલ્થ ગેમ્સનો લોગો બનાવવામાં આવ્યો હતો.
ઉતરાણના પર્વ બાદ અમદાવાદના રસ્તાઓ પર પડેલી ૧૨૦૦ કિલો જેટલી પતંગની દોરી એકઠી કરવામાં આવી હતી. આ દોરીમાંથી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરીને કૉમનવેલ્થ ગેમ્સનો લોગો બનાવવામાં આવ્યો હતો.
ઉતરાણના પર્વ બાદ અમદાવાદના રસ્તાઓ પર પડેલી પતંગની દોરી હટાવવાની કામગીરી થઈ હતી. મ્યુનિસિપલ કૉર્પોરેશનની સાથે શહેરની જુદી-જુદી સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહેરના ૭ ઝોનના ૪૮ વૉર્ડમાંથી પતંગની દોરીનું કલેક્શન હાથ ધરાયું હતું. આ વિશેષ ઝુંબેશમાં ૧૨૦૦ કિલો જેટલી પતંગની દોરીનો વેસ્ટ એકત્ર કરવામાં આવ્યો હતો. એકત્ર કરાયેલા આ દોરીના વેસ્ટને પર્યાવરણલક્ષી અભિગમ સાથે અપસ્કેલિંગ કરવાનો નવતર નિર્ણય લેવામાં આવ્યો હતો. એમાં અમદાવાદમાં યોજાનારી કૉમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે આ દોરીનો ઉપયોગ કરીને કૉમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦નો વેસ્ટ-ટુ-આર્ટનો લોગો બનાવ્યો હતો. પતંગની દોરી જેવા જોખમી કચરાને કલાત્મક સ્વરૂપ આપીને એને કૉમનવેલ્થ ગેમ્સના બ્રૅન્ડિંગમાં હાઇલાઇટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાકી રહેલી વધારાની દોરીનો નિકાલ વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટમાં ઈંધણ તરીકે કરવામાં આવ્યો હતો.


