અમદાવાદમાં પેટ્સ માટે ખાસ સ્મશાનગૃહ હોવાની જાણ થતાં સુરતથી ડેડ-બૉડી લાવીને કરી અંતિમવિધિ
સુરતના મિશ્રા પરિવારે તેમના પેટ ડૉગની અંતિમવિધિ અમદાવાદના ખાસ સ્મશાનગૃહમાં કરી હતી.
સુરતના મિશ્રા પરિવારે અમદાવાદમાં આવીને પોતાના વહાલસોયા શ્વાનની અંતિમવિધિ કરી હતી. અમદાવાદમાં કૂતરાઓ માટે ખાસ સ્મશાનગૃહ હોવાની જાણ થતાં પોતાના ડૉગના અંતિમ સંસ્કાર કરવા પરિવાર સુરતથી અમદાવાદ આવ્યો હતો.
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અજય મિશ્રાના ગોલ્ડન રિટ્રીવર જાતના પેટ ડૉગનું ૧૦ વર્ષ ૬ મહિને અવસાન થયું હતું. પરિવારજનોએ ઘરના સભ્ય જેવા પેટ ડૉગની અંતિમવિધિ સન્માનપૂર્વક કરવાનો નિર્ણય કર્યો હતો. અજય મિશ્રાને માહિતી મળી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કૅટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD)એ શ્વાનના અંતિમ સંસ્કાર માટે ખાસ અલગથી સ્મશાનગૃહ બનાવ્યું છે અને ત્યાં મૃત્યુ પામેલા કૂતરાઓની સન્માનપૂર્વક અંતિમવિધિ થાય છે. આ બાબત જાણીને તેઓ તેમના પેટ ડૉગની ડેડ-બૉડી લઈને સુરતથી અમદાવાદ આવ્યા હતા અને કૂતરાઓ માટેના ખાસ સ્મશાનગૃહમાં એની અંતિમવિધિ કરી હતી.
અજય મિશ્રાએ કહ્યું હતું કે ‘અમારા પરિવાર માટે ઘરના સભ્ય બની ગયેલા ડૉગીને અંતિમ વિદાય આપવી ખૂબ જ દુખદાયક બની રહી હતી. ઘરના સભ્યોએ ભારે હૃદયે એને અંતિમ વિદાય આપી હતી અને એનાં ડેડ-બૉડી લઈને અમે અમદાવાદ આવ્યા હતા. અહીં એના અંતિમ સંસ્કાર કર્યા હતા. એનાં અસ્થિઓનો કળશ પણ અમને આપવામાં આવ્યો હતો. મુશ્કેલ સમયમાં આવી સન્માનજનક વ્યવસ્થા સરાહનીય છે.’
૩૬૫ પેટ ડૉગ અને ૧૪ પેટ કૅટની થઈ અંતિમક્રિયા
CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે કહ્યું હતું કે ‘CNCD દ્વારા કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)-બેઝ્ડ પેટ ડૉગ ક્રેમેટોરિયમ છેલ્લા ૮ મહિનાથી કાર્યરત છે. અત્યાર સુધીમાં આ ખાસ સ્મશાનગૃહમાં ૩૬૫ પેટ ડૉગ અને ૧૪ પેટ કૅટની અંતિમ વિધિ કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, રાજકોટ, બાવળા, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, સાણંદ તેમ જ રાજસ્થાનના ઉદેપુરથી પણ પેટ-ઓનર્સે તેમના પેટ ડૉગની અંતિમવિધિ કરી છે.’
